ઇઝરાયલ અને ઈરાનની દાયકાઓ જૂની દુશ્મનીનો અંત કેમ નથી આવતો?

    • લેેખક, સુઝાન કિયાનપોર
    • પદ, બીબીસી ન્યૂઝ, દુબઈ

રશિયાના ઊર્જાસ્રોતો પર પ્રતિબંધો લાદવાને કારણે અમેરિકા સહિત યુરોપિયન દેશોમાં મોંઘવારીએ રેકૉર્ડ સ્તરે છે. આથી, પેટ્રોલિયમ પેદાશોનાં નવાં સંશાધનોને બજારમાં લાવવાં તથા ભાવોને ઘટાડવા માટે પશ્ચિમી દેશોએ અન્ય વિકલ્પો તરફ નજર દોડાવી છે, જેમાં ઈરાન પ્રમુખ છે.

અમેરિકાએ 2015માં ઈરાન સાથે ન્યુક્લિયર ડીલ કરી હતી પણ રાષ્ટ્રપતિ જો બાઇડનના પૂરોગામી ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકા આ ડીલમાંથી ખસી ગયું હતું.

હવે, અમેરિકામાં મધ્યસ્ત્રી ચૂંટણી ગાજી રહી છે, ત્યારે બાઇડન સરકાર આ ડીલ દ્વારા મોંઘવારીને કાબૂમાં લેવા માગે છે. આ માટે સીધી જ વાર્તા હાથ ધરી છે.

બીજી બાજુ, અમેરિકાનું મિત્રરાષ્ટ્ર ઇઝરાયલ ઇચ્છે છે કે હવે પછીની ડીલમાં માત્ર ન્યુક્લિયર જ નહીં, પરંતુ ઈરાનના હથિયાર કાર્યક્રમને પણ સમાવી લેવામાં આવે, પરંતુ ઈરાન આવા કોઈ પ્રયાસનો વિરોધ કરી રહ્યું છે. બીજી બાજુ, ઇઝરાયલના રાજનેતાઓ, સંરક્ષણબળના અધિકારીઓ અને મોસાદ પણ આના વિશે એકમત નથી.

દાયકાઓથી ઇઝરાયલ ઈરાનની અંદર જાસૂસી મિશનો દ્વારા તેની અણુશક્તિને ક્ષીણ કરવામાં લાગેલું છે, પરંતુ હવે તે સરાજાહેર બહાર આવી ગયું હોય તેમ જણાય છે. ત્યારે વાચો મધ્યપૂર્વમાં બીબીસી સંવાદદાતા સુઝાન કિયાનપોરનો અહેવાલ...

હાઈવે પર હત્યાથી હાહાકાર

ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે દાયકાઓથી મતભેદો ચાલી રહ્યા છે. ઈરાન દ્વારા ઇઝરાયલને ખતમ કરી દેવાની ધમકી આપવામાં આવે છે, જેના કારણે યહુદી રાષ્ટ્ર તેને દુશ્મન તરીકે જુએ છે.

જ્યારે, ઈરાનને લાગે છે કે અમેરિકા સાથે મળીને ઇઝરાયલ તેને પ્રાદેશિકશક્તિ બનતાં અટકાવી રહ્યું છે.

વર્ષ 2020માં ઈરાનના ટોચના અણુવિજ્ઞાની મોહસિન ફખરીજાદેહ તહેરાનની બહાર હાઈવે ઉપર કાર ચલાવી રહ્યા હતા, ત્યારે ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. 2007 પછી મોહસિન ઈરાનના પાંચમા ટોચના વિજ્ઞાની હતા, જેની હત્યા કરવામાં આવી હોય.

ઈરાન દ્વારા સરાજાહેર આને માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું, એ પછી બનેલી ઘટનાઓએ નાટ્યાત્મક વળાંક લીધો છે.

ઇઝરાયલે મોહસિનની હત્યામાં તેની સંડોવણીનો સ્વીકાર કે ઇનકાર નહોતો કર્યો. ઇઝરાયલ દ્વારા કેવી રીતે વિજ્ઞાનીની હત્યા કરવામાં આવી હતી, તેનો વિસ્તૃત અહેવાલ 'ન્યૂ યૉર્ક ટાઇમ્સ' દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદના પૂર્વ વડાએ દાવો કર્યો હતો કે મોહસિન 'વર્ષોથી' તેમના નિશાન પર હતા અને ઉમેર્યું હતું કે ગુપ્તચર સંસ્થાને તેમના જ્ઞાન અંગે ચિંતા હતી.

પશ્ચિમી ગુપ્તચર સંસ્થાઓનું માનવું હતું કે ઈરાન દ્વારા પરમાણુશસ્ત્રો બનાવવા માટે ગુપ્ત ટીમ બનાવવામાં આવી હતી અને મોહસિન તેના વડા હતા.

સંક્ષિપ્તમાં: ઇઝરાયલ અને ઈરાનની દાયકાઓ જૂની દુશ્મનીમાં કેવા બદલાવો આવ્યા?

  • બાઇડન સરકાર અમેરિકાએ 2015માં ઈરાન સાથે ન્યુક્લિયર ડીલ કરી તે ડીલ દ્વારા મોંઘવારીને કાબૂમાં લેવા માગે છે
  • અમેરિકાનું મિત્રરાષ્ટ્ર ઇઝરાયલ ઇચ્છે છે કે હવે પછીની ડીલમાં માત્ર ઈરાનનો શસ્ત્ર કાર્યક્રમ પણ સમાવી લેવાય
  • એવું લાગે છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ પડછાયામાંથી બહાર આવી રહ્યું છે
  • વિયેનામાં અણુસંધિને બહાલ કરવા માટે ઈરાન તથા પશ્ચિમી દેશોની વાટાઘાટો ચાલી રહી હતી, જે હવે સ્થગિત થઈ ગઈ છે
  • ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનના હદવિસ્તારમાં હુમલા કરવામાં આવ્યા છે. જેનો બદલો લેવા માટે શિયારાષ્ટ્રે મધ્ય-પૂર્વમાં નવા મોરચા ખોલ્યા છે
  • ઇરાનના કુદ્સ ફૉર્સના વડા જનરલ ઇસ્માઇલ કાનીએ કહ્યું છે કે તેઓ વિશ્વમાં ગમે ત્યાં અમેરિકા કે ઇઝરાયલવિરોધી તત્ત્વોનું સમર્થન કરશે
  • થિંક ટૅંક રિચાર્ડ ગૉલ્ડબર્ગના કહેવા પ્રમાણે, ઇઝરાયલ ચૂપચાપ રીતે પડદા પાછળ છદ્મ યુદ્ધ દ્વારા ઈરાનની અણુક્ષમતાને નિશાન બનાવી રહ્યું છે

ઇઝરાયલ વિરુદ્ધ ઈરાન

આ ઘટનાના અમુક મહિના પછી જો બાઇડન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા.

તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ત્યજી દેવામાં આવેલી ઈરાન સાથેની અણુસંધિને ફરી પાટે ચઢાવવા માટે પ્રયાસ શરૂ કર્યા છતાં ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે ગુપ્તઅભિયાનો ચાલુ રહેવા પામ્યાં છે.

યહુદી રાષ્ટ્રે દાવો કર્યો કે તેણે ઈરાન દ્વારા ઘડવામાં આવેલાં હત્યાના કાવતરાને ખુલ્લું પાડ્યું છે ; બીજી બાજુ, ઈરાને દાવો કર્યો કે તેના ડ્રોને ઇઝરાયલની સીમામાં ઘૂસીને મિશનને અંજામ આપ્યો છે. બંને દેશોએ એકબીજાનાં કાર્ગો જહાજોને પણ નિશાન બનાવ્યાં.

એક અઠવાડિયા પહેલાં ઈરાને આરોપ મૂક્યો હતો કે તેની અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર સાઇટમાં ઘટેલી દુર્ઘટના માટે ઇઝરાયલ જવાબદાર હતું.

થોડા દિવસો પહેલાં જ ઈરાને દાવો કર્યો હતો કે ત્રણ શખ્સો સામે ખટલો ચલાવવામાં આવશે, તેઓ ઈરાનના અણુવિજ્ઞાનનીઓની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા.

દેશમાં રહસ્યમયી હત્યાઓનો સીલસીલો ચાલુ રહેવા છતાં ઈરાન દ્વારા ઇઝરાયલ પર દોષારોપણ કરવામાં નથી આવ્યું. મે મહિનામાં ઈરાન રિવૉલ્યુશનરી ગાર્ડના કર્નલ સૈયદ ખોદાઈની તેમના જ ઘરની બહાર હત્યા કરી દેવામાં આવી હતી.

આ સિવાય બે ઍરોસ્પૅસ એન્જિનિયર "મિશન દરમિયાન શહીદ" થયા હતા, જ્યારે સંરક્ષણ વિભાગના એક એન્જિનિયર "ઔદ્યોગિક દુર્ઘટનામાં શહીદ" થયા હતા.

ઈરાનમાંથી કોઈ ફૂટી ગયું ?

એવું લાગે છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ પડછાયામાંથી બહાર આવી રહ્યું છે. તેને ઍપલ ટીવી સિરીઝ 'તહેરાન'માં હોલીવૂડ-સ્ટાઇલ ટ્રિટમેન્ટ મળી છે, જેમાં મોસાદનો જાસૂસ ઈરાન રિવૉલ્યુશનરી ગાર્ડ્સમાં ટોચ સુધી પહોંચી જાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ઈરાનના સામૂહિક સંહારના હથિયાર મુદ્દે ઇઝરાયલમાં વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યૉરિટી કાઉન્સિલનું ગઠન કરવામાં આવ્યું હતું. એ સમિતિના વડા રિચાર્ડ ગૉલ્ડબર્ગના કહેવા પ્રમાણે ઈરાનની સુરક્ષાવ્યવસ્થામાં ઊંડી ફૂટ પાડ્યા વગર મોહસિન ફખરીજાદેહ જેવા વિજ્ઞાનીની હત્યા શક્ય ન બને.

તેમણે કહ્યું, "અત્યંત સુરક્ષિત ન્યુક્લિયર સાઇટ કે મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સુધી પહોંચવા માટે તંત્રમાંથી જ કોઈકનો સહકાર મળે તે તે જરૂરી બની રહે."

ઈરાન વારંવાર જણાવતું રહ્યું છે કે તેના અણુકાર્યક્રમનો ઉદ્દેશ શાંતિપૂર્ણ હેતુઓ માટેનો જ છે. 2018માં અમેરિકા આ અણુસંધિમાંથી ખસી ગયું અને ફરીથી ઈરાન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યા, એ પછીથી ઈરાને વધુ શુદ્ધ યુરેનિયમનું ઉત્પાદન શરૂ કરી દીધું છે.

એવું માનવામાં આવે છે કે એક અણુહથિયાર બનાવી શકાય, એટલું યુરેનિયમ તેણે ઉત્પાદિત કરી લીધું છે.

વિયેનામાં અણુસંધિને બહાલ કરવા માટે ઈરાન તથા પશ્ચિમી દેશોની વાટાઘાટો ચાલી રહી હતી, જે હવે સ્થગિત થઈ ગઈ છે.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 'મેદાન-એ-જંગ'

ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનના હદવિસ્તારમાં હુમલા કરવામાં આવ્યા છે. જેનો બદલો લેવા માટે શિયારાષ્ટ્રે મધ્ય-પૂર્વમાં નવા મોરચા ખોલ્યા છે.

માર્ચ મહિનામાં ઈરાન દ્વારા ઇરાકના કુર્દિસ્તાનમાં મિસાઇલહુમલા કરવામાં આવ્યા હતા, એવું માનવામાં આવે છે કે તેની સાથે ઇઝરાયલના 'વ્યૂહાત્મકહિત' સંકળાયેલા હતા.

ઈરાનસમર્થિત ઉગ્રવાદી જૂથો ઉપર ઈરાકમાં અમેરિકાના સૈન્યમથકો ઉપર રૉકેટ તથા ડ્રોનથી હુમલા કરવાના આરોપ લાગ્યા છે. આ સિવાય તેમની ઉપર અમેરિકાના પુરવઠાકાફલા પર હુમલા કરવાના આરોપ પણ લાગતા રહે છે.

જૂન મહિનાના મધ્યભાગમાં સુરક્ષાતંત્ર દ્વારા ઇઝરાયલીઓને તુર્કીની રાજધાની ઇસ્તાંબુલમાંથી ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું. તેમના પર "વાસ્તવિક અને તત્કાળ" જોખમ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યાં રહેલા ઈરાનના ઍજન્ટ ઇઝરાયલીઓને હાનિ પહોંચાડવા માગતા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

જૂન મહિનાની શરૂઆતમાં ઇઝરાયલના તત્કાલીન (હવે પૂર્વ) વડા પ્રધાન નફતાલી બૅનેટે જણાવ્યું હતું કે ઇઝરાયલ દ્વારા 'ઑક્ટોપસ ડૉક્ટ્રિન' (સિદ્ધાંત) પર અમલ શરૂ કરવામાં આવ્યો છે. જે મુજબ કોઈ ત્રીજા દેશમાં ઈરાનના હિતોને ટાર્ગેટ કરવાને બદલે શિયારાષ્ટ્રની અંદર તેના અણુ, મિસાઇલ તથા ડ્રોન કાર્યક્રમોને નિશાન બનાવવામાં આવશે. તેમણે કહ્યું, "અમે નવું સમીકરણ ઊભું કર્યું છે અને સીધા તેની સાથે જ ટકરાશું."

બીજી બાજુ, વિયેનામાં વાટાઘાટો માટે આવેલા ઈરાનના પ્રતિનિધિમંડળના મીડિયા સલાહકાર તથા તહેરાન યુનિવર્સિટીના પ્રોફેસર મોહમ્મદ મરાંડીના કહેવા પ્રમાણે, "પશ્ચિમના રાજકીય સંરક્ષણ હેઠળ નિર્દોષ નાગરિકોની હત્યાએ ઇઝરાયલ માટે નવી વાત નથી. સામાન્ય અકસ્માત કે મૃત્યુ માટે તે જવાબદાર છે એવું દેખાડીને તે પોતાની રાજકીય ક્ષમતાઓને વધારીને-ચઢાવીને રજૂ કરે છે."

તેમણે ઉમેર્યું હતું, "ઈરાન ચોક્કસથી વળતો ઘા કરશે, પરંતુ ઈરાન ધીરજ ધરીને બેઠું છે."

ઈરાનનો વળતો ઘા

ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડની વિદેશીઅભિયાનો માટેની બહુપ્રતિષ્ઠિત કુદ્સ ફૉર્સના વડા જનરલ ઇસ્માઇલ કાનીએ કહ્યું હતું કે તેઓ વિશ્વમાં ગમે ત્યાં અમેરિકા કે ઇઝરાયલવિરોધી તત્વોનું સમર્થન કરશે.

જાન્યુઆરી-2020માં જનરલ કાનીના પૂરોગામી કાસિમ સુલેમાનીની ઈરાકની રાજધાની બગદાદમાં ડ્રૉન હુમલામાં હત્યા કરી દેવામાં આવી હતી. સુલેમાની તથા અમેરિકાની વચ્ચે અનેક વખત ટકરાવ થયો હતો, પરંતુ તેઓ બચી જવા પામ્યા હતા. છેવટે અમેરિકાના તત્કાલીન સ્ટેટ સૅક્રેટરી માઇક પૉમ્પિયોની સલાહથી તેમણે મિશનને મંજૂરી આપી હતી.

ટ્રમ્પે કહ્યું હતું, "સુલેમાની વિશ્વભરમાં સૌથી મોટા આતંકવાદી હતા."

ઇઝરાયલ અને યુએઈ, ઇઝરાયલ અને બહરીન વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવામાં મદદ કરીને ટ્રમ્પતંત્રે 'અબ્રાહમ ઍકોર્ડ' (સંધિ) દ્વારા મધ્યપૂર્વમાં સત્તાના સંતુલનને બદલવાનો અને ઈરાનને અલગ-થલગ પાડવાનો પ્રયાસ કર્યો.

નામ ન આપવાની શરતે એક વરિષ્ઠ આરબ ડિપ્લૉમેટે જણાવ્યું, "ઇઝરાયલ અબ્રાહમ સંધિઓથી નફરત કરે છે." ઈરાનના પૂર્વ અધિકારીના કહેવા પ્રમાણે, આ પ્રકારના કરાર "હંગામી પ્રેમસંબંધ" જેવા છે, જે લાંબા સમય સુધી ચાલશે નહીં.

ઇઝરાયલ તથા સાઉદી અરેબિયાની જો બાઇડનની યાત્રા પૂર્વે વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઈરાન અને ઇઝરાયલના સંબંધોમાં ટકરાવ વધ્યો નથી તથા તે કમ સે કમ ચિંતાજનક હદ સુધી નથી પહોંચ્યો.

વૉશિંગ્ટનસ્થિત થિંક ટૅન્ક ફાઉન્ડેશન ફૉર ડિફેન્સ ઑફ ડૅમૉક્રેસીઝ માટે કામ કરતા રિચાર્ડ ગૉલ્ડબર્ગના કહેવા પ્રમાણે, ઇઝરાયલના ગુપ્તઅભિયાનોની હદ આવી ગઈ છે. "હવે ઇઝરાયલ દ્વારા (ઈરાનની અણુક્ષમતા) હવાઈહુમલાની જ રાહ જોવી રહી."

"ઇઝરાયલે ચૂપચાપ રીતે પડદા પાછળ છદ્મ યુદ્ધ દ્વારા ઈરાનની અણુક્ષમતાને નિશાન બનાવી રહ્યું છે, જેથી કરીને વિશ્વને 'આ સીધો સૈન્યહુમલો છે, આપણે તેને અટકાવવો રહ્યો' એમ કહેવાની વિશ્વને તક ન મળે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો