You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોના-ચાંદી પછી તાંબાના ભાવે પણ રેકૉર્ડ તોડ્યા, રોકાણ કઈ રીતે કરવું?
સોના અને ચાંદીના ભાવ રેકૉર્ડ લેવલ પર પહોંચી ગયા છે, ત્યારે ત્રીજી એક ધાતુના ભાવ પણ નવા વિક્રમ બનાવી રહ્યા છે. આ ધાતુ એટલે કૉપર અથવા તાંબુ.
તાંબાના ભાવમાં અત્યારે અભૂતપૂર્વ તેજી જોવા મળી રહી છે.
પાછલા એક વર્ષમાં કૉપરના ભાવમાં લગભગ 50 ટકાનો વધારો થયો છે અને તાજેતરમાં લંડન મેટલ એક્સચેન્જ (એલએમઇ) પર તેનો ભાવ 13 હજાર ડૉલર પ્રતિ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો હતો. તેના કારણે કેટલાક નિષ્ણાતો હવે તાંબાને 'નેક્સ્ટ સિલ્વર' એટલે આગામી સમયની ચાંદી તરીકે ઓળખાવી રહ્યા છે.
તાંબાને ઘણી વખત 'ડૉક્ટર કૉપર' તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેને વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ કેવી છે તેના સૂચક તરીકે જોવાય છે.
ભારતમાં ગયા સપ્તાહે કૉપરનો ભાવ પ્રતિ કિલો 1325 રૂપિયા સુધી ગયો હતો, એ બાદ ભાવ થોડો ઘટ્યો છે.
અહીં આપણે તાંબાના ભાવમાં વધારાનાં કારણો તથા સામાન્ય રોકાણકારો તાંબામાં કેવી રીતે રોકાણ કરી શકે એ અંગે વાત કરીશું.
તાંબાના ભાવ કેમ વધ્યા?
જાણકારોના મતે તાંબાના ભાવ વધવા પાછળનું સૌથી મોટું કારણ છે તેના પુરવઠામાં પેદા થયેલા અવરોધો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રે તાંબાની વધતી જતી માંગ.
હાલમાં દુનિયામાં મળી આવતા કુલ તાંબામાંથી લગભગ અડધું તાંબું એકલા ચીનમાં વપરાય છે અને એઆઇની વૃદ્ધિની સાથે તાંબાની માંગ હજુ વધશે એવું મનાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોનાથી વિપરીત તાંબું એ ફુગાવા સામે રક્ષણ આપતી ધાતુ નથી, પરંતુ ઔદ્યોગિક ધાતુ છે. તેથી ઇલેક્ટ્રિક વિહિકલ, રિન્યૂએબલ ઍનર્જી, ગ્રિડ અપગ્રેડ વગેરેમાં તાંબાનો મોટા પાયે ઉપયોગ થાય છે. એક અંદાજ પ્રમાણે એક ઇલેક્ટ્રિક કાર બનાવવામાં 80થી 85 કિલો તાંબાનો ઉપયોગ થાય છે, જ્યારે સામાન્ય પેટ્રોલ-ડીઝલ કારમાં 20થી 25 કિલો તાંબાની જરૂર પડે છે.
આ ઉપરાંત સોલાર પાવર પૅનલ અને પવન ઊર્જા માટે પણ તાંબાની માગ વધારે રહે છે.
એચડીએફસી સિક્યૉરિટીઝના કૉમૉડિટી ઍનાલિસ્ટ સૌમિલ ગાંધીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "પરંપરાગત રીતે બાંધકામ ઉદ્યોગ, બિલ્ડિંગ મટિરિયલમાં તાંબાની જે માગ હતી, જે હાલમાં થોડી ઠંડી છે. પરંતુ તેની સામે ગ્રીન ટૅક્નૉલૉજીમાં તીની માગ વધુ છે. આ ઉપરાંત એઆઇની ચિપ્સ બનાવવા માટે પણ તાંબું વપરાય છે. તેથી માંગ એ તરફ શિફ્ટ થઈ રહી છે."
"આ ઉપરાંત ઇન્ડોનેશિયા અને ચિલીની કેટલીક ખાણોમાં પુરવઠા અંગે અવરોધ પેદા થયા છે, જેના કારણે એ અંગે ચિંતા છે."
સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, "ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી તેની પાછળ તાંબામાં પણ માંગ વધી છે. કેટલાક લોકો તેને નેક્સ્ટ સિલ્વર ગણાવે છે. પરંતુ ચાંદી અને તાંબાની વિશેષતાઓ અલગ છે, તેથી તાંબું એ ચાંદીનું સ્થાન લઈ શકે તેવું અત્યારે ન કહી શકાય."
તાંબાની માગ સામે પુરવઠાની ઘટ
રોયટર્સના એક અહેવાલ પ્રમાણે 2025માં આખી દુનિયામાં કુલ 28 મિલિયન ટન તાંબાની માગ હતી, જે 2040 સુધીમાં વધીને 42 મિલિયન ટન સુધી પહોંચવાનો અંદાજ છે. નિષ્ણાતો પ્રમાણે આ માગ સામે એટલો પુરવઠો ઉપલબ્ધ નથી.
દુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધ અને બીજી ભૂરાજકીય અનિશ્ચિતતાના કારણે સંરક્ષણ ઉત્પાદન માટે તાંબાની માંગમાં વધારો થયો છે. અત્યાર સુધી મોટા પાયે સશસ્ત્રીકરણથી દૂર રહેલાં જાપાન તથા જર્મની પોતાના સંરક્ષણ બજેટમાં ભારે વધારો કરવાની યોજના ધરાવે છે.
હાલમાં ચિલી અને પેરુ એ તાંબાના સૌથી મોટા ઉત્પાદક દેશો છે, જ્યારે ચીન અને અમેરિકા સૌથી મોટા વપરાશકારો છે. અમેરિકાએ ગ્રીનલૅન્ડને કબજે કરવાની ધમકી આપી તેના કારણે પણ તાંબાના ભાવ પર અસર થઈ હોવાનું કહેવાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાંબા પર ઊંચા ટેરિફ નાખવામાં આવે તેવી પણ શક્યતા છે. જાણકારોના મતે, તેના કારણે ટ્રેડરો શક્ય એટલું વધારે તાંબું અમેરિકા લાવવા પ્રયાસ કરી રહ્યા છે. પરિણામે દુનિયાના બીજા ભાગોમાં તાંબાનો પુરવઠો ઘટી રહ્યો છે.
અહેવાલો પ્રમાણે હાલમાં તાંબાના મોટા ભાગના જથ્થાનો ઉપયોગ નથી થતો, પરંતુ તેનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે જેથી ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય.
તાંબા સહિત તમામ ધાતુઓના ભાવ વધ્યા
નિષ્ણાતોનું માનીએ તો હાલનાં ભૂરાજકીય પરિબળો ધાતુઓના ભાવને અસર કરી રહ્યાં છે. જેમ કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલો તણાવ, યુક્રેન-રશિયા યુદ્ધનો હજુ અંત નથી આવ્યો, મધ્ય પૂર્વમાં નવેસરથી યુદ્ધનાં એંધાણ છે અને વેનેઝુએલામાં પણ હવે અસ્થિરતા સર્જાય તેવી અટકળો છે.
અત્યારે માત્ર સોના, ચાંદી અને તાંબાના ભાવમાં જ ઉછાળો આવ્યો હોય એવું નથી. બીજી જરૂરી ઔદ્યોગિક ધાતુના ભાવ પણ વધ્યા છે, જેમાં ઍલ્યુમિનિયમ, લોખંડ અને ઝિંકનો સમાવેશ થાય છે.
બ્લૂમબર્ગના એક અહેવાલ પ્રમાણે ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑફ કોંગોમાં ભૂકંપના કારણે એક મોટી ખાણમાં પાણી ભરાઈ ગયું છે. ચિલીમાં તાંબાની એક મોટી ખાણમાં ટનલ ધસી પડવાના કારણે ઉત્પાદનને અસર થઈ છે અને ઇન્ડોનેશિયામાં પણ તાંબાની દુનિયાની સૌથી મોટી ખાણમાં માટી ધસી પડી છે, જેના કારણે પુરવઠા પર અસર થઈ છે.
એસ ઍન્ડ પી ગ્લોબલના એક અહેવાલમાં જણાવાયું છે કે 1990 અને 2023 વચ્ચે દુનિયામાં કુલ 290 જગ્યાએ તાંબાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે છેલ્લાં દસ વર્ષમાં માત્ર 14 જગ્યાએ તાંબાનો જથ્થો મળ્યો છે. એટલે કે પુરવઠા અંગે ચિંતા છે.
તાંબામાં રોકાણ કેવી રીતે કરવું?
ભારતમાં લોકો સોના અને ચાંદીનાં ઘરેણાં ખરીદે છે અને તેના મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકે છે, જેમાં ઇટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) સામેલ છે. પરંતુ તાંબામાં રોકાણ કેવી રીતે કરવું?
કૉમૉડિટી બાબતોના નિષ્ણાત સૌમિલ ગાંધી જણાવે છે કે, "ભારતમાં નાના રોકાણકારો માટે ડોમેસ્ટિક કૉપર ઇટીએફ ઉપલબ્ધ નથી."
તેઓ કહે છે કે, "રોકાણકારો મલ્ટિ કૉમૉડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર તાંબામાં ટ્રેડિંગ કરી શકે છે, તાંબાના ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓના શૅર ખરીદી શકે છે. અથવા તો શૅરબજારમાં મેટલ ઇન્ડેક્સ ખરીદી શકે છે."
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટ મારફત કૉપર ઇટીએફ અને માઇનિંગ કંપનીઓના ફંડમાં રોકાણ કરી શકે છે. એટલે કે તેમની પાસે અમેરિકામાં લિસ્ટેડ કૉપર ઇટીએફમાં રોકાણનો વિકલ્પ છે.
(સ્પષ્ટતાઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે, નાણાકીય સલાહ નથી. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રોકાણના કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન