જ્યારે કાશ્મીરની આઝાદી માટે JKLFએ હથિયાર ઉઠાવ્યાં

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી નીકળેલી 'આઝાદી માર્ચ' નિયંત્રણ રેખા (LOC)ની નજીક પાકિસ્તાની સૈન્યે અટકાવી દીધી છે.

માર્ચ ત્રણ દિવસ પહેલાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી શરૂ થઈ હતી.

ભારતે બે મહિના પહેલાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરીને ભારત પ્રશાસિત કાશ્મીરમાં સખત પ્રતિબંધો લાદ્યા હતા. જેના વિરોધમાં આ માર્ચ કાઢવામાં આવી છે.

આ માર્ચ જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટ (જેકેએલએફ)ના નેજા હેઠળ કાઢવામાં આવી છે. જેકેએલએફ એ જ ફ્રંટ છે, જેણે કાશ્મીરમાં સશસ્ર ઉગ્રવાદની શરૂઆત કરી હતી.

કાશ્મીરમાં ઉગ્રવાદનો આરંભ

વાત 80ના દશકના ઉત્તરાર્ધની છે. આ એ સમયે હતો જ્યારે કાશ્મીરને ભારતમાંથી આઝાદ કરાવવા માટે વિરોધપ્રદર્શનો અને રાજકીય ચળવળો તેજ થઈ ગઈ હતી.

અત્યાર સુધી જે વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં હતાં તે હવે હિંસક બની રહ્યાં હતાં અને આઝાદી માટેની કાશ્મીરીઓની માગમાં હિંસા ઉમેરાઈ રહી હતી.

આવામાં વર્ષ 1987માં રાજ્યમાં ચૂંટણી યોજાઈ અને કાશ્મીરીઓના પ્રાદેશિક પક્ષોના ગઠબંધન 'મુસ્લિમ યુનાઇટેડ ફ્રંટ'ને વિજયની આશા બંધાઈ.

જોકે, જ્યારે પરિણામ આવ્યાં ત્યારે તેમની આશા પર પાણી ફરી વળ્યાં અને હજારો કાશ્મીરી યુવાનો નિરાશાના ગર્તમાં જઈ પડ્યા. ભણેલાગણેલા યુવાનોનો પણ ચૂંટણીપ્રક્રિયા પરથી વિશ્વાસ ઊઠી ગયો.

આવા જ કેટલાક યુવાનો નિયંત્રણ-રેખા પાર કરીને પાકિસ્તાનમાં પ્રવેશ્યા અને તેમણે ભારત વિરુદ્ધ શસસ્ત્ર લડાઈનાં મંડાણ કર્યાં.

એ આગમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસિ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ)એ ઘી હોમ્યું.

આઈએસઆઈએ આ યુવાનોને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં તાલીમ આપી તથા ભારતીય સૈન્ય વિરુદ્ધ લડવા હથિયાર પૂરાં પાડ્યાં.

આ યુવાનો ભારતીય પ્રશાસિત કાશ્મીરમાં પ્રવેશ્યા અને એ સાથે જ અહીંની શાંતિ ખોરવવાની શરૂઆત થઈ.

વર્ષ 1988માં મોટા પાયે ભારત વિરુદ્ધ પ્રદર્શનો કરાયાં અને તેને પગલે એટલા જ મોટા પ્રમાણમાં કાશ્મીરમાં કર્ફ્યુ લાદી દેવાયો.

આ વાતના એક વર્ષ બાદ જુલાઈ 1989માં શ્રીનગરમાં ટેલિગ્રાફના કાર્યાલયને ઉગ્રવાદીઓએ બૉમ્બથી ઉડાવી દીધું.

એના એક વર્ષ બાદ કાશ્મીરના અગ્રણી મુલ્લા મિરવાઈઝ મૌલવી ફારૂકની હત્યા કરાઈ અને તેમના જનાજામાં 20 હજાર જેટલા કાશ્મીરઓ એકઠા થયા.

પરિસ્થિતિ કાબૂ બહાર જતાં જોઈ ભારતીય સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો, જેમાં 20 કાશ્મીરીઓનાં મોત થયાં અને એ સાથે જ કાશ્મીરના લોહિયાળ પ્રકરણનો આરંભ થયો.

જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટે (જેકેએલએફ) આ હિંસક ચળવળની આગેવાની લીધી અને ભારત અને પાકિસ્તાન બન્નેમાંથી આઝાદીની માગ કરી.

'અન્ડરસ્ટેન્ડિંગ કાશ્મીર ઍન્ડ કાશ્મીરીઝ' નામના પુસ્તકમાં જેકેએલએફની ઓળખ આપતાં ઉપરોક્ત શબ્દો ક્રિસ્ટોફર સ્નીડને લખ્યા છે.

જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ

કાશ્મીરી વિદ્વાન ફારૂખ ફહીમ પોતાના શોધનિબંધ 'મૂવમૅન્ટ ઇન પ્રોટેસ્ટ : અ સ્ટડી ઑફ જમ્મુ ઍન્ડ કાશ્મીર લિબરેશન ફ્રંટ'માં લખે છે કે 'જમ્મુ ઍન્ડ કાશ્મીર પ્લૅબિસાઇટ'ની જ એક શાખ તરીકે જેકેએલએફની સ્થાપના અમનુલ્લા ખાન અને મકબૂલ ભટે 60ના દશકમાં કરી હતી.

80નો દાયકો આવતાંઆવતાં જેકેએલએફે કાશ્મીરીઓમાં આઝાદીની માગ બુલંદ કરવાનું કામ કરી દીધું હતું.

જેકેએલએફ ભારત અને પાકિસ્તાન એમ બન્ને દેશોમાંથી કાશ્મીરની આઝાદીની માગ કરતું હતું.

આ એ જ સમય હતો કે જ્યારે ફ્રંટના હાલના અધ્યક્ષ યાસીન મલિકે પણ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

મલિક એ વખતે યુવાનોના દળ ઇસ્લામિક સ્ટુડન્ટ લીગની આગેવાની કરતા હતા.

તેઓ 1987માં યોજાયેલી ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ-નેશનલ કૉન્ફરન્સના ગઠબંધન વિરુદ્ધ મુસ્લિમ યુનાઇટેડ ફ્રંટના ઉમેદવાર મહમદ યુસૂફ શાહનો પ્રચાર કરતા હતા.

કાશ્મીરીઓને આશા હતી કે પ્રાદેશિક મુસ્લિમ પક્ષોનું ગઠબંધન એવું 'યુનાઇટેડ મુસ્લિમ ફ્રંટ' ચૂંટણી જીતી જશે. યુસૂફ શાહ તો ચૂંટણી જીતી ગયા, પણ ફ્રંટના વિજયની આશા ઠગારી નીવડી અને શાહ તથા મલિક બન્નેને જેલમાં ધકેલી દેવાયા.

જેલમાંથી છૂટ્યા બાદ શાહ સરહદને પેલે પાર જતા રહ્યા અને 'યુનાઇટેડ જેહાદ કાઉન્સિલ'ની સ્થાપના કરી.

ફ્રંટની લોકપ્રિયતા

સલાહ-ઉદ-દીન એ જ આ મહમદ યુસૂફ શાહ. મલિક સશસ્ત્ર સંઘર્ષ માટે સરહદ પાર કરનારા અને પાકિસ્તાનમાંથી તાલીમ મેળવનારા પ્રારંભિક યુવાનોમાંના એક હતા.

પાકિસ્તાનમાં લીધેલી તાલીમનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરવાનો આરંભ થઈ થયો અને 8મી ડિસેમ્બર 1989ના રોજ એ વખતના કેન્દ્રીય ગૃહમંત્રી મુફ્તી મહમદ સૈયદનાં પુત્રી રાબિયા સૈયદનું અપહરણ કરાયું.

અપહરણની જવાબદારી જેકેએલએફે લીધી અને પાંચ ઉગ્રવાદીઓના બદલામાં 13મી ડિસેમ્બરે તેમને મુક્ત કર્યાં.

આ ઘટનાને કાશ્મીરી યુવાનોના વિજયના રૂપમાં જોવામાં આવી અને મોટી સંખ્યામાં કાશ્મીરી યુવાનો નિયંત્રણ-રેખા પાર કરવા લાગ્યા.

ફારૂખ ફહીમના જણાવ્યા અનુસાર આ તમામ યુવાનોની ઉદ્દેશ એક જ હતો, જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટ.

ફ્રંટમાં ફાંટો પડ્યો

જોકે, જેકેએલએફ બહુ લાંબી ઇનિંગ રમી ન શક્યું. ભારતીય સુરક્ષાદળોએ 1990માં મલિકની ધરપકડ કરી લીધી અને એ બાદનાં વર્ષોમાં ફ્રંટના મોટા ભાગના ઉગ્રવાદીઓ કાં તો માર્યા ગયા કાં તો પકડાઈ ગયા.

જોકે, ફ્રંટને સૌથી મોટો ફટકો પડ્યો હિઝબૂલ મુજાહિદીન તરફથી.

ભારતમાંથી કાશ્મીરને અલગ કરીને પાકિસ્તાનમાં ભેળવવાની મનસા ધરાવતા અને પાકિસ્તાનના સમર્થનને કારણે હિઝબૂલે જેકેએલએફની લોકપ્રિયતામાં ફાચર મારી.

1994માં જેલમાંથી મુક્ત થયેલા મલિકે યુદ્ધવિરામની જાહેરાત કરી અને અહિંસાના માર્ગે આઝાદી મેળવવાની વાત કરી.

અમનુલ્લા ખાનને આ વાત મંજૂર નહોતી અને જેકેએલએફમાં ફાંટો પડ્યો જે છેક 2005માં સધાયો. જોકે, ત્યાં સુધીમાં જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રંટે પોતાની ધાર ગુમાવી દીધી હતી.

હવે આ જ જેકેએલએફના નેજા હેઠળ હજારો લોકો પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર તરફથી એલઓસી તરફ કૂચ કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે તેમને પાકિસ્તાન અને ભારત બંને તરફથી આઝાદી જોઈએ છીએ.

ભારત વિરુદ્ધ નારેબાજી કરતા સરહદ તરફથી આવેલા હજારો લોકોમાં સામેલ વ્યવસાયે વકીલ શમા તારિક ખાને કહ્યું, "આ એલઓસી નથી આ એક લોહિયાળ રેખા છે જેને એલઓસીનું નામ આપી દેવામાં આવ્યું છે."

"અમે ઇચ્છીએ છીએ કે આ રેખાને અમે પાર કરી જઈએ. આ અમારું ઘર છે, અમે અમારા એક રૂમમાંથી ઊઠીને બીજી રૂમમાં જવા માગીએ છીએ. અમને રસ્તામાં રોકવામાં ના આવે અમે અમારા કાશ્મીર, અમારા ઘરે જઈ રહ્યા છીએ."

માર્ચનો ઉદ્દેશ સમજાવતા એક પ્રદર્શનકારી દાનિશ સાનિયાએ બીબીસીને કહ્યું, "અમે અમારા પ્રદેશની ભારત અને પાકિસ્તાન બંનેમાંથી આઝાદી ઇચ્છીએ છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો