You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
29 અબજના ખર્ચે બનનારા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'થી ગુજરાતને કેટલો ફાયદો?
- લેેખક, જય મકવાણા
- પદ, બીબીસી ગુજરાતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ નિમિત્તે 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'નું અનાવરણ કરશે.
અંદાજીત 29 અબજના ખર્ચે બનનારી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મધ્ય ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગવાન બનાવી દેશે એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે.
તાજેતરમાં જ મોદીએ કહ્યું હતું, ''આ સિમાચિહ્નરૂપ સ્મારકની મુલાકાતે રોજ લાખો લોકો આવશે અને હજારો લોકોને રોજગારી મળશે.''
બીજી તરફ 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ની આસપાસનાં ગામડાંમાં આદિવાસીઓ ખેડૂતો પ્રતિમા પાછળ અબજો ખર્ચવાનો વિરોધ કરી રહ્યાં છે.
ત્યારે પ્રશ્ન ઊઠે છે કે મોદી જે રીતે દાવો કરી રહ્યા છે એ રીતે શું ખરેખર 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'થી ગુજરાતને ફાયદો થશે?
ફાયદો કોને?
'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ને કારણે પ્રવાસન ક્ષેત્ર વિકસશે અને મધ્ય ગુજરાતમાં હજારો લોકોને રોજગાર મળશે એવો દાવો કરાઈ રહ્યો છે.
પણ સરદારની આ સૌથી ઊંચી પ્રતિમાથી ફાયદો કોને થશે? વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સાથે બીબીસી ગુજરાતીએ આ અંગે વાત કરી હતી.
ઉમટ જણાવે છે, ''આ નિર્માણ પાછળનો ઉદ્દેશ રાજકીય લાભ ખાટવાનો છે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
''જે રીતે કોંગ્રેસ દ્વારા ગાંધી-નહેરુ પર દાવો કરવામાં આવે છે એ રીતે સરદારને પોતાના ખાતામાં નાખવાનો ભાજપનો આ પ્રયાસ છે.''
''ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારથી જ મોદી ગાંધી-નહેરુ પરિવારે કઈ રીતે સરદારને અન્યાય કર્યો એ મુદ્દો ચલાવતા આવ્યા છે.''
''એ વખતે જ તેમણે કહ્યું હતું કે સરદારની સૌથી મોટી પ્રતિમા ગુજરાતમાં બનશે.''
''વળી, સરદારની સૌથી મોટી પ્રતિમા ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ બનાવી, એમ ઇતિહાસમાં નામ અંકિત કરવાનો પણ આ એક પ્રયાસ હોઈ શકે.''
''ગુજરાતમાં હાર્દિક પટેલ અને પાટીદાર આંદોલન સામે જમીન મજબૂત કરવા માટે પણ 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'નો ઉપયોગ થઈ શકે.''
''આમ સરદારની આ પ્રતિમા થકી ભાજપે એક કાંકરે કેટલાંય પક્ષીઓ મારવાનો પ્રયાસો કર્યો છે.''
ખેડૂતોને કેટલો ફાયદો?
પ્રતિમા અંગે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
જયેશ પટેલ જણાવ્યું, ''સરદાર ખેડૂતોના પ્રશ્નોને લઈને ખૂબ સક્રીય હતા. પણ, સરદારની આ પ્રતિમાથી ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ આવી જશે કે કેમ એ બાબતે મને શંકા છે.''
''હાલમાં ખેડૂતો માટે ભારે કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા.''
''ઉત્પાદન ખર્ચ પર 50 ટકા નફો આપવાની વાત હોય, સ્વામીનાથન સમિતિની ભલામણને લાગુ કરવાની વાત હોય, ક્યાંય કોઈ પ્રગતિ જોવા નથી મળી.''
''સરદારના નામે બનાવાયેલું સરદાર સરોવરનું પાણી પણ ખેડૂતોને બદલે ઉદ્યોગગૃહોને આપી દેવાય છે કાં તો તાયફાઓમાં વેડફી દેવાય છે. એટલે ખેડૂતો તો ઠેરના ઠેર જ રહે છે.''
હાલ આ પ્રતિમા સામે સ્થાનિક આદિવાસીઓ પણ વિરોધ નોંધાવી રહ્યા છે. અહીંના આસપાસના ખેડૂતોની સ્થિતિ સારી નથી.
તેમને સિંચાઈ માટે પાણી મળતું નથી. જેથી નર્મદા જિલ્લાના અનેક આદિવાસી ખેડૂતો 31મી ઑક્ટોબરના રોજ બંધ પાળીને વિરોધ નોંધાવશે.
સરદાર વલ્લભભાઈ પટેલ અને ખેડૂતોના સંબંધો કોઈથી અજાણ્યા નથી.
ખેડૂતો માટે વલ્લભભાઈ પટેલે લડેલી લડતે જ તેમને 'સરદાર'નું બિરુદ અપાવ્યું હતું.
1928માં ખેડૂતો પર લદાયેલા આકરા કર વિરુદ્ધ વલ્લભભાઈ પટેલે બારડોલીમાં અવાજ ઉઠાવ્યો હતો.
જેને પગલે સરકારને કર પાછા ખેંચી લેવાની ફરજ પડી હતી અને ખેડૂતોએ વલ્લભભાઈ પટેલને પ્રેમથી સરદારનું બિરુદ આપ્યું હતું.
'ખેડૂતોના વિકરાળ પ્રશ્નો'
બીબીસી ગુજરાતીએ પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે આ અંગે વાત કરી હતી.
સરદારની આ પ્રતિમાના ખર્ચ અંગે વાત કરતા હાર્દિક જણાવે છે, ''ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ કેવી કપરી છે એ વાતથી કોઈ અજાણ નથી.''
''ખેડૂતોને બિયારણ નથી મળી રહ્યું, ટેકાના ભાવ નથી મળી રહ્યા અને પાણીની સમસ્યા તો માથે ઊભી જ છે.''
''કારણ કે ખેડૂતોના વિકરાળ પ્રશ્નો તરફ સરકારનું ધ્યાન જતું જ નથી. નર્મદાનું પાણી હજુ પૂરતા વિસ્તારોમાં પહોંચ્યું નથી. કચ્છ, ભાવનગર, અમરેલીમાં હજુ પણ પૂરતું પાણી પહોંચાડી શકાયું નથી.''
''સરકાર બીજા ખર્ચાઓ કરવામાં વ્યસ્ત છે. સરકાર માટે ખેડૂતોના પ્રશ્નોની જ બંધારણીય પ્રાથમિક્તા હોવી જોઈએ.''
'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' અંગે વાત કરતા હાર્દિકે જણાવ્યું, ''વ્યક્તિ પૂજાથી બચવું જોઈએ અને કાર્ય કરતા રહેવું જોઈએ એવું તો ખુદ સરદાર પટેલ જ માનતા હતા.''
''છેક વર્ષ 2007થી સ્ટેચ્યૂ ઑફ યુનિટીની વાત કરવામાં આવી રહી છે. એ બાદની દરેક ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠાવવામાં આવ્યો અને હવે 2019ની ચૂંટણી પહેલાં તેનું અનાવરણ કરાઈ રહ્યું છે.''
''એટલે આ 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' એ ચૂંટણી માટેનો નુસખો માત્ર છે. જો તમારે ખરેખર કામ કરવું હોય તો સરદાર પટેલની વિચારધારા અનુસરો. તેમની કાર્યપદ્ધતિને અનુસરો.''
'ખુદ સરદાર હસી કાઢે એવી વાત'
'સ્ટૅચ્યૂ ઑફ યુનિટી' અંગે વાત કરતા વરિષ્ઠ પત્રકાર, લેખક પ્રકાશ ન.શાહ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
શાહે જણાવ્યું, ''આ ખોટો ખર્ચો છે. આ દાખડો અને દેખાડો માત્ર છે.''
"સ્ટેચ્યૂ ઑફ યુનિટી' એ વલ્લભભાઈને આગળ ધરીને 'સૅલ્ફ પ્રોજેક્શન' માટે કરાયેલો પ્રયાસ છે.''
''મૅગલૉમૅનિયા(પોતે મહાન કામ કરી રહ્યા હોવાનો મનોરોગ)નું આ ઉદાહરણ છે.''
તેઓ ઉમેરે છે, ''સરદારનું બાવલું તો ખુદ વલ્લભભાઈ પટેલ પણ હસી કાઢે અને નકારી કાઢે એવો નિર્ણય છે.''
''પ્રતિમાને લઈને સર્જાયેલા પર્યાવરણના પ્રશ્નો તો પહેલાંથી ઊભા જ છે પણ, ધ્રુવીકરણ કરનારા અને ફૂટ પાડનારા નેતૃત્વ દ્વારા જ 'યુનિટી'ની વાત કરવામાં આવે એ વાત જ આશ્ચર્ય પમાડે એવી છે.''
9 અબજના ખર્ચે સરદારની પ્રતિમા
ભારતના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને આ પ્રતિમા થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે.
નર્મદા ડૅમથી 3.2 કિલોમિટરના અંતરે આવેલા સાધુ બેટ ખાતે 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'નું નિર્માણ કરાયું છે.
'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ની ઊંચાઈ 182 મીટરની હશે. આ પ્રોજેક્ટ પાછળ રૂ. 2,989 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
આ માટે સામાન્ય જનતા પાસેથી ફાળો ઉઘરાવવામાં આવ્યો છે તથા મોટી કંપનીઓએ 'કૉર્પૉરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી'(સીએસઆર)માંથી પણ સરદારની આ પ્રતિમા બનાવવા માટે ફાળો આપ્યો છે.
'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ની અધિકૃત વેબસાઇટ અનુસાર પ્રતિમાનો ઉદ્દેશ દેશના દરેક નાગરિકોના માનસ પર સ્વતંત્રતા સંગ્રામની છાપ અંકિત રાખવાનો છે.
સાથે જ એકતા, રાષ્ટ્રભક્તિ, સર્વાંગી વિકાસ અને સારા શાસનની સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારાથી ભારતના નાગરિકોને પ્રેરિત કરવા માટે પણ આ પ્રતિમા બનાવાઈ રહી હોવાનું વેબસાઇટ જણાવે છે.
'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'માં સરદારની પ્રતિમા ઉપરાંત મ્યુઝિયમ તેમજ ઑડિયો વિઝ્યુઅલ ગૅલરી, લેઝર-લાઇટ અને સાઉન્ડ શૉ, રિસર્ચ સૅન્ટર, મૉન્યુમેન્ટલ વ્યૂ, ફેરી સર્વિસ જેવી વ્યવસ્થા પણ વિકસાવવામાં આવશે.
બીબીસી ગુજરાતીએ આ અંગે રાજ્યના પ્રવાસન વિભાગના સચિવ એસ. જે. હૈદર તેમજ મૅનેજિંગ ડિરેક્ટર જેનુ દેવન સાથે વાત કરવા પ્રયાસ કર્યો હતો.
જોકે, સંબંધિત અધિકારીઓએ આ મામલે વાત કરવા તૈયાર ન હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો