એકબીજાને બચાવવામાં 11 હાથીએ જીવ ગુમાવ્યો, થાઇલૅન્ડની ઘટના

રાજેશ ખન્ના અભિનીત ફિલ્મ 'હાથી મેરે સાથી'માં માણસ અને હાથી વચ્ચેના પ્રેમની વાત દર્શાવવામાં આવી હતી. હાથીઓનો એકબીજા પ્રત્યે કેવો પ્રેમ હોય એનું ઉદાહરણ થાઇલૅન્ડમાં જોવા મળ્યું હતું.

સૌપ્રથમ હાથીઓના ઝુંડમાંથી એક મદનિયું ઊંચાઈથી ઝરણામાં પડી ગયું.

એને બચાવવાની નિષ્ફળ કોશિશમાં અન્ય હાથીએ પણ જીવ ગુમાવ્યા હતા.

થાઇલૅન્ડના ખાઓ યાઈ નેશનલ પાર્કમાં આ ઘટના ઘટી હતી.

બે દિવસ અગાઉ આ ઘટનામાં છ હાથીએ જીવ ગુમાવ્યા હોવાનો અહેવાલ હતો.

જોકે, અન્ય 5 મૃત્યુ પામનાર હાથીને ડ્રોન દ્વારા જોવામાં આવતા હવે મૃતાંક 11 થયો છે.

રોયટર્સ સમાચાર એજન્સીએ જણાવ્યા મુજબ અધિકારીઓએ અઠવાડિયાને અંતે મૃત્યુ પામેલાં હાથીમાં એક 3 વર્ષીય હાથી પણ સામેલ છે.

સ્થાનિક અધિકારી બદીન ચાનસરિકમે એજન્સીને કહ્યું કે ''હાથી નદીની બીજી તરફ જવાનો પ્રયાસ કરતા હશે એમ લાગે છે.''

એમણે કહ્યું ''મદનિયું નીચે પડી ગયું હોય અને અન્ય હાથી એને બચાવવાની કોશિશમાં પાણીમાં પડી ગયા હોય એમ બની શકે છે.''

જોકે, સ્થાનિક મીડિયા પ્રમાણે હાથીઓ નીચે પડી જવાનું કારણ હજી જાણવા મળ્યું નથી.

આ સિવાય અન્ય બે હાથી ઝરણા પાસેના પથ્થરોમાં ફસાઈ ગયા હતા જેને વનવિભાગે દોરડાંઓ વડે ખેંચીને બચાવી લીધા હતા.

જે સ્થળે આ ઘટના બની તેને સ્થાનિક ભાષામાં 'નરકનું ઝરણું' કહેવામાં આવે છે અને અહીં અગાઉ પણ આવી ઘટનાઓ ઘટી ચૂકી છે.

1992માં આઠ હાથીઓનું એક ઝુંડ આ જ સ્થળે મૃત્યુ પામ્યું હતું અને એ વખતે દેશભરમાં તેની ચર્ચા થઈ હતી.

બચી ગયેલા બે હાથીનું શું થશે?

થાઇલૅન્ડના રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવન અને વન સંરક્ષણ વિભાગે આપેલી જાણકારી મુજબ શનિવારે બપોરે 3 વાગે માહિતી મળી કે હાથીઓના એક ઝુંડે ઝરણા પાસેથી નીકળતો રસ્તો રોકી લીધો છે.

ત્રણ કલાક પછી એક ત્રણ વર્ષનું મદનિયું મૃત હાલતમાં ઝરણમાં તરતું જોવા મળ્યું હતું અને અન્ય પાંચ હાથી પણ ત્યાં જ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.

નેશનલ પાર્કના પ્રમુખ ખાંચિત સ્ત્રીનોપ્પને બીબીસીને કહ્યું કે ઘટનાસ્થળેથી બચાવવામાં આવેલા બે હાથીની હાલ દેખરેખ રાખવામાં આવી રહી છે.

થાઇલૅન્ડના વાઇલ્ડલાઇફ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના સ્થાપક ઍડવિન વીકનું કહેવું છે બચી ગયેલા બે હાથીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે અને તેમને જીવવામાં તકલીફ પડી શકે છે, કેમ કે હાથી સુરક્ષા અને ભોજન બાબતે ઝુંડ પર નિર્ભર હોય છે.

આ ઘટનાને કારણે બચી ગયેલા બે હાથીને ભાવનાત્મક આઘાત પણ લાગી શકે છે, કેમ કે હાથી એવું પ્રાણી છે જે દુઃખ વ્યક્ત કરી શકે છે.

ઍડવિન વીકનું કહેવું છે કે જે રીતે તમે તમારો પરિવાર ખોઈ દીધો હોય એવી જ પરિસ્થિતિ હાથીઓ માટે છે. આ ખૂબ જ પીડાજનક છે પરંતુ આપણે નિઃસહાય છીએ. કમનસીબે આ પ્રકૃતિનો ખેલ છે.

થાઇલૅન્ડમાં 7000 એશિયાઈ હાથી વસે છે અને જે પૈકી અડધા જેટલા જંગલમાં રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો