You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બોરિસ જોન્સનનું પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામું, યુકેના નવા PMની પસંદગી સુધી પદે યથાવત્
- બોરિસ જોન્સનનું પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામું, હાલ PM પદે યથાવત્
- એકાદ અઠવાડિયામાં નવો નેતા ચૂંટણી કાઢવાની પ્રક્રિયા હાથ ધરાશે - જોન્સન
- બોરિસ જોન્સન કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદથી રાજીનામું આપશે, તેમની સરકારમાં 24 કલાકમાં 40થી વધુ રાજીનામાં
- બોરિસને રાજીનામું આપવાનું કહેનારાંઓમાં ગૃહસચિવ પ્રીતિ પટેલ પણ સામેલ
- બ્રિટનના તાજા રાજકીય ઘટનાક્રમ પાછળ એક સેક્સ સ્કૅન્ડલ હોવાનું કહેવાઈ રહ્યું છે
- આ સ્કૅન્ડલમાં વડા પ્રધાનની નજીકના સાંસદ સંડોવાયેલા હોવાનું મનાઈ રહ્યું છે.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને પોતાના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કન્ઝર્વેટિવ પાર્ટીના વડાપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
જોન્સને કહ્યું કે પાર્ટીના સંસદસભ્યો નવો નેતા, નવો વડા પ્રધાન ઇચ્છે છે, એટલે નવા નેતાની પસંદગીપ્રક્રિયા આજથી શરૂ થાય છે અને અઠવાડિયામાં તેનો કાર્યક્રમ જાહેર થઈ જશે.
જ્યારસુધી નવા નેતાની પસંદગી ન થાય, ત્યાર સુધી જોન્સને વડા પ્રધાનપદે યથાવત્ રહેવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે જો યુકેના દરેક ભાગોનો સમાનપણે વિકાસ થાય તો તે યુરોપમાં સૌથી સમૃદ્ધ બની જશે.
નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્યમંત્રી સાજિદ જાવિદે રાજીનામું આપ્યા બાદ યુકેના રાજકારણમાં છેલ્લા 24 કલાક ઘણા ચર્ચિત રહ્યા. આ સમય દરમિયાન રાજીનામાથી લઈને બરતરફ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે.
બોરિસ જોન્સને ત્રણ વર્ષ પહેલાં કન્ઝર્વેટિવ પાર્ટીને 1987 પછી સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટી જીત અપાવી હતી પરંતુ હવે તેમની જ કૅબિનેટના સભ્યો તેમને છોડીને ચાલ્યા ગયા છે અને તેમણે રાજીનામું આપવાની પરિસ્થિતિ ઊભી થઈ છે.
ટૂંકમાં : બોરિસ જોન્સનના રાજીનામા પાછળના પાંચ કારણો- ઓવેન એમૉસ, બીબીસી સંવાદદાતા
ક્રિસ પિંચર 'સેક્સ સ્કૅન્ડલ'
30 જૂનના બ્રિટનના સમાચારપત્ર 'ધ સન' દ્વારા પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ક્રિસ પિંચરે લંડનની એક ખાનગી ક્લબમાં બે પુરુષોને આપત્તિજનક રીતે અડક્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વર્ષે ફેબ્રુઆરીમાં બોરિસ જૉન્સને પિંચરને પાર્ટીના ડેપ્યુટી વ્હિપ બનાવ્યા હતા. 'ધ સન'નો રિપોર્ટ આવ્યા બાદ પિંચરે રાજીનામું આપવું પડ્યું હતું.
પરંતુ કેટલાક દિવસોમાં જ બ્રિટનના મીડિયામાં એવા કેટલાક અહેવાલો આવ્યા. હાલનાં વર્ષોમાં પિંચર પર જાતીય સતામણી અંગેના ઓછામાં ઓછા છ વધુ કેસ સામે આવ્યા છે.
પિંચરને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા. તેમણે માફી માગવી પડી અને કહ્યું કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. તેમણે કહ્યું કે તેઓ "પ્રોફેશનલ મેડિકલ મદદ" લઈ રહ્યા છે. ત્યારે બોરિસ જોન્સન દ્વારા તેમની પસંદગીને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
પાર્ટીગેટ
આ વર્ષે એપ્રિલમાં, વડા પ્રધાન પર લૉકડાઉનના નિયમો તોડવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમના પર જૂન 2020માં પોતાની બર્થડે પાર્ટીમાં સામેલ થવાને કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો.
વડા પ્રધાનઆવાસ 10 ડાઉનિંગ સ્ટ્રીટ અને વ્હાઇટહૉલમાં 83 લોકો પર 126 દંડ ફટકારવામાં આવ્યા હતા. તેમણે પ્રથમ લૉકડાઉન વખતે 10 ડાઉનિંગ સ્ટ્રીટના બગીચમાં પાર્ટી માટે માફી માગવી પડી હતી.
તેમણે સંસદના હાઉસ ઑફ કૉમન્સને જણાવ્યું હતું કે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં લૉકડાઉનના બધા નિયમોનું પાલન થયું હતું. પરંતુ ત્યાર બાદ હવે આ મુદ્દે કૉમન્સ કમિટીની તપાસ ચાલી રહી છે.
મોંઘવારી અને ટૅક્સ વધ્યા
2022થી બ્રિટનમાં મોંઘવારી આસમાને પહોંચી છે, હાલ મોંઘવારીનો દર 9.1 ટકા છે. રશિય-યુક્રેન યુદ્ધ જેવા અનેક કારણોને લીધે તેલ અને ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધ્યા છે. જોકે મોંઘવારી કેટલાક કારણો જોન્સનના નિયંત્રણમાં નહોતાં.સરકારે પેટ્રોલના ભાવમાં ડ્યૂટી ઘટાડી પરંતુ સામે ટૅક્સ પણ વધાર્યા છે.
ફોકસની કમી
બોરિસ જોન્સન ખૂબ મોટી બહુમતી સાથે સરકારમાં આવ્યા હતા પરંતુ તેમની સરકારની સતત ટીકા થતી રહી છે કે તેની પાસે ફોકસની કમી છે. કેન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ મંત્રી જેરેમી હંટે જોન્સન પર અખંડિતતા, યોગ્યતા અને દૃષ્ટિકોણની કમી છે.
ઓવેન પૅટરસન વિવાદ
ઑક્ટોબર 2021માં લૉબિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં કન્ઝર્વેટિવ સાંસદ ઓવેન પેટરસનને હાઉસ ઑફ કૉમન્સ કમિટી દ્વારા સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી હતી. કમિટીએ કહ્યું હતું કે તેમણે લૉબિંગના નિયમો તોડવાનો અને તેમને પૈસા ચૂકવતી કંપનીઓને ફાયદો પહોંચાડ્યો હતો.
જોન્સન સરકારે તપાસ કેવી રીતે થઈ રહી છે તે ચકાસવા માટે નવી કમિટી બનાવી. આ બાબતે વિવાદ થતા પૅટરસને રાજીનામું આપવું પડ્યું છે. જોન્સને બાદમાં માન્યું હતું કે તેમણે આ અંગે ઉતાવળ કરી હતી.
વડાપ્રધાનપદે જોન્સન અને વિવાદ
બોરિસ જોન્સન જુલાઈ-2019માં તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીનાં જ ટેરેસા મેની જગ્યાએ વડા પ્રધાન બન્યા. મે બ્રૅક્ઝિટ ડીલને પસાર કરાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
એ પછી જોન્સને ઑક્ટોબર-2019ની સમયમર્યાદામાં ડીલને પસાર કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ડિસેમ્બર-2019માં નવેસરથી ચૂંટણીઓ યોજાઈ. જોન્સને દેશને યુરોપિયન સંઘમાંથી બ્રિટનના નિર્ગમન (બ્રૅક્ઝિટ)નું વચન આપ્યું. 30 વર્ષમાં સૌપ્રથમ વખત જંગી બહુમત સાથે કન્ઝર્વેટિવ પાર્ટી સત્તા ઉપર પરત ફરી. તા. 31 જાન્યુઆરી, 2020ના બ્રિટન યુરોપિયન સંઘમાંથી અલગ થઈ ગયું.
એ ગણતરીના દિવસોમાં બ્રિટન સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસે દેખા દીધા. આ પછી રશિયા તથા યુક્રેન સંઘર્ષે તેમની મુશ્કેલીઓ વધારી.
કોરોનાકાળ દરમિયાન વિકસિત રાષ્ટ્રોમાંથી બ્રિટનમાં મૃત્યુદર ઊંચો રહ્યો હતો. છતાં રસીકરણ તથા નોકરીઓ બચાવવા માટેના તેમની સરકારના પ્રયાસોની ભારે પ્રશંસા થઈ હતી.
છતાં સર્વોચ્ચ પદને માટે કાબેલ છે કે નહીં તથા તેના માટેનું ચરિત્ર ધરાવે છે કે નહીં, એ મુદ્દે તેમણે પદ ગુમાવવું પડ્યું હતું.
કોણ છે સંભવિત દાવેદારો?
ઋષિ સુનક : બ્રિટનની સરકારના નાણામંત્રી ઋષિ સુનકના રાજીનામા બાદ બોરિસ જોન્સનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. જોન્સનની નિર્ગમનની જાહેરાત પહેલાંથી જ તેમને વડા પ્રધાનપદના સંભવિત ઉમેદવાર માનવામાં આવતા હતા.
તેઓ પત્નીની કરજવાબદારી તથા લૉકડાઉનના નિયમો તોડવાથી ફાઇન ભરવાને કારણે વિવાદમાં આવ્યા છે.
2015માં તેઓ પ્રથમ વખત સંસદસભ્ય બન્યા અને રાજકારણમાં આવ્યા તે પહેલાં સુનક બે હેજફંડમાં પાર્ટનર હતા. તેમની ગણતરી બ્રિટનના ધનાઢ્ય સંસદસભ્યોમાં થાય છે. તેમણે ઑક્સફૉર્ડ તથા સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
સુનકનો જન્મ બ્રિટનમાં થયો છે, પરંતુ તેમનાં માતા-પિતા મૂળ ભારતીય છે, જેઓ પૂર્વ આફ્રિકાથી બ્રિટન પહોંચ્યા હતા. બ્રિટન ઇન્ફોસિસના સ્થાપક એન. નારાયણમૂર્તિનાં પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યું છે.
સુએલા બ્રાવરમૅન :
બોરિસ જોન્સન રાજીનામું આપશે, તેની ચર્ચા શરૂ થઈ તે પહેલાં જ સુએલાએ વડા પ્રધાનપદ માટે દાવો કર્યો હતો. તેઓ જોન્સન સરકારમાં ઍટર્ની જનરલ છે.
તેમનાં માતા બ્રૅન્ટનાં છે, જ્યારે પિતા ગોવામાં મૂળિયા ધરાવે છે. તેઓ કૅબિનેટ મંત્રીપદે હતાં, ત્યારે ગર્ભવતી બન્યાં હતાં. તેમને પ્રસૂતિની રજા મળી રહે તે માટે નિયમોમાં ફેરફાર કરવા પડ્યા હતા.
લિઝ ટ્રસ : તેઓ બ્રિટનનાં વિદેશ મંત્રીનાં પદ સુધી પહોંચનારાં બીજાં મહિલા છે. તેમને જોન્સનના વિશ્વાસુ માનવામાં આવે છે. 2010માં દક્ષિણપૂર્વ નૉર્થફૉલ્ક બેઠક પરથી સંસદસભ્ય છે. વેપાર તથા અર્થતંત્રની બાબતમાં તેમને ઉદારમતવાદી માનવામા આવે છે.
આ સિવાય પાકિસ્તાની મૂળના સાજિદ જાવેદ, ઇરાકમાં જન્મેલા સાજિદ ઝહાવી, માઇકલ ગોવ, જેરિમી હંટ, પેન્ની મૉરડાઉન્ટ, બૅન વાલેસ, ટૉમ ટગનડહાટ, સ્ટિવ બેકર પણ પીએમની રેસમાં સામેલ ગણાય છે.
નવા નેતા કેવી રીતે ચૂંટાશે?
જે ઉમેદવારને આઠ કરતાં વધુ સંસદ સભ્યોનું સમર્થન હોય તેઓ દાવેદારી કરી શકે છે. પહેલા રાઉન્ડમાં જે ઉમેદવારને 18 (5 ટકા) કરતાં ઓછાં મત મળ્યા હોય, તેની દાવેદારી રદ કરવામાં આવે છે.
બીજા રાઉન્ડમાં જે ઉમેદવારને 36 (10 ટકા) કરતાં ઓછા મત મળ્યાં હોય તેની દાવેદારી રદ કરવામાં આવે છે. જો દરેક ઉમેદવાર આ શરતને પાર કરી લે તો, જેને સૌથી ઓછાં મત મળ્યા હોય તેનું નામ રદ્દ થઈ જાય છે. જ્યાર સુધી બે ઉમેદવાર ન રહે, ત્યાર સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે.
એ પછી કન્ઝર્વૅટિવ પાર્ટીના બૃહદ સભ્યો પોસ્ટલ વોટિંગ કરે છે, તેમાં જે નેતા બને તે કન્ઝર્વેટિવ પાર્ટીનો નેતા અને વડા પ્રધાન બનશે. ત્યાર સુધી જોન્સન વડા પ્રધાનપદે રહેશે. જાન્યુઆરી-2025માં બ્રિટનમાં ચૂંટણી પ્રસ્તાવિત છે. વર્તમાન રાજકીય સંકટને કારણે ત્યાં નવેસરથી ચૂંટણી યોજવાની જરૂર નહીં પડે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો