ભારતના લોકોનું માનસિક સ્વાસ્થ્ય કેવું છે?

    • લેેખક, સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

અંજુ આવતાંજતાં મને હંમેશાં મળીને જાય. હોઠ પર લિપસ્ટિક, માથે ચાંદલો, હાથમાં બંગડી અને ચહેરા પર હંમેશાં હાસ્ય. લિફ્ટમાં કે સોસાયટીના એન્ટ્રન્સ પર જ્યારે પણ મને સામે મળી જાય ત્યારે હું ખબર પૂછી લઉં.

ક્યારેય હું ઘરકામમાં મદદ માટે તેને બોલાવું પણ ખરી. આવી જ રીતે એક વાર ખબર પૂછ્યા ત્યારે હસીને કહ્યું, "તબિયત સારી નથી. રડવાનું મન થાય છે."

રડવાની વાત પણ તેણે અવધીમાં હસતાંહસતાં જ કહી નાખી. તેણે અગાઉ પણ મને ઘણી વાર આવી રીતે જવાબ આપેલા.

અંજુ આ રીતે વારંવાર રડવાનું મન થાય છે, તેવી વાત કરતી હોય તો શું તેની પાછળ કોઈ સમસ્યા હશે?

શું નિમ્ન મધ્યમ વર્ગની અંજુ અને તેના પરિવારના લોકો સમજી શકશે કે ડૉક્ટરને મળવું જરૂરી છે?

શું અંજુ જેવી માનસિક સ્થિતિ હોય તેને જ કૉમન મૅન્ટલ ડિસઑર્ડર માનવામાં આવે છે? શું આવી સમસ્યા માત્ર કેટલાક લોકો પૂરતી જ સીમિત હોય છે?

શું કહે છે આંકડા?

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરો સાઇન્સિઝે 2016માં 12 રાજ્યોમાં સર્વેક્ષણ કરાવ્યું હતું.

તેમાં ચિંતાજનક આંકડા આવ્યા હતા કે વસતીના 2.7 ટકા જેટલા લોકો ડિપ્રેશન જેવા કૉમન મૅન્ટલ ડિસઑર્ડરથી પીડાય છે. 5.2 ટકા લોકો ક્યારેય ને ક્યારેય તેનો ભોગ બન્યા હોય છે.

આ સર્વેક્ષણમાંથી એક અંદાજ એવો મળ્યો હતો કે 15 કરોડ લોકો કોઈ ને કોઈ માનસિક સમસ્યાથી ગ્રસ્ત છે અને તેમને તબીબી સારવારની જરૂર છે.

સાઇન્સ મેડિકલ જર્નલ લેનસેટના 2016ના અહેવાલ અનુસાર ભારતમાં જરૂરી હોય તેમાંથી માત્ર 10 ટકા લોકોને જ તબીબી મદદ મળે છે.

તેનાથી પણ ચિંતાજનક વાત એ છે કે ભારતમાં માનસિક સમસ્યાથી ગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

આગામી દસ વર્ષમાં દુનિયાના માનસિક સમસ્યા ગ્રસ્ત લોકોમાંથી ત્રીજા ભાગના ભારતમાં હશે.

જાણકારો ચેતવણી આપી રહ્યા છે કે ભારતમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યા છે. શહેરો મોટાં થઈ રહ્યાં છે.

આધુનિક સુવિધાઓ વધી રહી છે, લોકો મોટી સંખ્યામાં પોતાનું ગામ છોડીને શહેરમાં વસવા લાગ્યા છે. આ બધી બાબતોની અસર માણસના મગજ પર પડી શકે છે. તેના કારણે ડિપ્રેશન જેવી સમસ્યા વધવાની આશંકા છે.

ડૉક્ટર નિમીશ દેસાઈ છેલ્લાં 40 વર્ષથી મનોચિકિત્સક તરીકે કામ કરે છે અને દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ એલાઇડ સાઇન્સિસ (IHBAS)ના ડિરેક્ટર છે.

તેમનું કહેવું છે, "ભારતમાં પરિવારો તૂટવા લાગ્યા, સ્વતંત્રતા અગત્યની બની અને ટેક્નોલૉજી વ્યાપી ગઈ છે તેના કારણે લોકો ડિપ્રેશન તરફ ધકેલાઈ છે."

"સમાજનું પશ્ચિમીકરણ થઈ રહ્યું છે, ટૉપ ફાઇવ ગિયરમાં દોડવા લાગ્યો છે. આ વીસમી સદીનું બીજા વિશ્વ યુદ્ધ પછીનું સોશિયલ ટેક્નોલૉજિકલ ડેવલપમૅન્ટ મૉડલ છે."

"સવાલ એ થાય છે કે સારો વિકાસ જરૂરી છે કે સારી માનસિક સ્થિતિ જરૂરી છે?"

જોકે તેમને સંતોષ છે કે હવે લોકો માનસિક સ્વાસ્થ્યને મહત્ત્વ આપવા લાગ્યા છે.

જોકે તેઓ માને છે કે હજી પણ સમાજના કેટલાક લોકો આ સમસ્યા વિશે ખૂલીને વાત કરવાનું પસંદ કરતાં નથી અને તેને નિષેધાત્મક વિષય ગણે છે.

2015માં હિન્દી ફિલ્મોની અભિનેત્રી દીપિકા પદુકોણે એક ઇન્ટરવ્યૂમાં કબૂલ કર્યું કે તે ડિપ્રેશનનો ભોગ બન્યાં હતાં.

અભિનય માટે જાણીતાં થયેલાં અને અનેક ઍવૉર્ડ મેળવી ચૂકેલાં દીપિકાને એક સવારે ઊઠ્યાં ત્યારે લાગ્યું કે જીવન દિશાહીન છે. તેઓ હતાશ થઈ ગયાં હતાં અને વાતવાતમાં રડવાં લાગતાં હતાં.

કૉમન મૅન્ટલ ડિસઑર્ડર એટલે શું?

દિલ્હીની સેન્ટ સ્ટિફન હૉસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર રૂપાલી શિવલકરનું કહેવું છે કે કૉમન મૅન્ટલ ડિસઑર્ડર એટલે કે સીએમડીની અસર 30થી 40 ટકા લોકોને હોય છે. તે લોકો સમજી શકતા નથી કે તેમને શું બીમારી છે.

સીએમડીનાં લક્ષણો અલગઅલગ હોય છે. જેમ કે કામમાં મન ન લાગવું, કોઈ શારીરિક બીમારી ન હોય તો પણ થાક લાગવો, ઊંઘ આવ્યા કરવી, સ્વભાવ ચીડિયો થઈ જવો, ગુસ્સો કરવાનું કે રડવાનું મન થવું.

બાળકોના વર્તનમાં અચાનક પરિવર્તન આવે, સ્કૂલ જવાની ના કહે, ગુસ્સો કરવા લાગે, આળસુ થઈ જાય કે પછી બહુ ચંચળ થઈ જાય તે લક્ષણો હોય છે.

આવાં લક્ષણો સતત બે અઠવાડિયાં સુધી રહે તો સીએમડી થયાનો અંદેશો રહે છે.

ડૉક્ટર શિવલકર કહે છે, કોઈ પણ વ્યક્તિ હાઇપર થાઇરોઇડ, ડાયાબિટીસ વગેરે જેવી ક્રોનિક હોર્મોનલ મુશ્કેલીથી ગ્રસ્ત હોય તેમના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના જણાવ્યા અનુસાર 10 ટકા ગર્ભવતીઓ અને 13 ટકા પ્રસૂતા ડિપ્રેશનમાં આવી જતી હોય છે.

વિકાસશીલ દેશોમાં આ પ્રમાણ ઊંચું છે, ગર્ભવતી સ્ત્રીમાં 15.6 ટકા અને પ્રસૂતામાં 19.8 ટકા.

બાળકો પણ ડિપ્રેશનનો ભોગ બનવા લાગ્યાં છે. ભારતમાં 0.3થી 1.2 ટકા બાળકો ડિપ્રેશનમાં રહેતાં હોય છે.

તેમને સમયસર સારવાર ના મળે તો માનસિક સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે.

દિલ્હીની એઈમ્સના મનોચિકિત્સા વિભાગના ડૉક્ટર નંદ કુમારના જણાવ્યા અનુસાર 10 વર્ષ પહેલાં ઓપીડીમાં 100 લોકો આવતા હતા, આજે રોજ 300થી 400 લોકો આવે છે.

માનસિક રોગીઓની સંખ્યા કેમ વધે છે?

IHBASના ડિરેક્ટર પણ કહે છે કે 10-15 વર્ષ પહેલાં સોથી દોઢસો લોકો આવતા હતા, હવે રોજ 1200થી 1300 લોકો આવે છે.

આ લોકોમાંથી મોટા ભાગના સીએમડીનો ભોગ બનેલા હોય છે.

તેમાં બાળકો અને યુવાનોમાં ઉદાસી, આત્મવિશ્વાસનો અભાવ, ગુસ્સો, ચીડિયાપણું જોવા મળતું હોય છે. મહિલાઓમાં થાક, ગભરાટ, એકાકીપણાની ફરિયાદ હોય છે.

ડૉક્ટરોનું કહેવું છે કે સોશિયલ મીડિયાને કારણે પણ કિશોરો અને યુવાનો ડિપ્રેશનમાં આવી જાય છે.

ડૉક્ટર નંદકિશોરનું કહેવું છે કે સોશિયલ મીડિયા તમારી પોસ્ટ કે ફોટોને લાઈક ના મળે, કે નકારાત્મક કૉમેન્ટ આવે તેના કારણે રિજેક્ટ અને ડિજેક્ટ થયાનો અનુભવ થાય છે. તેનાથી ભાવનાત્મક બોજ વધે છે.

બાળકોનું માનસિક સ્વાસ્થ્ય

તે જ વાતને આગળ વધારતા ડૉક્ટર શિવલકર કહે છે કે આજકાલ બાળકો પર અનેક પ્રકારે પર્ફૉર્મ કરવા માટેનું દબાણ હોય છે. ભણવા ઉપરાંત ગીત, સંગીત, નૃત્ય, રમતગમત, ઍક્ટિંગ જેવી ઈતર પ્રવૃત્તિઓમાં પણ સારા દેખાવની અપેક્ષા હોય છે.

બાળકોમાં પોતાની રીતે પિયર પ્રેશર, સોશિયલ સાઇટ્સ પર સ્ટેટસ અપડેટ કરવાનું દબાણ વગેરે તેમના માટે અસ્તિત્વના સવાલો ઊભા કરે છે. આજના જમાનામાં વિકલ્પો વધ્યા છે અને ઍક્સપોઝર વધ્યું છે તેનાથી પણ બાળકો તણાવમાં આવી જાય છે.

આવો તણાવ માત્ર બાળકો કે કિશોરો પૂરતો સીમિત નથી. તેનાં ગંભીર પરિણામો આવી શકે છે.

ડૉક્ટરોનું કહેવું છે કે લોકોના જીવનમાં તણાવ ઘણી વાર એટલો વધી જાય છે કે તેઓ આત્મહત્યાનું પગલું પણ ભરી બેસે છે.

વિશ્વ આરોગ્ય સંગઠને આ વર્ષની થીમ 'આત્મહત્યા અટકાવો' રાખી છે.

WHOના જણાવ્યા અનુસાર દર 40 સેકન્ડે એક જણ આપઘાત કરે છે. મતલબ કે વર્ષે 8,00,000 લોકો આપઘાત કરે છે. 15થી 29 વર્ષના વયજૂથમાં આત્મહત્યા મોતનું બીજું સૌથી મોટું કારણ છે.

આ સમસ્યા વિકસિત દેશોની નથી. 80 ટકા આત્મહત્યા નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે.

ડૉક્ટરોનું કહેવું છે કે આત્મહત્યાને અટકાવી શકાય છે. એક વાર આત્મહત્યાનો પ્રયાસ કરનાર બીજી વાર પણ કરી શકે છે.

તેનાં કેટલાક પ્રારંભિક લક્ષણો હોય છે તે સમજી લેવાં જરૂરી છે.

ડૉક્ટર નંદકુમાર કહે છે, "એક વ્યક્તિ આત્મહત્યા કરે તેના કારણે 135 લોકોને અસર થાય છે. તેમાં સ્વજનો, સગાઓ, મિત્રો, સહકર્મચારીઓ વગેરેનો સમાવેશ થાય છે."

"તેથી કોઈ વ્યક્તિએ આત્મહત્યા કરતાં પહેલાં આ બધા લોકો વિશે વિચારવું જોઈએ."

તેમના જણાવ્યા અનુસાર આપઘાત આવેશમાં આવીને લેવાયેલું પગલું હોય છે. જો આવેશની એ થોડી ઘડીઓ તમે બીજી તરફ વાળી શકો તો જીવ બચાવી શકાય છે.

WHO તરફથી આપઘાત અટકાવવા માટે ઘણાં સૂચનો કરવામાં આવ્યાં છે. તેમાં પ્રથમ તો આત્મહત્યાની સમસ્યાને વૈશ્વિક સમસ્યા ગણીને તેના માટે જાગૃતિ ફેલાવવાની જરૂર છે. આવી સમસ્યામાં ફસાયેલા લોકોને એવો અહેસાસ કરાવવો જરૂરી છે કે તમે એકલા નથી.

એક આપઘાતથી કેટલાને અસર?

સમસ્યા ગંભીર છે, પણ ડૉક્ટરોનું માનવું છે કે માનસિક સમસ્યા બાબતમાં લોકોમાં જાગૃતિ આવી છે.

જોકે આવી જાગૃતિ હજી શહેરો પૂરતી જ સીમિત છે. ગામડાંમાં માનસિક સમસ્યા પ્રત્યે ધ્યાન અપાતું નથી અને તેની સારવાર થતી નથી.

માત્ર સ્કિઝોફ્રેનિયા, અલ્ઝાઇમર, ડિમેન્શિયા જેવી ગંભીર બીમારી એટલે કે સિવિયર મેન્ટર ડિસઑર્ડર હોય તો જ તેને બીમારી ગણીને સારવાર થાય છે.

તબીબો માને છે કે ભારતમાં નિમ્ન મધ્યમ વર્ગ અને ગ્રામીણ ગરીબ લોકો એનિમિયા, કુપોષણ, ઝાડા-ઊલટી જેવી બીમારી સામે મથી રહ્યા હોય ત્યાં માનસિક બીમારી તરફ ધ્યાન જવું મુશ્કેલ છે.

આ પડકારનો સામનો કરવા માટે ભારત સરકારે 2017માં મૅન્ટલ હેલ્થકેર ઍક્ટ તૈયાર કર્યો હતો. અગાઉ 1987માં પણ આવો કાયદો કરાયો હતો.

નવા કાયદા અનુસાર માનસિક બીમાર વ્યક્તિને કેટલાક અધિકાર આપવાની જોગવાઈ છે.

આત્મહત્યાને ગુનો માનવામાં આવતો હતો, પણ નવા કાયદા અનુસાર તે ગુનો નાબૂદ કરીને પીડિતને સારવારનો અધિકાર આપવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય અને રાજ્યસ્તરે માનસિક સ્વાસ્થ્ય સત્તામંડળની રચનાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

ગ્રામીણ વિસ્તારોમાં જાગરૂકતા

ડૉક્ટર નિમીશ દેસાઈનું કહેવું છે કે કાયદામાં ફેરફારો આવકાર્ય છે, પણ તેને વધારે અસરકારક બનાી શકાય છે.

તેઓ કહે છે, "આ નિયમો પશ્ચિમના દેશોની નકલ કરીને કરાયા છે, પણ ભારતમાં માનસિક સમસ્યા પશ્ચિમના દેશો જેવી નથી. ભારતમાં સામાજિક અને કૌટુંબિક પરિબળો માનસિક સમસ્યામાં બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે."

જોકે માનસશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકોની જરૂર છે તેમાં કોઈ શંકા નથી. અમેરિકામાં 60થી 70 હજાર મનોચિકિત્સક છે, જ્યારે ભારતમાં ચાર હજારથી પણ ઓછા છે. ભારતમાં અત્યારે ઓછામાં ઓછા 15થી 20 હજાર મનોચિકિત્સકોની જરૂર છે.

દેશમાં હાલમાં 43 મેન્ટર હૉસ્પિટલ છે. તેમાંથી બે કે ત્રણ જ સુવિધાઓની રીતે ઉત્તમ છે.

10થી 12માં સ્થિતિ સુધરી રહી છે, પણ બાકીની 10થી 15 માત્ર કસ્ટોડિયલ મૅન્ટલ હૉસ્પિટલ જેવી જ છે.

તબીબોનું માનવું છે કે એમબીબીએસના અભ્યાસમાં મનોચિકિત્સાને આવરી લેવી જરૂરી છે.

માનસિક રોગોથી ગ્રસ્ત લોકોને ઓળખી કાઢવા માટે વ્યાપક તપાસની પણ જરૂર છે.

આ સમસ્યાને સમયસર કાબૂમાં લેવામાં નહીં આવે તો આગામી દાયકાઓમાં તે રોગચાળા જેવી બની શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો