રાજકુમારી લતીફા : દુબઈના રાજકુમારીની મહિનાઓ બાદ તસવીર સામે આવી

આ અઠવાડિયે બે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલ તસવીરોમાં કથિતપણે દુબઈના શાહનાં દીકરી રાજકુમારી લતીફા જોવા મળ્યાં છે.

પાછલા ઘણા મહિનાઓથી રાજકુમારી લતીફા જોવા નહોતાં મળ્યાં. તેમજ તેમના વિશે કોઈ જાણકારી પણ નહોતી મળી શકી.

આ વર્ષે ફેબ્રુઆરીમાં બીબીસી પૅનોરામાએ રાજકુમારી લતીફાનો એક વીડિયો પ્રસારિત કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તેમને બંધક બનાવીને રાખવામાં આવ્યાં છે અને તેમના જીવને ખતરો છે. આ વીડિયો તેમણે સંતાઈને બનાવ્યો હતો.

આ અઠવાડિયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલ તસવીરની સત્યતાની બીબીસી પુષ્ટિ નથી કરતું અને આ વિશે બીબીસીને કોઈ જાણકારી પણ નથી મળી.

પરંતુ રાજકુમારી લતીફાનાં એક મિત્રે પુષ્ટિ કરી છે કે તસવીરમાં જોવા મળી રહેલાં મહિલા લતીફા જ છે.

બીબીસી માને છે કે આ તસવીર સામે આવી એ કોઈ સંજોગોવસાત્ નથી બન્યું પરંતુ તેનો સંબંધ ઘણી અજ્ઞાત ઘટનાઓ સાથે છે.

'ફ્રી લતીફા કૅમ્પેન'ના સહ-સંસ્થાપક ડેવિડ હૅગે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, "અમે એ વાતની પુષ્ટિ કરી શકીએ છીએ કે આ કૅમ્પેનમાં ઘણી હકારાત્મક અને મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. હાલ આ મુદ્દે અમે કોઈ ટિપ્પણી નથી કરવા માગતા પરંતુ યોગ્ય સમય આવશે ત્યારે અમે નિવેદન જારી કરીશું."

બીબીસીએ યુકેમાં હાજર સંયુક્ત આરબ અમીરાતના દૂતાવાસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી તેમનો કોઈ જવાબ નથી મળ્યો.

સંયુક્ત રાષ્ટ્રે આ તાજેતરની તસવીર પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે તેમને "રાજકુમારી લતીફા જીવિત હોવા અંગેના નક્કર પુરાવાનો" ઇંતેજાર છે.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે સંયુક્ત આરબ અમીરાતે તેમને આ અંગેની માહિતી આપવાનો વાયદો કર્યો છે.

તસવીરમાં શું દેખાયું?

આ તસવીરમાં રાજકુમારી લતીફા દુબઈના એક શૉપિંગ મૉલ (મૉલ ઑફ અમીરાત, એમઓઈ)માં બે અન્ય મહિલાઓ સાથે બેઠેલાં દેખાઈ રહ્યાં છે.

રાજકુમારી લતીફાના મિત્રોએ બીબીસીને કહ્યું કે તેઓ આ તસવીરમાં દેખાઈ રહેલાં મહિલાઓને જાણે છે અને રાજકુમારી પણ તેઓને ઓળખે છે.

આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાઈ હતી. જે કારણ તેનો કોઈ મેટાડેટા નથી કાઢી શકાતો. મેડાડેટાથી તસવીર લીધાનો સમય અને તારીખની સાથોસાથ તેનું લૉકેશન પણ ખબર પડી શકે છે.

આ તસવીરને પલટવામાં આવી છે . તસવીરમાં પાછલ "ડૅમન સ્લેયર : મુગેન ટ્રેન"નામની ફિલ્મનું વિજ્ઞાપન છે. આ ફિલ્મ દુબઈમાં આ જ વર્ષે 13 મેના રોજ રિલીઝ થઈ હતી.

તસવીરમાં રાજકુમારી લતીફા સાથે બેઠેલાં બંને મહિલાઓનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જ અઠવાડિયે ગુરુવારે આ તસવીર અપલોડ કરાઈ હતી.

તેઓ પૈકી એકે તસવીર સાથે લખ્યું, "મિત્રો સાથે મૉલ MOIમાં એક સુંદર સાંજ."

રાજકુમારી લતીફાના સ્વાસ્થ્ય અને તસવીર વિશે વધુ જાણકારી માટે બીબીસીએ બંને મહિલાઓ સાથે સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તેમણે બીબીસીને કોઈ જવાબ ન આપ્યો.

હ્યૂમન રાઇટ્સ વૉચ ઍડ્વોકસી ગ્રૂપના કેનેથ રૉસે બીબીસીને જણાવ્યું, "જો આપણે માની લઈએ કે આ તસવીર અસલ છે તો તેનાથી એ વાતનો કોઈ પુરાવો તો મળે છે કે તેઓ જીવિત છે. પરંતુ આનાથી તેમને બંધક બનાવીને રાખવામાં આવ્યાં છે કે પછી સ્વતંત્ર એ વિશે કોઈ જાણકારી નથી મળતી."

શાહી પરિવારે અત્યાર સુધી આ તસવીર પર કોઈ કૉમેન્ટ નથી કરી. આ વર્ષે ફેબ્રુઆરીમાં બીબીસીને જણાવાયું હતું કે, "રાજકુમારી લતીફા ઘરે છે પરંતુ તેમની સારસંભાળ કરાઈ રહી છે."

યુએઈએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે, "તેમના સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આશા છે કે તેઓ જલદી જ પોતાના સાર્વજનિક જીવનમાં પાછાં ફરશે."

રાજકુમારી લતીફા સાથે શું થયું હતું?

રાજકુમારી લતીફા દુબઈનાં શાસક શેખ મુહમ્મદ બિન રાશિદ અલ મકતૂમનાં 25 સંતાનો પૈકી એક છે. ફેબ્રુઆરી 2018માં લતીફાએ દેશમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને ભારતની દરિયાઈ સીમામાં પકડી લેવાયાં હતાં.

ભાગતાં પહેલાં લતીફાએ એક વીડિયો રેકર્ડ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, "મને ડ્રાઇવ કરવાની પરવાનગી નથી. મને ટ્રાવેલ કરવાની કે દુબઈ છોડવાની પરવાનગી નથી."

તેમણે કહ્યું હતું કે, "હું વર્ષ 2000થી દેશથી બહાર નથી ગઈ. હું માત્ર ફરવાની, ભણવાની કે કંઈ પણ કરી શકવાની સામાન્ય પરવાનગી આપવાની માગ કરું છું. પરંતુ તે માનવામાં નથી આવતી. હું નીકળવા માગું છું."

પરંતુ દેશ છોડવાની કોશિશ અસફળ થઈ. અને તેમને ભારતની સમુદ્રસીમા પાસે કમાન્ડોએ પકડી લીધાં અને તેમને દુબઈ પાછાં મોકલી દેવાયાં.

આ ઘટના બાદ રાજકુમારી લતીફાના પિતાએ કહ્યું હતું કે આ અભિયાન કોઈ "બચાવ અભિયાન" કરતાં ઓછું નહોતું.

ત્યાર બાદ ફેબ્રુઆરી 2021માં બીબીસી પૅનોરામાએ રાજકુમારી લતીફા દ્વારા સંતાઈને બનાવાયેલા વીડિયો પ્રસારિત કર્યા હતા.

આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે દુબઈ પાછાં ફર્યાં બાદ તેમને કેદમાં રાખવામાં આવ્યાં છે.

તેમણે કહ્યું હતું કે તેમને કડક પોલીસસુરક્ષા વચ્ચે બારી વગરના એક મહેલમાં એકાંતમાં બંધ કરીને રાખેલાં છે, જેના દરવાજા બંધ રહે છે. અહીં ના તો મેડિકલ સુવિધાઓ મળી રહી છે કે ના તો કાનૂની.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો