શ્રીદેવીનું એ સપનું જે અધુરું રહી ગયું!

15 વર્ષો બાદ મોટા પડદે જ્યારે 'ઇંગ્લિશ વિંગ્લિશ'થી તેઓ પાછા ફર્યાં ત્યારે તેમણે કહ્યું હતું કે કરિઅરમાં ઘણું કરવાનું બાકી છે.

આ શબ્દો હતા બોલીવૂડની 'હવા-હવાઈ' ગર્લ શ્રીદેવીના.

તેમણે બીબીસી સાથે 2012માં કરેલી વાતચીતમાં પોતાના કરિઅર અને સપનાંઓની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે "હજુ તો મેં કંઈ જ કર્યું જ નથી, કેટલી સરસ ફિલ્મો બની રહી છે, કેટલા સર્જનાત્મક લોકો છે. આમ પણ કલાકારની કોઈ સીમા હોતી નથી. આ હિસાબે મારે હજુ ઘણું કરવાનું બાકી છે."

જ્યારે શ્રીદેવીને પૂછવામાં આવ્યું હતું કે તેઓ કઈ ફિલ્મની રિમેક કરવાનું પસંદ કરશે. ત્યારે તેમણે તરત જ કહ્યું કે 'મધર ઇન્ડિયા'.

"હું મધર ઇન્ડિયાની રિમેક કરવા માગું છું. મેં તે ફિલ્મ એટલી વખત જોઈ છે કે શું કહું! નરગીસજીએ શું કમાલનો અભિનય કર્યો છે. હું એ જ રોલ કરવા માગું છું."

તમને આ પણ વાંચવું ગમશે

'મિસ્ટર ઇન્ડિયા'ની સિક્વલને લઈને પણ શ્રીદેવી ઘણાં ઉત્સાહિત હતાં. 'મિસ્ટર ઇન્ડિયા'ના નિર્માતા શ્રીદેવીના પતિ બોની કપૂર જ હતા.

પરંતુ ફિલ્મોમાં ઘણું બધું કરવાનું અને 'મધર ઇન્ડિયા'માં નરગીસનો રોલ કરવાનું રહી ગયું અને એ પહેલા જ તેમણે દુનિયામાંથી વિદાય લઈ લીધી.

ફિલ્મી સફર

ગયા વર્ષે જ શ્રીદેવીએ ફિલ્મોમાં પોતાનાં 50 વર્ષ પૂરા કર્યાં અને 54 વર્ષની ઉંમરે તેમણે જિંદગી સમેટી લીધી.

એટલે કહી શકાય કે તેમણે તેમની લગભગ આખી જિંદગી ફિલ્મોમાં જ લગાવી હતી.

તમિલ-તેલુગુમાં તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્મી કરિઅરની શરૂઆત કરી હતી.

તેમણે ચાર વર્ષની ઉંમરે પ્રથમ વખત 'થુનાઇવન' ફિલ્મમાં રોલ કર્યો હતો.

શ્રીદેવી બોલીવૂડમાં પ્રથમ વખત 1975માં 'જૂલી' ફિલ્મમાં બાળકલાકાર તરીકે જોવા મળ્યાં હતાં. જે તેમની હિંદી સિનેમાની પહેલી સુપરહિટ ફિલ્મ કહેવાઈ હતી.

મુખ્ય કલાકાર તરીકે તેમણે 1976માં તમિલ ફિલ્મમાં રજનીકાંત અને કમલ હસન સાથે કામ કર્યું હતું.

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનય કર્યા બાદ ૧૯૭૯માં મુખ્ય અભિનેત્રી તરીકે 'સોલહવાં સાવન' ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું.

પ્રતિભાશાળી અભિનેત્રી

તેમણે તેમની ફિલ્મો થકી દર્શકોને પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો હતો.

'સદમા' ફિલ્મમાં શ્રીદેવીએ 20 વર્ષની યુવતીનો રોલ નિભાવ્યો જે પોતાની જૂની જિંદગી ભૂલી ગઈ હોય.

શ્રીદેવીનું 'હિમ્મતવાલા' ફિલ્મનું 'નૈનો મેં સપના' ગીત લોકોના મોઢે વહેતું થઈ ગયું હતું.

સફેદ કપડાંમાં શ્રીદેવીનો 'ચાંદની'નો લૂક, જે ફિલ્મમાં તેમણે સંબંધોનાં તાણાવાણાં સરસ રીતે પ્રદર્શિત કર્યા હતા.

'લમ્હે' ફિલ્મમાં પૂજાના રોલમાં તેમણે પોતાનાથી ડબલ ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ કરવાનું સાહસ કરતી યુવતીનો રોલ નિભાવ્યો હતો.

'ચાલબાજ' તો કેમ ભૂલી શકાય! એક જ ફિલ્મમાં નરમ અને કડક મિજાજની બહેનોનો શ્રીદેવીનો મંજૂ અને અંજૂનો એ રોલ.

'મિસ્ટર ઇન્ડિયા' ફિલ્મના તેમનાં ગીત બાદ તેઓ 'હવા-હવાઈ ગર્લ' તરીકે જાણીતા બન્યાં હતાં.

15 વર્ષના લાંબા બ્રેક બાદ ફિલ્મી પડદે તેમને ચમકાવતી ફિલ્મ 'ઇંગ્લિશ વિંગ્લિશ'માં તેમનો અભિનય એક ઘરેલું મહિલાની દબાયેલી લાગણીઓને ઉજાગર કરતો હતો.

છેલ્લે આવેલી તેમની ફિલ્મ 'મોમ'માં પોતાની દીકરી માટે બદલો લેતી માંનો અભિનય પણ તેમણે બખૂબી નિભાવ્યો હતો.

શ્રીદેવીનો પરિવાર

તેમના પિતા કે. અયપ્પન એક વકીલ હતા. તેમના પિતા કોંગ્રેસની ટિકિટ પર સિવાકાસીથી ચૂંટણી પણ લડ્યા હતા અને તેમના પ્રચારમાં શ્રીદેવી પણ જોડાયાં હતાં.

તેમના પરિવારમાં તેમના બહેન શ્રીલતા અને ભાઈ સતીશ હતા.

તેમની માતાએ તેમના કરિઅરના શરૂઆતના સમયમાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

અંગત જિંદગીની વાત કરીએ તો 90ના દાયકામાં તેમના જીવનમાં ઘણી ઊથલપાથલ મચી હતી.

પહેલેથી જ વિવાહીત બોની કપૂર સાથે તેમણે લગ્ન કર્યું હતું.

તેમની બે દીકરીઓ જ્હાન્વી અને ખૂશી છે. જ્હાન્વી કપૂર ફિલ્મ 'ધડક'થી બોલીવૂડમાં આ વર્ષે જૂલાઈમાં પદાર્પણ કરવાનાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો