'એક સમયે વાંદરા અને સાપ ઊડતા દેખાય તો નવાઈ નહીં'

માણસના પૂર્વજો વાનર હતા એ આપણે બધા જાણીએ છીએ. આપણા પૂર્વજોને પૂંછડું હતું, જે માણસના કાળક્રમે થયેલા વિકાસમાં ધીરેધીરે લુપ્ત થઈ ગયું.

જેમજેમ માણસના શરીરનો વિકાસ થતો ગયો તેમતેમ તેનું સ્વરૂપ પણ બદલાતું ગયું હતું.

શરીરમાં જે અંગોની જરૂર ન હતી એનો જાતે જ અંત આવવા લાગ્યો હતો.

દાખલા તરીકે માણસના શરીરમાં હવે ઍપેન્ડિક્સની કોઈ ભૂમિકા નથી. તેથી તેનું કદ સમય જતાં નાનું થતું જાય છે.

થોડી સદીઓ પછી તે સંપૂર્ણપણે નાશ પામે એવું બની શકે છે. વાસ્તવમાં પ્રકૃતિના વિકાસનું ચક્ર સતત ફરતું રહે છે. માણસનો જન્મ એ ફરતાં ચક્રનું પરિણામ છે.

તમામ જીવો પ્રાકૃતિક વિકાસના પરિણામસ્વરૂપે જ પેદા થયા છે ત્યારે એવું માનવું ખોટું ગણાશે કે ક્રમિક વિકાસનું ચક્ર હવે ફરતું બંધ થઈ ગયું છે.

આ પ્રક્રિયામાંથી માણસ પણ પસાર થઈ રહ્યો છે. ભવિષ્યમાં માણસનાં રંગરૂપમાં આપણને વધુ પરિવર્તન જોવા મળી શકે છે.

દેખાવમાં પણ આવશે પરિવર્તન

એક નવું સંશોધન તો ત્યાં સુધી જણાવે છે કે આગામી વર્ષોમાં સમગ્ર સૃષ્ટિમાં એવું પરિવર્તન થશે કે ધરતી પર રહેતો કોઈ પણ જીવ આજના જેવો દેખાશે નહીં.

લેખક ડૂગલ ડિક્સને 1980માં એક પુસ્તક લખ્યું હતું, "આફટર મૅનઃ અ ઝૂઓલૉજી ઑફ ધ ફ્યૂચર".

એ પુસ્તકમાં ડૂગલ ડિક્સને લાખો વર્ષો પછી જોવા મળનારી એક એવી દુનિયાની કલ્પના રજૂ કરી છે કે જેના પર વિશ્વાસ કરવાનું મુશ્કેલ જણાય છે.

એ પુસ્તકમાં ઊડતા વાંદરા, જેના પર શિકાર ખુદ ફસાઈ જાય એવી ફૂલ જેવા મોઢાવાળી ચકલી અને ઊડતા સાપનો ઉલ્લેખ પણ છે. એ સાપ જે હવામાં જ પોતાનો શિકાર કરી લે છે.

કોઈ પણ સામાન્ય માણસ માટે આવી દુનિયા કોઈ તરંગી લેખકના દિમાગી તુક્કાથી વિશેષ કંઈ નથી. એ સંપૂર્ણપણે મનઘડંત છે, પણ સંશોધકોને આ પુસ્તકમાં ભવિષ્યની તમામ સંભાવનાઓ દેખાય છે.

ભવિષ્યમાં શું થશે?

લાખો વર્ષો પહેલાં ધરતી પર ડાયનોસોર હતાં એ આપણે જાણીએ છીએ, પણ એ વખતે કોઈ માણસનું અસ્તિત્વ હોવાની કલ્પના કરવામાં આવી હોત તો એ એટલું જ અજબ લાગ્યું હોત, જેટલું આપણને આજે દસ લાખ વર્ષ બાદની દુનિયાની કલ્પના કરતાં લાગે છે.

ક્રમિક વિકાસનું ગણિત આખરે છે શું એ સમજવા માટે ઈતિહાસનાં પાનાં ઉથલાવવાં પડશે.

વિકાસના જીવવિજ્ઞાની જોનાથન લોસોસના જણાવ્યા અનુસાર, 54 કરોડ વર્ષ પહેલાં કેમ્બ્રિયન વિસ્ફોટ થયો ત્યારે ધરતી અનેક પ્રકારના અજબ જીવો સાથે ફાટી પડી હતી.

જોનાથન લોસોસે લખ્યું છે કે એ સમયગાળાના હૈલોસેજિન્યા નામના એક જીવનાં અશ્મિ મળ્યાં છે.

આપણી કરોડરજ્જુનાં હાડકાંમાં જોવા મળે છે એવું હાડકાંઓનું જાળું એ જીવના શરીર પર જોવા મળ્યું હતું.

નજીકના ભવિષ્યમાં કંઈક આવા જ પ્રકારના વધુ જીવ પેદા થાય એવી પૂરી શક્યતા છે.

પ્રોફેસર લોસોસના જણાવ્યા મુજબ, બાયૉલૉજીના ક્ષેત્રમાં પારાવાર સંભાવનાઓ છે અને તેનો અંત ક્યાં છે એ કહેવું મુશ્કેલ છે. તેઓ માને છે કે ધરતી પર એવા કેટલાય જીવ છે જેના વિશે અત્યાર સુધી આપણે કંઈ જાણતા નથી.

બાયૉલૉજિકલ સંભાવનાઓ વિશેના પોતાના પુસ્તકમાં પ્રોફેસર લોસોસ અનેક પ્રકારના તર્ક રજૂ કરે છે.

તેમના જણાવ્યા મુજબ, આ સંભાવનાનો ક્યાં અંત આવશે એ કહી શકાય તેમ નથી. ઇતિહાસ ખુદનું પુનરાવર્તન કરશે તો માણસનો વિકાસક્રમ પણ લાખો વર્ષ અગાઉ હતો એવો જ હશે?

એમ કહેવું મુશ્કેલ છે, પણ ભવિષ્યમાં કોઈ મોટો જ્વાળામુખી વિસ્ફોટ થાય અથવા ધૂમકેતુ ધરતી સાથે ટકરાય એની શક્યતા જરૂર છે. એ પછી ધરતીનું સંપૂર્ણ સ્વરૂપ બદલાઈ જશે.

નજીકના ભવિષ્યમાં શું થશે તેની ચર્ચા પછી થઈ શકશે. મહત્વની વાત એ છે કે વિકાસક્રમની સૌથી વધુ અસર કોઈ જીવ પર જોવા મળી રહી હોય તો એ હોમો સેપિયન્સ એટલે કે માણસ પર જોવા મળી રહી છે.

પ્રાણીઓનું સ્વરૂપ કેટલું બદલાશે?

જીવઅશ્મિ વિજ્ઞાની પીટર વોર્ડે 2001માં તેમના પુસ્તક "ફ્યૂચર ઈવોલ્યૂશન"માં લખ્યું હતું કે જે પ્રકારનું જીવન આજનો માણસ જીવી રહ્યો છે એ રીતે આગામી લાખો વર્ષ સુધી જીવતો રહેશે તો, ધરતી પર રહેતા અન્ય જીવો એ વાતાવરણમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અજબ સ્વરૂપ ધારણ કરે એ શક્ય છે.

દાખલા તરીકે આજે આપણે બધા પ્રદૂષિત વાતાવરણમાં રહીએ છીએ.

પ્રદૂષણ આવી જ રીતે વધતું રહેશે તો ટીનના કૅનમાંથી પાણી પી શકાય તેવી ચાંચ ધરાવતા પંખી નજરે પડી શકે છે. ઝેરીલા પાણીને શરીર પર ટકવા જ ન દે એવા ચીકણા વાળ શરીર પર ધરાવતા ઉંદરડાંઓ જોવાં મળે એ પણ શક્ય છે.

પેટ્રિશિયા બ્રેનેન નામના એક સંશોધકનું કહેવું છે કે ધરતી પર સ્વચ્છ પાણીની અછત હોવાથી એવું બની શકે કે હાલ અસ્તિત્વ ધરાવતા જીવોમાં જ કેટલુંક એવું પરિવર્તન આવે કે તેઓ ખુદને બદલાતી પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે. જેમની ત્વચામાં હવામાંથી ભેજ ચૂસીને પાણીની કમી સંતોષવાની ક્ષમતા હોય એવા વિશાળ જીવ પેદા થાય એવું પણ બની શકે છે.

શક્ય છે કે ગરોળીના ગળાની આસપાસનો ઝાલરદાર કૉલર વધુ મોટો થઈ જાય, જેમાં એ પોતાના માટે પાણી એકઠું કરીને રાખી શકે.

કેટલાંક પ્રાણીઓના શરીર પરથી રુવાંટી આપોઆપ દૂર થઈ જાય અને ત્યાં પાણીના સંગ્રહની કોથળીઓ બની જાય એવી સંભાવના પણ છે.

ગરમ પ્રદેશોમાં રહેતા જીવોની મુશ્કેલી ધરતી પર વધતા ઉષ્ણતામાનને કારણે વધશે.

તેથી બદલાતા વાતાવરણમાં ખુદના ઢાળવા માટે તેમની શારીરિક બનાવટમાં પરિવર્તન થાય એ તર્કસંગત છે.

અજબ જીવ

ધરતી પર જીવ પેદા થયો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં અનેક પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે. એ પછી જ મોટા પાયે પરિવર્તન થયું છે.

સંશોધન દર્શાવે છે કે 25 કરોડ વર્ષ પહેલાં પાણીમાં રહેતા લગભગ 95 ટકા અને જમીન પર રહેતા 70 ટકા જીવોનો અચાનક ખાત્મો થઈ ગયો હતો.

એ પછી ડાયનોસોર જેવા જીવ અસ્તિત્વમાં આવ્યા હતા, પણ થોડા સમય બાદ એમનું અસ્તિત્વ પણ ખતમ થઈ ગયું હતું અને સ્તનધારી જીવોનો જન્મ થયો હતો.

આવાં જ પરિવર્તનો વિશે ગંભીર વિચારણા કર્યા બાદ સંશોધકો કહે છે કે ધરતી પર જીવન શરૂ થયાના એક લાખ વર્ષ સુધી એવા જીવો પેદા થયા ન હતા, જેમને વધુ ઑક્સિજનની જરૂર હોય.

જોકે, બે લાખ, 40 હજાર વર્ષ પછી ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થવા લાગી ત્યારે ધરતી પરથી અનેક પ્રકારના બૅક્ટેરિયાનો નાશ થયો હતો.

જીવોના વિશ્વમાં થયેલું પરિવર્તન સતત ચાલતું જ રહ્યું હતું અને ભવિષ્યમાં પણ ચાલતું રહેશે.

નજીકના ભવિષ્યમાં માણસનું અસ્તિત્વ ખતમ થઈ જાય અને અજબગજબ જીવો જ ધરતી પર રાજ કરે એવું બની શકે છે.

પણ નજીકના ભવિષ્યનો એ તબક્કો હજુ એટલો દૂર છે કે તમે, અમે અને આપણી આગામી અનેક પેઢીઓ એ પરિવર્તનને જોઈ નહીં શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો