You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરદાર વલ્લભભાઈ પટેલના કેટલા ગુણો મોદીમાં છે?
- લેેખક, વિકાસ ત્રિવેદી
- પદ, બીબીસી સંવાદદાતા
સરદાર પટેલ માટે ભારતીય જનતા પક્ષને પહેલેથી જ સહાનુભૂતિ રહી છે. આ સહાનુભૂતિ શા માટે છે તેના કારણ તરીકે ઘણા ઇતિહાસકારો નહેરુ વિરુદ્ધ પટેલની રાજનીતિને જુએ છે.
તેનું કારણ એ કે સરદાર પટેલ પણ કોંગ્રેસના નેતા હતા. સરદાર પટેલે ગાંધીજીની હત્યા પછી આરએસએસ (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) પર પ્રતિબંધ મૂક્યો હતો.
પટેલે એવું પણ કહ્યું હતું કે ગાંધીજીની હત્યા થઈ તે પછી તેની ઉજવણી માટે આરએસએસના સ્વંયસેવકોએ મીઠાઈ વહેંચી હતી.
આમ છતાં ભાજપને સરદાર પટેલ કેમ આટલા આકર્ષક લાગે છે?
નરેન્દ્ર મોદી પણ સરદાર પટેલના વતન ગુજરાતના જ છે અને તેઓ સરદાર માટે સતત બોલતા રહ્યા છે.
તેઓ સરદારની પ્રસંશા કરતાં રહે છે અને નહેરુ પર આ મુદ્દે ટીકાઓનો મારો ચલાવતા રહે છે. પીએમ મોદી જ્યારે પણ નહેરુની ટીકા કરવા માગતા હોય, ત્યારે પટેલનું નામ લઈને તેમના વખાણ કરતાં હોય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
તે વખતે મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા. તારીખ હતી 20 ઑક્ટોબર 2013.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તે વખતના વડા પ્રધાન મનમોહન સિંહ સાથે તેઓ એક જ મંચ પર ઉપસ્થિત હતા.
મંચ પરથી મોદીએ કહ્યું કે, ''દરેક ભારતીયના મનમાં એક અફસોસ રહી ગયો, કે ભારતના પ્રથમ વડા પ્રધાન પટેલ ના બન્યા.”
“જો પટેલ ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા હોત તો દેશની તસવીર આજે કંઈક જુદી જ હોત.''
મનમોહન સિંહે એ જ મંચ પરથી મોદીને જવાબ આપતા કહ્યું, ''એ યાદ રાખવું જોઈએ કે પટેલ પણ કોંગ્રેસના જ નેતા હતા.''
મોદી હવે પોતે વડા પ્રધાન બન્યા છે અને તેમણે સરદાર પટેલની એટલી ઊંચી પ્રતિમા બનાવી છે, જેની સામે દુનિયાની બધી જ મૂર્તિઓ નાની દેખાય.
પણ મોદી જેમને પોતાના આદર્શ માને છે, તે સરદારના વિચારો સાથે તેમના વિચારોની કોઈ સમાનતા છે ખરી?
મોદી અને પટેલના વ્યક્તિત્વ, વિચાર અને દૃષ્ટિકોણમાં સમાનતા કેટલી?
'હું ઓછું બોલનારો માણસ છું. શા માટે હું ઓછું બોલું છું? એક સૂત્ર છે જેમાંથી હું શીખ્યો છું કે મૌનં મૂર્ખસ્ય ભૂષણમ્. વધારે બોલવું સારું નથી.”
“તે વિદ્વાનોનું કામ છે. પરંતુ આપણે જે બોલીએ તેનું પાલન ના કરીએ તો પછી આપણું બોલવું આપણને નુકસાન કરી શકે છે. તેથી પણ હું ઓછું બોલું છું.'
આ વાક્યો છે સરદાર પટેલના, જે આજે પણ યૂ-ટ્યુબ પર સાંભળી શકાય છે.
પટેલ બહુ મૃદુભાષી હતા. તેઓ ઓછું બોલવામાં અને વધારે કામ કરવામાં માનતા હતા.
પટેલે ક્યારેય કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું નહોતું. આ મુદ્દે નરેન્દ્ર મોદીનો વિચાર કરવામાં આવે તો બહુ વિપરિત સ્થિતિ જોવા મળે છે.
પીએમ મોદીના ઘણા બધા નિવેદનો વિવાદાસ્પદ રહ્યા છે અને તેઓ બહુ લાંબા લાંબા ભાષણો આપે છે.
ગાંધીવાદી વિચારક કુમાર પ્રશાંત કહે છે, ''સરદાર પટેલ મુદ્દાની વાત જ કરતા હતા. તેમને લાંબા ભાષણોમાં કોઈ રસ નહોતો.''
જ્યારે મોદી બોલવામાં ભૂલ કરી બેઠા
2003: મોદીએ સરદાર પટેલ વિશે એક વાત કરવામાં ભૂલ કરી હતી. મોદીએ કહ્યું કે અમદાવાદ નગરપાલિકામાં મહિલાઓ માટે અનામત બેઠકોની દરખાસ્ત સરદાર પટેલે 1919માં કરી હતી.
સાચી વાત એ છે કે આવી દરખાસ્ત પટેલે 1926માં કરી હતી.
2013: તક્ષશિલા બિહારમાં આવેલી છે તેવું કહ્યું હતું.
2013: પટણાની રેલીમાં મોદીએ કહ્યું કે સિકંદરે દુનિયા જીતી લીધી, પણ બિહાર આવીને તેના બૂરા હાલ થયા.
હકીકત એ છે કે સિકંદરે ક્યારેય ગંગા પાર કરી નહોતી.
2014: મોદીએ આઝાદી માટેની પ્રથમ લડાઈ 1857માં કોંગ્રેસની ભૂમિકા વિશે સવાલ ઉઠાવ્યો હતો.
હકીકતમાં કોંગ્રેસની સ્થાપના તે ઘટનાના 28 વર્ષ પછી 1885માં થઈ હતી.
2018: મોદીએ એવું પણ કહ્યું કે ભગતસિંહ જેલમાં હતા ત્યારે જવાહરલાલ નહેરુ તેમને મળવા ગયા નહોતા.
સાચી વાત એ છે કે નહેરુ તેમને મળવા જેલ પર ગયા હતા.
પટેલ નહેરુનું સન્માન કરતા હતા
મોદી ભલે નહેરુની આકરી ટીકા કરતા હોય, પણ પટેલ તેમનું સન્માન કરતા હતા. બંને નેતાઓએ એકબીજાને લખેલા પત્રો પરથી આ વાતનો ખ્યાલ આવી જાય છે.
1 ઑગસ્ટ, 1947
નહેરુએ પટેલને પત્ર લખ્યો હતો, "કેટલાક શિષ્ટાચારનું પાલન કરવાનું જરૂરી હોય છે, આથી હું આપને મારા પ્રધાનમંડળમાં સામેલ થવા માટે નિમંત્રણ આપવા આ લખી રહ્યો છું.”
“આ પત્રનું આમ કોઈ મહત્ત્વ નથી, કેમ કે આપ પ્રધાનમંડળનો મજબૂત આધારસ્તંભ છો."
3 ઑગસ્ટ, 1947
સરદાર પટેલે જવાબમાં નહેરુને લખ્યું, ''આપના 1 ઑગસ્ટના પત્ર માટે આપનો ખૂબ આભાર.”
“એકબીજા પ્રત્યે આપણને જે લાગણી અને પ્રેમ છે તથા લગભગ 30 વર્ષથી આપણી અખંડ મિત્રતા છે, તે જોતા આવા શિષ્ટાચારની કોઈ જરૂર રહેતી નથી.”
“આશા રાખું છું કે બાકીના મારા જીવનની સેવા આપને આધિન રહેશે.”
“આપની ધ્યેયસિદ્ધિ માટે મારી શુદ્ધ અને સંપૂર્ણ વફાદારી અને નિષ્ઠા આપની સાથે રહેશે, જેના માટે આપે કરેલા ત્યાગ અને બલિદાન ભારતમાં અન્ય કોઈએ કર્યા નથી.”
“આપણો સાથ અને સહકાર અતૂટ અને અખંડ છે અને તેમાં જ આપણી શક્તિ રહેલી છે. આપે આપના પત્રમાં મારા માટે જે ભાવના વ્યક્ત કરી છે, તેના માટે હું આપનો આભારી છું.''
2 ઑક્ટોબર 1950
સરદાર પટેલે એક ભાષણમાં કહ્યું હતું, ''હવે જ્યારે આપણી વચ્ચે મહાત્મા નથી, નહેરુ જ આપણા નેતા છે.”
“બાપુએ તેમને પોતાના વારસદાર તરીકે નિમ્યા હતા અને તેની જાહેરાત કરી હતી.”
“હવે બાપુના સિપાહીઓનું કર્તવ્ય છે કે તેમના આદેશોનું પાલન કરે અને હું ગેરવફાદારી કરનારો સિપાહી નથી.''
સરદાર પટેલે સંસદમાં પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, ''હું બધા જ રાષ્ટ્રીય મુદ્દાઓમાં વડા પ્રધાનની સાથે છું.”
“આજે મહાત્મા રહ્યા નથી ત્યારે અંદરોઅંદર લડવાની વાત વિચારી પણ ના શકીએ.''
એકવાર જવાહરલાલ નહેરુએ કહેલું કે "હું જાઉં છું, તમે જ વડા પ્રધાન બની જાવ." ત્યારે તરત જ સરદાર પટેલે કહ્યું હતું કે, "ના, ના. તમારે જ રહેવાનું છે."
ટીકાથી ગભરાતાના નહોતા સરદાર પટેલ
સરદાર વલ્લભભાઈ પટેલ તેમની ટીકાઓને ખુલ્લા દિલે સ્વીકારતા હતા. તેનો ઉલ્લેખ તુષાર ગાંધીએ લખેલા પુસ્તક 'લેટ્સ કિલ ગાંધી'માં પણ કરાયો છે.
ગાંધીજીની હત્યા અંગેના કેટલાક વધુ તથ્યો સામે આવ્યા તે પછી 1965માં કપૂર પંચની રચના થઈ હતી.
તે તપાસ પંચ સમક્ષ સરદારનાં દીકરી મણિબહેન પટેલ પણ સાક્ષી તરીકે હાજર રહ્યાં હતાં.
મણિબહેને કપૂર પંચને જણાવ્યું હતું કે, "એક બેઠકમાં જયપ્રકાશ નારાયણે મારા પિતાને જાહેરમાં ગાંધીની હત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા.”
“તે બેઠકમાં મૌલાના આઝાદ પણ હાજર હતા, પણ તેઓ કશું બોલ્યા નહીં.''
મહાત્મા ગાંધીની હત્યાના મામલે સરદાર પટેલની ટીકાઓ થઈ હતી.
એ હદ સુધી કે તેમનું રાજીનામું લઈ લેવાની માગણી થઈ હતી.
પટેલે પોતાનું રાજીનામું નહેરુને મોકલી પણ આપ્યું હતું, પણ તેને માન્ય રખાયું નહોતું.
સરદાર પટેલની જીવનકથા લખનારા ગોપાલકૃષ્ણ ગાંધીએ એક લેખમાં લખ્યું હતું કે, ''પટેલ પોતાની ટીકાને શાંતિથી સાંભળતા હતા.”
“ગાંધીજીની હત્યા વિશે તેમની સામે આક્ષેપો કરવામાં આવ્યા ત્યારે તેમણે કહેલું કે - મેં ઘણીવાર પોલીસ સુરક્ષા વધારવા માટે ગાંધીજીને કહ્યું હતું, પણ તેઓ મારી વાત માનતા જ નહોતા.''
આની સામે નરેન્દ્ર મોદીની છાપ એવી છે કે તેઓ પોતાની ટીકા સહન કરી શકતા નથી.
ખાદી પ્રેમ...
ઇંગ્લૅન્ડમાં ભણેલા પટેલે આઝાદીની લડાઈમાં જોડાયા પછી ખાદીને સ્વીકારી લીધી હતી. તેમણે પશ્ચિમી પોષાકોને બિલકુલ છોડી દીધા હતા.
કુમાર પ્રશાંત કહે છે, ''ખાદી તે વખતે એક ચોક્કસ જીવન પદ્ધતિનું પ્રતીક હતી. ખાદી ત્યારે ફેશન સ્ટેટમેન્ટ ગણાતું નહોતું.”
હવે કલ્ચર બદલાઈ ગયું છે અને ખાદી પણ બદલાઈ ગઈ છે.”
“હવે એવું કહેવામાં આવે છે કે મોદીના પ્રચારને કારણે ખાદી લોકપ્રિય થઈ, પરંતુ ખાદી વિભાગમાં જઈને તપાસ કરો કે ખાદીનું ઉત્પાદન કેટલું વધ્યું. ખાદી સંસ્થાઓ બંધ થઈ રહી છે.”
“મોદીનો સંબંધ ગાંધીજીની ખાદી સાથે નથી, પણ ખાદી બ્રાન્ડ સાથે છે. વેપાર કરનારા મોદી ખાદી બ્રાન્ડ સાથે પોતાને જોડે છે.''
"પીએમ મોદી વિદેશ પ્રવાસે જાય ત્યારે કે દેશમાં હોય, ત્યારે પણ ઘણીવાર પશ્ચિમી પોષાકો પહેરે છે. તેમાં પેલો સૂટ પણ સામેલ છે, જેમાં મોદી... મોદી... એવું લખેલું હતું.”
“મોદીના વસ્ત્રો તૈયાર કરવા માટે મોંઘા ડિઝાઇનરોને રોકવામાં આવે છે. જાણીતા ફેશન ડિઝાઇનર ટ્રૉય કોસ્ટા પણ મોદી માટે પોષાકો તૈયાર કરવાનું કામ કરી ચૂક્યા છે."
કુમાર પ્રશાંત કહે છે, ''સરદાર પટેલનું જીવન ગાંધીજીના જીવન જેવું જ હતું. તેમના અવસાન પછી તેમની પુત્રીએ એક કવર નહેરુને આપ્યું હતું. તેના પર લખ્યું હતું - સંગઠનના નાણાં.”
“પટેલ એક જૂની ચપ્પલ જ પહેરતા હતા. બહુ નાની ધોતી તેમની હતી. તેની સામે તમે પીએમ મોદીને જુઓ, એવું લાગે કે એક માણસ દેશ સામે ઊભો રહીને એ દેખાડી રહ્યો છે કે કેટલું વૈભવી જીવન જીવી શકાય છે.''
જોકે એ હકીકત છે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પછી ખાદીના વેચાણમાં વધારો થયો છે.
2014-15માં ખાદીનું ઉત્પાદન લગભગ 8 ટકા વધ્યું હતું. વેચાણમાં પણ આઠેક ટકાનો વધારો થયો હતો.
તેની સામે 2015-16માં ખાદીના ઉત્પાદનમાં 21 ટકાનો વધારો થયો હતો, જ્યારે વેચાણમાં 29 ટકાનો વધારો થયો હતો. 2016-17માં પણ ખાદીનું ઉત્પાદન 31 ટકા અને વેચાણ પણ 32 ટકા વધ્યું હતું.
તક મળે ત્યારે ઉત્સવ?
સરદાર પટેલના પત્ની ઝવેરબાનું અવસાન થયું ત્યારે સરદાર પટેલ એક કેસ માટે અદાલતમાં હતા.
કોર્ટમાં દલીલો ચાલી રહી હતી ત્યારે એક વ્યક્તિએ આવીને એક કાગળ તેમને આપ્યો હતો. તેમાં ઝવેરબાના અવસાનના ખબર હતા.
પટેલે સંદેશ વાંચીને ચૂપચાપ કાગળ ખિસ્સામાં મૂકી દીધો. તેમણે પોતાની દલીલો ચાલુ રાખી અને આખરે તે કેસ તેઓ જીતી ગયા.
કોર્ટની કાર્યવાહી પૂરી થઈ ત્યારે તેમણે સૌને જણાવ્યું કે તેમના પત્નીનું અવસાન થયું છે.
આની સામે પીએમ મોદીની ઓળખ એવી છે કે તે કોઈ પણ અવસર મળી જાય તેને ઉત્સવમાં, ઇવેન્ટમાં પલટી નાખે છે.
હાલમાં જ અટલ બિહારી વાજપેયીના નિધન બાદ તેમના અસ્થિની કળશ યાત્રા યોજાઈ, તેમાં ભાજપના નેતાઓનું વર્તન જોઈને સોખમણની સ્થિતિ ઊભી થઈ હતી.
અડવાણીએ પણ મોદીને એક સારા ઇવેન્ટ મેનેજર કહ્યા છે.
ખેડૂતો અને સરદાર પટેલ તથા મોદી
1928માં ગુજરાતમાં બારડોલી ખેડૂત સત્યાગ્રહ યોજાયો હતો.
બ્રિટિશ હકૂમતે બારડોલીના ખેડૂતો પરનો ટેક્સ અચાનક 22 ટકા વધારી દીધો હતો. ગરીબ ખેડૂતો માટે આટલો વેરો ભરવો મુશ્કેલ હતો.
વલ્લભાઈ પટેલે ખેડૂતો વતી સરકારને અપીલ કરી, પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. પટેલે નક્કી કર્યું કે તેઓ ઘરેઘરે ફરશે અને ખેડૂતોને કર ના ચૂકવવા માટે અરજ કરશે.
તેમણે ખેડૂતોને કહ્યું, ''હું તમને સ્પષ્ટ જણાવવા માગું છું કે અંગ્રેજ હકૂમત સામે લડવા માટે હું તમને મોટા મોટા હથિયારો આપી શકું તેમ નથી.”
“તમારે તમારા દૃઢ નિશ્ચય અને પોતાની શક્તિથી જ આ લડાઈ લડવાની છે.”
“હું તમને ખાતરી આપું છું કે સહન કરવાની તમારામાં શક્તિ હશે તો દુનિયાની મોટામાં મોટી તાકાત પણ તમારી સામે ઘૂંટણીયે પડશે.”
“અંગ્રેજો કંઈ તમારી જમીન ઉંચકીને વિલાયત લઈ જવાના નથી કે જાતે આવીને ખેતી પણ કરવાના નથી.”
“માટે ડરશો નહીં. એકતાનું રાખશો બળ, તો બીજો કોઈ નહીં ચલાવી શકે તમારી જમીન પર હળ.''
પટેલના પ્રેરણાદાયી ભાષણોને કારણે ખેડૂતો એક થઈ ગયા હતા. બારડોલીના સત્યાગ્રહ પર સૌની નજર હતી. આખરે અંગ્રેજ સરકારે પણ ઝૂકવું પડ્યું હતું.
આ આંદોલનની સફળતા પછી વલ્લભભાઈ મહાત્મા ગાંધીજીની ખૂબ નજીક આવી ગયા હતા.
આ આંદોલનની સફળતા બાદ જ વલ્લભભાઈને 'સરદાર' તરીકેની ઓળખ મળી હતી. આ આંદોલનની સફળતાને કારણે જ સરોજિની નાયડૂ સરદાર પટેલને 'બારડોલીના બળદ' કહેતા હતા.
ઇતિહાસકાર સલિલ મિશ્રાએ રાજ્યસભા ટીવીને આપેલા ઇન્ટરવ્યમાં કહ્યું હતું કે, ''ખેડૂત નેતા તરીકે રાજકીય જીવનની શરૂઆત કરનારા પટેલને બારડોલીની મહિલાઓએ સરદારની ઉપાધિ આપી હતી.''
તેની સામે મોદીના રાજમાં શું સ્થિતિ છે, તેનો અંદાજ સરદાર પટેલની પ્રતિમા ઊભી કરવામાં આવી છે તેનાથી માત્ર 12 કિમી દૂર આવેલા નાના પિપળિયા ગામના ખેડૂતોની વાતમાંથી આવી શકે છે.
ખેતી માટે સિંચાઈના પાણીની રાહ જોઈ રહેલા આ ગામના ખેડૂતોમાં સરકાર સામે નારાજગી છે.
આ ખેડૂતોનું માનવું છે કે પટેલીની પ્રતિમા પાછળ ખર્ચવામાં આવેલા 3000 કરોડ રૂપિયા દુકાળને કારણે મુશ્કેલીમાં મૂકાયેલા લોકોની સહાય માટે વાપરવાની જરૂર હતી.
આ જ વિસ્તારના એક ખેડૂત વિજેન્દ્ર તડવીએ બીબીસીએ કહ્યું, ''આટલી મોટી મૂર્તિ બનાવવા પાછળ આટલા બધો ખર્ચ કરવાને બદલે, સરકારે દુકાળથી પીડાતા ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરી હોત તો વધારે સારું થાત."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો