You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : રાજકીય પક્ષો કોની મંજૂરી લઈને પ્રચાર માટે દીવાલો ચીતરી દે છે?
- લેેખક, સાગર પટેલ
- પદ, બીબીસી ગુજરાતી
અમદાવાદ શહેરને આમ તો તેના ઐતિહાસિક વારસા અને આંતરમાળખાને કારણે વર્લ્ડ હેરિટેજ સિટીનો ખિતાબ મળેલો છે. પરંતુ આજકાલ આ ઐતિહાસિક શહેર જાણે રાજકીય પક્ષોની જાહેરાતની ચિતરામણ તળે ઢંકાઈ ગયું છે.
શહેરની જાહેર ઇમારતોની દીવાલ હોય કે ખાનગી, મેટ્રો હોય કે બસ સ્ટેન્ડ બધે રાજકીય પાર્ટીની જાહેરાતો પથરાયેલી જોવા મળી રહી છે.
રસ્તાઓ અને અંડરપાસની આસપાસની દીવાલો પણ પક્ષોનાં ચિહ્નોથી જાણે ઢંકાયેલા જોવા મળી રહી છે.
માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યનાં ઘણાં શહેરો અને વિસ્તારોના આવા જ હાલ છે.
અમદાવાદ શહેરમાં દર વર્ષે નેશનલ સર્વિસ સ્કીમ(એનએસએસ)ના વિદ્યાર્થીઓ દ્વારા જાહેર દીવાલો પર સુંદર ચિત્રો દોરવાની એક સ્પર્ધા રાખવામાં આવે છે.
આ સ્પર્ધાનો હેતુ ખાલી દીવાલો પર સુંદર તસવીરો અને સામાજીક મૅસેજ આપવાનો હોય છે, છતાં તેના માટે જે-તે ઑથૉરિટીની પરવાનગી લેવાની રહેતી હોય છે.
શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી, વિપક્ષ કૉંગ્રેસ તથા આમઆદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોનાં હાલ ચૂંટણીચિહ્નો દીવાલો પર જોવાં મળી રહ્યાં છે.
નોંધનીય છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેને અનુલક્ષીને તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની તૈયારી આરંભી દીધી છે. જેના ભાગરૂપે ગુજરાતનાં શહેરો પર ઠેરઠેર રાજકીય પક્ષોની જાહેરાત છવાયેલી જોવા મળી રહી છે.
સામાન્ય જનતા પાસેથી વસૂલાત તો રાજકીય પાર્ટીઓ પાસેથી કેમ નહીં?
જ્યારે કોઈ વ્યક્તિ સંસ્થા કે કંપનીએ શહરેની કોઈ જાહેર મિલકત પર પોતાની જાહેરાતનાં પોસ્ટર કે બ્રાન્ડિંગ કરવું હોય ત્યારે તેના માટે સરકારને અથવા જે-તે વિભાગને સમય મુજબ જાહેરાત માટેની રકમ ચૂકવવાની રહેતી હોય છે. જો કોઈ પરવાનગી વગર તેઓ આવું કરે તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
પરંતુ હાલ આ રાજકીય પક્ષોએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની મિલકતો પર પોતાનાં ચિહ્નો ચીતર્યાં છે તેની પરવાનગી લીધી છે કે ફી ચૂકવણી કરી છે કે કેમ? આ અંગે બીબીસી ગુજરાતીએ અમદાવાદ મ્યુનિસિપિલ કૉર્પોરેશનના ઍસ્ટેટ વિભાગના અધિકારી મનીષ માસ્ટર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "આ અંગે નિર્ણય શહેરના અલગ અલગ ઝોન મુજબ થાય છે."
જ્યારે જાહેરાત લગાવવાની જોગવાઈ બાબતે મનીષ માસ્ટરને સવાલ કર્યો ત્યારે તેમણે આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું અને ફોન કાપી નાખ્યો હતો.
સમગ્ર મામલે બીબીસી ગુજરાતીએ ઍડ્વોકેટ કે. આર. કોષ્ટી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "કોઈપણ રાજકીય પક્ષે પણ જો જાહેર મિલકત પર પોસ્ટર કે ચિત્રો દોરવાં હોય તો જે તે હદવિસ્તારમાં આવતી ઑથૉરિટી જેમ કે કૉર્પોરેશન, સ્ટેટ ઑથૉરિટી, હાઇવે ઑથૉરિટીની મંજૂરી લેવી જરૂરી છે અને તેની ફી ચૂકવવી જરૂરી છે. જો આમ મંજૂરી લેવામાં ન આવી હોય તો આ ગેરકાયદેસર ગણી શકાય."
તેઓ આગળ કહે છે કે, "ચૂંટણીપંચે આ સમગ્ર મામલે ધ્યાન આપવું જોઈએ. "
"રાજકીય પક્ષો દ્વારા અપનાવાતી આ એક છટકબારી છે. રાજકીય પક્ષોએ જાહેરાતના ખર્ચ અંગે ચૂંટણીપંચને ખુલાસો આપવાનો રહેતો હોય છે. અત્યારે પંજાનું નિશાન, કમળ કે ઝાડુનું નિશાન લગાવી દેવાથી તે ચૂંટણીના પ્રચારના ખર્ચમાં ગણવામાં આવશે નહીં માટે આ રાજકીય પક્ષો આમ કરી રહ્યા છે. જો ખાનગી જગ્યા પર આમ પેઈન્ટિંગ કે પોસ્ટર લગાવાયાં હોય તો માલિકની પરવાનગી લેવી જરૂરી છે."
રાજકીય પક્ષોનું શું કહેવું છે?
આ સિવાય બીબીસી ગુજરાતીએ રાજકીય પક્ષોના પેઇન્ટિંગ અને પોસ્ટર અંગે પક્ષના પ્રવક્તાઓ સાથે વાતચીત કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીપ્રચારના ભાગરૂપે જાહેર જગ્યાઓ પર અને દીવાલ પર ચૂંટણીચિહ્ન લગાવ્યાં છે.
આ લગાવવા માટે પરવાનગી અથવા કોઈ ફીની ચૂંકવણી અંગે સવાલ કરતાં તેમણે જણાવ્યુ હતું કે 'આવી કોઈ ચૂકવણી અમે કરી નથી. '
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "વ્યક્તિગત રીતે હું આ પેઇન્ટિંગ કરવાની બાબત પર સંમત નથી. પરંપરાગત રીતે ભીત પર પ્રચાર કરવાનું આ માધ્યમ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી લોકોના હક છીનવી લીધા છે. માટે તેમણે હાલ કમળનાં ચિહ્નો લઈ દેખાડો કરી રહ્યો છે."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કૉંગ્રેસ શા માટે આ પ્રકારનાં ચિહ્નો ચિતરી રહી છે તેના જવાબમાં મનીષ દોશીએ જણાવ્યું હતું કે, "ભાજપ સરકારી ખર્ચે આ પેઈન્ટિંગ કરવાનું કામ કરી રહ્યું હતું માટે કૉંગ્રેસના કાર્યકરોએ પણ પંજાનાં ચિહ્નો દીવાલ પર લગાવવાનું શરૂ કર્યું હતું પરંતુ હું વ્યક્તિગત રીતે માનું છું કે જાહેર જગ્યા પર આ ચિહ્નો લગાવવાથી જે કદરૂપાપણું દેખાય છે તે વાજબી નથી."
અમદાવાદની દીવાલો પર આમ આદમી પાર્ટીએ પણ પોતાનાં રાજકીય ચિહ્ન લગાવ્યાં છે.
આ બાબતે પાર્ટી પ્રવક્તા યોગેશ જાદવાણી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "અમારુ એટલું કહેવાનું છે કે અન્ય પક્ષોની જેમ અમારા પક્ષ પાસે ખૂબ પ્રચાર કરવાના પૈસા નથી. આ કારણથી અમે અમારા નવનિયુક્ત પદાધિકારીઓને સામાન્ય બોર્ડ અને સ્પ્રે આપ્યાં છે. જેના દ્વારા કોઈને નડતરરૂપ ન થાય તે દીવાલો પર પેઇન્ટિંગ કરી રહ્યા છીએ."
કોઈની પરવાનગી લેવામાં આવી છે કે કેમ એ સવાલના જવાબમાં યોગેશભાઈએ જણાવ્યુ હતું કે, "ભાજપ યુનિવર્સિટીની દીવાલ પર પણ ચિહ્નો લગાવે છે અને શાળામાં લોકો પાસે ફોર્મ ભરાવે છે ત્યારે અમે જાહેર મિલકત પર પેઇન્ટિંગ કરીએ ત્યારે કોઈની પરવાનગી લેવાની જરૂરિયાત રહેતી નથી."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો