You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અશોકસ્તંભના સિંહો જેનું મોદીએ ઉદ્ઘાટન કર્યું એ શું બિહામણા બનાવાયા છે?
- 11 જુલાઈએ વડા પ્રધાન મોદીએ સંસદભવનમાં નવા અશોકસ્તંભના સિંહોની પ્રતિકૃતિનું ઉદ્ઘાટન કર્યું
- 20 ફૂટ ઊંચા સ્તંભમાં સિંહોની પ્રતિકૃતિને લઈને સોશિયલ મીડિયામાં સર્જાયો વિવાદ
- નવા સિંહો ક્રૂર અને આદમખોર હોવાનો કેટલાક રાજનેતાઓનો દાવો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નવા સંસદભવનની છત પર વિશાળકાય અશોકસ્તંભના સિંહોની પ્રતિકૃતિનું ઉદ્ઘાટન કર્યું હતું. અશોકસ્તંભ પરની સિંહોની પ્રતિકૃતિને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 જુલાઈએ નવા સંસદભવનની છત પર લાગનારા અશોકસ્તંભના સિંહોની પ્રતિકૃતિનું ઉદ્ઘાટન કર્યું હતું. 20 ફૂટ ઊંચા આ સ્તંભ પર મહાકાય સિંહોની પ્રતિકૃતિ છે.
અંદાજે 9,500 કિલોગ્રામની આ સંરચના સંપૂર્ણપણે સ્ટીલમાંથી બનાવાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સંરચના કુલ આઠ તબક્કામાં તૈયાર કરવામાં આવી છે.
વડા પ્રધાનના આ અનાવરણ બાદ રાજનેતાઓએ સરકાર પર કેટલાક આરોપો લગાવ્યા છે, જેને ફગાવી દેવામાં આવ્યા છે.
અશોકસ્તંભમાં સિંહોની પ્રતિકૃતિને લઈને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કરેલા એક ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર જંગ છેડાયો છે.
તેમણે ટ્વિટર પર સવાલ ઊઠાવ્યો કે, "હું 130 કરોડ ભારતીયોને પૂછવા માગું છું કે રાષ્ટ્રીય પ્રતીક બદલનારાઓને "રાષ્ટ્રવિરોધી" કહેવા જોઈએ કે નહીં."
તેમણે શૅર કરેલા ટ્વીટમાં લખ્યું હતું કે, "અશોકસ્તંભમાં સિંહ જવાબદાર શાસકની જેમ ગંભીર અવસ્થામાં જોવા મળે છે. જ્યારે બીજા (સંસદની છત પર) સિંહ આદમખોર શાસકની ભૂમિકામાં બિહામણા લાગી રહ્યા છે."
લોકો શું કહી રહ્યા છે?
સંજય સિંહના આ ટ્વીટ પર ભાજપ નેતા કપિલ મિશ્રાએ લખ્યું, "સંજય સિંહજી, ભગવંત માનજીવાળી દવા પીને ટ્વીટ ના કરો. તમે સહન નહીં કરી શકો. અશોકસ્તંભના સિંહને આદમખોર કહીને આપ માત્ર ખુદની બચેલી ઇજ્જતનું કેજરીવાલ બનાવી રહ્યા છો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીપીએમ નેતા સીતારામ યેચુરીએ સંસદભવન પર રાષ્ટ્રીય પ્રતીકના અનાવરણને બંધારણની વિરુદ્ધ ગણાવ્યું છે.
તેમણે ટ્વીટ કર્યું કે નવા સંસદભવન પર વડા પ્રધાન દ્વારા રાષ્ટ્ર પ્રતીકનું અનાવરણ કરવું એ આપણા બંધારણનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. બંધારણ આપણી લોકશાહીની ત્રણ પાંખો - કારોબારી (સરકાર), ધારાસભા (સંસદ અને સ્ટેટ એસેમ્બલી) અને ન્યાયતંત્રને સ્પષ્ટપણે અલગ પાડે છે.
અશોકસ્તંભ શું છે?
- ભારતનું રાષ્ટ્રીય પ્રતીક સારનાથસ્થિત અશોકના સિંહ સ્તંભની પ્રતિકૃતિ છે, જે સારનાથના સંગ્રહાલયમાં સુરક્ષિત છે.
- મૂળ સ્તંભમાં શીર્ષ પર ચાર સિંહ છે, જેણે એકબીજા તરફ પોતાની પીઠ કરેલી છે. નીચે એક ચિત્રમાં એક હાથી, દોડતો ઘોડો, એક સાંઢ અને એ સિંહ છે મૂર્તિઓ છે. તેની વચ્ચે-વચ્ચે ચક્ર બનેલું છે.
- એક જ પથ્થરને કોતરીને બનાવેલા આ સિંહ સ્તંભ પર 'ધર્મચક્ર' રાખેલું છે.
- ભારત સરકાર દ્વારા આ પ્રતીકને 26 જાન્યુઆરી, 1950ના રોજ રાષ્ટ્રીય પ્રતીકના રૂપમાં સ્વીકારાયું હતું.
તો ઉસ્માનિયા વિશ્વવિદ્યાલય હૈદરાબાદમાં પત્રકારત્વના પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક નાગેશ્વરે કહ્યું કે સંસદ અને રાષ્ટ્રીય પ્રતીક ભારતના લોકોનું છે, કોઈ એક વ્યક્તિ કે એક પાર્ટીનું નથી.
તો વિપક્ષના નેતાઓની ગેરહાજરી પર ભાજપના નેતાઓએ આરોપોને ફગાવી દીધા છે. રાજ્યસભા સાંસદ અને ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પાર્ટી કાર્યાલયમાં મીડિયાને કહ્યું કે માત્ર બંધારણીય પદો પર રહેલા લોકોને આ કાર્યક્રમમાં આમંત્રિત કરાયા હતા.
જોકે, ઘણા નેતાઓએ જૂના અને નવા અશોકસ્તંભની તસવીરો શૅર કરીને બંને વચ્ચેનો ભેદ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ આ વિવાદ પર જૂના અને નવા અશોકસ્તંભની તસવીર શૅર કરી છે.
જ્યારે ટીએમસી સાંસદ જવાહર સરકારે પણ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું, "આ આપણા રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન છે. સાચી તસવીર ડાબી બાજુ છે. જ્યારે જમણી બાજુ મોદીનું વર્ઝન છે, જેને સંસદની નવી ઇમારત પર લગાવવામાં આવ્યું છે. જે અનાવશ્યક રીતે ખૂબ આક્રમક છે. આને તરત બદલવામાં આવે."
રાષ્ટ્રીય જનતા દળે ટ્વીટ કર્યું કે મૂળ કૃતિના ચહેરા પર સૌમ્યતાનો ભાવ છે જ્યારે 'અમૃતકાળ'માં બનેલી કૃતિની નકલના ચહેરા પર માણસ, પૂર્વજો અને દેશનું બધું જ ગળી જવાની આદમખોર પ્રકૃતિનો ભાવ છે.
ટ્વીટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે દરેક પ્રતીક-ચિહ્ન માણસની આંતરિક વિચારધારાને પ્રદર્શિત કરે છે. માણસ પ્રતીકોથી સામાન્ય લોકોને દર્શાવે છે કે તેની પ્રકૃતિ શું છે.
પ્રશાંત ભૂષણે ટ્વીટ કર્યું કે "ગાંધીથી ગોડસે સુધી, રાષ્ટ્રીય પ્રતીકમાં શાંત અને સૌમ્યતાથી બેસેલા સિંહોથી હાલમાં ગુસ્સે ભરાયેલા અને બહાર દાંત ધરાવતા નવા સિંહો સુધી. આ છે મોદીનું નવું ભારત."
શ્રીજિથ પનિકર નામના એક યૂઝરે ટ્વીટ કર્યું છે કે, "આ વાત હાસ્યાસ્પદ છે કે જે લોકોએ ક્યારેય આપણા રાષ્ટ્રીય પ્રતીકને ધ્યાનથી જોયો નથી, એ લોકો તેમાં ભૂલો શોધી રહ્યા છે."
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ શું છે?
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ડિઝાઈન ગુજરાતના આર્કિટેક્ચર બિમલ પટેલે બનાવી છે. સંસદભવનની નવી ઇમારત ત્રિકોણાકાર હશે. જે હાલના સંસદભવન સાથે જોડાયેલી હશે.
નવું સંસદભવન 64,500 વર્ગ મીટરમાં ફેલાયેલું હશે. જે જૂના સંસદભવન કરતાં 17,000 વર્ગ મીટર મોટું હશે.
નવા સંસદભવનમાં લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહ હશે. લોકસભામાં હાલ 543 સભ્યો બેસે છે. જ્યારે નવી લોકસભામાં 888 સભ્યો બેસી શકશે. રાજ્યસભામાં 245 સભ્યો બેસી શકે છે, હવે 384 સભ્યો બેસી શકશે.
લોકસભાની બેઠક વ્યવસ્થામાં સુધારો કરીને જ્યારે સંયુક્ત સત્ર હશે ત્યારે તેની ક્ષમતા 1272 કરી શકાશે.
એવી આશા હતી કે આ વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠ પર નવું સંસદભવન તૈયાર થઈ જશે, પણ હવે અધિકારીઓનું કહેવું છે કે આ ઑક્ટોબર સુધી તૈયાર થઈ શકશે.
હાલનું સંસદભવન અંગ્રેજોએ આઝાદી પહેલાં 1927માં બનાવ્યું હતું.
વિપક્ષે આ પ્રોજેક્ટ પર થઈ રહેલા ખર્ચ પર સવાલ ઉઠાવ્યા હતા અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. પણ કોર્ટે તેને લીલી ઝંડી આપી હતી. નવા સંસદભવન અંગે વધુ વાંચો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો