એચ. એલ. ત્રિવેદીએ 'અમેરિકાની યુનિવર્સિટીને કહ્યું કે તમે ભાડું આપો તો ત્યાં ભણવા આવું'

    • લેેખક, માધવ રામાનુજ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

એચ. એલ ત્રિવેદી, એક એવું વ્યક્તિત્વ કે જાણે આપણા વિશ્વમાં કોઈ ફિરસ્તો ભૂલો પડ્યો હોય. એમણે જે કરી બતાવ્યું અને એ પણ અહીંનાં ટાંચાં સાધનો દ્વારા. એ એક વિશ્વવિક્રમ છે.

એમણે દરરોજનું એક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને વિશ્વમાં આવું ક્યાંય પણ થયું નથી.

એ પોતે ઘણી વાર એવું કહેતા હતા કે મારો આઈક્યૂ અઢીસો છે અને ખરેખર એમનું ભેજું એવું જ હતું.

એચ. એલ ત્રિવેદી ભારતમાં એમબીબીએસ થયા અને વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા. જે યુનિવર્સિટીએ એમને પ્રવેશ આપ્યો હતો એ યુનિવર્સિટી સામે જ એમણે શરત મૂકી હતી કે જો તેમને અમેરિકા આવવાનું ભાડું આપવામાં આવે તો જ તેઓ અમેરિકા જશે, અને એ યુનિવર્સિટીએ ભાડું આપ્યું પણ ખરું.

અમેરિકાથી કૅનેડા ગયા. નેફ્રોલૉજીનું ક્ષેત્ર પસંદ કર્યું અને ડાયાલિસીસ મશીન એ પણ એમની નજર સામે શોધાયું. એ એમના ગુરુએ શોધેલું.

કૅનેડામાં અભ્યાસ પૂરો થયો. પ્રૅક્ટિસ શરૂ કરી અને ત્યાંના પૈસાદાર લોકોમાં સામેલ થયા. પણ એ જ વખતે એ વખતે કૅનેડા છોડી દીધું અને પોતાના વતનમાં સેવાના ભાવથી આવ્યા.

અહીં આવીને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં એક વિભાગ શરૂ કર્યો. એમને લાગ્યું કે આ વિભાગ ન ચાલે. કિડની માટે સ્વતંત્ર હૉસ્પિટલ હોવી જોઈએ.

એમણે સરકારને વિનંતી કરી અને સરકારે સિવિલના કૅમ્પસમાં જ જગ્યા આપી. એ જગ્યા પર પોતાના મિત્રોની મદદ અને સમાજની મદદથી પહેલાં બે માળ અને બાદમાં બે માળ, એમ કરીને ચાર માળની કિડની હૉસ્પિટલ બનાવી.

400 પથારીની કિડનીની એ હૉસ્પિટલ દેશમાં એકમાત્ર છે અને તેની સમર્પિત ટીમ પણ.

કિડનીના ટ્રાન્સપ્લાન્ટ બાદ રિઍક્શન આવે અને કિડનીને બચાવવા માટે દર મહિને નિયમિત દવા પણ લેવી પડે.

દર્દીઓને એ દવાની ઝંઝટમાં રાહત મળે એવું સંશોધન એમણે કર્યું.

એ સંશોધન અનુસાર કિડની આપનારના બૉનમેરોમાંથી કોષ લઈને દર્દીના શરીરમાં મૂકવામાં આવે છે, જેનાથી શરીર પરિચિત થઈ જાય છે.

એ બાદ કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે ત્યારે કિડની રિએક્શનમાંથી બચી જાય.

આ પદ્ધતિને તેમણે 'પ્રોટોકોલ' નામ આપ્યું અને એ રીતે કેટલાય દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી.

તેઓ આને દવા વગરનું ટ્રાન્સપ્લાન્ટ કહેતા હતા.

કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં ડાયાલિસીસ કરવું પડે. એટલે એમણે એવી વ્યવસ્થા કરાવી કે ગામડાંમાંથી આવતા દર્દીઓને નજીકમાં જ ડાયાલિસીસની સેવા મળી શકે.

આ માટે ગુજરાત સરકારે કાર્યક્રમ ચલાવ્યો અને એનું સંચાલન તેમણે કર્યું.

આ કાર્યક્રમ અંતર્ગત દર્દીને મફતમાં ડાયાલિસીસની સેવા તો અપાય, સાથે ભાડાના 300 રૂપિયા પણ આપવામાં આવે. ગુજરાત સરકારે આવું બીડું ઝડપ્યું અને હાલમાં આવાં 40 જેટલાં કેન્દ્રો કાર્યરત છે.

એમણે જીવનનાં છેલ્લાં વર્ષોમાં એવું અનુભવ્યું કે એક એવી યુનિવર્સિટી હોવી જોઈએ કે જ્યાં શરીરના ઘણા બધા અવયવોનું પ્રત્યારોપણ કરવાનું શિક્ષણ આપી શકાય.

સરકાર પાસે એમણે માગણી કરી અને લાંબી પ્રતિક્ષાને અંતે એમનું એ સ્વપન પણ સાકાર થયું.

વિધાનસભામાં ખાસ ઠરાવ કરાયો અને ગુજરાત સરકારે ડૉ. એચ. એલ. ત્રિવેદીની યુનિવર્સિટીની માગણી મંજૂર કરી.

એ યુનિવર્સિટીના પહેલા ચાન્સેલર એમને બનાવાયા અને આ યુનિવર્સિટીનું નામ 'ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસ' રાખવામાં આવ્યું. આ પ્રકારની આ વિશ્વની પ્રથમ યુનિવર્સિટી છે.

દર્દીઓને સમર્પિત એવા એક સમયના ઋષિ હવે આપણી વચ્ચે નથી. ત્યારે એમ લાગે છે કે એમની ખોટ પૂરવી અઘરી છે.

પોતે દર્દીઓ વચ્ચે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા કે જીવનભર ઘર કરતાં હૉસ્પિટલમાં વધારે સમય આપ્યો.

એમ કહી શકાય કે અંતિમ શ્વાસ સુધી એમના ચિંતનના કેન્દ્રમાં દર્દી હતો. તેઓ પોતે દર વર્ષે બે ઉત્સવ ઉજવતા હતા.

31 ઑગસ્ટે એમનો જન્મદિવસ અને મેં તેમને 'કિડની દર્દી કલ્યાણ ઉત્સવ' નામ આપ્યું.

અમે એ દિવસો ઊજવીએ અને ગુજરાતના નામાંકિત લોકસાહિત્યના કલાકારોનો ડાયરો યોજીએ.

શાહબુદ્દીન રાઠોડ, ડૉ. રણજિત વાંક, ભીખુદાન ગઢવી, અભેસિંહ રાઠોડ, દમયંતી બરડાઈ, વિષ્ણુ પનારા વગેરે જેવાં કલાકારો કોઈ ચાર્જ વિના કાર્યક્રમમાં આવતાં.

હું કૉલેજમાં હતો એ વખતે તેમને વાંરવાર મળતો હતો.

એક વખતે એમણે મને આર્થિક મુશ્કેલીની વાત કરી, જેને દૂર કરવા એમના જીવન પર મેં એક નાટક લખ્યું, 'રાગ-વેરાગ'.

'દર્પણ અકાદમી'ના કલાકારોએ એ નાટક ભજવ્યું અને નિમિત્તે ભંડોળ એકત્ર કર્યું.

બીજા વર્ષે ફરીથી પૈસાની જરૂર ઊભી થઈ અને ફરીથી એ નાટક રજૂ કરાયું અને ફરી વધુ ભંડોળ એકત્ર કરી શકાયું.

એમને દેશવિદેશમાં ઘણાં માનસન્માન મળ્યાં. પદ્મશ્રીનું સન્માન પણ મળ્યું.

મોરારિબાપુએ સામે ચાલીને કથા કરી અને એ કથા નિમિત્તે પણ સારું એવું ભંડોળ એકઠું થયું. જેને લીધે અમે દર્દીઓને સારી રીતે રાહત આપી શકીએ છીએ.

આ રીતે સંપૂર્ણ પણે સમર્પિત ભાવથી એમણે જીવનની ક્ષણેક્ષણ દર્દીઓને આપી.

પોતે પોતાનું ઘર પણ બે વર્ષ પહેલાં જ કરી શક્યા એ પહેલાં તેઓ ક્વાર્ટરમાં જ રહ્યા.

તેઓ કહેતા હતા કે કોઈને એમ ન થવું જોઈએ કે હૉસ્પિટલને મળેલી આર્થિક સહાયમાંથી તેમણે ઘર બનાવ્યું છે.

નરેન્દ્ર ભાઈ મોદી અહીં આવે ત્યારે તેમને ઋષિ તરીકે જ સંબોધતા હતા.

વિશ્વ એમને કિડની કસબી અને તેના દર્દીઓના મસીહા તરીકે યાદ રાખશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો