You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC INVESTIGATION: સાધુઓની હત્યા અને મુસલમાનોના ઍન્કાઉન્ટરનું સત્ય
- લેેખક, પ્રિયંકા દુબે
- પદ, બીબીસી સંવાદદાતા, ઉત્તરપ્રદેશથી પરત આવીને
લગભગ એક મહિના પહેલાં અલીગઢના છ પૂજારીઓ અને ખેડૂતોની "નિર્મમ" હત્યાઓના દોષી જણાવીને ઉત્તર પ્રદેશ પોલીસે અતરોલીના બે મુસલમાન યુવકોને 'ઍન્કાઉન્ટર'માં માર્યા હતા.
બીબીસીને પોતાની વિશેષ તપાસમા જાણવા મળ્યું છે કે પોલીસ અને સાક્ષીઓની કહાણી પરસ્પર મેળ ખાતી નથી અને ઘણા ગંભીર સવાલો છે જે આ આખાય ઘટનાક્રમને શંકાના દાયરામાં લાવે છે.
એટલે સુધી કે માર્યા ગયેલા પૂજારીઓ અને ખેડૂતોના પરિવારજનો જ આ પોલીસ મૂઠભેડ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.
અલીગઢ પોલીસ ઍન્કાઉન્ટરની આખી કથા જણાવતાં પહેલાં અમે વાચકોને જણાવી દઈએ કે ગત એક વર્ષ દરમિયાન ઉત્તર પ્રદેશમાં થયેલી 1500થી વધુ પોલીસ મૂઠભેડમાં 67 કહેવાતા અપરાધી માર્યા ગયા છે.
આ સીલસીલાબંધ પોલીસ મૂઠભેડો ઉપર બ્રેક ત્યારે લાગી જયારે ગત સપ્ટેમ્બરના અંતમાં લખનૌ શહેરની વચ્ચોવચ એપ્પલના અધિકારી વિવેક તિવારીની પોલીસ ઍન્કાઉન્ટરમાં હત્યા કરી દેવામાં આવી.
તમે આ વાંચ્યું કે નહીં?
તેમના મોત બાદ એવી વાત સામે આવી કે તેમણે પોલીસના કહેવા છતાં ગાડી રોકી ન હતી.
વિવેક ઉપર ગોળી ચલાવનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ તો થઈ ગઈ પરંતુ આ હત્યાથી પોલીસના વર્તન તરફ સામાન્ય જનતાનું ધ્યાન દોરાયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રદેશમાં થઈ રહેલાં પોલીસ ઍન્કાઉન્ટરો ઉપર સુપ્રીમ કોર્ટે પણ ઉત્તર પ્રદેશ સરકાર પાસે જવાબ માગ્યો છે.
વિવેક તિવારીની હત્યાની સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જૂન 2017માં આપેલું નિવેદન ફરીવાર સમાચારોમાં આવી ગયું છે-'અપરાધ કરશે તો ઠોકી દેવામાં આવશે.'
ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી મૂઠભેડોની તપાસ કરવા માટે બીબીસીએ ગત પખવાડિયામાં રાજ્યના અલીગઢ, આઝમગઢ, મેરઠ, બાગપત અને લખનૌ જિલ્લાઓનો પ્રવાસ કર્યો.
આ તપાસ દરમિયાન અમે અસરગ્રસ્ત પરિવારો, પીડિતો અને પોલીસ અધિકારીઓની સાથે-સાથે મંત્રીઓ સાથે પણ વાત કરી.
આ બાબતે અમે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ, એન્ટી ટેરર સ્ક્વૉડ, સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ, થાણાઓમાં કાર્યરત પોલીસ અધિકારીઓથી માંડીને ડીરેક્ટર જનરલ ઑફ પોલીસ સુધી વાતચીત કરી.
વિવાદાસ્પદ મૂઠભેડો સાથે જોડાયેલા ડઝનો દસ્તાવેજોને ફંફોસ્યા બાદ જે કંઈ પણ બહાર આવ્યું, તે અમે ત્રણ કડીઓની વિશેષ શૃંખલા તરીકે આપ સમક્ષ રજૂ કરીએ છીએ.
ઉત્તર પ્રદેશમાં ચાલતી મૂઠભેડો બાબતે બીબીસીની આ વિશેષ તપાસની પહેલી કડીમાં વાંચો અલીગઢ ઍન્કાઉન્ટરની કથા.
અલીગઢ ઍનકાઉન્ટર
આ કહાણી જરા ગૂંચવણભરી છે. એને સરળતાથી સમજવા માટે ત્યાંથી જ શરૂઆત કરીએ જ્યાંથી આ સમગ્ર ઘટનાની શરૂઆત થઈ હતી.
20મી સપ્ટેમ્બરની સવારે અલીગઢના હરદુઆગંજ વિસ્તારમાં એક પોલીસ ઍનકાઉન્ટર થયું હતું.
અહીંયા અંગ્રેજોના જમાનાના ખંડેર જેવા બંગલામાં સવારમાં દોઢ કલાક સુધી ચાલેલી મૂઠભેડ પછી પોલીસે મીડિયાને જણાવ્યું કે આ કાર્યવાહીમાં મુસ્તકીન અને નૌશાદ નામના બે 'બદમાશ' યુવાનો માર્યા ગયા છે.
ટીવી પત્રકારોની હાજરીમાં થયેલા આ ઍનકાઉન્ટર પછી અલીગઢ પોલીસે એક ઇન્સ્પેકટરના ઘાયલ થવાનો દાવો પણ કર્યો.
પોલીસના અનુસાર ઍન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 25 વર્ષીય મુસ્તકીન અને 22 વર્ષના નૌશાદ, આ જ વર્ષે ઑગષ્ટ અને સપ્ટેમ્બરમાં અલીગઢમાં થયેલી છ હત્યાઓમાં સામેલ હતા.
એ છ હત્યાઓ કઈ હતી?
લગભગ એક મહિનાની અંદર જિલ્લામાં થયેલી છ હત્યાઓનો સિલસિલો અલીગઢના પાલી મુકીમપુર થાણાની હદમાં બેવડા હત્યાકાંડથી ચાલુ થયો હતો.
12મી ઑગસ્ટની રાત્રે પાલી મુકીમપુર થાણા વિસ્તારના ભુડરા આશ્રમ રોડ ઉપર બનેલા એક શિવ મંદિરમાં અજ્ઞાત હુમલાખોરો ત્રાટક્યા.
એ વખતે મંદિરમાં બે પૂજારીઓ સહીત ત્રણ વ્યક્તિઓ નિંદ્રાધીન હતી.
હુમલાખોરોએ ડંડાથી મારી-મારીને બે વ્યક્તિની હત્યા કરી દીધી અને ત્રીજીને મૃત સમજીને ફરાર થઈ ગયા.
મૃતકોમાં મંદિરના 70 વર્ષીય પૂજારી અને પડોશના ગામના રહેવાસી એક 45 વર્ષની ઉંમરના ખેડૂત સામેલ હતા.
બીજી ઘટના 26મી ઑગસ્ટની રાત્રે જિલ્લાના અતરોલી ગામમાં બની હતી.
અહીંયા બહરવાદ નામના એક ગામને અડીને આવેલાં ખેતરોમાં પોતાના ટ્યૂબ-વેલ ઉપર સુતેલા મંટૂરી સિંહ નામના એક ખેડૂતની લાકડીઓ મારી મારીને હત્યા કરી દેવાઈ.
હુમલાખોરો હજુ પણ અજ્ઞાત હતા અને ઘટના પછી ફરાર થઈ ગયા હતા.
ત્રીજી ઘટના 14 સપ્ટેમ્બરની રાત્રે હરદુઆગંજના કલાઈ ગામની પાસે વસેલા દુરૈની આશ્રમમાં થઈ.
અહીંયા પણ અજ્ઞાત હુમલાખોરોએ એક સાધુની ડંડા મારી મારીને હત્યા કરી દીધી.
એ રાત્રે મંદિરની પાસે જ ખેતરોમાં જંતુનાશક દવા છાંટી રહેલા એક ખેડૂત દંપત્તિની પણ નિર્મમ હત્યા કરી દેવાઈ હતી.
આ હુમલામાં માર્યા ગયેલા ખેડૂત દંપત્તિ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીના દૂરના સંબંધી હતાં.
આ હત્યાઓ પછીથી પોલીસ ઉપર આ કેસો ઉકેલવા બાબતે સતત દબાણ વધતું જતું હતું.
ત્યારે જ 18મી સપ્ટેમ્બરે પાંચ વ્યક્તિની ધરપકડ અને ત્રણ ફરાર જણાવતા પોલીસે હત્યાઓના તમામ છ કેસ ઉકેલી લીધા હોવાનો દાવો કર્યો.
હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે ધરપકડ કરવામાં આવેલા સાબિર અલી ઉર્ફે દિનેશ પ્રતાપ સિંહ, સલમાન, ઇરફાન, યાસીન અને નદીમ નામની આ પાંચ વ્યક્તિ કોણ હતી?
સાથે જ ફરાર જણાવાયેલા મુસ્તકીન, નૌશાદ અને અફસરનો આ આરોપીઓ સાથે શું સંબંધ હતો?
છેવટે એ કે આ તમામ વાતોનો મુસ્તકીન અને નૌશાદના ઍન્કાઉન્ટર સાથે શું સંબંધ હતો?
આ તપાસ દરમિયાન બીબીસીને આ સવાલોના જુદા-જુદા જવાબ મળ્યા.
મુસ્તકીન અને નૌશાદને જે છ હત્યાઓ માટે જવાબદાર માનવામાં આવતા રહ્યા છે એમાં માર્યા ગયેલા સાધુઓ અને ખેડૂતોના સ્વજનોની જુબાની, પોલીસની કથાથી સદંતર જુદી જ છે.
એટલે સુધી કે આ હુમલાઓમાં જીવતા બચી ગયેલા એક પૂજારી પણ પોલીસ તપાસમાં સામે આવેલાં પરિણામો સાથે સહમત નથી.
સાથે જ, મુસ્તકીન અને નૌશાદનાં સ્વજનો ઘટનાક્રમનો એક જુદો જ કિસ્સો જણાવે છે.
પરંતુ મૃતકો, સાક્ષીઓ અને પીડિતોના સ્વજનોનો પક્ષ જાણતાં પહેલાં આ કિસ્સામાં પોલીસનો પક્ષ શું છે એ જાણીએ.
પોલીસનો પક્ષ
બીબીસીને આપેલા 45 મિનીટ લાંબા ઇન્ટરવ્યૂમાં વરિષ્ઠ જિલ્લા પોલીસ અધિક્ષક અજય સહાનીએ અલીગઢ ઍન્કાઉન્ટરની પૃષ્ઠભૂમિ જણાવતા એક લાંબી કથા સંભળાવી.
તેમની કથાના કેન્દ્રમાં એક નવું પાત્ર હતું. એટાના શહેર કાઝીના ખૂનના ગુનામાં જેની ઉપર કેસ ચાલુ છે એ સાબિર અલી ઉર્ફે દિનેશ પ્રતાપ સિંહ.
સહાની જણાવે છે, "મૂળ એટા જિલ્લાના રહેવાસી સાબિર અલીનું અસલ નામ દિનેશ પ્રતાપ સિંહ છે."
"તેઓ જાટવ જાતિના છે અને ધર્મ પરિવર્તન પછી પણ અનામતનો લાભ લઈને કાઉન્સિલરનું પદ ભોગવી ચૂક્યા છે."
"તપાસમાં બહાર આવ્યું કે પહેલા એટાના કીડવાઈ નગરમાં આરોપી સાબિર અલીની જમીન હતી."
"પોતાની જમીનમાંથી કુલ બે વીઘા જેટલો હિસ્સો આરોપીએ મદરેસા બનાવવા માટે દાનમાં આપી દીધો હતો."
"મદરેસા ચલાવવા માટે બિહારથી શહઝાદ નામના મુફ્તી બોલાવવામાં આવ્યા હતા."
"બાળકો આવીને અભ્યાસ કરવા લાગ્યાં અને મદરેસા વ્યવસ્થિત ચાલવા લાગ્યું. આ દરમિયાન જમીનના ભાવ વધી ગયા અને સાબિરે મદરેસાની જમીન વેચવા ઇચ્છી."
"જોકે, મુફ્તી શહઝાદે મદરેસા છોડવાની ચોખ્ખી ના પાડી દીધી. જયારે ઘણી-ધાક-ધમકી અને ડરાવ્યા પછી પણ મુફ્તી મદરેસા છોડવા તૈયાર ના થયા."
"ત્યારે એપ્રિલ 2016માં સાબિરે બે શૂટરોને ભાડે રાખીને મુફ્તીની હત્યા કરાવી દીધી."
પોલીસના અનુસાર મુફ્તીને પોતાના જીવ ઉપર તોળાઈ રહેલા જોખમનો અંદેશો હતો જ.
"એટલે તેમણે પોતાની પત્ની અને દીકરાને સાબિર તરફથી મળતી રહેલી ધમકીઓ વિશે જણાવી દીધું હતું."
"મુફ્તીની હત્યા બાદ તેમની પત્નીએ સાબિર વિરુદ્ધ પોતાના પતિની હત્યાનો કેસ નોંધાવ્યો હતો."
"મુફ્તીના પુત્ર શોએબ ઘટના સ્થળે હાજર હતા-તેઓ આ કેસમાં પ્રત્યક્ષ સાક્ષી બન્યા."
સહાની જણાવે છે કે એટા પોલીસે પોલીસે 40 દિવસની અંદર આ કાવતરા ઉપરથી પડદો ઉઠાવીને સાબિરની તેમના પુત્ર સહીત ધરપકડ કરી છે.
જેલમાં સાબિરની મુલાકાત અસગર, અફસર અને પાશા નામના ત્રણ 'બાબરિયા' (વિચરતી જાતિ) સાથે થઈ અને તેઓ મિત્રો બની ગયા.
"સાબિર થોડા દિવસ પછી જામીન ઉપર છૂટ્યો તો ખરો પરંતુ મુફ્તી હત્યાકાંડમાં તેને સજા થવાનો ડર હતો એટલે બહાર આવતા જ તેણે અસગર, અફસર અને પાશાનાં જામીન કરાવ્યાં અને બદલામાં તેમને મુફ્તીના કેસમાં તેમની વિરુદ્ધ જુબાની આપનારા લોકોને ખોટા કેસોમાં ફસાવવા માટે કહ્યું."
સહાનીના જણાવ્યા અનુસાર ગત એક મહિનામાં અલીગઢમાં થયેલા દરેક હત્યાકાંડ બાદ પોલીસને ઘટના-સ્થળેથી એક ચિઠ્ઠી મળતી હતી. જેમાં કેટલાંક નામ અને નંબર્સ નોંધાયેલાં હતાં.
સહાની જણાવે છે કે આ નામ હાજી કૌસર, જાન મોહમ્મદ અને ફિરોઝ ઉર્ફે કાળા નેતા નામના ત્રણ એટા રહેવાસીઓનાં હતાં.
આ ત્રણેય મુફ્તીની હત્યાના કેસમાં સાબિર અલીની વિરુદ્ધ હાજર થનારા મુખ્ય સાક્ષીઓ છે.
તેઓ આગળ ઉમેરે છે, "પાલી-મુકીમપુરમાં થયેલા પહેલા હત્યાકાંડ પછી જયારે અમને મોબાઈલ નંબરોની ચિઠ્ઠી મળી ત્યારે અમે આ નંબરોની તપાસ કરી."
"જાણવા મળ્યું કે ઘટનાસ્થળના સાધુઓ પાસેથી લૂંટવામાં આવેલા ફોનથી આ 3 સાક્ષીઓના નંબરો ઉપર ફોન કરીને ધડ-માથા વગરની વાતો કરવામાં આવી હતી."
"બીજા હત્યાકાંડમાં અમને પાલી-મૂકીમપુરની ઘટનામાં લૂંટવામાં આવેલા સાધુઓના ફોન ઘટના સ્થળ ઉપર પડેલા મળ્યા અને પછી એ જ નંબરો વાળી ચિઠ્ઠી પણ મળી."
"બધું જ પ્લાન કરેલું લાગી રહ્યું હતું. સત્ય જાણવા માટે અમે એતાના આ સાક્ષીઓને બોલાવીને પૂછપરછ કરી."
"ત્રણેયને સાબિર અલી ઉપર શંકા જાહેર કરી. હવે અમે સાબિરના નંબરને નિરીક્ષણ ઉપર મૂક્યો અને તેમાં જાણવા મળ્યું કે અતરોલીના એક નંબર ઉપર તેઓની સૌથી વધુ વાત થઈ રહી હતી."
"એ જિયોનો નંબર હતો અને લોકેશન પણ અતરોલીના ભેંસપાડામાં જ આવેલું મુસ્તકીન અને નૌશાદનું ઘર."
પોલીસનું કહેવું છે કે 18 સપ્ટેમ્બરે તેઓએ ભેંસપાડામાં રેડ કરીને સાબિર, સલમાન, ઇરફાન, યસીન અને નદીમની તો ધરપકડ કરી લીધી, પરંતુ મુસ્તકીન, નૌશાદ અને અફસર ત્યાંથી ફરાર થઈ ગયા."
"એ પછી 20મી સપ્ટેમ્બરની સવારે અચાનક નૌશાદ અને મુસ્તકીનને ચોરીની બાઈક સાથે વાયરલેસ ઇન્ટરસેપ્ટની મદદથી પકડવામાં આવ્યા."
"તેઓ બંને પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટુકડીઓને ઝાંસો આપીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા."
"અમે તેઓને આ ખંડેરમાં કોર્નર કરીને ઘેરી લીધા. તેઓએ પોલીસ ટીમ ઉપર ગોળીઓ ચલાવી એટલે સ્વબચાવમાં ફાયર કરતા અમારે કાર્યવાહી કરવી પડી. જવાબી ગોળીબારમાં બનેનાં મોત થયાં."
ઍન્કાઉન્ટરની યોગ્યતા બાબતે ઉપસ્થિત થતા સવાલોનો જવાબ આપતા સહાની મુસ્તકીન અને નૌશાદને લગભગ બાંગ્લાદેશી જણાવતા કહે છે, "હજુ હું તેઓનું ફેમિલી ટ્રી બનાવી રહ્યો હતો."
"આ લોકોનું કશું સમજાતું જ નથી. પરિવારમાં પરસ્પર લગ્નો થયાં છે. તેઓ નામ અને જગ્યા બદલી-બદલીને રહેતાં હતાં."
"તેઓનાં મૂળિયાં શોધતા અમે પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લા સુધી તો પહોંચી ગયા છીએ."
આગળ કદાચ બાંગ્લાદેશનું કનેક્શન પણ નીકળી શકે છે. આ બંને જુના અપરાધીઓ હતા. મુસ્તકીન ચોરી-ચાકરીમાં જેલમાં પણ જઈ આવેલો હતો."
અહીયાં જ મેં પોલીસ અધિક્ષકને નૌશાદ વિશે પૂછ્યું, "નાનો પણ?"
જવાબમાં તેઓએ કહ્યું, "નાનાની માહિતી હજુ જેલમાંથી કઢાવી રહ્યા છીએ. એની ખાતરી પણ ઝડપથી થઈ જશે."
પૂજારી અને તેઓનો પરિવાર
આ તપાસ દરમિયાન અમે સૌથી પહેલાં પાલી-મુકીમપુર થાણામાં એ ભૂડરા આશ્રમ પહોંચ્યાં, જ્યાંથી હત્યાઓનો એ સિલસિલો શરૂ થયો હતો.
થાણાના રૂપવાસ ગામના નાકે આવેલા એક શિવ મંદિર અને મંદિરને અડીને આવેલા બે ઓરડાના મકાનને જ પાલી-મુકીમપુરમાં ભૂડરા આશ્રમના નામે ઓળખવામાં આવે છે.
આશ્રમની સામે એક ખુલ્લું મેદાન હતું. કેટલાક વયસ્ક ગ્રામજનો મેદાનમાં ઝાડ નીચે ખાટલા નાખીને બેઠેલા હતા.
સુરક્ષા માટે પોલીસના બે સિપાઈ પણ આશ્રમમાં તહેનાત હતા. સાથે જ મંદિરની પડોશમાં એક પોલીસચોકીનું બાંધકામ પણ ચાલી રહ્યું હતું.
આશ્રમની સામે જ ચાદરોથી ઢાંકેલી એક કબર પણ નજરે પડી રહી હતી.
ગ્રામજનો સાથે વાતચીત કરતા ખબર પડી કે સામે આવેલી કબર મૃત સાધુ કાલિદાસની છે.
સિપાઈઓની તહેનાતી અને ચોકીનું બાંધકામ કાર્ય પણ 12 ઑગસ્ટની રાત્રે મંદિરમાં થયેલા હત્યાકાંડ પછી જ શરૂ થયું હતું.
આશ્રમની સામે બેઠેલા 70 વર્ષના લાલારામે જણાવ્યું, "ગ્રામજનોએ પરસ્પર ફાળો કરીને લગભગ 50 વર્ષ પહેલાં આ મંદિર બનાવડાવ્યું હતું."
"જ્યારથી અમને યાદ છે ત્યારથી મહાત્મા બાબા કાલિદાસ અહીંયા જ રહેતા હતા. નજીકના જ ખુશીપુરા ગામના રહેવાસી હતા."
"70 વર્ષની ઉંમર હશે. ખુશીપુરાના જ મહેન્દ્ર શર્મા પણ તેઓની સાથે રહેતા હતા. તેઓ મંદિરના પૂજારી હતા."
લાલારામ જણાવે છે, "પોતાના ખેતરોમાં ટ્યૂબવેલનું પાણી છોડીને સોનપાલ પણ મંદિરમાં જ રોકાઈ ગયા હતા."
"જયારે તેઓની ઉપર હુમલો થયો ત્યારે બાબા કાલિદાસ, મહેન્દ્ર અને સોનપાલ, ત્રણેય સાથે જ ધાબે સૂતા હતા."
"અમને તો સવારમાં ખબર પડી. મહાત્માજી અને સોનપાલનું તો મોત થઈ ગયું હતું. પૂજારી મહેન્દ્ર ગંભીર રીતે ઘાયલ હતા પરંતુ બચી ગયા."
સાથે જ બેઠેલા 65 વર્ષીય મક્ખન સિંહ કહે છે, "તેઓને બહુ ખરાબ રીતે માર્યા હતા. લાઠીઓથી મારી-મારીને કપાળ ફાડી નાખ્યાં હતાં."
"મહાત્માજીની તો આંખો પણ ફોડી નાખી હતી. એનાથી તો સારું થાત કે ગોળી મારી દેતા. એટલું લોહી નીકળ્યું હતું કે આખું ધાબુ લાલ થઇ ગયું હતું."
અલીગઢ ઍન્કાઉન્ટર વિશે પૂછતા આશ્રમની સામે જ બેઠેલા એક અન્ય ગ્રામજન પંજાબી સિંહ જણાવે છે, "અસલી વિવાદ તો મંદિરની જમીનનો છે."
"આ મંદિર અહીંયા વર્ષોથી છે અને કોઈ પણ સમસ્યા નથી થઈ. પરંતુ આ વર્ષે ઉનાળામાં પડોશના પીઢૌલ ગામના કેટલાક લોકો આવ્યા અને કહેવા લાગ્યા કે આશ્રમની જમીન ઉપર તેમના ગામના 10-12 લોકોના પટ્ટા છે."
લાલારામ જણાવે છે કે પીઢૌલ ગામના લોકો બીજી વખત લોકપાલને લઈને આવ્યા હતા.
તેમણે મંદિરની આસપાસની જમીનની માપણી કરાવી અને બાબાને મંદિર છોડવાની ધમકી આપીને જતા રહ્યા.
અલીગઢ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયેલા મુસ્તકીન અને નૌશાદ વિશે પૂછતા ગ્રામજનો કહે છે, "અમારા રૂપવાસ અને ખુશીપુરા ગામોની આખી ગ્રામ પંચાયતને વિશ્વાસ છે કે મહાત્માજી અને સોનપાલને પીઢૌલ વાળાઓએ જ માર્યા છે."
"બાબાની હત્યા પછી એ ગામના કેટલાક લોકોની ધરપકડ પણ થઈ હતી. પરંતુ પછી પોલીસે એ તમામને છોડી મૂક્યા હતા."
"પછી આ બે છોકરાઓને કારણ વગરના મારી નાખ્યા. એ છર્રાના મુસલમાન શું કરશે અહીંયા રૂપવાસના બાબાને મારીને?"
આમાં ધ્યાન આપવાની વાત એ છે કે છર્રા અલીગઢનું એ પરગણું છે, જ્યાં ઍન્કાઉન્ટરમાં માર્યા ગયેલા મુસ્તકીન અને નૌશાદના પરિવાર અતરોલીના પોતાના હાલના રહેઠાણમાં આવ્યા એ પહેલાં રહેતા હતા.
આગળ તપાસ કરતા એ પણ જાણવા મળ્યું કે ઘટનાના 20 દિવસ પછી પોલીસે પીઢૌલ ગામના તુલસી અને બબલુ ઉર્ફે કલુઆ નામના બે યુવાનોની પણ ધરપકડ કરી હતી, પરંતુ પછીથી તેઓને છોડી દેવામાં આવ્યા.
ઘટના સ્થળના સાક્ષી
ખુશીપુરા ગામમાં અમારી મુલાકાત હુમલા પછી બચી ગયેલા અને હવે, કેસમાં એક માત્ર ઘટનાસ્થળે હાજર હતા એવા સાક્ષી પૂજારી મહેન્દ્ર શર્મા સાથે થઈ.
નાની કદ કાઠી ધરાવતા 50 વર્ષીય મહેન્દ્ર પોતાના ઘરની સામે ઢાળેલા ખાટલામાં સૂતેલા હતા.
તેમની ભૂરી આંખો અને કાંપતાં અવાજમાં આજે પણ મોતનો ડર ચોખ્ખો અનુભવી શકાય છે.
દબાયેલા અવાજમાં તેઓએ કહ્યું, "અમે વર્ષોથી બાબાની સાથે મંદિરમાં જ રહેતા હતા. અતરોલીથી મામલતદાર અને લેખપાલ આશ્રમ આવ્યા."
"તેઓની સાથે પીઢૌલની એ મહિલા-વિજય પણ હતી. મે મહિનામાં ફરીવાર આશ્રમ આવ્યા."
"પીઢૌલના લોકોએ બાબાને કહ્યું કે બાબા તમે આ જગ્યા છોડી દો. બાબા ચૂપચાપ સાંભળતા રહ્યા. કશુ બોલ્યા નહીં."
"એ પછી એક દિવસ પીઢૌલના લોકો આશ્રમ આવ્યા અને તેઓએ બાબાને ધમકી આપી."
"કહ્યું કે બાબા આ જગ્યા છોડી દો નહીંતર તમારા માટે સારું નહીં રહે. બસ આ ઘટનાના એક દિવસ પછી રાત્રે જ આ હત્યાકાંડ થઈ ગયો."
ઘટનાની રાતને યાદ કરતા મહેન્દ્ર આગળ કહે છે, "એ દિવસે સોનપાલના ઘરેથી જમવાનું આવ્યું હતું. 8 વાગ્યા સુધી અમે લોકો જમીને ધાબે આવી ગયા હતા."
"પછી મેં હનુમાન ચાલીસા વાંચી અને 9 વાગ્યાની આસપાસ અમે સુઈ ગયા. જયારે હુમલો થયો ત્યારે હું તો સુઈ ગયો હતો."
"પરંતુ મને એટલું યાદ છે કે અમને બહુ જ માર્યા હતા. ગ્રામજનો કહે છે કે 5 દિવસ સુધી મારા કાનમાંથી લોહી વહેતું બંધ નહોતું થયું."
હુમલાખોરો વિશે પૂછતાં મહેન્દ્ર થોડીવાર ચૂપ રહે છે. પછી હાથ જોડતા કહે છે, "પીઢૌલના જ છોકરા હતા."
હરદુઆગંજનો ત્રીજો હત્યાકાંડ
પાલી મુકીમપુર પછી 14મી સપ્ટેમ્બરની રાત્રે હરદુઆગંજના દુરૈની માતાના મંદિરથી થોડે જ દૂર વસેલા આ ગામના એક નાનકડા મકાનમાં રહેતા બાબા રામસ્વરૂપનો પરિવાર આજ સુધી તેમની મોતના આઘાતમાંથી બહાર નથી આવી શક્યો.
સૌથી નાના ભાઈ સુંદરલાલ કહે છે, "અમારા બાબાનું મંદિર બહુ માનતાવાળું હતું. દર ગુરુવારે અહીંયા ભક્તોની ભીડ જમા થતી હતી."
"અહીંયા મથુરાથી શરૂઆતમાં જયારે બાબાએ અહીંયા પીઠની સ્થાપના કરી હતી ત્યારે તો અહીંયા ઘૂંટણ સમું ઘાસ ઊગતું હતું."
"તેઓએ પોતાની મહેનતથી મંદિરની જમીનને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી હતી."
સુંદરલાલ ઘટના પછી બાબા રામસ્વરૂપને જોનારા પહેલા લોકોમાંના એક હતા.
ઘટનાની આગલી સવાર યાદ કરતા તેઓ જણાવે છે, "સવારે દૂધ લઈને આવ્યા તો જોયું બાબા મચ્છરદાનીથી લપેટેલા પલંગની નીચે પડ્યા હતા અને બધી બાજુ લોહી જ લોહી હતું."
બાબા રામસ્વરૂપના પરિવારજનોનું માનવું છે કે અલીગઢ ઍન્કાઉન્ટર પછી હવે બાબાને ક્યારેય ન્યાય નહીં મળે.
સુંદરલાલ જણાવે છે, "એવો કોઈ પુરાવો નથી જેનાથી એવું સાબિત થતું હોય કે અમારા બાબાની હત્યા અતરોલીના એ બે મુસલમાન છોકરાઓએ કરી હતી."
"અમને તો મીડિયા દ્વારા જાણ થઈ કે હત્યાનો કેસ પણ પોલીસે એ છોકરાઓથી જ ઉકેલ્યો છે."
"હવે તો છોકરા પણ મરી ગયા અને અમારો કેસ પણ બંધ થઈ જશે. અમે તો આ કેસની સાચી તપાસ અને બાબા માટે ન્યાય ઇચ્છીએ છીએ. પરંતુ શું ખબર ન્યાય ક્યારેય મળશે કે નહીં?"
બાબા રામસ્વરૂપ હત્યાકાંડની રાત્રે જ મંદિરની પાસે ખેતરોમાંથી એક ખેડૂત દંપત્તિની લાશો મળી હતી.
આ દંપત્તિ પણ આ જ સફેદાપુરા ગામના રહેવાસી હતા. બાબાના ઘરથી આગળ વધતા અમે ગામના બીજા છેડે આવેલા આ મૃતક દંપત્તિના ઘરે પહોંચ્યા.
ઘરનું કમાડ મૃતક ખેડૂતની મોટી દીકરી 16 વર્ષીય ભાવનાએ ખોલ્યું.
આંગણામાં પરિવારના અન્ય સભ્યો સાથે બેઠેલા ભાવનાના કાકા અને મૃતક ખેડૂતના નાના ભાઈ લલિત કુમારે પોતાના ભાઈ-ભાભીનું નામ યોગેન્દ્ર પાલ અને વિમલેશ દેવી જણાવ્યું, "ભાઈ 45ના હતા અને ભાભીની ઉંમર 42 વર્ષની આસપાસ હતી."
"એ રાત્રે મારા અમારા ભાઈ-ભાભી મકાઈના ખેતરોમાં દવા નાખવા ગયાં હતાં."
"પછી પાછા ના આવ્યા. સવારના 9 વાગ્યે મને ખબર પડી તો અમે સહુએ એમને શોધવાનું શરૂ કરી દીધું."
"ત્યાં સુધી મંદિરવાળા રામસ્વરૂપ બાબાની હત્યાની ખબર દરેક જગ્યાએ ફેલાઈ ગઈ હતી એટલે અમે વધુ ડરેલાં હતાં."
"થોડી જ વારમાં ભાઈની લાશ ખેતરમાં પડેલી મળી. ભાભીની લાશ ત્યાંથી લગભગ ૧૦૦ મીટર દૂર ક્યારીમાં ફેંકવામાં આવી હતી."
લલિતની સાથે ઊભેલા તેમના ભત્રીજા રાજ પાળે અલીગઢ ઍન્કાઉન્ટર ઉપર સવાલો ઉઠાવતા આગળ કહ્યું, "આ એન્કાઉન્ટર કરીને પોલીસે તો આ કેસમાં માત્ર લીપાપોતી જ કરી છે."
"સ્થાનિક ધારાસભ્ય દલવીર સિંહે અમારા થાણેદારને કહ્યું હતું કે આ બાબતની તપાસ સરખી રીતે કરવામાં આવે."
"એ દિવસે થાણેદાર સાહેબે જણાવ્યું પણ હતું કે અમારા ગામના જ કેટલાક લોકો આ હત્યાકાંડમાં સામેલ હોઈ શકે છે."
"તેઓએ કહ્યું હતું કે 3-4 દિવસમાં પોલીસ પરિવારના લોકોને બોલાવીને કેસ ખોલશે."
"અમને કશું જ જણાવવામાં આવ્યું નહીં. મીડિયા દ્વારા જ 18મી સપ્ટેમ્બરે પકડાયેલા 5 વ્યક્તિ વિશે જાણકારી મળી અને પછી 20મીએ તો ઍન્કાઉન્ટર જ થઈ ગયું."
લલિત આગળ ઉમેરે છે, "ભાઈની બોડી તો જકડાયેલી હતી પરંતુ ભાભીના માથેથી તાજું લોહી વહી રહ્યું હતું."
"એ લોહીને જોઈને લાગતું હતું કે તેમના અને ભાઈના મોતના સમયમાં ઘણું અંતર રહ્યું હશે."
"ભાભીને બહુ જ માર્યું હતું. ગરદન. કરોડરજ્જુ, બધું જ તૂટી ગયું હતું. આંખો ફૂટેલી હતી."
"ખબર નથી તેમની સાથે શું થયું હશે. એ લોકોની પાસે તો ફક્ત જૂનો મોબાઇલ જ હતો જેની ટોર્ચને અજવાળે તેઓ ખેતરોમાં દવા અને પાણી નાખતા હતા."
"મંદિરનો સામાન પણ ભાભીની આસપાસ પડેલો મળ્યો હતો. એક ચુંદડીમાં લપેટેલું એક નારીયેળ અને થોડી અગરબત્તીઓ."
પરિવારજનોનું કહેવું છે કે તેઓ આગળ સુપ્રીમ કોર્ટમાં જઈને અદાલત પાસે સીબીઆઈ તપાસની માંગ કરવા ઇચ્છે છે, પરંતુ મૃતક દંપત્તિના બાળકોના ભવિષ્યની ચિંતામાં કોઈ પગલાં ભરી શકતાં નથી.
મુસ્તકીન, નૌશાદ અને હીનાનો પક્ષ
મૃતકોના ઘરની સામે ભારે પોલીસ બંદોબસ્ત હતો. વર્દીવાળાઓની કડક નાકાબંધીની સાથે-સાથે લોકલ ઇન્ટેલિજન્સના સિપાઈઓ પણ ત્યાં સાદા વેશમાં ફરતા હતા.
મૃતકોના સ્વજનો હવે મીડિયા અથવા કોઈ અન્યને મળી શકે એ લગભગ અશક્ય જેવું હતું. છતાં પણ થોડા પ્રયત્નો બાદ હું મુસ્તકીનના ઘરમાં દાખલ થઈ ગઈ.
અંદર હિનાની બહેન ઈંટોના એક ચુલા ઉપર પાડોશીઓએ આપેલું અનાજ રાંધીને રાતના ભોજનની વ્યવસ્થા કરી રહી હતી. ચૂલાની સામે બહેનોનાં કપડાં દોરી ઉપર સુકાતાં હતાં.
વાતચીત દરમિયાન હીના મોટેભાગે શૂન્યમનસ્ક લાગતી હતી. ભાઈ અને પતિને ગુમાવવાના દુ:ખની સાથે સાથે તેમના ચહેરા ઉપર મદદ માટે તરફડતા માણસની નિરાશા હતી.
હિનાની કથા, પોલીસની કથાથી સાવ ઉલટી છે. તેમના અનુસાર પોલીસ મુસ્તકીન અને નૌશાદને 16મી સપ્ટેમ્બરે જ તેમના ઘરેથી ઉઠાવીને લઈ ગઈ હતી.
તેઓ જણાવે છે, "રવિવારની બપોર હતી. પોલીસવાળાઓ આવ્યા અને ઘરમાં ઘૂસતા જ અમારા પતિ અને ભાઈને મારવા લાગ્યા."
"જોર-જોરથી મારવા લાગ્યા. આખા મહોલ્લાએ જોયું છે, સહુ જાણે છે, પછી તેઓએ મુસ્તકીન અને નૌશાદ બંનેને પોતાની ગાડીમાં નાખ્યા અને લઈ ગયા."
"કોઈ ગુના વગર બંન્ને લઈ ગયા અને મારી નાખ્યા. વચ્ચે ફરીવાર પોલીસવાળા અમારા ઘરે પણ આવ્યા હતા."
"ઘરમાંથી અમારા બધાનાં આધાર કાર્ડ, અમારા લગ્નનાં કાગળો અને મારી પાસે જે 230 રૂપિયા બચ્યા હતા, એ બધુ જ લઈ ગયા."
"એ પછી ત્રીજી વાર આવ્યા તો મને સીધા મૃતદેહો બતાવવા જ લઈ ગયા. પતિની મૃતદેહો મેં ચૂપચાપ જોઈ લીધા પરંતુ ભાઈનો મૃતદેહો જોતાં જ હું બેભાન થઈ ગઈ."
"એ ફક્ત 17 વર્ષનો હતો. એના દાંત તૂટેલા હતા અને આંખો ફૂટેલી હતી. પછી પોલીસવાળાઓએ મારી પાસે બે અંગૂઠા લગાવડાવ્યા અને પાછા ઘરે મોકલી દીધા."
"છેલ્લી વાર બેયને સરખી રીતે જોવા ય ના દીધા."
સરકારનો પક્ષ
અલીગઢ ઍન્કાઉન્ટર ઉપર ઉપસ્થિત થઇ રહેલા સવાલો વિશે સરકારનો પક્ષ જાણવા માટે અમે લખનૌ સચિવાલયમાં બેસતા પ્રદેશ સરકારના ઊર્જા મંત્રી અને રાજ્ય સરકારના સત્તાવાર પ્રવક્તા શ્રીકાંત શર્મા સાથે વાત કરી.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું, "જુઓ, સરકારની પહેલી પ્રાથમિકતા પ્રદેશમાં સુરક્ષાનું વાતાવરણ બનાવવાની છે."
"ભૂતકાળમાં અહીંયા જે સપા-બસપા અને કોંગ્રેસની કોકટેલ હતી, એ અપરાધીઓને સંરક્ષણ આપતી હતી."
"અમારી કામ કરવાની રીત અલગ છે. આ સરકારમાં અપરાધીઓને કોઈ સંરક્ષણ આપવામાં આવશે નહીં."
"જો કોઈ અપરાધ કરશે તો તેણે તેની જ ભાષામાં પોલીસ જવાબ આપશે. સાથે જ જો કોઈ વર્દી પહેરીને દાદાગીરી કરશે તો તેને પણ બક્ષવામાં નહીં આવે."
આ વિષયમાં વધુ વાત કરવા માટે અમે ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિદેશક ઓ પી સિંહ સાથે મુલાકાત કરી.
અલીગઢ ઍન્કાઉન્ટર બાબતે ઉપસ્થિત થયેલા સવાલોનો જવાબ આપ્ટે તેઓએ મારા હાથમાં પ્રદેશના છેલ્લા ત્રણ વર્ષના ગુનાખોરીનો રેકોર્ડ પકડાવતા કહ્યું, "સવાલ તો કોઈ પણ ગમે તેની ઉપર ઉઠાવી શકે છે, પરંતુ તમે જુઓ, પ્રદેશમાં અપરાધ ઓછા થઈ શક્યા છે કે નહીં?"
"આંકડા તો એ જ કહે છે. આ સાથે જ હું એમ પણ કહેવા ઇચ્છું છું કે દરેક ઍન્કાઉન્ટરની મેજીસ્ટ્રેટ દ્વારા તપાસ થશે અને થાય છે!"
"એ જ કાયદો છે. હું કોઈ એક ઍન્કાઉન્ટર ઉપર ટીપ્પણી તો નહીં કરી શકું પરંતુ આખા રાજ્યની કાયદા-વ્યવસ્થાના વિષયમાં હું એટલું જરૂર કહી શકું છું કે અમારો પહેલો ઉદ્દેશ અપરાધીને પકડવાનો હોય છે."
"આત્મ-રક્ષા માટે ગોળી ચલાવવી એ અંતિમ ઉપાય છે, નિયમ નથી."
"તમામ ઍન્કાઉન્ટરોની તપાસ થઇ રહી છે. અને જો કોઈ પણ પોલીસ અધિકારી દોષી સાબિત થશે તો તેની ઉપર ઉચિત કાર્યવાહી કરવામાં આવશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો