તાલિબાન : અમેરિકન સૈનિકોનું અફઘાનિસ્તાન છોડવું ભારત માટે કેટલું ચિંતાજનક?

    • લેેખક, અમૃતા શર્મા
    • પદ, બીબીસી મૉનિટરિંગ

કેટલાય દાયકાના યુદ્ધ પછી અમેરિકન સૈનિકો હવે અફઘાનિસ્તાન છોડી જવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ભારત આ ગતિવિધિ પર બારીક નજર રાખી રહ્યું છે.

અમેરિકા અને તાલિબાન વચ્ચે 2020માં દોહામાં થયેલી સંધિ પછી અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાન છોડી જશે તેવો નિર્ણય લેવાયો હતો.

તેની સત્તાવાર જાહેરાત ચાલુ વર્ષે એપ્રિલમાં થઈ હતી. તે સમયે અમેરિકન પ્રમુખ જો બાઇડને જાહેરાત કરી કે 11 સપ્ટેમ્બર સુધીમાં અમેરિકન સૈનિકો પાછા આવી જશે.

11 સપ્ટેમ્બર, 2021ના રોજ અમેરિકા પરના ત્રાસવાદી હુમલાને 20 વર્ષ પૂરાં થશે. આ હુમલા પછી અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો.

ભારતે આ વિશે કહ્યું હતું કે તે અફઘાન શાંતિપ્રક્રિયા પર નજર રાખી રહ્યું છે.

ભારતની બેચેની : તાલિબાનની વધતી તાકાત અને અસ્થિરતાનું જોખમ

જોકે નિષ્ણાતો મુજબ આ ક્ષેત્રમાંથી અમેરિકાની વિદાયથી જે સ્થિતિ પેદા થશે તે ભારત માટે ચિંતાજનક છે.

નિષ્ણાતો માને છે કે યુએસની વિદાય પછી અફઘાનિસ્તાનમાં અસ્થિરતા, તાલિબાનોની મજબૂતી અને આ બધામાં પાકિસ્તાન અને ચીનની ભૂમિકા અંગે ભારત ચિંતિત છે.

ભારત હંમેશાંથી અફઘાનિસ્તાનમાં લોકતંત્ર સ્થપાય તેનું હિમાયતી રહ્યું છે.

એટલું જ નહીં, તે અફઘાન શાંતિપ્રક્રિયાની ઘણી બેઠકોમાં પણ સામેલ હતું. તેમાં દોહા, જીનિવા અને દુશાન્બેમાં થયેલી બેઠકો સામેલ છે.

હવે અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાન છોડી રહ્યા છે ત્યારે ભારતને અફઘાનિસ્તાનમાં અસ્થિરતા પેદા થવાનું જોખમ દેખાય છે.

વિશ્લેષક અવિનાશ પાલીવાલે જણાવ્યા પ્રમાણે કાબૂલમાં પાકિસ્તાનની દખલગીરી વધવાથી અફઘાનિસ્તાનમાં અસ્થિરતાનું જોખમ પેદા થશે.

ભારતની એક મોટી ચિંતા તાલિબાનો ફરી શક્તિશાળી બને તેને લગતી પણ છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન ફરી એક વખત કટ્ટરવાદીઓનું મથક બની શકે છે.

ટ્રમ્પ વહીવટીતંત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્ય રહેલા લિજા કુર્ટિસ મુજબ અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની વાપસીથી તાલિબાનો સશક્ત બને તે આ ક્ષેત્રમાં ભારત જેવા દેશ માટે ચિંતાની બાબત રહેશે.

આ ચિંતા વાજબી પણ છે. 1990ના દાયકામાં તાલિબાને લશ્કર-એ-તૈયબા અને જૈશે મોહમ્મદ જેવાં ઉગ્રવાદી સંગઠનોના કટ્ટરવાદીઓને નિયુક્ત કર્યા હતા. તેમણે ભારતવિરોધી પ્રવૃત્તિઓ પાર પાડી હતી.

તેમાં 1999માં ભારતના એક વિમાનનું અપહરણ અને 2001માં ભારતીય સંસદ પર હુમલો સામેલ છે.

તાજેતરમાં જ ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળો પાછા જાય તે અંગે આવી જ ચિંતા વ્યક્ત કરી છે.

જાસૂસી માહિતીના કારણે પણ ભારતની ચિંતામાં વધારો થયો છે, જેમાં કહેવાયું છે કે અમેરિકન સૈનિકો જતા રહેશે તો મોટી સંખ્યામાં કટ્ટરવાદી સંગઠનો અફઘાનિસ્તાન પહોંચી શકે છે.

અફઘાનિસ્તાનમાં હિંસા વધે તો તાલિબાન મજબૂત બને તેવી શક્યતા નકારી શકાય નહીં.

વિશ્લેષક ઍલિઝાબેથ રોચે મુજબ અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ પેદા થઈ શકે છે.

વર્ષ 2019માં જનરલ બિપિન રાવત ભારતીય સેનાના પ્રમુખ હતા ત્યારે તેમણે અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે મંત્રણાને સમર્થન આપ્યું હતું. આ એ સમય હતો જ્યારે ભારત તાલિબાન સાથે કોઈ પણ પ્રકારના સંબંધ ન રાખવાની નીતિ ધરાવતું હતું.

ભારત તાલિબાન સાથે સીધી વાતચીત કરવાનું ટાળતું આવ્યું છે. પરંતુ અફઘાનિસ્તાન પર આયોજિત મોસ્કો પીસ કોન્ફરન્સમાં ભારતે બિનસત્તાવાર ટીમ મોકલી હતી.

ગયા વર્ષે દોહામાં થયેલી બેઠકમાં ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સામેલ થયા હતા. તેનાથી એવો સંકેત મળે છે કે ભારત પોતાની અગાઉની સ્થિતિમાં નરમ વલણ અપનાવી રહ્યું છે.

પાકિસ્તાન અને ચીન પર નજર

ભારતની એક મોટી ચિંતા એ પણ છે કે અમેરિકાની વિદાયથી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની રાજકીય દખલગીરી વધશે.

પાકિસ્તાને દોહામાં અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી વાતચીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાનના તાલિબાન સાથે સંબંધ છે, પરંતુ તે કટ્ટરવાદીઓને સાથ આપવાના આરોપોથી ઇનકાર કરતું આવ્યું છે.

વિશ્લેષકો મુજબ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની અસરને નજરઅંદાજ કરી ન શકાય.

દેબીદત્તા અરબિંદો મહાપાત્રા મુજબ અફઘાનિસ્તાનની રાજનીતિમાં પાકિસ્તાનની મહત્ત્વની ભૂમિકા રહેશે. તે ભૌગોલિક, ધાર્મિક અને વંશીય રીતે અફઘાનિસ્તાનથી નિકટ છે. આ ઉપરાંત તે જાણે છે કે આ તાકાતનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરી શકાય છે.

જોકે પાકિસ્તાનનું અર્થતંત્ર અત્યારે નાદુરસ્ત સ્થિતિમાં છે. જૂનમાં આઈએમએફ અને ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ પાકિસ્તાન અંગે સમીક્ષા બેઠક યોજવાનું છે. આવી સ્થિતિમાં તે અફઘાનિસ્તાનમાં કોઈ પણ પ્રકારની અસ્થિરતા પેદા થાય તેવી હરકત કરવાનું જોખમ ઉઠાવી શકે નહીં.

વિશ્લેષક કે. એન. પંડિતા મુજબ "પાકિસ્તાનનું નેતૃત્વ એટલું સમજદાર હશે કે તે આવી કોઈ પરિસ્થિતિને આમંત્રિત નહીં કરે એવી આશા રાખીએ."

પરંતુ ચીનની ભૂમિકાને ભારત અવગણી શકે તેમ નથી. સ્નેહેશ ઍલેક્સ ફિલિપ મુજબ 'ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ડ્રીમ પ્રોજેક્ટ ધ બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવને અફઘાનિસ્તાન સુધી લંબાવી શકાય છે.'

અગાઉ જનરલ રાવતે પણ સંકેત આપ્યા હતા કે અફઘાનિસ્તાનથી એવા દેશોને ખતરો પેદા થશે જેઓ પોતાના ફાયદા માટે તેનાં સંસાધનોનો ઉપયોગ કરવા માંગે છે, કારણ કે એક અંદાજ પ્રમાણે અફઘાનિસ્તાનમાં એક ટ્રિલિયન ડૉલરનાં કુદરતી સંસાધનો હાજર છે.

ભારતને એક ચિંતા એ પણ હશે કે આ ક્ષેત્રમાં ચીન પાકિસ્તાનનો સાથ આપી શકે છે.

ફિલિપ મુજબ પાકિસ્તાન અને ચીનની અંગત સાઠગાંઠથી ભારત માટે તણાવપૂર્ણ સ્થિતિ પેદા થઈ શકે છે.

વ્યવહારુ નીતિની જરૂર

અફઘાનિસ્તાન અને ભારત એક મજબૂત હિસ્સેદાર છે. ભારતે અફઘાનિસ્તાનની કેટલીક વિકાસ યોજનાઓમાં બે અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. તેમાં હૉસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અફઘાન સંસદની ઇમારતના બાંધકામનો સમાવેશ થાય છે.

અફઘાન લોકોમાં ભારતની છબિ સારી છે. મહાપાત્રા મુજબ ભારતે અફઘાનિસ્તાનના વિકાસમાં યોગદાન આપ્યું છે.

આવી સ્થિતિમાં ભારતે પોતાની વ્યૂહાત્મક દૂરદર્શિતાનો પરિચય આપીને કાબૂલમાં પોતાનાં હિતોનું રક્ષણ કરવું પડશે.

આ માટે તાલિબાન સહિત તમામ મુખ્ય હિસ્સેદારો સાથે સંપર્ક વધારવો પડશે.

મહાપાત્રા મુજબ ભારતે વ્યવહારુ નીતિ અપનાવીને તાલિબાન નેતાઓ સાથે વાત કરવાની જરૂર છે.

ગયા વર્ષે ભારતયાત્રા દરમિયાન અફઘાન શાંતિમંત્રણાકાર અબ્દુલ્લા અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે ભારત તાલિબાન સાથે વાતચીત કરે તો પણ અફઘાન લીડરશિપને તેનાથી કોઈ વાંધો નથી.

મહાપાત્રાના કહેવા પ્રમાણે "ભારતે અફઘાનિસ્તાનમાં ફાયદો લેવા માટે પોતાની આર્થિક અને સૈન્ય શક્તિની સાથે સોફ્ટ પાવરની ભૂમિકાનો પણ ઉપયોગ કરવો જોઈએ. આ સમજદારીપૂર્વકની કૂટનીતિથી સંભવ છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો