દેશનાં વિવિધ અનામત આંદોલનોની વર્તમાન સ્થિતિ

    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

મહારાષ્ટ્રમાં અનામતની માંગણી સાથે મરાઠાઓએ આંદોલન છેડ્યું છે. ગત સપ્તાહે રાજ્યના અનેક વિસ્તારોમાં આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં સરકારી સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું અને ખાનગી વાહનોને આગ ચાંપવામાં આવી હતી.

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે 25મી ઑગસ્ટથી પાટીદાર અનામત આંદોલનની માગ સાથે આમરણાંત ઉપવાસ છેડવાની વાત કહી છે.

બે વર્ષ પહેલાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ માગ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભારતની તવારીખમાં નજર કરીએ તો તે અલગઅલગ રાજ્યોમાં અનામત આંદોલન ચાલી રહ્યા છે, ચાહે તે ગુજરાત હોય રાજસ્થાન કે હરિયાણા.

પરંતુ દરેક અનામત આંદોલનના મૂળમાં એવી જાતિઓ છે, જે બંધારણીય રીતે અનામતની માગ કરી રહી છે, પરંતુ લગભગ દરેક રાજ્યમાં અનામતની ટકાવારી ટોચમર્યાદાને સ્પર્શી ગઈ હોવાથી તે શક્ય નથી બનતી.

મરાઠા આંદોલન: મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયની વસતિ રાજ્યની કુલ વસતિના 33 ટકા એટલે કે લગભગ ચાર કરોડની આસપાસ છે, જેઓ 'મરાઠા ક્રાંતિ મોર્ચા'ના નેજા હેઠળ 16 ટકા અનામતની માગણી કરી રહ્યા છે.

આ આંદોલન છેલ્લાં બે વર્ષથી ચાલે છે અને ગયા વર્ષે અનામતની માગણીઓને લઈને મુંબઈમાં રેલીઓ પણ યોજવામાં આવી હતી.

દુષ્કાળ, પાકના ઓછા ભાવ અને પાણીની અછતને કારણે મહારાષ્ટ્રમાં ખેતી નિષ્ફળ જતાં ખેડૂતો બેહાલ બન્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

આ સ્થિતિમાં વર્ષ 2013માં મરાઠાઓને અને મુસ્લિમોને કોંગ્રેસ અને એન.સી.પી. (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) ની સરકાર દ્વારા સરકારી નોકરી અને શિક્ષણમાં મરાઠાઓને 16% અનામત આપવામાં આવી હતી અને મુસ્લિમોને પાંચ ટકા અનામતની જાહેરાત કરી દેવામાં આવી હતી.

આગળ જતા સરકારના આ નિર્ણયને મહારાષ્ટ્ર હાઈકોર્ટે રદ કર્યો હતો, કારણ કે રાજ્યમાં અનામતની ટકાવારી 50 ટકા ઉપર થઈ જતી હતી જે ગેરબંધારણીય છે.

હાલની પરિસ્થિતિ: ગત સપ્તાહે હિંસક દેખાવો થયા. રાજ્યમાં તણાવભરી શાંતિ પ્રવર્તે છે.

પાટીદાર અનામત આંદોલન: ગુજરાત

25 ઑગસ્ટ 2015ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં પટેલ સમુદાય દ્વારા અનામતની માગણીઓને લઈને જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી પાટીદાર સમુદાયના હજારો લોકો ઉમટી પડ્યા હતા.

રાજ્યાની કુલ વસતિના 12.3 ટકા હિસ્સો ધરાવતા પાટીદાર સમુદાયે અનામતની માગણીઓને લઈને આંદોલન છેડ્યું હતું.

પાટીદારન અનામત આંદોલનના નામથી હાથ ધરવામાં આવેલા આ આંદોલનના નેતા હાર્દિક પટેલ હતા જેઓએ પાટીદાર સમાજને ઓબીસી (અન્ય પછાત વર્ગ)માં સમાવવાની માગ કરી હતી.

પરંતુ આ મુદ્દે સામાજિક વિશ્લેષક ગૌરાંગ જાનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બંધારણીય રીતે પટેલોને ઓબીસીમાં સમાવવા એ શક્ય નથી. જો આવું શક્ય હોત તો ભાજપ સરકારે ક્યારનું આ પગલું લઈ લીધું હોત.

પાટીદાર નેતા હાર્દિક પટેલે એવી પણ માગ કરી હતી કે પાટીદાર સમાજને રોજગારી ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે અનામત મળવી જોઈએ.

ગુજરાતમાં 27 ટકા અનામત ઓબીસી, 7.5 ટકા પછાત વર્ગ (એસસી) અને 15 ટકા અમાનત અન્ય પછાત વર્ગ (એસટી) માટે આરક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના 1992ના ચુકાદા પ્રમાણે અમાનતની કુલ ટકાવારી 50 ટકાથી વધુ ન હોવી જોઈએ.

હાલની સ્થિતિ

પાટીદાર નેતા હાર્દિક પટેલે તા. 25મી ઑગસ્ટથી અનામત માટે આમરણાંત ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી છે.

જાટ આંદોલન- હરિયાણા

ભારતની ઉત્તરે આવેલા રાજ્ય હરિયાણામાં જાટ સુમદાયની વસતિ રાજ્યની કુલ વસતિના 29 ટકા છે. અન્ય પછાત વર્ગમાં સામેલ કરવાની માગ સાથે જાટ સમુદાય 2008થી સક્રિય થયો હતો.

વર્ષ 2010માં ઑલ ઇન્ડિયા આરક્ષણ સમિતિના પ્રમુખ હવાસિંહ સાંગવાનની આગેવાનીમાં હિસારના માય્યાર ગામમાં રેલ રોકવામાં આવી.

ત્યારબાદ ખેતી સાથે જોડાયલો આ સમુદાય અનામતની માગ સાથે વર્ષ 2016માં પ્રદર્શનો કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યો હતો.

હરિયાણામાં વર્ષ 2014માં વિધાનસભા ચૂંટણી પહેલાં હુડ્ડા સરકારે જાટ અને અન્ય ચાર જાતિઓને વિશેષ રૂપે પછાત વર્ગોમાં સામેલ કરવાની વાત કરી હતી, જેથી તેમને અનામતના લાભ મળે.

પરંતુ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જાટોને 10 ટકા અનામત આપવાની અરજીને ફગાવી દીધી હતી. ત્યારબાદ આ જાટ સમુદાયનું આ આંદોલન ઉગ્ર બન્યું હતું.

આ બાદ કેન્દ્ર સરકાર જાટોને આરક્ષણ આપવા માટે એક કમિટી બનાવી હતી, જેના અધ્યક્ષ વૈંકયા નાયડુ હતા.

હાલની સ્થિતિ

વર્ષ 2017માં અખિલ ભારતીય જાટ આરક્ષણ સંઘર્ષ સમિતના પ્રમુખ યશપાલ મલિકે હરિયાણા, દિલ્હી, રાજસ્થાનના જાટ સમુદાયને દિલ્હીમાં કૂચ કરવાનું આહ્વાન કર્યું હતું.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા તેમને ચર્ચા માટે આમંત્રણ આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.

હાલમાં કોઈ સક્રિય સળવળાટ નથી, પરંતુ આંદોલનનો અંત આવ્યો છે, તેમ કહી ન શકાય.

ગુર્જર આંદોલન: રાજસ્થાન

રાજસ્થાનમાં ગુર્જર સમુદાય અનુસુચિત જનજાતિમાં પાંચ ટકા અનામત સાથે સામેલ થવાની માગણી કરી રસ્તા પર ઉતરી આવ્યો હતો.

ગુર્જર સમુદાયનું અનામત આંદોલન વર્ષ 2008થી ચાલ્યું આવે છે, જે સમાંયતરે અલગઅલગ વળાંકો તરફ વળ્યું છે, જુલાઈ મહિનામાં સરકારે ગુર્જરોની માગણીઓને સંતોષવા અને રાજ્યામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે એસબીસી (વિશેષ પછાત વર્ગ) અંતર્ગત ઓબીસી આરક્ષણ વિધેયક પસાર કર્યું, જેમાં પાચં ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

રાજસ્થાનમાં 21 ટકા અન્ય પછાત વર્ગ, 16 ટકા અનુસુચિત જાતિ અને 12 ટકા અનુસુચિત જનજાતિને અનામત મળતી જે કુલ 49 ટકા થતી હતી.

રાજ્યની વિધાનસભાએ ગુર્જર સહિત ગાડિયા, લુહાર, બંજારા, રેબારી, રાયકા, ગડરિયા, ગાડોલિયા અને અન્યને પાંચ ટકા અનામત આપી એસબીસીમાં સામેલ કરી હતી, જેથી અનામતની ટકાવારી 54 ટકા થઈ જે ગેરબંધારણીય હતી.

રાજસ્થાન હાઈકોર્ટે આ કાયદો રદ કરી નાખ્યો હતો.

રાજસ્થાન વિધાનસભાએ અન્ય પછાત વર્ગ વિધેયક 2015 પસાર કર્યું હતું, જેમાં બિનઆરક્ષિત વર્ગોને 14 ટકા અનામત આપવાની માગ કરી હતી. આ વિધેયક પસાર થતા જ રાજ્યામાં અનામતની ટકાવારી 68 ટકા થઈ હતી.

ત્યારે ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ સદનમાં જણાવ્યું હતું કે સરકાર આ નવા વિધેયકને સંવિધાનમાં લાવવાનો પ્રયાસ કરશે.

હાલની સ્થિતિ

રાજસ્થાન સરકારે અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં વિશેષ અરજી કરી છે, હાલ ગુર્જર અનામતનો મુદ્દો કોર્ટમાં વિચારાધીન છે.

કાપૂ આંદોલન- આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશના પૂર્વે ગોદાવરી જિલ્લામાં કાપૂ સમુદાયના લોકો સરકારી નોકરીઓમાં પાંચ ટકા આરક્ષણ અને પછાત વર્ગમાં સામેલ કરવાની માગ સાથે વર્ષ 2016માં આંદોલન પર ઊતરી આવ્યો હતો.

આંદોલનને પગલે લોકો હિંસાએ હિંસા આચરી હતી અને એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી સાથે જ અનેક મુખ્ય રસ્તાઓને રોકી દેવામાં આવ્યા હતા.

કાપૂ સમુદાયની માગ પણ બીજા સમુદાયોની જેમ પછાત વર્ગમાં સામેલ થવાની હતી. મુખ્યત્વે ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા આ સમુદાયની રાજ્યમાં કુલ વસતિ 20 ટકા છે.

આંદોલન બાદ આંધ્ર પ્રદેશ સરકારે વિશેષ શ્રેણી અંતર્ગત કાપૂ સુમદાયને પાચં ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી.

કાપૂ સમુદાયમાં તેલેગા, બાલિજા અને ઓન્તારી જાતિના લોકોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશમાં અન્ય પછાત વર્ગને એ, બી, સી, ડી અને ઈ ચાર શ્રેણીમાં 25 અનામત આપવામાં આવે છે, પરંતુ કાપૂ સમુદાયને પાચં ટકા સાથે સામેલ કરવાથી રાજ્યમાં અનામતની ટકાવારી 51 ટકા થઈ ગઈ જે ગેરબંધારણીય છે.

પરંતુ આમ છતાં રાજ્યના ગર્વનર નરસિમ્હાએ કેન્દ્ર સરકારને આ અનામત બીલ સંવિધાનમાં જગ્યા મેળવવા માટે મોકલી આપ્યું હતું.

હાલની સ્થિતિ

ચંદ્રબાબુ નાયડુની સરકાર હાલમાં આ બીલને લઈને વિચારણા કરી રહી છે, કારણ કે ભારતમાં 50 ટકાથી ઉપર અનામત આપવી ગેરબંધારણીય છે.

ભારતમાં આરક્ષણનો આધાર

ભારતના બંધારણમાં અનુચ્છેદ 15 અને 16માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને આરક્ષણ આપવાની જોગવાઈ છે.

કોઈપણ સમુદાયને અનામત આપવા માટે પછાત વર્ગ આયોગનું ગઠન કરવું પડે છે, જેનું કામ સમાજના દરેક સમુદાયની પરિસ્થિતિ જાણવાનું હોય છે.

જે સમુદાયને ભૂતકાળમાં અન્યાય થયો હોય તેને કેન્દ્રમાં રાખીને એ સમુદાયને સમાજના બીજા તબક્કાઓ સાથે જોડવા અનામત આપવામાં આવે છે.

આ સાથે જ વર્ષ 1993માં મંડળ કમિશને સુપ્રીમ કોર્ટની નવ જજની બેન્ચને નિયમાવલી સોંપી હતી, જેમાં કયા-કયા આધાર પર ભારતીય સંવિધાનમાં આરક્ષણ આપી શકાય તેની છણાવટ કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો