You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑસ્ટ્રેલિયામાં વસતીગણતરી : ઑસ્ટ્રેલિયામાં હિંદુ-મુસ્લિમની વસતી વધી, ખ્રિસ્તીઓની વસતી અંગે શું ખુલાસો થયો?
- લેેખક, ટિફની ટર્નબુલ
- પદ, બીબીસી ન્યૂઝ, સિડની
- ઑસ્ટ્રેલિયામાં દર પાંચ વર્ષે વસતીગણતરી થાય છે. છેલ્લી વસ્તી ગણતરી 2021માં થઈ હતી, જેનો ડેટા ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવ્યો હતો
- ઑસ્ટ્રેલિયામાં પહેલીવાર, દેશમાં પોતાને ખ્રિસ્તી ગણાવનારા લોકોની સંખ્યા 50 ટકા કરતાં ઓછી થઈ ગઈ છે
- હિંદુ ધર્મ અને ઇસ્લામ હવે ઑસ્ટ્રેલિયામાં સૌથી ઝડપથી વિસ્તરી રહ્યા છે
- અન્ય દેશમાં જન્મ્યા હોય અને ઑસ્ટ્રેલિયામાં વસ્યા હોય એવા લોકોની વસ્તીમાં, ભારતના લોકોએ ચીન અને ન્યુઝીલૅન્ડને પાછળ છોડી દીધા છે. ભારત ત્યાં ત્રીજા નંબર પર છે
- મૂળનિવાસી લોકોનીસંખ્યામાં લગભગ એક ચતુર્થાંશનો વધારો થયો
ઑસ્ટ્રેલિયામાં વસતીગણતરીના નવા આંકડા દર્શાવે છે કે દેશની વસ્તીમાં કેટલાક મોટા ફેરફારો થઈ રહ્યા છે, જેમાં હિંદુ ધર્મ અને ત્યાં રહેતા ભારતીયોની સ્થિતિ વિશે પણ નવી માહિતી બહાર આવી છે.
ઑસ્ટ્રેલિયામાં દર પાંચ વર્ષે વસતીગણતરી થાય છે. છેલ્લી વસતીગણતરી 2021માં થઈ હતી, જેનો ડેટા ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવ્યો હતો.
નવી વસતીગણતરી મુજબ ઑસ્ટ્રેલિયાની વસ્તી અઢી કરોડને વટાવી ગઈ છે. ત્યાંની વસ્તી હવે 2.55 કરોડ થઈ ગઈ છે, જે 2016માં 2.34 કરોડ હતી.
એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં વસ્તીમાં 21 લાખનો વધારો થયો છે. આ સાથે જ દેશની સરેરાશ આવકમાં પણ થોડો વધારો થયો છે.
વસતીગણતરીના ડેટા એવાં વલણોને પણ દર્શાવે છે જે આવનારા સમયમાં દેશની સ્થિતિ બદલી શકે છે. અહીં આવા પાંચ ફેરફારો આપવામાં આવ્યા છે:
1. હિંદુ અને ઇસ્લામ સૌથી ઝડપથી વિકસતો ધર્મ
ઑસ્ટ્રેલિયામાં પહેલીવાર પોતાને ખ્રિસ્તી ગણાવનારા લોકોની સંખ્યા 50 ટકા કરતાં ઓછી થઈ ગઈ છે.
ઑસ્ટ્રેલિયા બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સ (એબીએસ) મુજબ, ઑસ્ટ્રેલિયામાં હવે ખ્રિસ્તી ધર્મ પાળતા લોકોની વસ્તી માત્ર 44% રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
50 વર્ષ પહેલાં અહી ખ્રિસ્તીઓની વસ્તી લગભગ 90 ટકા હતી.
જોકે દેશમાં ખ્રિસ્તી ધર્મમાં માનનારા લોકોની સંખ્યા હજુ પણ સૌથી વધુ છે, પરંતુ તે પછીના બીજા ક્રમે કોઈ પણ ધર્મને નહીં માનનારા લોકોની સંખ્યા આવે છે.
ઑસ્ટ્રેલિયામાં કોઈ પણ ધર્મમાં માનતા ન હોય તેવા લોકોની સંખ્યા હવે વધીને 39% થઈ ગઈ છે અને આમ "કોઈ ધર્મમાં નહીં માનતા" લોકોની સંખ્યામાં 9 ટકાનો વધારો થયો છે.
હિંદુ ધર્મ અને ઇસ્લામ હવે ઑસ્ટ્રેલિયાના સૌથી ઝડપથી વિસ્તરી રહ્યા છે.
જોકે આ બંને ધર્મમાં માનનારા લોકોની સંખ્યા માત્ર 3-3 ટકા છે.
છેલ્લી વસતીગણતરી સાથેની સરખામણી દર્શાવે છે કે બંને ધર્મમાં માનતા લોકોની સંખ્યા વધી રહી છે. વર્ષ 2016 માં ઑસ્ટ્રેલિયામાં હિંદુ વસ્તી (1.9%) અને મુસ્લિમ વસ્તી (2.6%) હતી.
2. વધી રહેલી દેશની વિવિધતા
ઑસ્ટ્રેલિયા હવે પહેલાં કરતાં વધુ વૈવિધ્યસભર બની રહ્યો છે. આધુનિક ઑસ્ટ્રેલિયાનું સ્વરુપ આગંતુક પ્રવાસીઓ (બહારથી આવીને વસેલા) દ્વારા ઘડાઈ રહ્યું છે.
જોકે, ઈતિહાસમાં એવું પહેલીવાર બન્યું છે કે દેશની અડધાથી વધુ વસ્તી કાં તો વિદેશમાં જન્મી છે અથવા તેમનાં માતાપિતા વિદેશમાં જન્મ્યાં છે.
કોરોના મહામારી દરમિયાન ઇમિગ્રેશનનો દર ધીમો પડ્યો હતો, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં અન્ય દેશોમાંથી 10 લાખથી વધુ લોકો ઑસ્ટ્રેલિયા આવ્યા છે. એમાંથી લગભગ ચોથા ભાગના લોકો ભારતમાંથી ત્યાં જઈ વસ્યા છે.
અન્ય દેશમાં જન્મ્યા હોય અને ઑસ્ટ્રેલિયામાં આવીને વસ્યા હોય એવા લોકોની વસ્તીમાં ભારતીય મૂળના લોકોએ ચીન અને ન્યુઝીલૅન્ડને પાછળ છોડી દીધા છે. ભારતીયો ત્યાં ત્રીજા નંબર પર છે.
ઑસ્ટ્રેલિયાની વસ્તીમાં હાલમાં સૌથી વધુ વસ્તી એ લોકોની છે જેમનો જન્મ ઑસ્ટ્રેલિયામાં જ થયો છે, ત્યારબાદ ઈંગ્લૅન્ડમાં જન્મેલા લોકોનો નંબર આવે છે. આ બંને દેશો પછી ત્રીજો નંબર ભારતમાં જન્મેલા લોકોનો છે.
ઑસ્ટ્રેલિયામાં 20% થી વધુ લોકો તેમના ઘરમાં અંગ્રેજી સિવાયની અન્ય ભાષા બોલે છે.
વર્ષ 2016થી અત્યાર સુધીમાં આવા લોકોની સંખ્યામાં લગભગ 8 લાખનો વધારો થયો છે. અંગ્રેજી સિવાય બોલાતી ભાષાઓમાં સૌથી વધુ પ્રચલિત ચીની અથવા અરબી છે.
3. મૂળનિવાસીની વસ્તી પણ ઝડપથી વધી
ઑસ્ટ્રેલિયામાં છેલ્લી વસતીગણતરી પછી જે લોકો પોતાને સ્થાનિક અથવા ટોરેસ સ્ટ્રેટ આઇલૅન્ડના વતની તરીકે ઓળખાવે છે તેમની સંખ્યામાં લગભગ એક ચતુર્થાંશનો વધારો થયો છે.
એબીએસ અનુસાર, આનું કારણ માત્ર વસ્તીમાં વધારો જ નથી, પરંતુ આ સમુદાયના લોકો હવે તેમની મૂળ નિવાસી ઓળખ જાહેર કરવામાં પહેલાં કરતાં વધુ સહજ થઈ રહ્યા છે.
હવે દેશના મૂળ નિવાસી લોકોની સંખ્યા વધીને 8,12,728 થઈ ગઈ છે, જે દેશની કુલ વસ્તીના 3.2 ટકા છે.
ડેટા એ પણ દર્શાવે છે કે સ્થાનિક અથવા ટોરેસ સ્ટ્રેટ આઈલૅન્ડના લોકો દ્વારા બોલાતી સક્રિય ભાષાઓ 167 છે અને તે સમગ્ર દેશમાં 78,000થી વધુ લોકોની બોલી છે.
1788માં યુરોપિયનોના આગમન પહેલાં દેશમાં મૂળ નિવાસી લોકોની સંખ્યા 3.15 લાખથી 10 લાખની વચ્ચે હોવાનો અંદાજ હતો. પરંતુ બિમારી, હિંસા, સ્થળાંતર અને હકાલપટ્ટીના કારણે મૂળનિવાસીની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો હતો.
4. મિલેનિયલે બેબી બૂમર્સને પાછળ છોડી દીધા
તાજેતરની વસતીગણતરીના ડેટાની બીજી વિશેષતા એ છે કે દેશની પેઢી હવે બદલાઈ ગઈ છે.
ઑસ્ટ્રેલિયામાં હમણાં સુધી સૌથી વધુ સંખ્યામાં 'બેબી બૂમર્સ' (1946 અને 65 વચ્ચે જન્મેલા લોકો) હતા.
પરંતુ હવે 'મિલેનિયલ' (1981 અને 95ની વચ્ચે જન્મેલા લોકો)ની સંખ્યા 'બેબી બૂમર્સ'થી થોડી વધી ગઈ છે.
દેશની વસ્તીમાં આ બંને સમૂહોનો હિસ્સો 21.5 ટકા છે.
નિષ્ણાતોનું માનવું છે કે સરકારે હવે આવાસ અને વૃદ્ધોની સુવિધા પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે.
5. ઘર ખરીદવું મુશ્કેલ બન્યું
25 વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયામાં લગભગ ચોથા ભાગના લોકો ઘર ખરીદતા હતા, પરંતુ હવે અહીં ઘર ખરીદવું સરળ રહ્યું નથી.
મોંઘવારી વધતાં ગીરો મૂકેલી મિલકતોનો હિસ્સો 1996માં હતો જે બમણા કરતાં પણ વધુ થયો છે.
2022ના એક અહેવાલ મુજબ, ઑસ્ટ્રેલિયન શહેરો હવે ઘરની ખરીદીના સંદર્ભમાં વિશ્વના સૌથી ઊંચા રેંકિંગમાં આવે છે.
વસતીગણતરીના આંકડા પણ દર્શાવે છે કે હવે લોકો રહેવા માટેના અન્ય વિકલ્પો તરફ વળ્યા છે.
હવે દેશમાં કૈરાવૈન (વાહનમાં જ રહેવાની વ્યવસ્થા) રાખનારાઓની સંખ્યામાં લગભગ 150 ટકાનો વધારો થયો છે. દેશના પ્રવાસીઓમાં કૈરાવૈન ખૂબ જ લોકપ્રિય છે.
હવે દેશમાં કૈરાવૈનધારકોની સંખ્યા વધીને લગભગ 60 હજાર થઈ ગઈ છે. સાથે જ હાઉસ બોટ પણ 30 હજાર જેટલી થઈ ગઈ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો