એ કાંડ, જેમાં ગુનેગારોની આંખો ફોડી ઍસિડ ભરી દેવાતું

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

1980માં બિહારના ભાગલપુરમાં આંધળા બનાવી દેવામાં આવેલા લોકોની તસવીરો જ્યારે પહેલીવાર છપાઈ ત્યારે આખો જનસમાજ ધ્રુજી ઊઠ્યો હતો. કેટલાક પોલીસકર્મીઓએ તત્કાલ ન્યાયના નામે કાયદો હાથમાં લઈને 33 અન્ડર ટ્રાયલ લોકોની આંખો ફોડીને તેમાં ઍસિડ રેડ્યું હતું. બાદમાં આ વિષય પર 'ગંગાજલ' ફિલ્મ પણ બની હતી.

જાણીતા પત્રકાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરીની આત્મકથા 'ધ કમિશનર ફૉર લોસ્ટ કૉઝ' તાજેતરમાં પ્રકાશિત થઈ છે. જેમાં તેમણે આ ઘટનાની વિગતવાર માહિતી આપી છે, જે સૌપ્રથમ અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ' દ્વારા બ્રેક કરવામાં આવી હતી.

અરુણ શૌરી યાદ કરતાં કહે છે, "નવેમ્બર 1980માં અમારા પટના સંવાદદાતા અરુણ સિંહાને ખબર પડી કે ભાગલપુરમાં પોલીસ અને જનતાએ જેલમાં બંધ કેદીઓ ઉપર ઍસિડ રેડીને તેમને અંધ કરી દીધા છે. જ્યારે તેમણે આ વિશે પૂછપરછ કરી તો પટનામાં જેલ આઈજીએ આ વિશે કોઈ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો."

ટૂંકમાં : શું હતો બિહારનો 'ગંગાજલ' કાંડ?

બિહારમાં 80ના દાયકામાં અત્યંત ક્રૂરતાપૂર્ણ ઘટનાઓનો સિલસિલો શરૂ થયો હતો.

પોલીસ અને લોકો સાથે મળીને જેલમાં બંધ ગુનેગારોમાં સોયો ભોંકીને ઍસિડ ભરી દેતા હતા.

આવી નિર્દયતા દાખવવા પાછળનું કારણ હતું રાજ્યમાં કાબૂબહાર જતી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ.

લોકોને અને પોલીસવિભાગના એક તબક્કાને પણ લાગતું હતું કે ગુના અને ગુનેગારોને કાબૂમાં રાખવાનો આ જ એક માત્ર ઉપાય છે.

કુલ 33 લોકોને આ રીતે આંખ ફોડીને ઍસિડ નાખીને અંધ બનાવી દેવાયા હતા. આમાંથી 18 લોકો હજુ પણ જીવે છે.

જેલ સુપરિન્ટેન્ડેન્ટ બચ્ચુલાલ દાસે ભાંડો ફોડ્યો

પત્રકાર અરુણ સિંહા પાછળથી ગોવાના અખબાર 'નવહિંદ ટાઇમ્સ'ના સંપાદક બન્યા હતા.

તેઓ કહે છે, "જ્યારે હું ભાગલપુર જેલના અધીક્ષક બચ્ચુલાલ દાસને મળ્યો ત્યારે તેઓ શરૂઆતમાં તો ઘણા સાવધ હતા. તેઓ અંધ કેદીઓ વિશેના મારા પ્રશ્નોના જવાબો આપતા ખચકાતા હતા. પરંતુ જ્યારે તેમણે મારા કામની અને હું ખરેખર ઇન્ડિયન એક્સપ્રેસ માટે કામ કરું છું તેની તપાસ દ્વારા ખાતરી કરી તો પછી મારી સામે એકદમ ખુલી ગયા હતા."

આ ઘટનાને 40 વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ અરુણ સિંહા હજુ સુધી બચ્ચુલાલ દાસને ભૂલ્યા નથી.

અરુણ સિંહા કહે છે, "તેઓ બાહોશ અધિકારી હતા. હું હંમેશાં તેમને ખૂબ જ આદર સાથે યાદ કરીશ. કેમકે તે દિવસે તેમણે મને જે વાતો કહી તે પરથી હું જોઈ શકતો હતો કે તે સાફ દિલના માણસ છે. "

"આવા લોકો સામાન્ય રીતે સરકારી ખાતાંમાં જોવા મળતા નથી. એટલું જ નહીં, તેઓ નિર્ભય પણ હતા. જેનું મોટું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે સરકારે તેમને સસ્પેન્ડ કર્યા અને તેમણે સરકારની સત્તા સામે બાહોશીપૂર્વક લડત આપી. "

"બાદમાં આકરા સંઘર્ષ પછી તેમને નોકરી પર પાછા લેવાયા હતા. પોતાની આખી કારકિર્દી દાવ પર લગાવીને તેમણે મને દસ્તાવેજો આપ્યા. જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આ જઘન્ય અપરાધમાં પોલીસ પણ સામેલ છે."

'ટકવા'થી આંખ ફાડીને પછી ઍસિડ રેડવામાં આવ્યું

મેં અરુણ શૌરીને પૂછ્યું કે આ કેદીઓને આંધળા કેવી રીતે કરવામાં આવ્યા હતા?

શૌરીએ જવાબ આપ્યો, "આ લોકોને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા જ્યાં પોલીસે તેમને બાંધીને જમીન પર પાડી દીધા હતા અને ઉપર ચડી બેઠા હતા. "

"કેટલાક પોલીસવાળા તેમના પગ અને હાથ પકડી રાખતા હતા. પછી કોથળા સીવવા માટેનો લાંબો સોયો 'ટકવા' તેમની આંખોમાં ભોંકી દેવામાં આવતો હતો. "

આવી ઘટનાઓમાં "એક તથાકથિત 'ડૉક્ટર સાહેબ' આવતા હતા, જેઓ ફોડી નાખેલી આંખોમાં ઍસિડ ભરી દેતા હતા જેથી તેમને દેખાતું સાવ બંધ થઈ જાય."

એક ઘટના એવી પણ ઘટી હતી કે જેમાં અંધ બનાવેલા સાત કેદીઓ એક રૂમમાં સુતા હતા. એ ઘટના અંગે વાત કરતાં શૌરી કહે છે :

"એવામાં એક ડૉક્ટર સાહેબ અંદર આવ્યા. તેમણે તે કેદીઓને ખૂબ જ મધુર અવાજમાં પૂછ્યું, તમને કાંઈ દેખાય છે કે? કેદીઓને આશા જાગી કે કદાચ ડૉક્ટરમાં માનવતા જાગી હશે અને તેમના કૃત્ય માટે પસ્તાવો થયો હશે તેથી તે અમારી મદદ કરવા આવ્યા લાગે છે."

"બે કેદીઓએ કહ્યું કે તેમને થોડું થોડું દેખાય છે. આ સાંભળીને ડૉક્ટર રૂમની બહાર નીકળી ગયા. ત્યારબાદ બંને કેદીઓને એક પછી બીજા રૂમમાં લઈ જવામાં આવ્યા. ત્યાં તેમની આંખો પરથી રૂના પૂમડાં હટાવીને ફરી એકવાર આંખો ફોડી નાખવામાં આવી અને તેમાં ઍસિડ ભરી દેવામાં આવ્યો."

આ સિલસિલો જુલાઈ 1980થી ચાલુ હતો. પોલીસ ઍસિડને 'ગંગાજલ' કહેતી હતી.

ઉમેશ યાદવ અને ભોલા ચૌધરીની આપવીતી

અંધ થયેલા એ લોકો પૈકીના ઉમેશ યાદવ આજે પણ જીવિત છે. હાલ તેમની ઉંમર 66 વર્ષની છે અને તેઓ ભાગલપુરના કુપ્પાઘાટ ગામમાં રહે છે.

ઉમેશ યાદવે બીબીસીને કહ્યું, "પોલીસ અમને પકડીને થાણે લઈ ગઈ. ત્યાં તેમણે અમારી બંને આંખોમાં જલદ ઍસિડ નાખીને અમને અંધ કરી દીધા. બાદમાં અમને ભાગલપુર સૅન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા."

"ત્યાં જેલ સુપ્રિટેન્ડેન્ટ દાસસાહેબે અમારું નિવેદન તૈયાર કરીને સુપ્રીમ કોર્ટના વકીલ હિંગોરાણી સાહેબને મોકલ્યું હતું."

"તેમના પ્રયાસો થકી પહેલા અમને દર મહિને 500 રૂપિયા પેન્શન મળતું, જે પાછળથી વધીને 750 રૂપિયા થયું. પણ ક્યારેક પેન્શન બે મહિના પછી મળે છે તો ક્યારેક ચાર મહિના પછી."

"કુલ 33 લોકો પર આ અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, જેમાંથી 18 લોકો હજુ પણ જીવિત છે."

બરારીના રહેવાસી ભોલા ચૌધરી કહે છે, "પોલીસે પહેલાં સોયા વડે અમારી આંખો ફોડી અને પછી તેમાં ઍસિડ રેડ્યું હતું. આવું અમારી સાથેના નવ લોકો સાથે કરવામાં આવ્યું હતું."

પોલીસના મતે ગુનાને કાબૂમાં લેવાનો આ સૌથી અસરકારક રસ્તો

બાદમાં જ્યારે અરુણ સિંહાએ વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે જગન્નાથ મિશ્રાના મંત્રીમંડળના ઓછામાં ઓછા એક સભ્યને ચાર મહિનાથી આ અભિયાનની જાણ હતી અને તેમણે પોલીસને આ અંગે ચેતવણી પણ આપી હતી.

પરંતું ભાગલપુરના પોલીસ અધિકારીઓએ જવાબમાં કહ્યું હતું કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો આ સૌથી અસરકારક રસ્તો છે.

જ્યારે અરુણ સિંહા ભાગલપુરના પોલીસ અધિકારીઓને મળ્યા ત્યારે તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે આ કામ પોલીસ નહીં પરંતુ ત્યાંની સામાન્ય જનતા કરી રહી છે અને 'આ કહેવાતા હત્યારાઓ, લૂંટારાઓ અને બળાત્કારીઓ માટે આંસુ સારવાની જરૂર નથી.'

અરુણ સિંહા પટના પરત ફર્યા અને રિપોર્ટ ફાઈલ કર્યો.

તેમનો અહેવાલ 22 નવેમ્બર, 1980ના 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અંકના પહેલા પાના પર પ્રકાશિત થયો હતો, જેનું શીર્ષક હતું 'આઈઝ પંકચર્ડ ટ્વાઇસ ટુ ઈન્સ્યૉર બ્લાઈન્ડનેસ'. શિર્ષકનો અર્થ થાય છે કે અંધ બનાવવા માટે બે વખત આંખો ફોડી.

પોલીસના સમર્થનમાં લોકો રસ્તા પર

અરુણ સિંહા કહે છે, "આ અહેવાલ પ્રકાશિત કરવાથી મારા માથે જીવનું જોખમ ઊભું થઈ ગયું હતું. પોલીસના સમર્થનમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને કહેતા હતા કે પોલીસ યોગ્ય કામ કરી રહી છે."

"રિપોર્ટિંગ માટે મારે નકલી દેખાવ ધારણ કરીને ભાગલપુર જવું પડતું હતું. જ્યારે પોલીસવાળા સસ્પેન્ડ થયા ત્યારે લોકો રસ્તા પર આવી ગયા હતા. સિવિલ ઍડમિનિસ્ટ્રેશનના લોકો પણ તેમની સાથે હતા. તે સમયે માહોલ બહુ વિચિત્ર થઈ ગયો હતો."

તેઓ કહે છે, "ભાગલપુરનો આખો ઍલિટ વર્ગ પોલીસની સાથે હતો. ઊંચા હોદ્દા,ઊંચી જાતિના લોકો, વકીલો, વિદ્યાર્થીઓ અને કહેવાતા પત્રકારો પણ તેમની સાથે હતા.

"તેઓએ જિલ્લા મૅજિસ્ટ્રેટની ઑફિસ સામે પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા કે આ પોલીસકર્મીઓ નિર્દોષ છે. તે સમયે આખા ભાગલપુરમાં 'પોલીસ જનતા ભાઈ-ભાઈ'ના નારા પોકાર્યા હતા."

"અમને મદદ મળી તેનું કારણ એ હતું કે પોલીસમાં બે ભાગલા પડી ગયા હતા. એક વિભાગ આ આખો મામલો થાળે પાડવાની કોશિશ કરી રહ્યો હતો, જ્યારે માનવઅધિકારો પ્રત્યે થોડો સભાન હતો એવો બીજો વિભાગ અમને પોલીસકર્મીઓના કાળાં કારનામાંના દરેક સમાચાર આપી રહ્યો હતો. પરંતુ મોટા ભાગના પોલીસકર્મીઓની લાઇન એવી હતી કે આ પાશવી કૃત્ય અમે નહીં જનતાએ આચર્યુ છે."

પોલીસની થિયરી પર સવાલો

જ્યારે આ મામલો સાર્વજનિક થયો ત્યારે મુખ્ય મંત્રી જગન્નાથ મિશ્રા અને ઈસ્ટર્ન રેન્જના ડીઆઈજીએ આ માટે જનતાને જવાબદાર ઠેરવી.

અરુણ શૌરી પૂછે છે, "જો આના માટે જનતા જવાબદાર હોય તો પછી સવાલ એ થાય છે કે લોકોને ઍસિડ ક્યાંથી મળ્યું?"

શું ભાગલપુરના લોકો હાથમાં સોયો (ટકવો) અને ઍસિડ લઈને ફરતા હતા?

શું લોકો જાણતા હતા કે ક્યાં અને ક્યારે ગુનેગારોને પકડવામાં આવશે અને તેઓ ત્યાં ઍસિડ અને સોયો લઈને તૈયાર રહેતા હતા? જો લોકોએ એમને પકડ્યા હતા તો તે વખતે ગુનેગારોએ તેમનાં હથિયારોનો ઉપયોગ કેમ ન કર્યો?

જો લોકોએ ગુનેગારોને અંધ કર્યા તો પછી પોલીસે તેમને કેમ ન પકડ્યા? શું તેઓએ સાક્ષી શોધવાનો કોઈ પ્રયાસ કર્યો?"

જેલઅધીક્ષક દાસને પાણીચું

સરકારે માત્ર એક જ કામ કર્યું અને તે હતું જેલ સુપરિન્ટેન્ડેન્ટ દાસને સસ્પેન્ડ કરવાનું.

તેના પર આરોપ મુકાયો કે જ્યારે તેઓ જેલમાં પહોંચ્યા ત્યારે તેમણે જેલના રજિસ્ટરમાં અંધ બનાવી દેવાયેલા લોકો વિશે સાચી ઍન્ટ્રી નહોતી કરી. તેમણે આ લોકોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા પણ નહોતી કરી એવો આરોપ પણ લગાવાયો.

જોકે, જેલ અધિક્ષકનો અસલી અપરાધ એ હતો કે તેમણે પત્રકાર અરુણ સિંહાને અંધ લોકોની સ્ટોરી આપી હતી.

તેમના સસ્પેન્શનના આદેશમાં લખવામાં આવ્યું હતું, "તેમણે આ અંગે વહીવટી તંત્રને જાણ કરી ન હતી અને અંધ કરવાની ઘટના અંગે અખબારોને પોતાનું સંસ્કરણ આપ્યું હતું."

જોકે, એમાં કોઈ શંકા નથી કે અખબારના માધ્યમથી લોકોને તેની જાણ થાય તે પહેલાં બિહાર પોલીસના ઉચ્ચ અધિકારીઓને તેનો ખ્યાલ આવી ગયો હતો.

અરુણ શૌરી કહે છે, "જુલાઈ 1980માં, ઈસ્ટર્ન રેન્જ ડીઆઈજી ગજેન્દ્ર નારાયણે સીઆઈડી

ડીઆઈજીને તપાસ માટે એક અનુભવી પોલીસ ઈન્સ્પેક્ટરને ભાગલપુર મોકલવાની વિનંતી કરી હતી."

"એ ઈન્સ્પેક્ટર ગજેન્દ્ર નારાયણને અહેવાલ સુપ્રત કર્યો છે કે પોલીસ યોજનાબદ્ધ રીતે શંકાસ્પદ ગુનેગારોને બળજબરીથી અંધ કરી રહી છે. "

"તે ઈન્સ્પેક્ટર પટના પરત ફર્યા અને તે જ રિપોર્ટ ડીઆઈજી (સીઆઈડી) એમ કે ઝાને સુપરત કર્યો. આ રિપોર્ટ પર કાર્યવાહી કરવાને બદલે અધિકારીઓએ ઈન્સ્પેક્ટર પર રિપોર્ટ બદલવાનું દબાણ શરૂ કર્યું."

"સૂત્રોએ અરુણ સિંહાને જણાવ્યું કે ઇન્સ્પેક્ટરને મોકલનાર ડીઆઈજીએ કહ્યું કે આ ઈન્સ્પેક્ટરને તાત્કાલિક હેડ ક્વાર્ટર પાછા બોલાવી લેવામાં આવે."

ડૉકટરોએ સારવાર કરવાની ના પાડી

જુલાઈ 1980માં, ભાગલપુર જેલમાં રહેતા 11 અંધ ટ્રાયલ કેદીઓએ ગૃહવિભાગને અરજી મોકલી અને ન્યાયની માંગ કરી. આ આવેદનપત્ર જેલના અધિક્ષક દ્વારા મોકલવામાં આવ્યું હતું.

જ્યારે આ બાબતો સાર્વજનિક થઈ ત્યારે તેમના પર કાર્યવાહી કરવાને બદલે ભાગલપુર જેલના અધિક્ષક દાસ પર આ કેદીઓને તેમની અરજી લખવામાં મદદ કરવાનો આરોપ લાગ્યો.

સપ્ટેમ્બર 1980માં, જેલના પોલીસ મહાનિરીક્ષકે ભાગલપુરની બાંકા સબ જેલનું નિરીક્ષણ કર્યા પછી અને ત્રણ અંધ કેદીઓને મળ્યા પછી, ગૃહવિભાગને તપાસ નીમવાની વિનંતી કરી પરંતુ વિભાગે કોઈ કાર્યવાહી કરી નહીં.

જ્યારે અંધ લોકોને ભાગલપુર મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યા ત્યારે ત્યાંના ડૉક્ટરોએ તેમની સારવાર કરવાની ના પાડી દીધી હતી. તેમણે આંખના નિષ્ણાતને ભાગલપુર જેલમાં નિયુક્ત કરવાની વિનંતી પણ સ્વીકારી ન હતી.

કેન્દ્ર સરકારે હાથ અધ્ધર કરી દીધા

આ સમાચાર મળતાની સાથે જ કેન્દ્રીય મંત્રી વસંત સાઠેએ કહ્યું કે 'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબાર પોલીસનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ આચાર્ય કૃપલાણીએ જાહેરસભામાં આ સમગ્ર કામગીરીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

જ્યારે આ મામલો સંસદમાં ઊઠ્યો, ત્યારે સરકારે શરૂઆતમાં એવું કહીને હાથ અધ્ધર કરવાનો પ્રયાસ કર્યો કે જે કંઈ પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારના વિષય હોવાથી આ અંગેની વિચારણા કરવાનું યોગ્ય સ્થાન સંસદ નહીં, વિધાનસભા છે.

આ સમગ્ર ઘટના પર ઊંડું દુ:ખ વ્યક્ત કરતાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે તેઓ વિશ્વાસ નથી કરી શકતાં કે આજના યુગમાં આવું થઈ શકે છે.

કેન્દ્ર સરકારે બિહાર સરકારને પટના હાઈકોર્ટ દ્વારા આ અંધ કેદીઓને કાનૂની સહાય આપવાનો ઇનકાર કરનાર જિલ્લા ન્યાયાધીશ સામે પગલાં લેવાના નિર્દેશો આપવા કહ્યું હતું.

તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે 33 અંધ લોકોને રૂપિયા 15,000ની સહાય આપવામાં આવશે જેથી તેઓ તેમાંથી મળતા વ્યાજમાંથી પોતાનો જીવનનિર્વાહ કરી શકે.

ગૃહમંત્રી જ્ઞાની ઝૈલસિંહે પીડિતોના પરિવારોને આ મામલો આગળ નહીં વધારવાની અપીલ કરી. એવું કહીને કે 'એનાથી વિદેશમાં ભારતની બદનામી થશે.'

સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું

આ મામલાની નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે આ તમામ પીડિતોની દિલ્હીની એઇમ્સ (ઑલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)માં તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો.

તેમણે એમ પણ કહ્યું હતું કે આ લોકોને થયેલા શારીરિક નુકસાનની ભરભાઈ માટે કોર્ટ કંઈ કરી શકે તેમ નથી, પરંતુ જેમણે આવું કર્યું તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ક્રૂરતાનું પુનરાવર્તન ન થાય.

અરુણ શૌરી કહે છે, "બિહાર સરકારે આ મામલે પોતે કંઈ કરી રહી છે તે બતાવવા માટે આ કામમાં સામેલ પોલીસ અધિકારીઓની ઓળખ પરેડ કરાવી અને સાવ અંધ થઈ ગયેલા લોકોને કહેવામાં આવ્યું કે તેઓ કોણે તેમને અંધ કર્યા હતા તે પોલીસ અધિકારીઓને ઓળખી કાઢે."

આ પછી તેમણે 15 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા. પરંતુ ત્રણ મહિનામાં તમામના સસ્પેન્શનનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

કેટલાક વરિષ્ઠ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જે અધિકારી ભાગલપુર શહેરના એસપી હતા તેમને રાંચીના એસપી બનાવવામાં આવ્યા હતા.

અન્ય એક વ્યક્તિ જે ભાગલપુર જિલ્લામાં એસપી હતી તેમને મુઝફ્ફરપુરમાં એસપી બનાવવામાં આવી હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઊલટાના પહેલાં કરતાં મહત્ત્વનાં સ્થળોએ બદલી કરવામાં આવી હતી.

સીઆઈડીના ડીઆઈજીને બિહાર મિલિટરી પોલીસના વડા બનાવવામાં આવ્યા હતા અને ભાગલપુરના ડીઆઈજીને વિજિલન્સના ડીઆઈજીનો મહત્ત્વપૂર્ણ પદભાર સોંપવામાં આવ્યો હતો.

જ્યારે અરુણ શૌરી બિહારના મુખ્ય મંત્રી ડૉ. જગન્નાથ મિશ્રાને દિલ્હીમાં મળ્યા ત્યારે તેમણે તેમને પૂછ્યું, "મિશ્રાજી, તમારી સરકાર કાયદો અને વ્યવસ્થાને નિયંત્રિત કરી શકી નથી. અહીં બધા કહે છે કે તમારે રાજીનામું આપવું જોઈએ."

એ વખતે મિશ્રાનો જવાબ હતો, "શૌરીસાહેબ, હું શા માટે રાજીનામું આપું? મેં નૈતિક જવાબદારી તો લઈ લીધી છેને!"

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો