ઈરાની વૈજ્ઞાનિક મોહસિન ફખરીઝાદેહની હત્યા : જ્યારે ઇઝરાયલી PMએ કહ્યું ‘આ નામ યાદ રાખજો’

    • લેેખક, મસુમેહ તોરફેહ
    • પદ, રિસર્ચ ઍસોસિએટ, એલએસઈ ઍન્ડ સોઆસ

શુક્રવાર સુધી મોટા ભાગના ઈરાની લોકોને પોતાના દેશના પરમાણુ-વૈજ્ઞાનિક મોહસિન ફખરીઝાદેહ વિશે જાણકરી નહોતી. શુક્રવારે તેમની હત્યા કરી દેવાઈ.

જોકે, ઈરાનના પરમાણુકાર્યક્રમ પર નજર રાખનાર તેમને સારી રીતે ઓળખતા હતા. પશ્ચિમી દેશોના સુરક્ષાજાણકારો તેમને ઈરાનના પરમાણુકાર્યક્રમના મુખ્ય કર્તાધર્તા માને છે.

ઈરાની મીડિયાએ ફખરીઝાદેહના મહત્ત્વને ઘટાડીને રજૂ કરવાના પ્રયત્ન કર્યા.

ઈરાની મીડિયાએ તેમને એક વૈજ્ઞાનિક અને સંશોધક ગણાવ્યા જેઓ હાલનાં અઠવાડિયાંમાં કોવિડ-19ની ઘરેલુ ટેસ્ટ કિટ વિકસિત કરવાના કામમાં લાગેલા હતા.

ઇંગ્લૅન્ડના ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રૅટેજિક સ્ટડીઝના ઍસોસિએટ ફિટ્જપૅટ્રિક ઈરાનના પરમાણુકાર્યક્રમ પર નિકટથી નજર રાખે છે.

તેમણે ટ્વીટ કર્યું, "ઈરાનનો પરમાણુકાર્યક્રમ કોઈ એક શખ્સ પર આધારિત હોવાની સ્થિતિથી ઘણો આગળ નીકળી ચૂક્યો છે."

હત્યાનો હેતુ

જ્યારે ફખરીઝાદેહ પર હુમલો થયો, ત્યારે તેમની સાથે ઘણા અંગરક્ષક હાજર હતા.

આ વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે ઈરાન તેમની સુરક્ષાને લઈને કેટલું ચિંતિત હતું. આવી પરિસ્થિતિમાં તેમની હત્યાનું કારણ ઈરાનની પરમાણુ-પ્રવૃત્તિઓની સરખામણીએ રાજકીય વધુ માલૂમ પડે છે.

આ હત્યાના બે સંભવિત હેતુ હોઈ શકે. પ્રથમ, ઈરાન અને અમેરિકામાં નવા આવી રહેલા જો બાઇડન-પ્રશાસન વચ્ચેના સંબંધોમાં સુધારાની શક્યતા ખતમ કરી દેવી.

બીજો હેતુ, ઈરાનને વળતો પ્રહાર કરવા માટે ઉશ્કેરવું.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ આ હત્યા અંગેની પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે, "દુશ્મનોને તણાવપૂર્ણ અઠવાડિયાંનો સામનો કરવો પડી રહ્યો છે."

તેમણે કહ્યું કે, "તેમને એ વાતની ફિકર છે કે વૈશ્વિક પરિસ્થિતિઓ બદલાઈ રહી છે અને તેઓ આ વિસ્તારમાં અસ્થિરતા પેદા કરવામાં પોતાનો મોટા ભાગનો સમય આપી રહ્યા છે."

ઇઝરાયલ અને સાઉદી અરેબિયા

જ્યારે રુહાની ઈરાનના દુશ્મનોનો ઉલ્લેખ કરે છે ત્યારે તેમનો ઇશારો સ્પષ્ટપણે ટ્રમ્પ પ્રશાસન, ઇઝરાયલ અને સાઉદી અરેબિયા તરફ હોય છે.

ઇઝરાયલ અને સાઉદી અરેબિયા બંને અમેરિકામાં જો બાઇડનના રાષ્ટ્રપતિ બન્યા બાદ મધ્યપૂર્વના રાજકારણમાં થનારા ફેરફારો અને તેમની પર તેના અસરને લઈને ચિંતિત છે.

પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન બાઇડન એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ઇચ્છે છે કે ઈરાન ફરી વાર પરમાણુ-સમજૂતી સાથે જોડાઈ જાય.

બરાક ઓબામાએ વર્ષ 2015માં ઈરાન સાથે પરમાણુ-સમજૂતી કરી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પે 2018માં તે રદ કરી હતી.

ઇઝરાયલનાં મીડિયા પ્રમાણે કથિતપણે એક ગુપ્ત મિટિંગમાં ઇઝરાયલ અને સાઉદી અરેબિયા ઈરાનને લઈને પોતાની ચિંતાઓ અંગે ચર્ચા કરી હતી.

સમાચારો પ્રમાણે આ મિટિંગ ઇઝરાયલી વડા પ્રધાન બિનયામિન નેતન્યાહૂ અને સાઉદી ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન વચ્ચે નિયોમમાં પાછલા રવિવારે થઈ હતી.

રણનીતિક પગલું

સાઉદી વિદેશમંત્રી આવી કોઈ પણ બેઠક થઈ હોવાની વાતથી ઇન્કાર કરે છે.

એવું મનાઈ રહ્યું છે કે આ જ બેઠકમાં નેતન્યાહૂ સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચેનાં સંબંધો ફરીથી પહેલાં જેવા કરવા માટે ક્રાઉન પ્રિંસ સલમાનને રાજી કરવામાં પણ નાકામ રહ્યા હતા.

સોમવારે, જ્યારે યમનમાં ઈરાની સમર્થનવાળા હૂથી વિદ્રોહીઓએ જેદ્દાહમાં સાઉદી ઑઇલ કંપની આરામકોના યુનિટ પર હુમલો કર્યો ત્યારે આ ઘટનાએ ઈરાનને સાઉદી અરેબિયાની મજાક ઉડાવવાની એક તક આપી દીધી.

ઈરાનના કટ્ટરપંથી પ્રેસે હૂથી તાકાતોના "સાહસિક કુદ્સ-2 મિસાઇલ હુમલા"ની ઘણી પ્રશંસા કરી.

'મેહર ન્યૂઝ એજન્સી'એ કહ્યું કે, "આ એક રણનીતિક પગલું હતું, સાઉદી-ઇઝરાયલની મિટિંગ સમયે તેનું ટાઇમિંગ બહેતર હતું. આ હુમલાથી તેમને એ પણ ચેતવણી આપી દેવાઈ કે તેમના એક ખોટા પગલાનું શું પરિણામ આવી શકે છે."

ઈરાનનાં મુખ્ય પરમાણુ ઠેકાણાં

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર જૉન બોલ્ટને પોતાના પુસ્તક 'ધ રૂમ વૅર ઇટ હૅપેન્ડ'માં જણાવ્યું છે કે કેવી રીતે ટ્રમ્પ પ્રશાસન ઈરાનના હૂથી તાકાતોને અપાતા સમર્થનને "મધ્યપૂર્વમાં અમેરિકાના હિતો વિરુદ્ધ એક અભિયાન" તરીકે જુએ છે.

એવું મનાઈ રહ્યું છે કે નિયોમમાં થયેલી કથિત મિટિંગની વ્યવસ્થા અમેરિકન વિદેશમંત્રી માઇક પોંપિયોએ કરી હતી.

તેઓ કતાર અને યુનાઇટેડ આરબ અમીરાતના પ્રવાસે હતા અને તે દરમિયાન તેમની ચર્ચાનો મુખ્ય મુદ્દો ઈરાન જ હતો.

અમેરિકાના મીડિયા પ્રમાણે બે અઠવાડિયાં પહેલાં જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના વરિષ્ઠ સલાહકારોને પૂછ્યુ હતું કે તેમની પાસે ઈરાનનાં મુખ્ય પરમાણુ ઠેકાણાં વિરુદ્ધ સૈન્યકાર્યવાહીનો વિકલ્પ છે?

એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ સત્તા છોડતા પહેલાં ઈરાન સાથે ટક્કર થાય તેવું ઇચ્છી રહ્યા છે.

જાન્યુઆરીમાં ટ્રમ્પે ઇરાકમાં ઈરાનના ટૉપ મિલિટરી કમાંડર જનરલ કાસિમ સુલેમનાની અમેરિકાના ડ્રોન હુમલામાં કરાયેલી હત્યાની પ્રશંસા કરી હતી.

કાસિમ સુલેમાનીની હત્યા

ટ્રમ્પે કહ્યું હતું કે તેમના નિર્દેશના આધારે જ આ હુમલો થયો હતો. જોકે, બાદમાં UNના એક સ્પેશિયલ દૂતે આ હુમલાને "ગેરકાયદેસર" ગણાવ્યો હતો.

આવી પરિસ્થિતિમાં એવો તર્ક અપાતો હતો કે આ હત્યાઓનો રાષ્ટ્રપતિએ કોઈ વિરોધ નહોતો કર્યો.

બીજી તરફ, ઈરાની રાષ્ટ્રપતિએ ફખરીઝાદેહની હત્યા પાછળ ઇઝરાયલનો હાથ હોવાની વાત કરી છે.

ઘણા રિપોર્ટોમાં એવું પણ કહેવાયું છે કે ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ વિશ્વના એ ગણ્યાગાંઠ્યા નેતાઓમાં સામેલ છે જેમણે પ્રત્યક્ષપણે ફખરીઝાદેહનું નામ લીધું હતું.

વર્ષ 2018માં એક ટીવી પર પ્રસારિત કરાયેલ પ્રેઝેન્ટેશનમાં ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ ઈરાનના પરમાણુકાર્યક્રમમાં ફખરીઝાદેહની અગ્રણી ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને કહ્યું હતું કે તેઓ "આ નામને યાદ રાખે."

ઇઝરાયલની ચિંતા

જોકે, ઇઝરાયલ એ વાતને લઈને નિશ્ચિંત છે કે બાઇડન પ્રશાસનમાં પણ અમેરિકા તેની સુરક્ષાને લઈને પ્રતિબદ્ધ રહેશે, પરંતુ ઇઝરાયલ નવા વિદેશમંત્રી તરીકે નામાંકિત કરાયેલ ઍન્ટોની બ્લિંકેનને લઈને જરૂર ચિંતિત હશે.

બ્લિંકેનને ઈરાન સાથે થયેલી પરમાણુ સમજૂતીના જોરદાર સમર્થક માનવામાં આવે છે.

મધ્યપૂર્વને લઈને બ્લિંકેનના વિચારોને કારણે પેલેસ્ટાઇનના લોકોમાં આશા પેદા થઈ શકે છે.

બ્લિંકેન ઇઝરાયલમાં અમેરિકન દૂતાવાસને તેલ અવીવથી હઠાવીને જેરુસલેમ લઈ જવાના ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના ટીકાકાર રહી ચૂક્યા છે.

જોકે, બાઈડન કહી ચૂક્યા છે કે તેઓ નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં કરે.

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામનેઈએ ફખરીઝાદેહની હત્યા કરનારાઓને "નિશ્ચિતપણે દંડિત" કરવાનું આહ્વાન કર્યું છે.

સુરક્ષા અને ગુપ્તચર તંત્રની ચૂક

ઈરાનની ઍક્સપીડિએન્સી કાઉન્સિલના વડા મોહસેન રેજાઈએ આ ઘટના પાછળ સુરક્ષા અને ગુપ્તચર તંત્રની ચૂક તરફ ઇશારો કર્યો છે.

તેમણે કહ્યું, "ઈરાનના ગુપ્તચર તંત્રે ઘુસણખોરો અને વિદેશી ગુપ્તચર સેવાઓનાં સૂત્રો વિશે જાણકારી મેળવવી જોઈએ અને હત્યા કરનાર ટીમોના પ્રયત્નોને નાકામ કરવા જોઈએ."

બીજી તરફ સોશિયલ મીડિયા પર ઘણા ઈરાની એ પણ પૂછી રહ્યા છે કે પોતાના સૈન્ય અને ગુપ્તચર તંત્રની શ્રેષ્ઠતાના દાવા કરનાર ઈરાનમાં આટલી બધી સુરક્ષા હાંસલ વ્યક્તિની ધોળા દહાડે હત્યા કેવી રીતે થઈ શકે?

આ લોકોને એ વાતની પણ ચિંતા છે કે આ હત્યાને કારણે દેશમાં ધરપકડોની ફરીથી શરૂઆત થઈ જશે.

હવે જ્યારે ટ્રમ્પ પ્રશાસન જઈ રહ્યું છે અને ઇઝરાયલ અને સાઉદી અરેબિયા પાસે તેમનો મુખ્ય સહયોગી નહીં હોય, તેવી પરિસ્થિતિમાં બાઈડન પ્રશાસન પાસેથી પ્રતિબંધોમાં રાહત અને અર્થતંત્રને ફરીથી બેઠું કરવાની તક મળવાની આશા કરી રહ્યું છે.

તે અંગે કોઈ પ્રતિક્રિયા આપવી અતાર્કિક હશે.

ડૉ. મસુમેહ તોરફેહ સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ (એલએસઈ)અને સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ (સોઆસ)માં રિસર્ચ ઍસોસિએટ છે.

તેમની વિશેષજ્ઞતા ઈરાન, અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયાના રાજકારણમાં છે. તેઓ અફઘાનિસ્તાનમાં સ્ટ્ર્રૅટેજિક કૉમ્યુનિકેશન્સમાં UN ડાયરેક્ટર રહી ચૂક્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો