You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સિક્કિમ : વાદળ ફાટે છે કેવી રીતે?
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
ભારતના ઉત્તર પૂર્વના રાજ્ય સિક્કિમમાં સેનાના 22 જવાનો સહિત 102 લોકો અચાનક આવેલા પૂરમાં લાપતા થઈ ગયા છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર વાદળ ફાટવાને કારણે અચાનક આવેલા પૂરમાં 14 લોકોનાં મૃત્યુ પણ થયાં છે.
તીસતા નદીના ઉપરી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. જેને કારણે નદીનું પાણી ખતરના નિશાનને વટાવી ગયું હતું. પરિસ્થિતિ બગડતાં નજીકના ડૅમમાંથી પાણી છોડવાની જરૂર પડી હતી.
અચાનક આવેલા પૂરને કારણે પરિવહનતંત્ર પણ ખોરવાઈ ગયું હતું. ખાસ કરીને આ જગ્યાને રાજ્યના બીજા વિસ્તારો જોડતા બે બ્રિજ પણ ધોવાઈ ગયા હતા. સેનાને કેટલાંક વાહનો પણ પાણીમાં ડૂબી ગયાં હતાં. સંરક્ષણમંત્રાલયે બીબીસને જણાવ્યું કે બચાવકાર્ય ચાલી રહ્યું છે અને હજુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
સિક્કિમમાં રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. પૂરને કારણે અનેક ઘરો નષ્ટ થયાં છે અને લોકો બેઘર થયા છે.
અધિકારીઓ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર ત્રણ હજાર જેટલા લોકો હજુ પૂરમાં ફસાયેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિમાલય ક્ષેત્રમાં લોકોએ પૂર અને પ્રાકૃતિક સંકટ વારંવાર સામનો કરવો પડે છે. ગત વર્ષે પણ હજારો લોકો બેઘર થયા હતા અને 24 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
વાદળ ફાટવું એટલે શું?
જ્યારે એક ચોક્કસ વિસ્તારમાં અચાનક અતિભારે વરસાદ પડે ત્યારે તેને વાદળ ફાટ્યું એમ કહેવાય છે. જેના કારણે જળપ્રવાહોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થાય છે.
ભારતીય હવામાન વિભાગે આઅંગે વ્યાખ્યા આપી છે, તે મુજબ જો 20-30 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કલાકમાં 100 મીમી કે તેથી વધારે વરસાદ પડે તો તેને વાદળ ફાટ્યું કહેવાય. વાદળ ફાટવાની ઘટના સામાન્યતઃ સમુદ્રની સપાટીથી 1000-2500 મીટર ઉપર આવેલા વિસ્તારમાં થાય છે.
હવામાનખાતાની વ્યાખ્યા પ્રમાણે, "એકથી 10 કિલોમીટરના વિસ્તારમાં એક કલાકમાં 10 સેમી કે તેથી વધુ વરસાદ પડે ત્યારે તેને 'વાદળ ફાટ્યું' કહેવાય છે." તે હવામાનમાં સામાન્ય ફેરફારથી પણ ઘટી શકે છે, એટલે પણ તેની આગાહી કરવી મુશ્કેલ હોય છે.
અત્રે એ બાબત પર ધ્યાન આપવું રહ્યું કે સામાન્ય સંજોગોમાં એક કલાકમાં 10 સેમી વરસાદને કારણે ભારે નુકસાન ન થાય, પરંતુ જો આસપાસમાં નદી કે તળાવ હોય તો અચાનક જ તેમાં પાણી વધી જાય છે. જેના કારણે પૂરની સ્થિતિ ઊભી થાય છે.
આથી જ જ્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના ઘટે છે, ત્યારે જાનમાલનું ભારે નુકસાન થાય છે.
સામાન્ય રીતે ચોમાસામાં કે તેના થોડા સમય પહેલાં આ પ્રકારની ઘટના ઘટતી હોય છે. મે મહિનાથી જુલાઈ-ઑગસ્ટ સુધી પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવા ઉત્તર ભારતના પ્રદેશોમાં વાદળ ફાટવાની ઘટના ઘટતી રહે છે.
ક્યારેક એક જગ્યાએ એક કરતાં વધુ વાદળ પણ ફાટી શકે છે, જેના કારણે મોટાપાયે જાનમાલનું નુકસાન થાય છે. જળવાયુ પરિવર્તનને કારણે આગામી સમયમાં વાદળ ફાટવાની ઘટનાઓની સંખ્યા વધી શકે છે, એવું તજજ્ઞોનું અનુમાન છે.
વર્લ્ડ મિટિયૉરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએમઓ) અનુસાર, જ્યારે પવન પહાડ નજીકથી પસાર થાય, ત્યારે તે ઉપર તરફ ગતિ કરે છે. જો હવામાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય તો પહાડની ટોચ પર વાદળ બનવા માડે છે.
પહાડની ટોચ પર જગ્યા ઓછી હોવાના કારણે વાદળો ઘટ્ટ બને છે. પાણીનાં ટીપાં અથવા બરફનાં કણોનું કદ અને તીવ્રતા વધે છે જે ભારે વરસાદ અથવા વાદળ ફાટવાની ઘટનામાં પરિણમી શકે છે.
વાદળ ફાટવાનાં કારણો
બ્રિટાનિકા અનુસાર ગરમ હવાને કારણે વાદળ ફાટવાની ઘટના બની શકે છે. ગાજવીજ સાથે પવન ફૂંકાય છે, જે વાદળના પાણીને વરસાદ સ્વરૂપે નીચે આવતા અટકાવે છે. તેના કારણે પ્રમાણમાં પાણી વાદળમાં એકઠું થવા લાગે છે અને જ્યારે હવાનું જોર ઘટી જાય છે, ત્યારે પાણી એકસાથે નીચે પડે છે.
ભૌગોલિક અથવા તો હવામાનના કારણોસર વાદળ ફાટવાની ઘટના ઘટી શકે છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં અગાઉ સ્કાયમેટ વેધરના જી. પી. શર્માએ જણાવ્યું, પહાડી વિસ્તારોમાં સામાન્યતઃ ઑરોગ્રાફી રેનફોલના કારણે વાદળ ફાટવાની ઘટના બનતી હોય છે. સામાન્ય વરસાદ કરતાં ઑરોગ્રાફી રેનફોલ એકદમ અલગ હોય છે અને તેની તીવ્રતા પણ વધારે હોય છે.
શર્માના મતે, મેદાની વિસ્તારોની સરખામણીમાં પહાડી વિસ્તારોમાં વાદળ ફાટવાની આગાહી કરવી મુશ્કેલ હોય છે.
વાદળ ફાટવાની ઘટના સામાન્યતઃ પહાડી વિસ્તારોમાં થાય છે, કારણ કે ગરમ હવા પહાડની ઉપરની તરફ આગળ વધે છે. વાદળ પણ પવનની દિશામાં ઉપરની તરફ ગતિ કરે છે.
પવનના કારણે વાદળમાંથી પાણીનાં ટીપાં નીચે પડવાની જગ્યાએ વાદળમાં ભેગાં થવા લાગે છે. જ્યારે પાણીનું વજન વધી જાય છે ત્યારે વાદળ ફાટી જાય છે અને પાણીનો તીવ્ર ધોધ નીચે આવે છે.
ક્યારેક પહાડની ટોચ પર લૉ પ્રેશરના સર્જાય છે, તેના કારણે પણ વાદળ ફાટવાની ઘટના બને છે. લૉ પ્રેશર વાદળોને પોતાની તરફ આકર્ષે છે અને જ્યારે વાદળ ટોચ પર પહોંચે છે, ત્યારે તે પહાડની ટોચ સાથે અથડાય છે, જેના કારણે એકસાથે પાણી નીચે પડે છે.
કેદારનાથમાં કેર
આ પ્રથમ વખત નથી જ્યારે હિમાલયમાં વાદળ ફાટવાની ઘટના બની હોય. 2013માં હિંદુ ધર્મસ્થળ કેદારનાથમાં વાદળ ફાટવાના કારણે અસંખ્ય લોકોનાં મૃત્યુ થયાં હતાં અને કેટલાંક ગામો સંપૂર્ણ રીતે નકશામાંથી ગાયબ થઈ ગયાં હતાં.
સાઉથ એશિયા નેટવર્ક ઑન ડેમ્સ, રિવર્સ ઍન્ડ પીપલ (એસએએનડીઆરપી) હિમાલયન વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાઓ પર નજર રાખે છે.
વિવિધ મીડિયા રિપોર્ટને ટાંકતાં સંસ્થા જણાવે છે કે 2020માં હિમાલયના પહાડી વિસ્તારમાં વાદળ ફાટવાની 29 ઘટના નોંધાઈ હતી, જેમાં સૌથી વધુ 14 ઘટના ઉત્તરાખંડમાં, જમ્મુ-કાશ્મીરમાં (સાત), હિમાચલ પ્રદેશમાં ત્રણ અને પૂર્વોત્તર રાજ્યોમાં પાંચ ઘટના નોંધાઈ હતી.
એસએએનડીઆરપી અનુસાર, 2019માં ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની 23, હિમાચલ પ્રદેશમાં 16 તથા જમ્મુ અને કાશ્મીરમાં નવ ઘટના નોંધાઈ હતી.
ચેરાપૂંજીમાં વર્ષ દરમિયાન વરસાદ પડતો રહે છે. બંગાળની ખાડીમાં ઊભા થયેલા પવન ભેજ લઈને આવે છે. ચોમાસા દરમિયાન પણ આવી જ સ્થિતિ ઊભી થાય છે. પૂર્વોત્તરમાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ બને છે, પરંતુ ત્યાંના લોકો અગાઉથી જ તેના માટે તૈયાર હોય છે.
પાણી એક જ જગ્યાએ એકઠું નથી થતું અને વહી નીકળે છે. આ વિસ્તારોમાં વસતિ ઓછી છે, એટલે પણ જાનમાલનું નહિવત્ નુકસાન થાય છે.
વાદળ ફાટવાની આગાહી
વાદળ ફાટવાની ઘટના સામાન્યતઃ નાના વિસ્તારમાં થાય છે, જેના કારણે તેની આગાહી કરવી મુશ્કેલ બની જાય છે. પરંતુ ડોપલર વેધર રડારની શોધ થયા બાદ તેની આગાહી કરી શકાય છે.
ડોપલર વેધર રડારના કારણે વાદળ ફાટવાના છથી બાર કલાક પહેલાં તેની આગાહી કરી શકાય છે. આ રડાર પવનની ગતિ અને હવામાં રહેલા ભેજને માપીને આગાહી કરે છે. પરંતુ તેના ચોક્કસ સ્થળ, પ્રમાણ અને વાદળ ફાટશે કે નહીં તેના વિશે આગાહી કરવી મુશ્કેલ બની રહેતી હોય છે.
2013માં કેદારનાથમાં ઘટેલી વાદળ ફાટવાની ઘટના બાદ ઉત્તરાખંડની સરકારે ડોપલર વેધર રડાર લાગવાનું નક્કી કર્યું હતું. જાન્યુઆરી 2021માં ભારતીય હવામાન વિભાગ અને ઉત્તરાખંડ સરકારે કુમાઉના મુક્તેશ્વરમાં આ પ્રકારનું રડાર લગાવ્યું હતું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો