You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માનસિક સ્વાસ્થ્ય : પરિવારમાં કોઈ સભ્ય માનસિક બીમારીથી પીડાય છે તે કઈ રીતે ખબર પડે?
- લેેખક, ઓમકાર કરંબેળકર
- પદ, બીબીસી સંવાદદાતા
જે રીતે શરીર ઘાયલ થાય છે એ રીતે મન પણ ઘાયલ થતું હોય છે એ વાતની ખબર મોટા ભાગના લોકોને હોતી નથી. પરિવારમાંના તમામ વયના લોકોએ શારીરિક તેમજ માનસિક બીમારી સાથે કામ પાર પાડવું પડે છે.
શાંતિબહેનની વય 55 વર્ષની છે. તેમના પરિવારમાં બધું સારી રીતે ચાલી રહ્યું છે. તેમના પતિનો પગાર સારો છે અને તેમનાં સંતાનો પણ અભ્યાસ પૂર્ણ કરીને યોગ્ય માર્ગે પ્રગતિ કરી રહ્યાં છે.
જોકે, છેલ્લા કેટલાક દિવસથી શાંતિબહેનનું ધ્યાન કામમાં લાગતું નથી. તેમને કશું જ કરવાની ઇચ્છા થતી નથી. તેમના રોજિંદા જીવનમાં સુખનો અભાવ, અપૂરતી ઊંઘ અને પેટ સાફ ન આવતું હોવા જેવી સમસ્યાઓ વધી ગઈ છે.
આ બધું તેમના પરિવારજનોના ધ્યાનમાં આવ્યું છે. કેટલાકને એવું લાગે છે કે શાંતિબહેન બધાનું ધ્યાન પોતાના ભણી આકર્ષવા માટે આવું કરી રહ્યાં છે, જ્યારે કેટલાક લોકોએ એવું પણ કહ્યું હતું કે શાંતિબહેનને 'સુખ ખૂંચી રહ્યું છે.'
કશું જણાવ્યું ન હોવા છતાં શાંતિબહેનના પતિ સમજી ગયા છે કે આ કંઈક અલગ છે. કશુંક ખરેખર અઘટિત થશે તો એ માટે પોતાને જવાબદાર ઠરાવવામાં આવશે એવું ધારીને તેમણે 'બધું ઠીક થઈ જશે,' એવું જણાવીને શાંતિબહેનને સાંત્વન આપવાનો પ્રયાસ કર્યો હતો.
પોતાની સાથે કંઈક અયોગ્ય થઈ રહ્યું છે, 'મન દુઃખી' થયું છે એ શાંતિબહેન કે તેમના પરિવારજનો સમજી શક્યા નહોતાં.
અહીં શાંતિબહેન એક કાલ્પનિક ઉદાહરણ છે, પરંતુ આ પ્રકારનાં ઉદાહરણ અનેક ઘરમાં જોવા મળે છે.
જે રીતે શરીર ઘાયલ થાય છે એ રીતે મન પણ ઘાયલ થતું હોય છે એ વાતની ખબર મોટા ભાગના લોકોને હોતી નથી. પરિવારમાંના તમામ વયના લોકોએ શારીરિક તેમજ માનસિક બીમારી સાથે કામ પાર પાડવું પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપણા દૈનિક જીવનમાં કેટલાક ઉતાર-ચઢાવ અને સારી-નરસી લાગણી મન અનુભવતું હોય છે, પરંતુ તમને કેવી સ્થિતિમાં મદદની જરૂર છે તે જાણવાની કેટલીક રીતો છે. આવો, એ વિશે માહિતી મેળવીએ.
માનસિક બીમારી સંબંધી ગેરસમજને કારણે એ વિશે વિચારવાના દરવાજા કાયમ બંધ રાખવામાં આવે છે.
આવી બાબતે વાત ન કરીએ એ જ સારું, એમ ધારીને તેના વિશેની વિચારણાને દૂર ધકેલી દેવામાં આવે છે, પરંતુ આવું વિચારતી વ્યક્તિ અથવા તેના પરિવારમાંની કોઈ વ્યક્તિની માનસિક બીમારીનો પ્રભાવ ઘટવાને બદલે, કમનસીબે, વધવા લાગે છે.
પરિવારની કોઈ વ્યક્તિને 'મનદુઃખ' થયું છે એવું કઈ રીતે જાણવું?
આપણાં બધાનાં જીવનમાં અમુક હદ સુધી તણાવ અને સમસ્યાઓ હોય છે, પરંતુ એ બધું ચોક્કસ મર્યાદાથી આગળ વધી ગયું હોય અને તેની આપણાં જીવનમાં માઠી અસર થતી હોય તો તેનું નિરાકરણ જરૂરી હોય છે.
આપણા મનની મૂંઝવણ બાબતે મનોચિકિત્સક અથવા તો કાઉન્સેલર સાથે વાત કરવામાં કશું ખોટું નથી.
ડૉક્ટરો દરેક વખતે આપણને દવા આપતા નથી. ઘણી સમસ્યાઓ પ્રારંભિક તબક્કામાં હોય ત્યારે જ કાઉન્સેલિંગ અથવા વર્તણૂંકમાં સુધારા વડે તેનું નિરાકરણ કરી શકાય છે.
માનસિક સ્વાસ્થ્યમાંના ઉતાર-ચઢાવ પર ધ્યાન આપીને સમયસર મદદ લેવામાં આવે તો સાજા થવામાં બહુ ઓછો સમય લાગતો હોય છે.
મદદ લેવાનું ટાળતા રહેવાથી મનોસ્થિતિમાં વધારે નકારાત્મક, વધારે ગંભીર ફેરફાર થઈ શકે છે. એવા સમયમાં મનોસ્થિતિ પૂર્વવત્ કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે અને તેમાં ઘણો સમય થાય એ શક્ય છે.
તેથી સમયસર ઉપચાર માટે મદદનાં દ્વાર ખખડાવવાનો વિકલ્પ સર્વોત્તમ છે. હકીકતમાં એ બહેતર માનસિક આરોગ્યની દિશામાંનું પહેલું પગલું છે.
મનોચિકિત્સક ડૉ. રાજેન્દ્ર બર્વેના જણાવ્યા મુજબ, પરિવારના કોઈ સભ્યને માનસિક સધિયારાની જરૂર છે કે કેમ, તેને કોઈ તકલીફ છે કે કેમ એ જાણવા માટે તેની દિનચર્યા પર ધ્યાન આપવું જોઈએ.
કોઈ વ્યક્તિને ઘરનાં દૈનિક કાર્યો કે ઘરનાં કામ કે સ્નાન-શૌચ વગેરે જેવી દૈનિક ક્રિયામાં અડચણ આવતી હોય કે કામનો ક્રમ ખોરવાતો હોય ત્યારે તેની નોંધ લેવી જોઈએ, એવું ડૉ. બર્વે જણાવે છે.
બીબીસી સાથે વાત કરતાં ડૉ. બર્વે કહે છે, "માત્ર આ દિનચર્ચાનું જ નહીં, તેનાથી આગળની બાબતોનું અવલોકન પણ કરવું જરૂરી છે. શું વ્યક્તિ તેની દિનચર્ચાથી ખુશ છે? તેની હિલચાલ યાંત્રિક બની ગઈ છે? તેની ભૂખ, શૌચ, ઊંઘ જેવી બાબતોમાં વિક્ષેપ સર્જાયો છે? આ બધાનું અવલોકન પણ કરવું જોઈએ."
વાતચીત કેવી રીતે કરવી?
પરિવારના કોઈ સભ્યને માનસિક તકલીફ થઈ રહી છે એવું સમજાય પછી તેને કેટલાક સવાલો પૂછવા પડે. એ સવાલો બહુ કાળજીથી અને પ્રેમપૂર્વક પૂછવા જોઈએ.
પરિવારના સભ્યની આ સમસ્યાનું કોઈ કારણ છે કે કેમ? સમસ્યા કેટલી ગંભીર છે? એ સમસ્યા કાયમી છે કે સમયાંતરે માથું ઉંચકતી રહે છે? સમસ્યા ક્યારે સર્જાય છે? આવા સવાલો વડે સમસ્યાનો કાચો અંદાજ મેળવી શકાય.
સમસ્યા સામે વ્યક્તિને સધિયારો આપવાની, તેની વેદના જાણવાની લાગણી અસલ હોવી જોઈએ. "શું ધાડ મારી છે? ઊતરી ગયેલું મોં લઈને શું બેઠા છો?" આ પ્રકારના સંવાદો એ વ્યક્તિ સાથે કરવા ન જોઈએ.
આવા સવાલોના જવાબ મોટા ભાગે નકારાત્મક જ મળે છે. "કશું નહીં. બધું ઠીક છે," એવો જવાબ મળે છે, પરંતુ એવા સમયે પરિવારજનોએ થોડી ધીરજ રાખીને સમસ્યાગ્રસ્ત વ્યક્તિ પર વધારે ધ્યાન આપવું જોઈએ.
પરિવારની કોઈ વ્યક્તિને અવસાદ, ચિંતા, ઉદાસી, ક્રોધ કે ધૃણા જેવી નકારાત્મક લાગણી વારંવાર થતી હોય, એ લાગણી સ્થાયી રહેતી હોય તો એ વિશે વિચાર કરવો જોઈએ.
આવું કશું તમારા જીવનમાં દખલકારક હોય તો તમારે તેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે નકારાત્મક વિચારોની અસર વર્તન પર પણ થતી હોય છે.
ગેરસમજને કેવી રીતે અવગણવી?
સામાન્ય રીતે કોઈ પણ માનસિક બીમારીને પાગલપન અથવા ડિપ્રેશનનું લેબલ ચિપકાવી દેવામાં આવે છે.
માનસિક રીતે બીમાર વ્યક્તિ વિચારવાયુ, અવસાદ, ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસોર્ડર (ઓસીડી) કે ડિપ્રેશન વગેરે જેવા માનસિક સમસ્યાના કોઈ તબક્કામાંથી પસાર થતી હોય એ શક્ય છે.
કાઉન્સેલર અથવા મનોચિકિત્સક પાસે સલાહ લેવા જવું એ તો પાગલપન છે, એવી ધારણામાંથી છૂટકારો મેળવવો જરૂરી છે. તમારા પરિવારના બહેતર સ્વાસ્થ્ય માટે આવી ચર્ચા સુદ્ધાં ટાળવી જરૂરી છે.
ડૉક્ટર પાસે જઈએ તો તેઓ 'શોક' આપે છે. એ માટે શોક ટ્રીટમેન્ટ એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. હકીકતમાં આ ઉપચારપદ્ધતિનું નામ ઇલેક્ટ્રો કન્ક્લુઝિવ થેરપી છે. તેને ટૂંકમાં ઈસીટી કહેવામાં આવે છે.
બધા દર્દીઓની સારવાર આ રીતે કરવામાં આવતી નથી.
જે દર્દીને શોક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ દર્દી વ્યવસ્થિત રીતે ચાલીને પોતાના ઘરે પાછા જતા હોય છે. ક્યા દર્દીને કઈ સારવાર આપવી એ ડૉક્ટરે નક્કી કરવાનું હોય છે. આ સારવારપદ્ધતિનો ઉપયોગ બધા દર્દીઓ માટે કરવામાં આવતો નથી.
આગળ શું કરવાનું?
કોઈ માનસિક તકલીફ થઈ રહી છે એવી ખબર પડે એટલે વ્યક્તિએ જાતે તેનો ઉપચાર કરવો ન જોઈએ. આપણને કે આપણા પરિવારના કોઈ સભ્યને શું થયું છે એ નક્કી કરવાની જવાબદારી કાઉન્સેલર અને મનોચિકિત્સક સોંપવી જોઈએ.
ગૂગલના સર્ચ કેસમાં માનસિક સમસ્યાનાં લક્ષણો ટાઈપ કરીને નિદાન કરવાનું તેમજ દવાઓ લેવાનું વધારે જોખમી સાબિત થઈ શકે છે.
ડૉ. રાજેન્દ્ર બર્વે કહે છે, "ગૂગલ પર જઈને દવાઓ શોધવાના પ્રયાસ ક્યારેય ન કરવા જોઈએ. ડૉક્ટર તમારી બધી વાત સાંભળ્યા પછી જ સારવાર બાબતે નિર્ણય કરશે. કઈ વ્યક્તિને કાઉન્સેલિંગ દ્વારા, કોને દવા આપીને અને કોને આ બન્ને દ્વારા સાજા કરી શકાશે તેનો નિર્ણય સમસ્યાની તમામ માહિતી મેળવ્યા પછી જ કરી શકાય. ગૂગલ પર એ શક્ય જ નથી."
પરિવાર અને સહાયક જૂથો
મનોચિકિત્સક વૈદેહી ભીડેના જણાવ્યા મુજબ, કોઈ દર્દી કે વ્યક્તિની માનસિક આરોગ્યમાં સુધારણા માટેની યાત્રામાં તેનો પરિવાર મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે.
બીબીસી સાથે વાત કરતાં વૈદેહી ભીડે કહે છે, "માનસિક આરોગ્યની સુધારણા માટે કમ્યુનિકેટર્સ, કાઉન્સેલર્સ અને ડૉક્ટરોની સલાહ લેવામાં કશું ખોટું નથી. દવા લેવાથી તેની આદત પડી જાય છે એવી ગેરસમજને દર્દીના પરિવારજનોએ દૂર કરવી જોઈએ. સારવારનો નિર્ણય કરવાનું મનોચિકિત્સક પર છોડવું. ડૉક્ટર સંબંધિત વ્યક્તિ સાથે વાત કરીને, કેટલાંક પરીક્ષણો કરીને જ નક્કી કરી શકે કે સારવાર કેવી રીતે કરવાની છે."
પરિવારના સભ્યોની જેમ સહાયક જૂથોનો ઉપયોગ પણ સારી રીતે કરવામાં આવે છે એવું જણાવતાં વૈદેહી ભીડે કહે છે, "આવા અનેક દર્દીઓએ માનસિક બીમારીને કેવી રીતે હરાવી તેનો અનુભવ સહાયક જૂથના લોકો જાણે છે. 'મને એકલા કે એકલીને જ આવી તકલીફ થઈ હોય એવું નથી,' એ સમજાયા બાદ વ્યક્તિને, પોતાનો અનુભવ શૅર કરીને અન્યોને મદદ કરવામાં આનંદ મળે છે."
શું ટાળવું?
તમને કે તમારા પરિવારમાંની કોઈ વ્યક્તિને માનસિક બીમારી હોય તો કેટલીક બાબતો ટાળવી જરૂરી છે. તેમાં સૌથી મહત્ત્વની વાત - દોષારોપણ કરવાનું ટાળવું જોઈએ.
"આપણું નસીબ જ ખરાબ છે… જન્મપત્રિકામાં આ યોગ હતો… ગયા જન્મનું પાપ છે… વંશપરંપરાગત કષ્ટોનો સામનો કરવો જ પડશે" વગેરે જેવી ચર્ચા ઘરમાં ન કરવી જોઈએ.
દર્દીના સધિયારો આપવાના પ્રયાસ કરો. દર્દીને જણાવો કે અમે તમારી સાથે જ છીએ અને તમને જે તકલીફ થાય છે એ અમે સમજીએ છીએ.
દર્દીને પોતાને તકલીફ થઈ રહી છે. એ તમને ત્રાસ આપતો નથી એ સમજવું જોઈએ. દર્દી જાણીજોઈને કશું કરતો નથી, પણ તેને થતા કષ્ટને કારણે થોડું અલગ વર્તન કરી રહ્યો છે એ પણ સમજવું જોઈએ. તેને સવાલો પૂછીને હેરાન કરવો ન જોઈએ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો