You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Nobel Prize : કૅલિન, રેટક્લિફ અને સેમેન્ઝાને સંયુક્તપણે મેડિસિન ક્ષેત્રનો નોબલ પુરસ્કાર
વર્ષ 2019નું મેડિસિન ક્ષેત્રનું નોબેલ પુરસ્કાર સંયુક્તપણે વિલિયમ જી. કૅલિન જૂનિયર, ગ્રેગ એલ. સેમેન્ઝા અને સર પીટર જે. રેટક્લિફને આપવા જાહેરાત કરાઈ છે.
આ ત્રણેય વૈજ્ઞાનિકોએ "શરીરના કોષો કેવી રીતે ઑક્સિજનની ઉપલબ્ધતા વિશે જાણી લે છે તેમજ કેવી રીતે શરીરના કોષો ઑક્સિજનની ઉપલબ્ધતાને અનુરૂપ ફેરફાર કરી લે છે" એ વિશે સંશોધન કર્યું હતું.
આ અંગે નોબેલ પુરસ્કાર દ્વારા ટ્વિટ કરીને જાણકારી અપાઈ હતી કે, "મોટા ભાગના રોગોનાં નિદાન માટે ઑક્સિજન સેન્સિંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે."
"આ વર્ષના નોબેલ વિજેતાઓ દ્વારા કરાયેલ સંશોધન શરીરવિજ્ઞાન ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. તેમજ તેમની આ શોધ એનીમિયા, કૅન્સર અને અન્ય ઘણા રોગોનાં નિદાન માટે નવી આશાસ્પદ વ્યૂહરચનાના સર્જન માટે પાયારૂપ બનશે."
1901થી અપાતો આ જગપ્રસિદ્ધ એવૉર્ડ આ વખત 110મી વખત અપાશે.
નોબેલ પુરસ્કાર સાથે અપાતી 9,18,000 યુ.એસ. ડૉલરની રકમ ત્રણેય વિજેતાઓ વચ્ચે સમાનપણે વહેંચાશે.
આજે મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર વિજેતાઓનાં નામોની જાહેરાત સાથે 2019 નોબેલ પુરસ્કારોની જાહેરાતોની શરૂઆત થઈ ચૂકી છે.
આ વર્ષે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર લોકોનાં નામ અનુક્રમે મંગળવારે અને બુધવારે જાહેર કરાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે સાહિત્ય ક્ષેત્રના નોબેલ પુરસ્કારના વિજેતાનું નામ ગુરુવારે જાહેર કરાશે.
શુક્રવારે અને શનિવારે અનુક્રમે નોબેલ શાંતિ પુરસ્કાર અને અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતાઓનાં નામ જાહેર કરાશે.
નોબેલ પુરસ્કારનો ઇતિહાસ
સ્વિડિશ વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલે વર્ષ 1895માં પોતાની વસિયતમાં આ પુરસ્કારની સ્થાપના કરી હતી.
નોબેલ પુરસ્કાર રસાયણવિજ્ઞાન, સાહિત્ય, શાંતિ, ભૌતિકવિજ્ઞાન અને મેડિસિન એમ પાંચ અલગઅલગ ક્ષેત્રે આપવામાં આવે છે.
વર્ષ 1968માં અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર આપવાનું શરૂ થયું હતું.
ઍવૉર્ડ કોને આપવો તે અલગ અલગ જૂથ નક્કી કરે છે. ધ રોયલ સ્વિડિશ એકૅડેમી ઑફ સાયન્સિસ ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન અને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવાની જવાબદારી સંભાળે છે.
ધ નોબેલ ઍસેમ્બ્લી મેડિસિન ક્ષેત્રે ઍવૉર્ડ આપે છે અને સ્વિડિશ એકૅડેમી સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ આપે છે.
શાંતિ ક્ષેત્રે મળતો નોબેલ ઍવૉર્ડ સ્વિડિશ ઑર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવતો નથી. તેની પસંદગી નોર્વેઇન નોબેલ કમિટી કરે છે.
વર્ષ 1901થી સાહિત્ય ક્ષેત્રે દર વર્ષે ઍવૉર્ડ આપવામાં આવે છે.
નોબેલ પુરસ્કાર વિજેતાને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. સાથે જ ડિપ્લોમા અને નોબેલ ફાઉન્ડેશનની વાર્ષિક આવક પર આધારિત નક્કી થયેલી ધનરાશિ મળે છે.
લૉરિએટ (નોબેલ પ્રાઇઝ વિજેતા)ને ભાષણ આપવા માટે બોલાવવામાં આવે છે. દર વર્ષે 10મી ડિસેમ્બરના રોજ ઍવૉર્ડ સમારોહનું આયોજન થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો