સેક્સ વર્કસની જિંદગી સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક આદેશથી કેટલી બદલાશે ?

    • લેેખક, સુચિત્રા મોહંતી
    • પદ, બીબીસી માટે

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં સેક્સ વર્કરોનાં જીવન અને ગૌરવ પર દૂરગામી પરિણામો અને અસરો ઊભી કરતો ચૂકાદો આપ્યો છે.

કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે પોલીસે પુખ્ત વયના અને સંમતિ સાથેના દેહવિક્રયમાં સેક્સ વર્કરનાં કિસ્સામાં દખલ કે ફોજદારી કાર્યવાહી કરવી નહીં. તેઓની સાથે સન્માનપૂર્વક વર્તવું, ગુનેગારની જેમ વર્તવું નહીં.

જસ્ટિસ એલ નાગેશ્વર રાવની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે 19 મેના રોજ આ ચુકાદો આપ્યો છે. જેમાં જસ્ટિસ બી આર ગવઈ અને એએસ બોપન્ના પણ હતા. આ ચુકાદો તેમણે 2011માં કોલકાતામાં એક સેક્સ વર્કરનાં સંબંધમાં નોંધાયેલી ઔપચારિક ફોજદારી ફરિયાદ સામે સુઓ મોટુ કોગ્નિઝન્સ (એસએમસી)ના સંદર્ભમાં આપ્યો હતો.

વરિષ્ઠ વકીલ અને આ કેસમાં દરબાર મહિલા સમન્વય સમિતિનું પ્રતિનિધિત્વ કરતા આનંદ ગ્રોવરે બીબીસીને કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવકાર્ય છે. પ્રથમ વખત, સુપ્રીમ કોર્ટે સેક્સ વર્કરોને લગતો આટલો મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

તેમણે ઉમેર્યું, "સુપ્રીમ કોર્ટના આદેશથી સમગ્ર સેક્સ વર્કર સમુદાયમાં ખૂબ જ સારો સંદેશો ગયો છે. હવે સેક્સ વર્કરો સાથે ગૌરવપૂર્વક વર્તવું, તેઓ ગુનેગાર અને જાણે કે નાગરિક જ ન હોય તેવી રીતે વર્તવું નહીં. તેમને રૅશન મેળવવાના અને આધાર કાર્ડ જેવા ઓળખપત્ર મેળવવાનાં અધિકારો આપ્યા છે."

તેમણે એમ પણ કહ્યું કે જ્યારે દરોડા દરમિયાન પોલીસને સેક્સ વર્કર્સ જાતીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત જણાય અને તેઓ તેમની સ્વતંત્ર ઇચ્છાથી કામ કરી રહ્યાં હોય તો તેમની ધરપકડ કરી શકાશે નહીં.

"જ્યારે પોલીસ પાર્ટી દ્વારા કોઈપણ પ્રકારના વેશ્યાગૃહમાં દરોડો પાડવામાં આવે તો સેક્સ વર્કરની ધરપકડ કરી શકાશે નહીં. જો તે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી આવું કરી રહી હોય તો તેમની સામે કાર્યવાહી થઈ શકશે નહીં. તેમની સાથે સન્માનજનક વ્યવહાર કરવામાં આવે, તેઓ ગુનેગાર નથી."

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સર્વોચ્ચ અદાલતે તેના આદેશમાં સેક્સ વર્કરોનાં વ્યવસાય અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

"સેક્સવર્કર સાથે ગુનેગાર જેવું વર્તન ન કરવું"

ભારતના અન્ય જાણીતા કાનૂની નિષ્ણાત અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કામિની જયસ્વાલે બીબીસીને જણાવ્યું હતું, આ સારા સમાચાર છે કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે સેક્સ વર્કર સાથે સન્માનજનક વ્યવહાર કરવો અને જ્યારે દરોડો પડે ત્યારે તેમની ધરપકડ કરી શકાય નહીં.

કામિની જયસ્વાલે બીબીસીને કહ્યું, "તેમની સાથે સતત ગુનેગાર જેવો વ્યવહાર કરી શકાય નહીં. તેઓ આખરે તો મનુષ્યો છે. સેક્સ વર્કર્સને જીવવાનું ગૌરવ આપવું એ એક ઉત્તમ વાત છે. છેવટે, આપણે એ સમજવાની જરૂર છે કે તેમની પાસે કરવા જેવું કંઈ નથી એટલે જ તો આ કામ કરી રહી છે. તેઓ તે તેમની પસંદગીથી કરતાં નથી. તેઓ આ વ્યવસાયમાં ધકેલાઈ ગયાં છે."

તેમણે કહ્યું કે સરકારે હવે સેક્સ વર્કરોને તેમનાં જીવન નિર્વાહ માટે અમુક પ્રકારની સુરક્ષા, ખોરાક, આશ્રય આપવાનું વિચારવું જોઈએ, જેથી તેઓને આ વ્યવસાયમાં આવવાની ફરજ ન પડે.

કામિનીએ એ હકીકત પર પણ ભાર મૂક્યો કે આ મુદ્દાને લઈને પોલીસે સંવેદનશીલ અને જવાબદાર બનવું પડશે. તેમણે કહ્યું, "વ્યાપક અર્થમાં, પુરુષોએ આ મુદ્દે સંવેદનશીલ બનવું રહ્યું."

જાણીતા કાનૂનવિદ્દ વૃંદા ગ્રોવર મહિલાઓને અસર કરતાં મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે, તેમણે બીબીસીને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશથી સેક્સ વર્કર્સને અધિકાર ધરાવતા નાગરિક તરીકે માન્યતા મળી છે, તેમની ગરિમાને જાળવી રાખવી જોઈએ અને તેમને કાયદાનું સંપૂર્ણ રક્ષણ મળે તે જોવું જોઈએ.

વૃંદા ગ્રોવરે બીબીસીને જણાવ્યું હતું, "સુપ્રીમ કોર્ટે પોલીસ સહિત સેક્સ વર્કરોને જે હિંસા અને ભેદભાવનો સામનો કરવો પડે છે તેને ઓળખીને આ પ્રગતિશીલ ચુકાદો આપ્યો છે."

સુઓ-મોટોથી ચુકાદા સુધીનો ઘટનાક્રમ

2011માં સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દાને SMC તરીકે લીધો અને ત્યારબાદ સમગ્ર મુદ્દાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.

પેનલની ભલામણો અનુસાર 19 મે, 2022ના રોજ સમિતિ રચી. જેમાં અધ્યક્ષ તરીકે પ્રદીપ ઘોષ ઉપરાંત જયંત ભૂષણ, વરિષ્ઠ સલાહકાર, ઉષા બહુહેતુક સહકારી મંડળી, ભારત સરકાર અને અન્ય સંબંધિત પક્ષોને સમાવાયા.

સમિતિએ સુપ્રીમ કોર્ટને ત્રણ ભલામણો કરી હતી.

એક, તસ્કરી નિવારણની. બે, જે ધંધો છોડવાં માંગતી હોય તેવી સેક્સ વર્કરનાં પુનર્વસનની અને ત્રીજી, ધંધો ચાલુ રાખવા માગતી સેક્સ વર્કર માટે ગૌરવ સાથે કામ કરી શકે તેવું અનુકૂળ વાતાવરણ સર્જવાની ભલામણ કરી હતી.

સુપ્રીમ કોર્ટે પણ આ ભલામણોને મહદ્અંશે ગ્રાહ્ય રાખી અને ચુકાદો આપ્યો કે જો સેક્સ વર્કરો પોતાની મરજીથી આ કામ કરતી હોય તો પોલીસ તેમની ધરપકડ કરી શકશે નહીં.

જસ્ટિસ રાવની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આદેશમાં કહ્યું, "સેક્સ વર્કર પુખ્ત હોય અને સંમતિથી એ કામ કરતી હોય તો પોલીસે દખલગીરી કે કોઈપણ ગુનાહિત કાર્યવાહીથી દૂર રહેવું જોઈએ."

ચૂકાદાની નકલ બીબીસી પાસે છે.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે પોલીસે પુખ્ત વયની અને સંમતિ આપતી સેક્સ વર્કર સામે ન તો દખલ કરવી જોઈએ કે ન તો ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે એમ પણ સૂચન કર્યું કે કેન્દ્ર અને રાજ્યોએ સેક્સ વર્કર્સ અથવા તેમના પ્રતિનિધિઓ સાથે મસલત કરીને કાયદામાં સુધારા કરવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું, "સેક્સ વર્કર કાયદાનું સમાન રક્ષણ મેળવવાં માટે હકદાર છે. ઉંમર અને સંમતિના આધારે ફોજદારી કાયદો તમામ કેસોમાં સમાન રીતે લાગુ થવો જોઈએ. જ્યારે એ સ્પષ્ટ હોય કે સેક્સ વર્કર પુખ્ત છે અને સંમતિથી ભાગ લઈ રહી છે ત્યારે પોલીસે કાર્યવાહી, દખલગીરી અથવા કોઈ ફોજદારી પગલાં લેવાનું ટાળવું."

"તેમનાં બાળકોને માતાથી અલગ ન કરવાં"

કોર્ટે કહ્યું, "સેક્સ વર્કરનાં બાળકને માત્ર એ આધાર પર માતાથી અલગ ન કરવું કે તે દેહવ્યાપારમાં સંલિપ્ત છે. માનવીય શિષ્ટાચાર અને ગૌરવની મૂળભૂત સુરક્ષા સેક્સ વર્કર અને તેમનાં બાળકો સુધી વિસ્તરે છે."

વધુમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો કોઈ સગીર વેશ્યાગૃહમાં અથવા સેક્સ વર્કર સાથે રહેતો જોવા મળે, તો એવું માની ન લેવું કે બાળકની તસ્કરી કરવામાં આવી છે.

કોર્ટે આદેશમાં કહ્યુ, "જો સેક્સ વર્કર દાવો કરે છે કે તે તેમનો પુત્ર/પુત્રી છે, તો દાવો સાચો છે કે કેમ તે નક્કી કરવા માટે પરીક્ષણ કરવું અને જો તેમ હોય તો, સગીરને બળજબરીથી અલગ ન કરવાં."

કોર્ટે પોલીસને ફોજદારી ફરિયાદ નોંધાવનાર સેક્સ વર્કર્સ સાથે ભેદભાવ ન કરવાનો આદેશ આપ્યો છે. ખાસ કરીને જો તેમની સામે કરવામાં આવેલ ગુનો જાતીય પ્રકૃતિનો હોય તેવા કિસ્સામાં. જાતીય હુમલાનો ભોગ બનેલી સેક્સ વર્કરોને તાત્કાલિક તબીબી અને કાનૂની સહાય સહિત દરેક સુવિધા પૂરી પાડવી.

અદાલતે સંવેદનશીલતા અંગે કહ્યું, "એવું નોંધવામાં આવ્યું છે કે સેક્સ વર્કર્સ પ્રત્યે પોલીસનું વલણ ઘણીવાર ક્રૂર અને હિંસક હોય છે. એવું લાગે છે કે તે એવો એક વર્ગ છે જેમનાં અધિકારોને માન્યતા આપવામાં આવતી નથી."

કોર્ટે કહ્યું હતું કે મીડિયાએ "સેક્સ વર્કરની ઓળખ જાહેર ન કરવા માટે ખૂબ કાળજી લેવી જોઈએ. ધરપકડ, દરોડા અને બચાવ કામગીરી દરમિયાન તે પીડિત હોય કે આરોપી, જેના પરિણામે આવી ઓળખ જાહેર થાય એવા કોઈ પણ ફોટા પ્રકાશિત અથવા ટેલિકાસ્ટ ન કરવા."

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, સેક્સ વર્કર્સ દ્વારા લેવામાં આવેલા તકેદારીનાં પગલાં જેવા કે કૉન્ડોમના ઉપયોગને પોલીસ દ્વારા ગુનાના પુરાવા તરીકે ન લેવા.

બીબીસી દ્વારા વારંવારના સંપર્ક છતાં ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ સીપી રવિન્દ્ર યાદવ અને સુમન નલવા સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ મુદ્દા પર ટિપ્પણી કરી શક્યા ન હતા.

"તેમને આધાર કાર્ડ આપો"

સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આનંદ ગ્રોવરે કોર્ટના ધ્યાને એ વિગત લાવ્યાં હતાં કે તેઓ તેમનાં રહેઠાણનો પુરાવો રજૂ કરવામાં અસમર્થ હોવાથી સેક્સ વર્કરોને આધાર કાર્ડ આપવામાં આવતા નથી.

અમે UIDAI ને નોટિસ જારી કરી અને તેના માટે રહેઠાણના પુરાવાની જરૂરિયાતને માફ કરવાના સંદર્ભમાં તેમના સૂચનો માગ્યા છે જેથી સેક્સ વર્કરને આધાર કાર્ડ આપવામાં આવે અને તેઓ પોતાના ઓળખપત્ર મેળવી શકે.

સુપ્રીમ કોર્ટ અનુસાર, UIDAI દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે જે સેક્સ વર્કર NACO (નેશનલ એઇડ્સ કંન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશન)ની યાદીમાં છે અને જેઓ આધાર કાર્ડ માટે અરજી કરે છે પરંતુ રહેઠાણનો પુરાવો રજુ કરી શકતાં નથી, તેઓને આધાર કાર્ડ આપી શકાય છે.

આ માટે આધાર નોંધણી ફોર્મ/અરજી NACO ખાતેના ગૅઝેટેડ ઑફિસર અથવા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના પ્રોજેક્ટ ડિરેક્ટર દ્વારા ખરાઈ સાથે દાખલ કરવાની રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો