અમરનાથ યાત્રા : 'અચાનક વાદળો ગરજ્યાં અને નદીના પાણીનો રંગ બદલાઈ ગયો', ગુજરાતીઓએ વર્ણવી સ્થિતિ

જમ્મુ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટવાના કારણે કમસે કમ 16 લોકોનાં મૃત્યુ થયાં છે. અધિકારીઓ પ્રમાણે હજુ 40થી વધુ લોકો ગુમ છે.

હાલમાં ચાલી રહેલી અમરનાથ યાત્રામાં સેંકડો ગુજરાતીઓ પણ ત્યાં પહોંચ્યા છે.

પોતાના મિત્રો સાથે અમરનાથ યાત્રા માટે ગયેલા જામનગરના રહેવાસી ગજેન્દ્રસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમે લોકો બપોરે અઢી વાગે દર્શન કરીને નીકળી ગયા હતા. પાછા જતી વખતે બાજુમાંથી પસાર થતી નદીનું પાણી એકદમ ચોખ્ખું હતું."

"સાંજે સાડા પાંચ-છ વાગ્યાનો સમય હતો અને અચાનક વાદળો ગાજ્યાં અને ગણતરીની મિનિટોમાં જ નદીનું ચોખ્ખું પાણી ડહોળું થવા લાગ્યું. આસપાસ સેનાના જવાનો હતા."

"અમે તેમને પૂછ્યું કે આ પાણીનો રંગ અચાનક કેમ બદલાઈ ગયો? ત્યાર બાદ ખબર પડી કે ગુફા પાસે વાદળ ફાટ્યું છે."

તેમણે આગળ જણાવ્યું, "અમે લોકો નસીબદાર હતા કે બચી ગયા. હાલ અમે શ્રીનગર પહોંચી ગયા છે અને તમામ લોકો સુરક્ષિત છે."

મૂળ જામનગરના શ્રદ્ધાળુઓ દીપક વિઠલાણી અને તેમનાં પત્ની જાગૃતિ વિઠલાણી પણ વાદળ ફાટ્યું તે સમયે અમરનાથના બેઝ કૅમ્પથી થોડેક દૂર એક લંગરમાં રોકાયાં હતાં.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે વરસાદ શરૂ થતા તેઓ આગળ જઈ શક્યા ન હતા અને ત્યાં જ અટવાઈ ગયા હતા. તેમની સાથે ગુજરાત અને મધ્ય પ્રદેશના કેટલાક યાત્રાળુઓ હોવાનું અને તમામ લોકો હાલ સુરક્ષિત હોવાનું તેમણે જણાવ્યું હતું.

અહેવાલો મુજબ, આ લોકોની જેમ અન્ય સેંકડો ગુજરાતીઓ હાલ અમરનાથ અને તેની આસપાસમાં ફસાયેલા છે.

અત્યાર સુધી શું જાણવા મળ્યું ?

આઈટીબીપીના પ્રવક્તા વિવેક પાંડેએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, "સ્થાનિક પ્રશાસન પાસેથી સૂચના મળી છે કે ચાળીસેક લોકો ગુમ થયા હોઈ શકે છે. અમે લોકો સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને બચાવકાર્ય કરી રહ્યા છે."

આ રગેસા એનડીઆરએફના ડીજી અતુલ કરવાલે શુક્રવારે જણાવ્યું હતું કે, "આશા છે કે પાણીનું વહેણ ઓછું થશે પરંતુ અમે દરેક સ્થિતિ માટે તૈયાર છે."

અહેવાલો અનુસાર, 16થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને ત્રણ જેટલા લોકોને જીવતા બચાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને વ્યક્ત કર્યો શોક

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

તેમણે ટ્વીટ કર્યું છે કે, "અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના અને તેના લીધે થયેલા મૃત્યુના અહેવાલોથી દુખી છું. શોકાતુર પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનામાં માલ અને જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.

તેમણે ટ્વીટ કર્યું છે કે, "અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનાથી વ્યથિત છું. શોકાતુર પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. મનોજ સિન્હા (જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ) સાથે વાત કરીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. રાહતકાર્ય ચાલુ છે. પ્રભાવિત લોકોને શક્ય તમામ મદદ કરાઈ રહી છે."

નરેન્દ્ર મોદી સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મનોજ સિન્હા સાથે વાત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

તેમણે ટ્વીટ કર્યું કે, સ્થાનિક પ્રશાસન બચાવકાર્યમાં લાગેલું છે અને લોકોનો જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા છે.

ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના કાર્યાલય તરફથી પણ આ મામલે ટ્વીટ કરવામાં આવ્યું છે.

તેમણે ટ્વીટ કરીને આ ઘટના પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો અને એનડીઆરએફ, એસડીઆરએફ, બીએસએફ, સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને શ્રાઇન બૉર્ડ પ્રશાસન દ્વારા બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

જમ્મુ-કાશ્મીર પોલીસે આ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

આ નંબરો પર ફોન કરીને પણ માહિતી મેળવી શકાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો