You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લાહોરમાં હાફિઝ સઈદના ઘરને નિશાન બનાવી કરાયો વિસ્ફોટ, ત્રણનાં મૃત્યુ, 14ને ઈજા
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પોલીસના જણાવ્યા અનુસાર લાહોરમાં થયેલા એક વિસ્ફોટનું નિશાન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક અને જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદનું ઘર હતું.
લાહોરના જોહર ટાઉન વિસ્તારમાં બુધવારે થયેલા આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે 14 લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પોલીસના આઈજી ઇનામ ઘનીએ જણાવ્યું છે કે હાફિઝ સઈદના ઘર પાસે સુરક્ષા હોવાના કારણે હુમલાખોર ઘર સુધી પહોંચી નહોતા શક્યા.
પાકિસ્તાનમાં હાજર બીબીસીનાં સવાદદાતા શુમાઇલા ઝાફરીના જણાવ્યા અનુસાર આઈજી ઘનીએ મીડિયાને જાણકારી આપી, "વિસ્ફોટ હાફિઝ સઈદના ઘર પાસે થયો. ઘરની પાસે પોલીસ હોવાના લીધે હુમલાખોર ત્યાં સુધી પહોંચી નહોતા શક્યા."
આઈજીએ એવું પણ કહ્યું કે હાફિઝ સઈદના ઘરની નજીક બનેલી ચોકી પર તહેનાત પોલીસકર્મી હુમલાખોરોના નિશાન પર હતા એવું લાગે છે.
વિસ્ફોટમાં બાળકો અને મહિલાઓને પણ ઈજા પહોંચી
આ પહેલાં લાહોરના કમિશનર કૅપ્ટન (નિવૃત્ત) ઉસ્માન યુનિસે ત્રણ લોકોનાં મૃત્યુ અને 14 લોકો ઘાયલ થયા હોવાની વાતની પુષ્ટિ કરી છે.
તેમણે જણાવ્યું છે કે ઘાયલોમાં એક પોલીસકર્મી સહીત ચાર લોકોની સ્થિતિ ગંભીર છે. ઘટનાસ્થળે વિસ્ફોટકો કઈ રીતે પહોંચ્યા તેની તપાસ ચાલી રહી છે.
કમિશનર ઉસ્માન યુનિસના જણાવ્યા અનુસાર જે શેરીમાં વિસ્ફોટ થયો ત્યાં એક મોટો ખાડો પડી ગયો છે. ઘટનાસ્થળે ભારે ક્ષતિગ્રસ્ત થઈ ગયેલી એક કાર અને એક મોટરબાઇક પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ કહ્યું કે આ આત્મઘાતી હુમલો હોય એવું ઘટનાસ્થળને જોતાં નથી લાગતું.
ઘટનાસ્થળે વિસ્ફટકો કારથી લવાયા હતા કે મોટરબાઇકથી એ હજુ સુધી જાણી શકાયું ન હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ પહેલાં 'સમા ટીવી' સાથે વાત કરતા લાહોરના ડૅપ્યુટી કમિશનર મુદસિર રિયાઝે કહ્યું હતું કે વિસ્ફોટમાં બાળકો અને મહિલાઓને ઈજા પહોંચી છે.
મુખ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા
બીબીસીને એક અધિકારીએ જણાવ્યું છે કે વિસ્ફોટ જે જગ્યાએ થયો, ત્યાંના એક ઘરનો ઉપયોગ હાફિઝ સઈદ પણ કરે છે અને આ જ ઘર તરફ જનારા ચાર રસ્તામાંથી એકમાં વિસ્ફોટ થયો છે. આ ઘરે પોલીસ હંમેશાં હાજર રહે છે.
પાકિસ્તાનમાં હાફિઝ સઈદનાં તમામ ઘરો અને ઠેકાણાં સરકારી તાબા હેઠળ છે અને પોલીસ દિવસરાત તેનો પહેરો ભરે છે.
વિસ્ફોટનાં ટીવી ફૂટેજમાં જોવા મળે છે કે આસપાસનાં ઘરોને નુકસાન થયું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય મંત્રી ઉસ્માન બઝદારે આ વિસ્ફોટની તપાસના આદેશ આપ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો