ઇબ્રાહીમ રઈસીના રાષ્ટ્રપતિ બનવાથી અમેરિકા સાથેના ઈરાનના સંબંધો સુધરી જશે?

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ઇબ્રાહીમ રઈસી ઈરાનના નવા રાષ્ટ્રપતિના રૂપમાં ઑગસ્ટમાં શપથ લેવાના છે.

તેમના ચૂંટાયા બાદ રાજદ્વારીઓમાં એ પૂછાઈ રહ્યું છે કે પ્રતિબંધનો સામનો કરી રહેલા ઈરાન અને અમેરિકાના સંબંધોમાં કયા પ્રકારનો બદલાવ શક્ય બનશે?

રઈસી ઈરાનના એ લોકોમાં સામેલ છે, જેમના પર અમેરિકાએ અલગથી પ્રતિબંધ લગાવી રાખ્યો છે.

અમેરિકા અને ઈરાન બંને દેશોમાં નેતૃત્વ પરિવર્તન થયું છે અને બંને એકબીજાથી સંબંધોમાં નવાં સમીકરણોની શક્યતાઓની શોધમાં લાગ્યા છે.

ઈરાનમાં થયેલા નવા ફેરફારો બાદ સંબંધોને લઈને અમેરિકાએ હજુ સુધી કોઈ ઔપચારિક ઘોષણા કરી નથી, પણ તે શું ઇચ્છે છે એ રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાનાં ચૂંટણીભાષણોમાં તો સ્પષ્ટ કરી દીધું હતું.

બાદમાં ઈરાન સાથે પરમાણુ સમજૂતી પર ફરીથી બહાલી કરવા માટે વાતચીતની શરૂઆત પણ થઈ.

પરમાણુ સંધિ વર્ષ 2015માં થઈ હતી. તેને એક વર્ષ પછી લાગુ કરાઈ હતી અને તેમાં અમેરિકા સહિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અન્ય સ્થાયી સભ્યો જેવાકે બ્રિટન, ફ્રાન્સ, ચીન, જર્મની અને રશિયા પણ સામેલ હતા.

પરંતુ વર્ષ 2018માં ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાએ ખુદને આ સંધિથી અલગ કરી દીધું હતું.

જાણકારો માને છે કે ઇબ્રાહીમ રઈસી ભલે ઈરાનના રાષ્ટ્રપતિના પદ માટે ચૂંટાયા હોય, પણ મહત્ત્વના નિર્ણયો દેશના સુપ્રીમ લીડર એટલે કે સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ જ હંમેશાંની જેમ લેશે.

'અડિયલ વલણમાં બદલાવ જરૂરી'

હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૅક સલિવને કહ્યું હતું કે અમેરિકાની વાતચીત સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ સાથે ચાલી રહી છે અને એ જ ચાલુ રહેશે.

રાજદ્વારી મામલાના વિશેષજ્ઞ પ્રોફેસર હર્ષ વી પંત બીબીસીને કહે છે, "લાંબા સમયથી પ્રતિબંધોનો સામનો કરી રહેલું ઈરાન હવે તેનાથી બહાર નીકળવા માગે છે. એટલે એવા ઘણા રાજદ્વારી મુદ્દા છે, જેને લઈને તેનું વલણ જે પહેલાં અડિયલ હતું, તેમાં બદલાવ જરૂર આવશે."

પંત અનુસાર, "નવનિયુક્ત ઇબ્રાહીમ રઈસી સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈની નજીક છે, માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં રઈસીને કોઈ પ્રકારની અડચણનો સામનો નહીં કરવો પડે. જ્યારે હસન રૂહાની અને ખામેનેઈનું રાજકારણ અલગ હતું."

જોકે વિદેશ મામલાના કેટલાક જાણકારોનું માનવું છે કે ઈરાન-અમેરિકાના સંબંધોમાં ફેરફાર ત્યારે જ શક્ય છે, જ્યારે ઈરાન તરફથી અમેરિકાને ઠોસ આશ્વાસન મળે કે તે પરમાણુ હથિયાર નહીં બનાવે અને વર્ષ 2015ની પરમાણુ સંધિ પર યથાવત્ રહેશે.

જોકે હર્ષ પંત કહે છે, "બધું અમેરિકા પર નિર્ભર રાખે છે કે તે ઈરાનને કઈ બાબતો માટે તૈયાર કરવામાં સફળતા મેળવી શકે છે. આમ તો ઈરાન પણ ઇચ્છે છે કે તેનો અન્ય દેશો સાથે થનારો વેપાર ફરીથી શરૂ થાય, કેમ કે દેશ તેના કારણે મોટા આર્થિક સંકટમાંથી લાંબા સમયથી પસાર થઈ રહ્યો છે."

શું ઈરાન સાથે અમેરિકા સંબંધ વધારશે?

એક મત એ પણ છે કે અમેરિકાએ રઈસી પર લાદેલા પ્રતિબંધો હઠાવવા પડશે, જેથી રાજદ્વારી સંબંધોમાં સારી શરૂઆત થઈ શકે.

ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય-પૂર્વની રાજનીતિમાં સાઉદી અરેબિયાને ઘણું પ્રાધાન્ય આપ્યું હતું, પણ બાઇડને સાઉદી અરેબિયાને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.

અમેરિકા અને ઈરાનના સંબંધોમાં કડવાશ આવતા સાઉદી અરેબિયાની પરેશાની પણ વધી શકે છે, કેમ કે ઈરાન અને સાઉદી અરેબિયાના સંબંધો સારા નથી રહ્યા.

વિદેશ મામલાના જાણકાર મનોજ જોશી ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીના કાર્યકાળને 'ઘણો ઢીલો' માને છે અને કહે છે કે તેનું કારણ એ પણ હોઈ શકે કે રૂહાનીના નિર્ણયોને સર્વોચ્ચ નેતાની કસોટી પર ખરા ઊતરવું પડતું હતું.

જ્યારે રઈસીની છબિ કટ્ટરપંથી નેતાની છે અને તેમને આયતુલ્લાહ અલી ખામેનેઈનું સમર્થન પણ મળેલું છે.

'સર્વોચ્ચ ધાર્મિક નેતાનો નિર્ણય અંતિમ'

જોકે તેઓ માને છે કે રઈસી હોય કે કોઈ અન્ય નરમપંથના નેતા, ઈરાનમાં સર્વોચ્ચ ધાર્મિક નેતાના નિર્ણયો જ અંતિમ હોય છે.

તેઓ કહે છે, "આમ પણ રઈસીને આયતુલ્લાહ અલી ખામેનેઈના ઉત્તરાધિકારીના રૂપમાં જોવામાં આવે છે. આથી નિર્ણયો લેવામાં જે મુશ્કેલીઓ રૂહાની સામે હતી, એ રઈસી સામે નહીં હોય. સાથે જ ઇઝરાયલમાં પણ નેતૃત્વ પરિવર્તન થયું છે તો પશ્ચિમ એશિયા અને મધ્ય-પૂર્વની રાજનીતિમાં પણ ઘણા ફેરફાર જોવા મળશે.

જ્યાં સુધી ઈરાનની વાત છે તો જોશી કહે છે, "ઇઝરાયલ અને સાઉદી અરેબિયા તેને મોટી અડચણના રૂપમાં જોતા રહ્યા છે. ઇઝરાયલ અને સાઉદી અરેબિયાએ ઈરાન અને પ્રમુખ દેશો વચ્ચે થયેલી પરમાણુ સંધિનો વિરોધ પણ કર્યો હતો. હજુ પણ બંને દેશ ઈરાન પરના પ્રતિબંધો દૂર કરવાના સમર્થનમાં નથી."

હર્ષ પંત કહે છે, "ન તો અમેરિકા અને ન તો ઈરાન- કોઈએ તેનાં પત્તાં નથી ખોલ્યાં. પણ કૂટનીતિક સ્તરે બંને દેશો વચ્ચે ગતિવિધિ ચાલી રહી છે. એ થોડા સમયમાં સ્પષ્ટ થઈ જશે કે ઈરાન મામલે અમેરિકા શું નિર્ણય કરે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો