You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોહરાબુદ્દીન-ઇશરત જહાં કેસના અભિયુક્ત પોલીસવાળા આજે ક્યાં છે?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ વિરુદ્ધ બનાવટી ઍન્કાઉન્ટર કરી હત્યા કરવાના આરોપ છે. કેટલાક પોલીસમેનની હત્યાના આરોપસર ધરપકડ થઈ હતી.
આરોપી પોલીસમેનમાંથી કેટલાક સસ્પેન્ડ છે, જ્યારે કેટલાકે રાજીનામાં આપી દીધાં છે. ઉપરાંત કેટલાક અધિકારીઓ નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે.
ગુજરાતમાં વર્ષ 2003થી 2007 સુધીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ (ઍન્ટિ- ટૅરરિઝમ સ્ક્વૉડ)ના અધિકારીઓ દ્વારા આઠ લોકોનાં કથિત ઍન્કાઉન્ટર કરવામાં આવ્યાં હતાં.
આરોપી પોલીસ અધિકારીઓની હાલમાં શું સ્થિતિ તેની ઉપર એક નજર કરીએ.
ઇશરત જહાં અને સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર થનારી વ્યક્તિઓમાં સામેલ હતા. આ બે ઍન્કાઉન્ટરની તપાસ સીબીઆઈ (સૅન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા કરવામાં આવી છે.
સોહરાબુદ્દીન કેસમાં કુલ ૩૮ પોલીસકર્મીઓ તથા રાજનેતાઓ સામે ચાર્જશીટ દાખલ થઈ હતી, જ્યારે ઇશરત જહાં કેસમાં ૨૦ પોલીસકર્મીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ હતી.
આરોપી પોલીસકર્મીઓમાં 8 આઈપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે. કૉન્સ્ટેબલથી લઈને ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) સુધીના પોલીસ ઓફિસરનાં નામ બન્ને કેસની ચાર્જશીટમાં આરોપીઓ તરીકે સામેલ છે.
આપને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોહરાબુદ્દીન શેખ કેસ
સોહરાબુદ્દીન શેખ રાજસ્થાન વિસ્તારમાં સક્રિય હતો, જેનું ગુજરાત એટીએસ દ્વારા કથિત ઍન્કાઉન્ટર થયું હતું.
જોકે, ત્યારબાદ સોહરાબુદ્દીનના સાથી તુલસી પ્રજાપતિનું પણ કથિત ઍન્કાઉન્ટર થયું હતું.
ગુજરાત અને રાજસ્થાનના કેટલાક પોલીસ અધિકારીઓ તથા રાજકીય નેતા વિરુદ્ધ આ કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી.
ચાર્જશીટમાં ડી. જી. વણઝારા, એન. કે. અમીન, વિપુલ અગ્રવાલ, ગીતા જોહરી, અભય ચુડાસમા, રાજકુમાર પાંડિયન સહિતના વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત શાહ અને એ. પી. માથુરના નામનો પણ સમાવેશ થાય છે.
મુંબઈ સેશન્સ કોર્ટમાં ટ્રાયલ
ઍન્કાઉન્ટરની તપાસ સીબીઆઈને સોંપ્યા બાદ તેનું ટ્રાયલ મુંબઈ સેશન્સ કોર્ટમાં ચલાવવામાં આવી હતી.
કેસમાં વિપુલ અગ્રવાલ સિવાય તમામ આઈપીએસ અધિકારીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.
આ કેસમાં મુંબઈ કાલાઘોડા સેશન્સ કોર્ટ હવે તપાસ અધિકારીઓની જુબાની રેકોર્ડ કરી રહી છે.
સોહરાબુદ્દીન કેસમાં ત્રણ મર્ડર કેસની તપાસ સામેલ છે. સોહરાબુદ્દીનને નવેમ્બર-2005માં ઠાર માર્યા બાદ ડિસેમ્બર-2006માં તુલસી પ્રજાપતિને પણ એક કથિત ઍન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો.
આ દરમિયાન સોહરાબુદ્દીનના પત્ની કૌસરબીને પણ મારી નાખી હતી, તેવું સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં ઉમેર્યું હતું.
મુખ્ય પોલીસ અધિકારીઓની આરોપીઓ તરીકે કથિત ભૂમિકા
સીબીઆઈની ચાર્જશીટમાં ડી. જી. વણઝારાને 'આરોપી નંબર ૧' તરીકે બતાવવામાં આવ્યાં છે.
તેઓ તે સમયે ઍન્ટિ-ટૅરરિઝમ સ્ક્વૉડનાં ડીઆઈજી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમના પર હત્યાના ષડયંત્ર ઘડીને સોહરાબુદ્દીન અને કૌસરબીને મારી નાખવાનો આરોપ છે.
રાજકુમાર પાંડિયન તે સમયે એટીએસના ડેપ્યુટી એસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ચાર્જશીટ પ્રમાણે તેઓ હૈદરાબાદમાં રહીને સોહરાબુદ્દીન, તુલસીરામ પ્રજાપતિ અને કૌસરબીના અરહરણનું પ્લાનિંગ કર્યું હતું.
ચાર્જશીટ પ્રમાણે, અભય ચુડાસમા તુલસી પ્રજાપતિના સંપર્કમાં હતા, જ્યારે સોહરાબુદ્દીન પોલીસથી ભાગતો ફરતો હતો, ત્યારે પ્રજાપતિની મદદ લઈને ચુડાસમાએ સોહરાબુદ્દીનને શોધી કાઢ્યો હતો.
એન. કે. અમીન તે સમયે એટીએસમાં નહોતા, પરંતુ ચાર્જશીટમાં તેમના પર આરોપ છે કે તેમણે કૌસરબીના મૃતદેહનાં નિકાલ માટે આરોપીઓને મદદ કરી હતી. તેમની જેમ જ બાલકૃષ્ણ ચૌબે પર પણ પુરાવાનો નાશ કરવાનો આરોપ છે.
ઇશરત કેસમાં મુખ્ય પોલીસ આરોપીઓની ભૂમિકા
આ કેસમાં વણઝારા, અમીન ઉપરાંત તરુણ બારોટ અને જી. એલ. સિંઘલ મુખ્ય આરોપીઓ તરીકે ઉમેરાયા છે.
આ તમામ પર ઇશરત અને બીજા ત્રણ વ્યક્તિઓને કિડનેપ કરીને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી, મારી નાખવાના આરોપ છે.
આ કેસમાં પી. પી. પાન્ડેય જે તે સમયે જૉઇન્ટ કમિશનર-ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહ્યાં હતા અને તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી, જોકે, સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે તેમને ડિસ્ચાર્જ કરી દીધા હતા.
ઇશરત જહાં ઍન્કાઉન્ટર
ડી. જી. વણઝારા, એન. કે. અમીન, જી એલ સિંઘલ, તરુણ બારોટ, પી. પી. પાન્ડેય, કે. એમ. વાઘેલા ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સીબીઆઈએ ઇશરત જહાં બનાવટી ઍન્કાઉન્ટર કેસમાં ચાર્જશીટ કરી હતી.
વણઝારા અને અમીનની ડિસ્ચાર્જ અરજીને અમદાવાદની વિશેષ સીબીઆઈ કોર્ટે ફગાવી તેમની વિરુદ્ધ આરોપ ઘડવા માટે 7 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે.
આ તમામ પર આરોપ છે કે તેમણે કથિત રીતે મુંબઈની 19 વર્ષની કોલેજિયન યુવતી ઇશરત જહાં, તેના મિત્ર જાવેદ શેખ અને બે પાકિસ્તાની નાગરિકો પર ગોળીબાર કરી તેમને મારી નાખ્યાં હતાં.
શું થશે આગળ આ બન્ને ઍન્કાઉન્ટર કેસમાં?
ઇશરત ઍન્કાઉન્ટરમાં માત્ર પી. પી. પાન્ડેયને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.
બાકીના અધિકારીઓની સામે કર્યાવાહી કરવા માટે શું સીબીઆઈ કોઈ આગોતરી મંજૂરી મેળવવા માંગે છે કે નહીં તે વિશેની સ્પષ્ટતા આ તપાસ એજન્સી 7ની સપ્ટેમ્બરના રોજ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં કરવાની છે.
આ ઍન્કાઉન્ટર કેસમાં તમામ આરોપીઓ વિરુધ કોર્ટની કાર્યવાહી થઈ રહી છે, જ્યારે સોહરાબુદ્દીન કેસ, જેની સુનાવણી મુંબઇની કાલાઘોડા સેશન્સ કોર્ટમાં થઇ રહી છે.
તેમાં હાલમાં તુલસી પ્રજાપતિના ઍન્કાઉન્ટર વિશે જુબાનીઓ લેવાઈ રહી છે.
ઇશરત અને સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટરમાં સેશન્સ કોર્ટમાં ચુકાદો બાકી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો