એન્થની ફાઉચીએ કહ્યું, ભારતમાં મળેલો કોરોનાનો ‘ડેલ્ટા વૅરિયન્ટ’ સૌથી ખતરનાક - Top News

વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારપરિષદ દરમિયાન સંક્રામક રોગોના નિષ્ણાત એન્થની ફાઉચીએ કહ્યું કે ભારતમાં મળી આવેલો કોરોના વાઇરસનો ડેલ્ટા વૅરિયન્ટ સૌથી વધુ જોખમી છે.

ન્યૂઝ વેબસાઇટ 'મનીકંટ્રોલ' અનુસાર વ્હાઇટ હાઉસના મુખ્ય આરોગ્ય સલાહકાર ફાઉચીએ કહ્યું કે અમેરિકા માટે પણ આ વૅરિયન્ટ જોખમી છે અને કોરોનાને કાબૂમાં લેવાના પ્રયાસો પર તે પાણી ફેરવી શકે છે.

અમેરિકામાં નવા નોંધાતા કેસોમાંથી 20 ટકા કેસો આ વૅરિયન્ટના છે. બે સપ્તાહમાં કેસોમાં દસ ટકાનો વધારો થયો છે.

બીજી તરફ ભારતમાં પણ મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશમાં ડેલ્ટા વૅરિયન્ટ સાથે સંબંધિત ડેલ્ટા પ્લસ વૅરિયન્ટના કેસો નોંધાતા ત્રણેય રાજ્યોને ઍલર્ટ પર મૂકવામાં આવેલ છે.

અત્રે નોંધવું કે ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ જે ડેલ્ટા વૅરિયન્ટ સંબંધિત છે તેને પણ ભારતમાં ચિંતાજનક (જોખમી) વૅરિયન્ટ જાહેર કરી દેવાયો છે. ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ વિશે વિગતવાર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

કોરોનાની રસીનો એક ડોઝ મૃત્યુ સામે 82 ટકા રક્ષણ આપે છે

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીના નવા અભ્યાસ અનુસાર કોરોના વાઇરસ સામેની રસીનો એક ડોઝ મૃત્યુ સામે 82 ટકા રક્ષણ આપે છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ અનુસાર આ નવા અભ્યાસમાં જોવા મળ્યું છે કે બંને ડોઝ કોરોનાથી થતાં મૃત્યુ સામે 95 ટકા રક્ષણ આપે છે.

21 જૂને આ અભ્યાસ પ્રકાશિત કરાયો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન હૉસ્પિટલાઇઝેશન અને કોરોનાની રસીના પહેલા તથા બીજી ડોઝ મામલે અભ્યાસ હાથ ધરાયો હતો.

જમાલ ખાશોગ્જીની હત્યામાં સામેલ વ્યક્તિને અમેરિકા મળી હતી લશ્કરી તાલીમ

અમેરિકી પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર વર્ષ 2018માં ખાશોગ્જીની કથિત હત્યા થઈ તે હત્યારાની ટીમમાં સામેલ વ્યક્તિને અમેરિકામાં અર્ધલશ્કરી તાલીમ મળી હતી.

અહેવાલમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે અમેરિકાની સરકારના વિભાગ દ્વારા જ આ તાલીમની મંજૂરી આપવામાં આવી હતી.

ખાશોગ્જી સાઉદીમાં જન્મ્યા હતા પરંતુ અમેરિકાના રહેવાસી હતી અને સાઉદી સરકારના ટીકાકાર રહ્યા હતા. વર્ષ 2018માં ઇસ્તંબુલમાં સાઉદી કૉન્સ્યૂલેટમાં તેમની કથિત હત્યા કરી દેવાઈ હતી.

કૉવૅક્સિન કોરોના સામે 77 ટકા અસરકારક

હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા વિકસાવવામાં આવેલી રસી કૉવેક્સિનનો ત્રીજી ક્લિનિકલ ટ્રાયલનો ડેટા જાહેર કરાયો છે.

'ન્યૂઝ18'ના રિપોર્ટ મુજબ ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાને આ ડેટા સોંપી દેવાયો છે. અને તેમાં કૉવેક્સિનને 77.8 ટકા અસરકારક ગણવામાં આવી છે. જેને મંજૂરી આપી દેવાઈ છે. હવે તેને આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે.

અત્રે નોંધવું કે અન્ય દેશોમાં પણ કૉવેક્સિનને મંજૂરી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે ભારત બાયોટેકની બેઠક થવાની છે. અને તેની મંજૂરી માગવામાં આવશે. આ પૂર્વે તેમણે ત્રીજી ટ્રાયલનો ડેટા તૈયાર કરી લીધો છે.

તાજેતરમાં અમેરિકાએ કૉવૅક્સિનને ઇમર્જન્સી મંજૂરી આપવાની ના પાડી વધારે ડેટાની માગણી કરી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો