Tokyo Olympics 2020 : દુનિયાના સૌથી મોટા ખેલ આયોજનમાં આ વર્ષે શું છે ખાસ?

રમતોનો મહાકુંભ એટલે કે ઑલિમ્પિક દર ચાર વર્ષે યોજાય છે. જોકે કોરોનાની મહામારીને લીધે વર્ષ 2020માં આનું આયોજન ન થઈ શક્યું. હવે એક વર્ષ મોડું જાપાનના ટોક્યોમાં આનું આયોજન થઈ રહ્યું છે.

ટોક્યો ઑલિમ્પિકનો પ્રારંભ 23 જુલાઈથી થશે અને આઠ ઑગસ્ટે તેનું સમાપન થશે.

જોકે, 'સોફ્ટબૉલ' રમત-સ્પર્ધાનો ઉદ્ઘાટન-સમારોહ બે દિવસ પહેલાં એટલે કે 21 જુલાઈએ જ ફુકુશિમામાં યોજાશે.

ઑલિમ્પિકમાં આ વખતે 33 રમતો, 339 મેડલ માટે સ્પર્ધા થશે. પ્રથમ પદક માટેની સ્પર્ધા 24 જુલાઈએ યોજાશે.

વર્ષ 2020માં કોરોના વાઇરસની મહામારીને પગલે જાપાનને આ આયોજન માટેની તૈયારીઓ અટકાવી દેવી પડી હતી અને વર્ષ 2021માં તેના આયોજન અંગે આશંકાઓનાં વાદળ ઘેરાઈ ગયાં હતાં.

જોકે, જાપાન સરકાર અને આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ તમામ મુદ્દા પર વિચાર કર્યા બાદ આના આયોજનની લીલી ઝંડી મળી ગઈ હતી.

ઑલિમ્પિક 2020 ક્યારથી શરૂ થશે?

23 જુલાઈએ ઑલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ છે. યુકેમાં છેક 1948માં યોજાયેલા ઑલિમ્પિકથી લઈને સિડની ઑલિમ્પિક સુધી મશાલરેલીની પરંપરા રહી છે.

દર વખતે આ રેલી એક ખાસ બાબત રહેતી હોય છે, આ વખતની રેલીનો કૉન્સેપ્ટ છે - આશારૂપી પ્રકાશ આપણો પથ પ્રકાશિત કરે.

મશાલ છેલ્લે સ્ટેડિયમ પહોંચશે, એ સુધી તેને 10 હજાર મશાલવાહકો હાથમાં લઈને રેલી કરી ચૂક્યા હશે. એક મશાલધારક સરેરાશ 200 મીટરનું અંતર કાપશે.

#HopeLightsOurWay હૅશટૅગ ઑલિમ્પિકના સોશિયલ મીડિયા મંચ પર ચાહકો મશાલ રેલીમાં જોડાઈ શકશે અને તેને નિહાળી પણ શકશે.

ઑલિમ્પિક 2020માં કેટલી રમતો અને ઇવેન્ટ યોજાશે?

તેમાં પ્રથમ ઇવેન્ટ શૂટિંગ છે, જેમાં કુલ 42 સ્થળે 339 ઇવેન્ટ્સ યોજાશે. 24મી જુલાઈએ મહિલાઓની 10 મીટર ઍરરાઇફલ શૂટિંગ સ્પર્ધા સાથે તેનો પ્રારંભ થશે.

આ વખતે નીનો સાલુક્વાદ્ઝે નવમી વખત ઑલિમ્પિકમાં ભાગ લેવાનાં છે. જે એક ઇતિહાસ સર્જશે. આવું કરનારાં તેઓ પ્રથમ મહિલા ઑલિમ્પિયન બનશે.

ઑલિમ્પિકમાં ફૂટબૉલ, સ્વિમિંગ, તીરંદાજી, બાસ્કેટ બૉલ, દોડ, કૂદ, બૉક્સિંગ, કુસ્તી, સાઇક્લિંગ, ઍથ્લેટિક્સ, બૅડમિન્ટન, ગોલ્ફ, હૉકી, જૂડો, નિશાનેબાજી, ટેબલ-ટેનિસ, ટેનિસ, જિમ્નાસ્ટિક, વૉલીબૉલ, વૅઇટલિફ્ટિંગ, સર્ફિંગ સહિતની કુલ 33 રમતો માટે સ્પર્ધા યોજાશે.

આ વખતે આ ઑલિમ્પિક 23 જુલાઈથી 8 ઑગસ્ટ, 2021 દરમિયાન યોજાશે. જ્યારે પૅરાલિમ્પિક ગૅમ્સ 24 ઑગસ્ટથી 5 સપ્ટેમ્બર-2021 સુધી યોજાશે.

કેવી રીતે બનાવાયાં છે ટોક્યો ઑલિમ્પિકનાં પદક?

ટોક્યો ઑલિમ્પિકમાં ખેલાડીઓને જે પદક આપવામાં આવશે, તે જૂનાં ઇલેક્ટ્રૉનિક સામાન અને ફોનમાંથી બનાવાયાં છે.

એની માટે આયોજકોએ ફેબ્રુઆરી 2017માં જાપાનના લોકો સમક્ષ ઇલેક્ટ્રૉનિક સામાન અને ફોન દાન કરવાની અપીલ કરી હતી.

વર્ષ 2010માં આયોજિત ઑલિમ્પિકમાં પણ આ રીતે ઇલેક્ટ્રૉનિક સામાનનો ઉપયોગ કરીને જ પદક બનાવવામાં આવ્યાં હતાં.

પદકના પાછળના ભાગે ટોક્યો ઑલિમ્પિકનો લોગો છે, આગળના ભાગે સ્ટેડિયમની તસવીરની સામે વિજયનું પ્રતીક મનાતી ગ્રીક દેવી 'નાઇક'ને દર્શાવાઈ છે.

કોરોનાકાળ, ઑલિમ્પિક અને કેટલાક પ્રતિબંધ

કોરોનાકાળમાં જાપાનના ટોક્યોમાં યોજાઈ રહેલા ઑલિમ્પિકમાં આરોગ્યનિષ્ણાતોની ના છતાં 10 હજાર જાપાની દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ટોક્યો ઑલિમ્પિકમાં વિદેશી દર્શકો પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે.

ટોક્યોમાં 23 જુલાઈથી ઑલિમ્પિકની શરૂઆત થશે અને એક મહિના પછી એટલે કે 24 ઑગસ્ટે પૅરાલિમ્પિકની શરૂઆત થશે. પૅરાલિમ્પિકમાં દર્શકોના પ્રવેશ અંગેની જાહેરાત 16 જુલાઈના રોજ કરવામાં આવશે.

ઑલિમ્પિક દરમિયાન સ્ટેડિયમમાં પ્રવેશ મેળવનારા દર્શકોના મોટેથી બોલવા પર કે બૂમ પાડવા પર પ્રતિબંધ રહેશે અને માસ્ક ફરજિયાત પહેરવું પડશે.

ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી અને ઇન્ટરનેશનલ પૅરાલિમ્પિક કમિટી તથા ટોક્યો મેટ્રોપૉલિટન સરકારે આ જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જાપાનના આરોગ્યનિષ્ણાતોએ એક અહેવાલ રજૂ કર્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે દર્શકો વિના ઑલિમ્પિકનું આયોજન એ ઓછો જોખમી અને યોગ્ય વિકલ્પ છે.

ઑલિમ્પિક આયોજન અને કોરોનાનો ભય

ટોક્યો 2020ની આયોજન સમિતિના પ્રમુખ સેકો હાશિમોતોએ કહ્યું કે, ડૉમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સ્તરે ખેલનું આયોજન દર્શકો સાથે થઈ રહ્યું હોવાનાં અનેક ઉદાહરણો છે.

એમણે કહ્યું કે, ધારાધોરણો અને સરકારના નિયમોના ચુસ્ત પાલનના આધારે દર્શકો સાથે ઑલિમ્પિક યોજી શકાય એમ અમને લાગે છે.

એમણે કહ્યું કે આખું વિશ્વ એક સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે અને એમાંથી બહાર આવવા માટે આપણે મળીને કામ કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે ડૅલિગેટ્સ અને સ્પોન્સર્સને આયોજક ગણવામાં આવશે, જેથી તેમનો સમાવેશ 10 હજારની દર્શક મર્યાદામાં થશે નહીં.

જો જરૂર જણાશે તો દર્શકોની સંખ્યા બાબતે ફેરવિચારણા કરવામાં આવશે, એમ પણ કહેવામાં આવી રહ્યું છે.

જાપાનમાં ઑલિમ્પિકના આયોજનને કારણે કોરોના વકરશે એવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે જાપાનની રાજધાની ટોક્યોમાં એપ્રિલમાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળ્યો અને એ પછી અનેક પ્રતિબંધો લાગુ છે.

તાજેતરમાં જાપાનના વડા પ્રધાને લોકોને ટીવી પર ઑલિમ્પિક જોવા અપીલ કરી હતી.

ઑલિમ્પિક 2020 - આ વખતનો મૅસ્કોટ

મિરાઈતોવા આ વખતનો મૅસ્કોટ છે.

તે જાપાની સંસ્કૃતિની કહેવત કે 'ભૂતકાળમાંથી શીખો અને નવા વિચારોનો વિકાસ કરો' પર આધારિત છે.

તે જાપાની શબ્દ મિરાઈ એટલે કે ભવિષ્ય અને તોવા એટલે કે હંમેશાં પરથી બનેલો શબ્દ છે.

23 જૂને ઑલિમ્પિક ડે

તમને પણ આ પ્રશ્ન થયો હશે. 23 જૂનનો દિવસ આધુનિક ઑલિમ્પિક રમત સાથે જોડાયેલો છે.

ઑલિમ્પિક રમતના આયોજન માટે પેરિસમાં 1894માં 16 જૂનથી 23 જૂન દરમિયાન ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીની પહેલી બેઠક યોજાઈ હતી.

આ બેઠકના અંતિમ દિવસ એટલે કે 23 જૂને ઑલિમ્પિક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત 1896માં એથન્સ ઑલિમ્પિકની શરૂઆત થઈ હતી.

એ વખતથી આ ક્રમ રહ્યો છે, જોકે કોરોના મહામારીના કારણે આ વર્ષે ઑલિમ્પિક દિવસ નિમિત્તે ઉજવણી માટે કાર્યક્રમો થઈ રહ્યા નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો