You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોહરાબુદ્દીન કેસ: જજે CBI પર શું કહ્યું હતું?
ચર્ચાસ્પદ સોહરાબુદ્દીન કેસની દરરોજ સુનાવણી કરી રહેલાં જસ્ટિસ રેવતી મોહિતે-ડેરેને ત્રણ સપ્તાહ જ વીત્યા હતા કે તેમને નવી જવાબદારી સોંપી દેવામાં આવી.
23 ફેબ્રુઆરીએ મુંબઈ હાઈ કોર્ટની વેબસાઇટ પર આ માહિતી આપવામાં આવી કે જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે હવે ફોજદારી કેસોની રિવ્યૂ પિટિશન્સ (પુનર્વિચાર અરજીઓ) પર સુનાવણી કરશે.
આ ફેરફારના માત્ર બે દિવસ પહેલાં 21 ફેબ્રુઆરીએ જસ્ટિસ રેવતી મોહિતે-ડેરેએ એન્કાઉન્ટર કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે CBI આ કેસમાં 'પર્યાપ્ત રીતે સહયોગ કરવામાં નિષ્ફળ' રહ્યો છે.
તમને આ વાંચવું પણ ગમશે:
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં કેટલાક પોલીસ અધિકારીઓને મુક્ત કરી દેવાની વિરુદ્ધ થયેલી અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ રેવતી મોહિતે-ડેરેએ આ વાત કહી હતી.
CBI વિશે શું કહ્યું હતું?
તપાસ એજન્સીની જવાબદારી છે કે તે તમામ પુરાવા કોર્ટ સમક્ષ મૂકે, પરંતુ આ મામલે CBIએ કોર્ટની દ્વારા વારંવાર કહેવા છતાં માત્ર બે અધિકારીઓની ભૂમિકા વિશે જ ઊલટ-તપાસ કરવાનો નિર્ણય કર્યો.
આ બે પોલીસ અધિકારીઓ એ છે, જેમને મુક્ત કરી દેવાના નિર્ણયનો CBI વિરોધ કરી રહી છે.
"હું ફરિયાદ પક્ષના કેસને હજી સુધી સમજી નથી શકતી. તપાસ એજન્સી CBI કોર્ટને પૂર્ણરૂપે મદદ નથી કરી રહી."
CBI નકલી એન્કાઉન્ટર કેસમાં તમામ સબ-ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ કક્ષાના પોલીસવાળાની મુક્તિનો વિરોધ કરી રહી છે, પરંતુ મોટાભાગના સિનિયર અધિકારીઓની મુક્તિ પર મૌન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
9 ફેબ્રુઆરીએ જ્યારથી આ કેસની સુનાવણી શરૂ થઈ છે ત્યારથી કોર્ટે દર વખતે CBIને ચાર્જશીટ, સાક્ષીઓના નિવેદન અને બીજા દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું છે.
પરંતુ દરેક વખતે CBIએ એમ જ કહ્યું કે તેમની પાસે એ દસ્તાવેજો નથી અને એ મેળવવા માટે તેમને સમય લાગશે.
કોણ છે જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે
પુનામાં જન્મેલાં જસ્ટિસ રેવતી મોહિતે-ડેરેની શરૂઆતનો અભ્યાસ ત્યાં જ થયો.
પુણે યુનિવર્સિટીથી એલએલબી કર્યા બદા તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીથી એલએલએમનો અભ્યાસ કર્યો હતો.
એલએલએમ બાદ તેમણે તેમના પિતા અને જાણીતા વકીલ વિજયરાવ એ મોહિતે સાથે પુનામાં જ કામ કરવાની શરૂઆત કરી.
પુનાથી એ મુંબઈ હાઈ કોર્ટ ગયાં અને ત્યાં તેમણે બેરિસ્ટર રાજા એસ ભોંસલે સાથે કામ કર્યું.
જસ્ટિસ ડેરેએ દીવાની, ફોજદારી કેસિસ ઉપરાંત બંધારણીય કેસિસની પણ અદાલતમાં રજૂઆત કરી. એમણે લાંબા સમય સુધી સરકારી વકીલ તરીકે કામ કર્યું.
જુન 21, 2013ના રોજ તેમને બોમ્બે હાઈ કોર્ટમાં એડિશનલ જજના પદે નિયુક્ત કરવામાં આવ્યાં અને ત્રણ વર્ષ બાદ માર્ચ 2, 2016ના રોજ તેમને સ્થાયી જજ બનાવી દેવામાં આવ્યાં.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ
નવેમ્બર 2005માં સોહરાબુદ્દીન શેખ, તેમની પત્ની કૌસર બી અને તેમના મિત્ર તુલસીરામ પ્રજાપતિ હૈદરાબાદથી એક બસમાં સાંગલી આવી રહ્યાં હતાં.
એક પોલીસ ટીમે બસનો પીછો કરીને ત્રણેયને પકડ્યાં હતાં અને તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યાં હતાં.
ગુજરાત પોલીસે સોહરાબુદ્દીનને એન્કાઉન્ટરમાં મારવાનો દાવો કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના આદેશથી ગુજરાત પોલીસે આ કથિત એન્કાઉન્ટરની તપાસ કરી હતી.
ગુજરાત પોલીસે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ આપીને આ એન્કાઉન્ટરને નકલી સાબિત કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે આ કેસની ગુજરાત બહાર સુનાવણી માટેનો આદેશ આપ્યો હતો. હવે મુંબઈની એક ખાસ CBI કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ રહી છે.
સોહરાબુદ્દીન શેખના સહયોગી તુલસીરામ પ્રજાપતિની હત્યાના મામલાને પણ આ તપાસમાં શામેલ કરવામાં આવ્યો હતો.
જોકે, આ કેસમાં નિર્દોષ મુક્ત થયેલા ડીજી વણજારાનો દાવો છે કે એન્કાઉન્ટર અસલી હતું અને તેમને તથા તેમના અધિકારીઓને તેમાં ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા હતા.
વણજારાએ કહ્યું હતું કે આ મામલામાં તે રાજકારણનો ભોગ બન્યા હતા.
ગુજરાત પોલીસે આ મામલે ભારતીય જનતા પક્ષના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પણ કાવતરું રચવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ કોર્ટે તેમની વિરુદ્ધ પુરાવા ન હોવાને કારણે મુક્ત કરી દીધા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો