અશોકસ્તંભથી લઈ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય પશુ-પંખી વિશે તમે કેટલું જાણો છો?

સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાડા છ મીટર ઊંચા સ્તંભ પર 9500 કિલોગ્રામ તાંબાના અશોકસ્તંભનું પૂજન કર્યું, જેને સંસદભવનની નવી ઇમારત પર પ્રસ્થાપિત કરવામાં આવશે.

આના પર વિવાદ થઈ ગયો. વિપક્ષ કૉંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ તથા પ્રશાંત ભૂષણ અને જવાહર સરકાર જેવા લોકોનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની સરકારમાં અશોકસ્તંભ પર 'ભવ્ય અને શાંત' સિંહોના બદલે 'વિકરાળ અને બિનજરૂરી રીતે આક્રમક' સિંહોને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સિંહોની બે તસવીરોને એકસાથે મૂકતા કહ્યું કે 'જેમ સુંદરતા જોનારની આંખોમાં હોય છે, એવી જ રીતે ગુસ્સો અને શાંતિ પણ જોનારની આંખમાં હોય છે.' માપના ગુણોત્તરમાં જોવામાં આવે તો તે બંધબેસતી પુનઃકૃતિ છે.

તા. 26 જાન્યુઆરી, 1950ના દિવસે દેશનું બંધારણ અમલમાં આવ્યું અને એ દિવસે જ સારનાથના અશોકસ્તંભ પર પ્રસ્થાપિત ચાર સિંહને રાષ્ટ્રીયચિહ્ન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

જોકે, મોદી સરકારના કાર્યકાળમાં એવું પહેલી વખત નથી બન્યું કે કોઈ રાષ્ટ્રીય ઓળખના મુદ્દે વિવાદ થયો હોય. આ પહેલાં પાસપૉર્ટ પર કમળના નિશાન મુદ્દે વિવાદ થયો હતો.

અશોકચક્ર

એક ગોળાકાર સપાટી ઉપર ચાર એશિયાઈ સિંહોની આકૃતિ છે, જોકે સામેથી જોતાં માત્ર ત્રણ સિંહ જ દેખાય છે. આથી જ આપણા રાજકીય પ્રતીકની મુદ્રાઓમાં ત્રણ સિંહ જ જોવા મળે છે.

તેની નીચે ગોળાકાર તખ્તા પર 24 આરાવાળું ચક્ર છે. તેની ઉપર સિંહ, સાંઢ, ઘોડા તથા હાથી પણ અંકિત છે. પ્રો. ફાઉચરના કહેવા પ્રમાણે, 'આ ચારેય પશુ સિદ્ધાર્થ (ગૌતમ બુદ્ધ)ના જીવન સાથે જોડાયેલા છે. સિદ્ધાર્થના જન્મસમયે વૃષભ લગ્ન હતું, તેમનાં માતાએ બૌદ્ધિસત્વરૂપે સફેદ હાથીને ગર્ભમાં પ્રવેશ કરતાં જોયા હતા.'

'સિદ્ધાર્થ તેમના ઘરનો ત્યાગ કરીને કંથક નામના ઘોડા ઉપર કપીલવસ્તુ નીકળ્યા હતા. આ સિવાય સિંહએ શાક્ય-સિંહનું પ્રતીક છે. જ્યારે તેમણે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું અને જ્યારે આ મહાન જ્ઞાનનો ઉપદેશ આપવા માટે તેમણે ધર્મચક્ર ફેરવ્યું, કહેવાય છે કે ત્યારે સિંહગર્જના થઈ હતી.'

સારનાથનો સ્તંભ વર્ષ 1905માં મળી આવ્યો હતો. મૂળ સ્તંભ કમળઆકારના પ્લૅટફૉર્મ પર છે, પરંતુ તેને ભારતના રાજકીય પ્રતીકમાં સામેલ કરવામાં નથી આવ્યો. સમ્રાટ અશોકના કાર્યકાળમાં તેનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે, જેથી તે 'અશોકસ્તંભ' તરીકે પણ ઓળખાય છે.

તેની નીચે દેવનાગરી લિપિમાં 'સત્યમેવ જયતે' લખેલું છે, જે 'મુંડક ઉપનિષદ'માંથી લેવામાં આવ્યું છે, તેનો મતલબ 'માત્ર સત્યનો જ વિજય થાઓ' એવો થાય છે.

કઈ ઇમારત ઉપર આ રાજકીય પ્રતીક મૂકી શકાય, કયા મહાનુભાવના ઘર કે વાહન પર તેનો ઉપયોગ થઈ શકે, કોના દ્વારા તેનો ઉપયોગ ન થઈ શકે, અશોકચિહ્નવાળા સિક્કા કેવા હોવા જોઈએ વગેરે, 'ધ સ્ટેટ ઍમ્બલમ ઑફ ઇન્ડિયા (પ્રોહિબિશન ઑફ ઇમ્પ્રૉપર યૂઝ) ઍક્ટ, 2005' દ્વારા નિયંત્રિત થાય છે.

રાષ્ટ્રીય પુષ્પ, પ્રાણી અને પંખી કોણ?

ડિસેમ્બર- 2019માં ભારતના નાગરિકોને આપવામાં આવતાં પાસપોર્ટ ઉપર કમળ અંકિત કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે, સુરક્ષા વધારવાના હેતુસર 'નવું ફિચર' દાખલ કરવામાં આવ્યું છે. જેના કારણે ભારે વિવાદ થયો હતો અને વિપક્ષે તેને સત્તારૂઢ ભાજપના ચૂંટણીચિહ્ન સાથે જોડ્યું હતું.

જ્યારે વિદેશ મંત્રાલયના તત્કાલીન પ્રવક્તાને આના વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે જણાવ્યું કે તે ભારતની રાષ્ટ્રીય ઓળખ છે, એટલે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં વારાફરતી અલગ-અલગ રાષ્ટ્રીય ઓળખનો ઉપયોગ કરવામાં આવશે.

આશ્ચર્યજનક રીતે આ ઘટનાના પાંચેક મહિના પહેલાં જુલાઈ-2019માં રાજ્યસભાના સંસદસભ્ય પ્રસન્ના આચાર્યે દેશના રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય પક્ષી તથા રાષ્ટ્રીય પુષ્પ વિશે સવાલ પૂછ્યો હતો. જેનો જવાબ આપતા તત્કાલીન રાજ્યકક્ષાના ગૃહમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું હતું કે મે-2011માં જાહેરનામું બહાર પાડીને વાઘને રાષ્ટ્રીય પશુ તથા મોરને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યાં હતાં.

રાષ્ટ્રગાન તથા રાષ્ટ્રગીત

કવિવર રવીન્દ્રનાથ ટાગોરના બંગાળી સર્જનનો હિંદી અનુવાદ 'જન ગન મન....'એ દેશનું રાષ્ટ્રગાન છે. તા. 24 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણસભાના વડા ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેને રાષ્ટ્રગાન તરીકે જાહેર કર્યું હતું. આ મતલબનો કોઈ ઠરાવ નહોતો કરવામાં આવ્યો, પરંતુ જાહેરાત કરવામાં આવી હતી.

કદાચ આવું એટલા માટે કરવામાં આવ્યું હતું, કારણ કે સભાના મોટાભાગના સભ્યો ઇચ્છતા હતા કે 'વંદેમાતરમ્...'ને રાષ્ટ્રગાન જાહેર કરવામાં આવે. બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા તેમની નવલકથા 'આનંદમઠ'માં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નવલકથા 1857ના વિપ્લવ પર આધારિત હતી.

જોગાનુજોગ રવીન્દ્રનાથ ટાગોરે તેની તર્જ તૈયાર કરી હતી અને 1896ના રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશનમાં પ્રથમ વખત તેનું સાર્વજનિક રીતે ગાયન કરવામાં આવ્યું હતું. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ આ શબ્દોએ ચેતના જગાવી હતી. જોકે, બંગાળના બિન-હિંદુ સમાજને 'વંદે' તથા 'માતા સાથે સરખામણી' વગેરે મુદ્દે વાંધો હતો.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું, "થોડા શાબ્દિક પરિવર્તનો સાથે 'જન ગન મન...'નો દેશના રાષ્ટ્રગાન સાથે રાજકીય તથા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપયોગ કરવામાં આવશે. સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ભૂમિકા ભજવનાર 'વંદે માતરમ્'ને 'જન ગન મન...' જેટલો જ આદર આપવામાં આવશે અને સમાન દરજ્જો મળશે." જોકે, તેને રાષ્ટ્રગીત જાહેર કરવામાં નહોતું આવ્યું.

'જન ગન મન...' તા. 27 ડિસેમ્બર, 1911ના કૉંગ્રેસ અધિવેશનના બીજા દિવસે પ્રથમ વખત તે સાર્વજનિક રીતે ગવાયું હતું. ટાગોર દ્વારા સંપાદિત 'તત્વબોધિની પત્રિકા'માં પ્રથમ વખત તેનું પ્રકાશન થયું હતું.

રાષ્ટ્રધ્વજ

ભારતનો રાષ્ટ્રધ્વજ પણ રાષ્ટ્રીય ઓળખ છે. તે ત્રણ રંગનો હોવાથી 'તિરંગા' તરીકે પણ ઓળખાય છે. જેમાં સૌથી ઉપર કેસરી અને સૌથી નીચે લીલો રંગ તથા વચ્ચે સફેદ રંગના એમ ત્રણ પટ્ટા છે. સફેદ પટ્ટાની મધ્યમાં 24 આરાવાળું 'અશોકચક્ર' છે.

તા. 22 જુલાઈ, 1947ના દિવસે દેશની બંધારણસભા દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ ધ્વજ 2 :3ના ગુણોત્તરમાં હોવો જોઈએ. તેને ફરકાવવા, કોણ ફરકાવી શકે, કેવી રીતે ઉતારવો જોઈએ વગેરે બાબતોનું નિયમન 'ફ્લૅગ કોડ 2022' દ્વારા થાય છે.

સામાન્ય રીતે અભ્યાસક્રમના પુસ્તકોમાં એવું ભણાવવામાં આવે છે કે હૉકીએ દેશની રાષ્ટ્રીય રમત છે. જોકે, 'રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ' હેઠળ માગવામાં આવેલી માહિતીમાં કેન્દ્ર સરકારે દેશની કોઈ રાષ્ટ્રીય રમત ન હોવાનું જણાવ્યું હતું. દરેક રમતને પ્રોત્સાહન મળે, તે હેતુથી આમ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ પછી સપ્ટેમ્બર-2021માં એક નાગરિક દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં હૉકીને રાષ્ટ્રીય રમત જાહેર કરતી દાદ માગવામાં આવી હતી. જોકે, અદાલતે આ અરજી કાઢી નાખી હતી.

આ સિવાય 'વડ'ને રાષ્ટ્રીયવૃક્ષ, ₹ એ રૂપિયાનું ચિહ્ન છે, જેનો વર્ષ 2010માં સ્વીકાર કરવામાં આવ્યો હતો. એક નાગરિક દ્વારા તેને ડિઝાઇન કરવામાં આવ્યો છે.

(કેન્દ્ર સરકારના સાંસ્કૃત્તિક સંસધાન અને તાલીમ વિભાગ દ્વારા દેશના રાષ્ટ્રીય ચિહ્નો વિશે પુસ્તિકાશ્રેણી પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાંથી રાષ્ટ્રીયચિહ્ન, રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય પુષ્પ વિશેની પુસ્તિકાઓમાંથી માહિતી મેળવવામાં આવી છે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો