ડી જી વણઝારા અને એન કે અમીનની ડિસ્ચાર્જ અરજી CBI કોર્ટે ફગાવી

ગુજરાત પોલીસના વિવાદાસ્પદ ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ ડી જી વણઝારા અને એન. કે. અમીને વર્ષ 2004માં થયેલા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાંથી મુક્તિ મેળવવા માટે કરેલી અરજી સ્પેશિયલ CBI કોર્ટે ફગાવી દીધી છે.

કોર્ટે CBIને જણાવ્યું છે કે, અધિકારીઓ સામે કાયદાકીય પગલાં ભરવા માટેની પૂર્વ પરવાનગી બાબતે સ્પષ્ટતા કરે.

એટલું જ નહીં આગામી સાતમી સપ્ટેમ્બરે કોર્ટે આ કેસના તમામ આરોપીઓ સામે આરોપો નક્કી કરવાની સૂચના પણ આપી છે.

શું હતો ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ?

ડીજી વણઝારા અને એન. કે. અમીન ઇશરત જહાં ફેક એન્કાઉન્ટર કેસના ચાવીરૂપ આરોપીઓમાંથી છે.

તેમણે કથિત રીતે મુંબઈની 19 વર્ષની કોલેજિયન યુવતી ઇશરત જહાં, તેના મિત્ર જાવેદ શેખ અને બે પાકિસ્તાની નાગરિકો પર ગોળીબાર કર્યો હતો.

અમીન હાલ વકીલાત કરી રહ્યા છે. તેમણે વિવિધ કારણો ટાંકીને આ ડિસ્ચાર્જ અરજી કરી છે. તેમણે દાવો પણ કર્યો હતો કે ગોળીબાર કરનારા પોલીસ અધિકારીઓમાં તે શામેલ નહોતા.

શું તમે આ વાંચ્યું?

CBIની ચાર્જશીટમાં આરોપ છે કે ‘જ્યારે અટકમાં લેવાયેલાં ચાર વ્યક્તિઓ (ઇશરત, જાવેદ શેખ અને બે પાકિસ્તાની નાગરિકો), એન. કે. અમીન, તરૂણ બારોટ, જે જી પરમાર, મોહનભાઈ લાલાભાઈ કલાસવા અનજુ ઝીમન ચૌધરીએ કારમાં બેઠેલા અટકાયતીઓ પર અને રોડ ડિવાઈડર પર તેમના સરકારી હથિયારોથી ગોળીબાર કર્યો, જેને પરિણામે ચારેય અટકાયતીઓના મૃત્યુ થયા.'

ચાર્જશીટમાં આરોપ છે કે અમીને તેમની 9મીમી પિસ્ટલથી પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

ડી જી વણઝારા કોણ છે?

ગુજરાતના ભૂતપૂર્વ ઇન્સ્પેક્ટર-જનરલ ડાહ્યાભાઈ ગોબરજી વણઝારા 1987ની બૅચના આઈપીએસ અધિકારી છે અને એક્સ્ટ્રા જ્યુડિસિલ કિલિંગના આરોપ હેઠળ તેઓ વર્ષ 2007થી 2015 સુધી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહી ચૂક્યા છે.

તેઓ ગુજરાતની ઍન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વૉડના વડા રહી ચૂક્યા છે. તેમના પર ઇશરત જહાં ઍન્કાઉન્ટર, સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર નકલી હોવાના આરોપ સાથે તેમને આ બન્ને એન્કાઉન્ટર કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા.

ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાંથી પોતાને મુક્ત કરવાની તેમની અરજી CBI કોર્ટે ફગાવી દીધી છે. તેમની સંડોવણીને સાબિત કરવાના પુરાવા હોવાનો CBI નો દાવો હતો.

વર્ષ 2004માં મુંબઈની 19 વર્ષની યુવતી ઇશરત જહાં અને તેના મિત્ર જાવેદ ઉર્ફે પ્રણેશ ઉપરાંત પાકિસ્તાની નાગરિક ઝિશાન જોહર અને અમઝદ અલી રાણાનું અમદાવાદ ખાતે પોલીસ અથડામણમાં મૃત્યુ નીપજ્યા હતા.

એ વખતે એવો દાવો કરાયો હતો કે ઇશરત અને તેમના સાથીદારો ગુજરાતના એક વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવ્યા હતા.

CBI એ પોતાના આરોપનામાં વણઝારાને ઍન્કાઉન્ટરના માસ્ટર માઇન્ડ ગણાવ્યા હતા.

આ મામલે ડીજીપી પાંડેને ખાસ કોર્ટ દ્વારા મુક્ત કરાતા વણઝારાએ પણ એ જ રાહે પોતાને મુક્ત કરવાની અરજી કરી હતી.

એન.કે. અમીન કોણ છે?

ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાં આરોપી ગુજરાત પોલીસના નિવૃત પોલીસ અધિકારી એન.કે અમીનને તાજેતરમાં જ ગુજરાત સરકારે ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ)ના અધિકારી તરીકે પ્રમોટ કર્યા હતા.

ઑગસ્ટ 2016માં સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ તરીકે નિવૃત થનારા અમીનની સેવા વધારીને એક વર્ષ માટે મહિસાગર જિલ્લાના એસપી તરીકે નિમણૂક કરાઈ હતી.

જોકે, એના એક વર્ષ બાદ જ સુપ્રીમ કોર્ટના નિર્દેશને પગલે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. એ વખતે અમીન તાપી જિલ્લામાં સેવા બજાવી રહ્યા હતા.

અમીનની આ નિમણૂકને નિવૃત આઈપીએસ અધિકારી રાહુલ શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં એવું કહેતા પડકારાઈ રહી કે અમીન પર ગંભીર ગુનાહિત આરોપો લાગેલા છે અને એટલે આ નિમણૂક ગેરકાયદે ઠરે છે.

અમીન પર વર્ષ 2005માં સોહરાબુદ્દીન શેખનાં પત્ની કૌસરબીના મૃતદેહનો નિકાલ કરવાનો આરોપ મૂકાયો છે.

સીબીઆઈએ દાખલ કરેલી ચાર્જશીટમાં જણાવાયું છે કે સોહરાબુદ્દીનનું ઍન્કાઉન્ટર કરનારી ગુજરાત ઍન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડનો ભાગ ન હોવા છતાં અમીન ડી. જી. વણઝારા અને આર. કે. પાંડિયન જેવા આરોપીઓના સતત સંપર્કમાં હતા.

જોકે, ઑગસ્ટ 2016માં સીબીઆઈ સ્પેશિયલ કૉર્ટે એમ જણાવીને અમીનને મુક્ત કરી દીધા હતા કે 'તેમના વિરુદ્ધ આરોપ ઘડવા માટેના પૂરતા પુરાવા નથી.'

આ ઉપરાંત અન્ય એક ઍન્કાઉન્ટરમાં પણ અમીનનું નામ સામેલ છે.

વર્ષ 2004માં થયેલા ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાં અમીન પર ઇશરત અને તેમના સાથીદારો પર ગોળીબાર કરવાનો આરોપ છે. અમીન આ કેસમાં જામીન પર બહાર છે.

ગુજરાતના ભૂતપૂર્વ આઈપીએસ અધિકારીઓ ડી. જી. વણઝારા, નિવૃત્ત પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ એન. કે. અમીને ઇશરત જહાં એન્કાઉન્ટરના કેસમાંથી મુક્તિ મેળવવા કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો