You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુરપ્રીતકોર : ભગવંત માને જેમની સાથે લગ્ન કર્યાં એ કોણ છે?
- વ્યવસાયે ડૉક્ટર છે ભગવંત માનનાં પત્ની
- તેમનો પરિવાર 150 એકર જમીનમાં ખેતી ધરાવે છે
- ત્રણ બહેનોમાં સૌથી નાના, બે બહેનો વિદેશમાં સ્થાયી
- તેમના પિતા ઇન્દ્રજિત રહી ચૂક્યા છે ગામના સરપંચ
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને લગ્ન કરી લીધાં છે. 48 વર્ષીય ભગવંત માનનાં આ બીજાં લગ્ન છે.
તેમનાં પત્નીનું નામ ડૉ. ગુરપ્રીતકોર છે. લગ્ન ચંદીગઢમાં થયાં હતાં.
ગુરપ્રીતકોર કોણ છે તેને લઈને સોશિયલ મીડિયામાં લોકો ઘણી ચર્ચાઓ કરી રહ્યા છે. ખરેખર ગુરપ્રીતકોરનો પરિવાર હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના પેહોવાનગરમાં રહે છે.
ગુરપ્રીતકોર ગામના પાડોશી પલવિંદરે બીબીસી પંજાબીના સહયોગી પત્રકાર કમલ સૈનીને જણાવ્યું કે તેમના પિતાનું નામ ઇન્દ્રજીતસિંહ અને માતાનું નામ રાજકોર છે.
ગુરપ્રીતકોરના પિતાના પિતરાઈ ભાઈ ગુરિંદરજિતસિંહે બીબીસીને જણાવ્યું કે તેમનો પરિવાર ખેતી સાથે સંકલાયેલો છે, જેમાં ત્રણ ભાઈઓ પાસે અંદાજે 150 એકર જમીન છે.
તેમણે કહ્યું, "ગુરપ્રીતના પિતાએ હાલ ખેતર ખેડવા માટે આપી દીધું છે, પહેલાં તેઓ ખુદ ખેતી કરતા હતા."
પરિવારની જમીન પેહોવાના મદનપુર ગામમાં છે. વર્ષ 2007 પહેલાં ગુરપ્રીતકોરનો પરિવાર મદનપુર ગામમાં જ રહેતો હતો પરંતુ ત્યાર બાદથી તેઓ શહેરી વિસ્તારમાં રહેવા આવી ગયા.
ડૉક્ટર છે ગુરપ્રીતકોર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગામમાં પરિવારના પાડોશી પલવિંદર પ્રમાણે, આ પરિવાર મૂળ પંજાબના લુધિયાણાથી છે અને દાયકા પહેલાં ગુરપ્રીતકોરના દાદા હરિયાણાના આ જિલ્લામાં આવીને વસ્યા હતા.
ગુરપ્રીતકોર ત્રણ બહેનોમાં સૌથી નાનાં છે. તેમનાં મોટાં બહેન અમેરિકા રહે છે અને બીજાં બહેન ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયાં છે. બંને બહેનોએ સારો અભ્યાસ કર્યો છે.
ગુરપ્રીતકોર પણ વ્યવસાયે ડૉક્ટર છે. તેમણે મહર્ષિ માર્કન્ડેય ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅડિકલ સાયન્સમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. આ ઇન્સ્ટિટ્યૂટ અંબાલાથી 36 કિલોમીટર દૂર મુલાનામાં આવેલું છે. તેઓ હંમેશાં ટૉપર રહ્યાં છે.
ગુરિંદરજિતસિંહ કહે છે, "તેઓ અભ્યાસમાં ગોલ્ડ મૅડાલિસ્ટ રહ્યાં છે અને ઘણા હોશિયાર છે."
હાલમાં તેઓ પોતાના પિતા સાથે મોહાલીમાં રહે છે. ગુરિંદરજિતસિંહ પ્રમાણે પરિવારે અંદાજે એક વર્ષ પહેલાં જ મોહાલીમાં ઘર ખરીદ્યું હતું. જોકે, પરિવાર હરિયાણાના પહેવામાં પોતાના ઘરે આવતોજતો રહે છે.
ગુરપ્રીતના પિતાને રાજનીતિમાં વધારે રસ નથી. તેઓ ધાર્મિક વ્યક્તિ છે, જે મોટા ભાગનો સમય ગુરુદ્વારામાં વિતાવે છે. જોકે, તેઓ પહેલાં પોતાના ગામના સરપંચ હતા. હવે તેમના નાના ભાઈ ગામના સરપંચ છે.
ભગવંત માનનાં પ્રથમ લગ્ન
ભગવંત માને અગાઉ ઇન્દ્રપ્રીતકોર સાથે લગ્ન કર્યાં હતાં પણ વર્ષ 2015માં છૂટાછેડા થઈ ગયા હતા.
પ્રથમ લગ્નથી ભગવંત માનને બે સંતાનો છે. ભગવંત માનના પુત્રનું નામ દિલશાન અને પુત્રીનું નામ સીરત છે.
ભગવંત માનનાં આ બંને બાળકો શપથગ્રહણ સમારોહમાં પણ જોવા મળ્યાં હતાં. શપથ બાદ પોતાનાં બાળકોને જોઈને ભગવંત માન ઘણા ભાવુક થઈ ગયા હતા.
મીડિયા અહેવાલ અનુસાર, "વર્ષ 2015માં ભગવંત માન સાથે છૂટાછેડા લીધા બાદ ઇન્દ્રપ્રીતકોર બાળકો સાથે અમેરિકા જતાં રહ્યાં હતાં."
ભગવંત માન તેમનાં માતા સાથે ગામ સતોજમાં રહે છે. તેમનાં એક બહેન મનપ્રીતકોરનાં લગ્ન સતોજ પાસેના ગામમાં થયાં છે.
છૂટાછેડા અગાઉ ઇન્દ્રપ્રીતે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભગવંત માન માટે પ્રચાર પણ કર્યો હતો. વર્ષ 2014માં ભગવંત માન પહેલી વાર સંગરૂરથી લોકસભાના સાંસદ બન્યા હતા.
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સફળતા અને ભગવંત માન સીએમ બનતાં ઇન્દ્રપ્રીતે ખુશી વ્યક્ત કરી હતી અને અભિનંદન આપીને કહ્યું હતું કે તેમની સફળતાથી બધાં ખુશ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો