પરફેક્ટ કૉન્ડોમ એટલે શું અને તેની જરૂર કેમ પડે છે?

    • લેેખક, કેરમાઇન લી
    • પદ, .

તેઓ યુરોપની પ્રાચીન સભ્યતાઓ પૈકીની એક સભ્યતાના શાસક હતા. લગભગ 5,000 વર્ષ અગાઉ તેઓ શાસન કરતા હતા; પણ એક દંતકથા મુજબ ક્રૅટના રાજા મિનોસને એક ગંભીર સમસ્યા હતી, તેમનું વીર્ય ઝેરી હતું.

આ રાજાના અંત:પુરમાં રહેતી અનેક મહિલાઓ એમની સાથે જાતીય સંબંધ બાંધ્યા પછી મૃત્યુ પામ્યાં હોવાનું કહેવાય છે, એવું મનાતું હતું કે રાજાના વીર્યની સાથે 'સાપ અને વીંછીનું સ્ખલન થતું હતું.'

રાજા મિનોસ કૉન્ડોમનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ હોવાનું ઇતિહાસનાં પૃષ્ઠો કહે છે.

રાજા મહિલાઓ સાથે સંબંધ બાંધતી વખતે બકરીના મૂત્રાશયનો કવચ તરીકે ઉપયોગ કરતા હતા. જોકે આ કવચ રાજા ધારણ કરતા હતા કે મહિલાઓ એ અસ્પષ્ટ છે.

હાલ દર વર્ષે દુનિયામાં આશરે 30 અબજ કૉન્ડોમનું વેચાણ થાય છે.

સંયુક્ત રાષ્ટ્રની સહાયથી ચાલતી UNAIDS નામની સંસ્થાના જણાવ્યા મુજબ વર્ષ 1990થી અત્યાર સુધી કૉન્ડોમના ઉપયોગથી અંદાજે 45 મિલિયન HIV ઇન્ફૅક્શન અટકાવી શકાયાં છે. પણ વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, આજે પણ જાતીય સંબંધથી દરરોજ 1 મિલિયન લોકો HIV ઇન્ફૅક્શનનો ભોગ બને છે. એટલું જ નહીં દર વર્ષે આઠ કરોડ મહિલાઓને અનિચ્છનીય ગર્ભ રહે છે.

આ બાબતોને ધ્યાનમાં રાખીને ઘણા જાહેર આરોગ્યનિષ્ણાતો ભાર મૂકે છે કે, રોગના પ્રચારને અટકાવવા અને કુટુંબનિયોજનમાં મદદરૂપ થવામાં કૉન્ડોમ વધારે મોટી ભૂમિકા ભજવી શકશે.

આધુનિક જમાનામાં પુરુષ લેટેક્સ કૉન્ડોમનો ઉપયોગ કરે છે, જે મોટા ભાગના જાતીય રોગો સામે 80 ટકા કે વધારે સુરક્ષાકવચ પ્રદાન કરે છે.

વિવિધ અભ્યાસોથી જાણકારી મળે છે કે, કૉન્ડોમનો યોગ્ય ઉપયોગ કરાય તો આ કવચ 95 ટકા સુધી સુરક્ષિત સાબિત થાય છે અને ખાસ કરીને HIVના સંક્રમણથી બચાવે છે.

જોકે બ્લૂમિંગ્ટનસ્થિત ઇન્ડિયાના યુનિવર્સિટીમાં રુરલ સેન્ટર ફૉર એઇડ્સ/એસટીડી પ્રિવેન્શનના સિનિયર ડિરેક્ટર વિલિયમ યાર્બર જણાવે છે કે હજુ પણ કૉન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કરવો લોકો માટે મોટો પડકાર છે.

તેમણે કહ્યું હતું કે, "અમારા સંશોધનમાં જાણકારી મળી છે કે ઘણા લોકો કૉન્ડોમનો ઉપયોગ કરવા ઇચ્છે છે, પણ એના પ્રતિકૂળ અનુભવો ધરાવે છે."

"તેમને કૉન્ડોમના માઠા અનુભવો થયા છે, અથવા તેઓ કૉન્ડોમના સાચા ઉપયોગ વિશે અને જાતિય સંબંધની મજા માણવા કૉન્ડોમનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે વધારે જાણકારી ધરાવતા નથી."

કૉન્ડોમનો ઉપયોગ ન કરવા માટે લોકો વિવિધ કારણો ધરાવે છે, જેમ કે - ધાર્મિક ભાવનાઓ, જાતિય સંબંધો બાંધવાની ઓછી જાણકારી અને પ્રતિકૂળ અનુભવ.

કૉન્ડોમ તૂટી જવા કે સ્લિપ થઈ જવા પ્રમાણમાં અસાધારણ બાબતો છે, પણ આવી ઘટનાઓ ઘટે છે - કેટલાક અભ્યાસોનો અંદાજ છે કે આ પ્રકારની ઘટનાઓ 1%થી 5% કેસમાં ઘટે છે - એનાથી આત્મવિશ્વાસ પર અસર થઈ શકે છે.

આ પરિબળોને પગલે લોકો વધુને વધુ કૉન્ડોમનો ઉપયોગ કરે એ માટે નવીન સામગ્રીઓ અને ટેકનૉલૉજીઓ સાથે બનેલાં વધારે અનુકૂળ કૉન્ડોમ બનાવવા સંશોધકો પ્રેરિત થયા છે.

વર્ષ 2004માં બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીના નોબલ પારિતોષિક વિજેતા અરવિંદ વિજયરાઘવને સૌપ્રથમ ગ્રેફીન કૉન્ડોમનો વિચાર રજૂ કર્યો અને એનાથી કૉન્ડોમનો ઉપયોગ વધશે એવી આશા વ્યક્ત કરી.

ગ્રેફીન કૉન્ડોમ કાર્બનના પરમાણુઓનું અતિપાતળું સ્તર છે. વિજયરાઘવન માને છે કે આ પ્રકારની સૌથી પાતળી અને મજબૂત સામગ્રી કૉન્ડોમની ગુણવત્તા અને ઉપયોગિતા વધારવા માટે શ્રેષ્ઠ બની શકશે.

તેમની ટીમને કૉન્ડોમની ડિઝાઇનોમાં નવીનતા લાવવાના એક અભિયાનના ભાગરૂપે બિલ ઍન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને વર્ષ 2013માં ગ્રાન્ટ ફાળવી હતી. પણ એકલા ગ્રેફીનમાંથી કોઈ ચીજવસ્તુ ન બની શકે એટલે વિજયરાઘવનની ટીમ લૅટેક્સ અને પોલીયુરેથિન એમ બંને સાથે ગ્રેફીનનું સંયોજન કરી રહી છે.

વિજયરાઘવન કહે છે, "ગ્રેફીન નેનો-સ્કેલ સામગ્રી છે, જે એક પરમાણુ જેટલી જ જાડાઈ ધરાવે છે અને થોડા માઇક્રોમીટર પહોળાઈ. છતાં આ પૃથ્વી પરની સૌથી મજબૂત સામગ્રી છે. એમાં પડકાર છે - નેનો-સ્કેલમાંથી મેક્રો-સ્કેલ પર ગ્રેફીનની મજબૂતીનું હસ્તાંતરણ કરવું."

"અમે ગ્રેફીનના મજબૂત અણુઓ સાથે કુદરતી રબર લેટેક્સ કે પોલીયુરેથિન જેવા નબળા પોલીમરનું સંયોજન કરી રહ્યા છીએ. તેમાં નબળા પોલીમરને ગ્રેફીનની મજબૂતી મળશે."

તેઓ ઉમેરે છે કે આ સંયોજનથી પાતળી પોલીમરની પટ્ટીની ક્ષમતા 60 ટકા સુધી વધી શકે છે અથવા કૉન્ડોમને 20 ટકા પાતળો બનાવી શકાશે અને સાથેસાથે એની મજબૂતી જાળવી શકાશે.

હજુ ગ્રેફીન કૉન્ડોમ ઉપલબ્ધ થયા નથી. અત્યારે તેમની ટીમ તેમના નવીન, મજબૂત રબર ધરાવતા કોડન્મને વાણિજ્યિક ધોરણે પ્રસ્તુત કરવા કામ કરે છે.

ઑસ્ટ્રેલિયાની ક્વિન્સલૅન્ડ યુનિવર્સિટીમાં અન્ય એક જૂથ કૉન્ડોમ બનાવવામાં ઉપયોગ થતી સામગ્રીને વધારે પાતળી અને મજબૂત બનાવવા માટે કામ કરે છે.

તે ઓસ્ટ્રેલિયાના બરછટ ઘાસમાંથી બનેલા રેષા સાથે લેટેક્સનું સંયોજન ધરાવતા કૉન્ડોમ પર કામ કરે છે.

ઑસ્ટ્રેલિયાના સ્થાનિક સમુદાયો સદીઓથી સ્પિનિફેક્સ રેષાનો એડહેસિવ તરીકે ઉપયોગ કરતા હતા, ખાસ કરીને પથ્થરનાં સાધનો અને શસ્ત્રો બનાવવામાં.

સંશોધકોને જાણકારી મળી હતી કે, તેઓ ઘાસમાંથી પ્રાપ્તમાંથી નેનોસેલ્યુલોઝ સાથે લેટેક્સનું સંયોજન કરવાની રીત જાણતા હતા.

આ લેટેક્સની પટ્ટી 17% મજબૂત હતી અને વધારે પાતળી બનાવી શકાતી હતી.

સંશોધકો કહે છે કે, તેઓ એવો કૉન્ડોમ બનાવવા સક્ષમ હતા, જે ફાટવાની કસોટીમાં 20 ટકા વધારે દબાણ સહન કરી શકતા હતા અને બજારમાં હાલ ઉપલબ્ધ લેટેક્સ કૉન્ડોમની સરખામણીમાં 40 ટકા મોટા થઈ શકતા હતા.

ક્વિન્સલૅન્ડ યુનિવર્સિટીમાં મટિરિયલ્સ એંજિનયર નાસિમ અમિરાલિઆનને આશા છે કે તેઓ હાલના કૉન્ડોમથી 30 ટકા પાતળો છતાં વધારે મજબૂત કૉન્ડોમ બનાવી શકશે.

અત્યારે કૉન્ડોમમાં સામાન્ય રીતે સૌથી વધુ લેટેક્સનો ઉપયોગ થાય છે, પણ ઘણા લોકોને એના ઉપયોગમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય છે અને લ્યુબ્રિકન્ટની જરૂર અવારનવાર અનુભવે છે.

લેટેક્સ પ્રમાણમાં ખર્ચાળ છે, જે કૉન્ડોમનો ઉપયોગ કરવામાં વધુ એક અવરોધક પરિબળ છે.

દુનિયાના આશરે 4.3% લોકો લેટેક્સની ઍલર્જી પણ અનુભવે છે, જેના પગલે લાખો લોકો માટે સૌથી વધુ સામાન્ય પ્રકારનો આ કૉન્ડોમ બિનઉપયોગી બની જાય છે.

જ્યારે પોલીયુરેથિન કે નેચરલ મૅમ્બ્રેન કૉન્ડોમ ઉપલબ્ધ છે, ત્યારે તે પણ ખામીઓ ધરાવે છે.

જ્યારે લેટેક્સ કૉન્ડોમ કરતાં પોલીયુરેથિન કૉન્ડોમ ઘણી સરળતાથી તૂટી જાય છે ત્યારે મેમ્બ્રેન કૉન્ડોમ નાનાં છીદ્રો ધરાવે છે, જે હિપેટાઇટિસ બી અને એચઆઇવી સહિત STDના જીવાણુઓને રોકી શકતા નથી.

જોકે ઑસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોનું એક ગ્રૂપ લેટેક્સને બદલે "ટફ હાઇડ્રોજેલ" નામની નવી સામગ્રીનો ઉપયોગ કરવા ઇચ્છે છે.

મોટા ભાગના હાઇડ્રોજેલ - પાણીથી ફૂલાતું પોલીમર નેટવર્ક - નરમ અને પોચું હોય છે, પણ સ્વિનબર્ન યુનિવર્સિટી ઑફ ટેકનૉલૉજી અને ઑસ્ટ્રેલિયામાં વોલૂનગોંગ યુનિવર્સિટીમાં કામ કરતાં સંશોધકો રબર જેવા મજબૂત અને ખેંચી શકાય એવો કૉન્ડોમ બનાવવા કામ કરે છે.

ટીમે યુડાઇમોન નામની એક કંપની સ્થાપિત કરી છે, જે પ્રાથમિક સંશોધન પર આધારિત "જેલડૉમ્સ" કૉન્ડોમ બનાવવા પ્રયાસરત છે.

તેમાં લેટેક્સ હોતું નથી એટલે તેનાથી પરંપરાગત કૉન્ડોમ સાથે સંકળાયેલી ઍલર્જીની સમસ્યા ટાળી શકાય છે, પણ ટીમનું કહેવું છે કે તેના હાઇડ્રોજેલ્સને મનુષ્ય જેવી ત્વચાનો અનુભવ થાય એ રીતે પણ ડિઝાઇન કરી શકાશે, જેથી વધારે સ્વાભાવિક અનુભવ પ્રાપ્ત થાય.

હાઇડ્રોજેલ પાણી ધરાવે છે એટલે તેઓ ચીકાશ પણ ધરાવે છે અથવા ઉપયોગ દરમિયાન એના માળખામાંથી છૂટે એવી STD નિવારક દવાથી બનાવી શકાશે.

વધારાન ચીકાશ વિના ઉપયોગ થઈ શકે એવા કૉન્ડોમ બનાવવા અન્ય એક પડકાર છે. એના પ્રત્યે વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચાયું છે.

અમેરિકામાં બૉસ્ટન યુનિવર્સિટીમાં સંશોધકોનાં એક જૂથે કૉન્ડોમ પર લગાવી શકાશે એવું કૉટિંગ કે આવરણ વિકસાવ્યું છે, જે કૉન્ડોમમાં પર્યાપ્ત ચીકાશ જાળવી રાખે છે.

સંશોધકોએ ઇનોવેશન માટે હાઇડ્રોગ્લાઇડ કૉટિંગ્સ નામની કંપની બનાવી છે. આ સ્ટાર્ટઅપના ચીફ ઍક્ઝિક્યુટિવ અને સહ-સ્થાપક સ્ટેસી ચિનનું કહેવું છે કે, સેલ્ફ-લ્યુબ્રિકેટિંગ કૉન્ડોમ ઓછામાં ઓછા 1000 ધક્કા સામે ટકી શકે છે, જેની સરખામણીમાં રેગ્યુલેર કૉન્ડોમ આશરે 600 ધક્કા જ સહન કરી શકે છે.

ચિન ઉમેરે છે કે, અમે 33 લોકો સાથે એક નાનો સર્વે કર્યો હતો, જેમાં 53 ટકાએ આ કૉટિંગથી ઘર્ષણમાં ઘટાડો અનુભવ્યો હતો. એટલું જ નહીં 70 ટકા સહભાગીઓએ આ પ્રકારનો કૉન્ડોમ પસંદ કર્યો હતો. જોકે તેમણે વધારે વિગત આપવાનો ઇનકાર કર્યો હતો.

અમેરિકામાં એક કૉન્ડોમ ઉત્પાદક કંપની 60 અલગ-અલગ સાઇઝના કૉન્ડોમનું વેચાણ કરે છે.

વર્ષ 2014માં ઇન્ડિયાના યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણકારી મળી હતી કે, અમેરિકામાં સક્રિય જાતિય જીવન જીવતાં 1,661 પુરુષોના શિશ્નાંગની લંબાઈ 4 સેમીથી 26 સેમીની રેન્જમાં હતી, જેનો પરિઘ 3 સેમીથી 19 સેમી હતો. પુરુષ કૉન્ડોમની સરેરાશ લંબાઈ 18 સેમી છે.

આ સંશોધનને આધારે ગ્લોબલ પ્રોટેક્શન કોર્પોરેશને 10 અલગ-અલગ લંબાઈ અને નવ જુદોજુદો પરિઘ ધરાવતા કૉન્ડોમ પ્રસ્તુત કર્યા છે.

સધમ્પટન યુનિવર્સિટીમાં સેક્સ્યુઅલ ઍન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થના પ્રોફેસર તથા ઇન્ડિયાના યુનિવર્સિટીમાં ધ કિન્સે ઇન્સ્ટિટ્યૂટમાં કોન્ટમ ટીમમાં સંશોધન તરીકે કાર્યરત સીન્થિયા ગ્રેહામ કૉન્ડોમ સાથે સંબંધિત નવી રીતો એના ઉપયોગને વધારે સરળ બનાવે છે કે નહીં એનું વિશ્લેષણ પણ કરી રહ્યાં છે.

તેઓ એક નવા પ્રકારના કૉન્ડોમનું પરીક્ષણ કરી રહ્યાં છે, જેમાં બિલ્ટ ઇન ઍપ્લિકેટર હોય છે, જે કૉન્ડોમને એનો સ્પર્શ કર્યા વિના ધારણ કરવાની સુવિધા આપશે.

આ રેપર સાથે આવશે, જે સરળ પકડ માટે અને ઉતારવા માટે પુલ ટેબ ધરાવશે. એનો ઉદ્દેશ સામાન્ય ફોઇલ કૉન્ડોમની સરખામણીમાં કૉન્ડોમના સંભવિત નુકસાનને અટકાવવાનો છે.

એમાં ખોલી શકાય એવી પટ્ટીઓની જોડીઓનો ઉપયોગ થશે, જે સંપૂર્ણપણે ખૂલી ગયા પછી છૂટી પડી જાય છે - આ પ્રયાસ કૉન્ડોમના ઉપયોગ અગાઉ એ બરોબર ફિટ થાય એ સુનિશ્ચિત કરવાનો છે. પણ ફંડના અભાવે નૈદાનિક પરીક્ષણોમાં એનો ઉપયોગ હજુ શરૂ થયો નથી.

વળી કૉન્ડોમના ઉપયોગ આડે અન્ય એક મૂળભૂત સમસ્યા છે.

ગ્રેહામનું કહેવું છે કે, "સામાન્ય રીતે લોકો કૉન્ડોમનો ઉપયોગ ગર્ભનિરોધક સાધન તરીકે કરે છે, નહીં કે STIsને અટકાવવા. વધારે ચિંતાજનક બાબત એ છે કે, ઘણા યુવાનો મોટા ભાગના STIsનો ઉપચાર શક્ય હોવાનું માને છે. એટલે તેમને આ અંગે કોઈ પરવા નથી."

અત્યારે બજારમાં મજબૂત, પાતળા અને વધારે સુવિધાજનક કૉન્ડોમ ઉપલબ્ધ હોવા છતાં થોડી વધારે જાગૃતિ સાથે ઘણું બધું હાંસલ થઈ શકશે એ સ્પષ્ટ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો