You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC Top News : મંદિર માટે દોઢસો કરોડ ભેગા કરો એ મૂર્ખાઓનું કામ : હાર્દિક પટેલ
'સંદેશ'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે પાટીદાર નેતા હાર્દિક પટેલે મંદિર માટે ત્રણ કલાકમાં દોઢસો કરોડ ભેગા કરવાના કામને મૂર્ખાઓનું કામ ગણાવ્યું છે. એમણે એમ કહ્યું છે કે આ પૈસા સમાજના લોકો પાછળ ખર્ચાવા જોઈએ.
રવિવારે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં હાર્દિક પટેલે સંબોધનમાં કહ્યું, "ભલે માતાજીનું મંદિર બનાવે, સારી વાત છે. પણ ત્રણ કલાકમાં 150 કરોડ ભેગા કરે એટલે મારી દૃષ્ટિએ મુર્ખાઓનું કામ કર્યું કહેવાય."
"મંદિરમાં નાખવા કરતા 150 કરોડ સમાજના યુવાનોને રોજગારી-નોકરી આપવા પાછળ ખર્ચ કરવામાં આવે તો પાટીદારોની આવનારી પેઢી સુખેથી રહી શકે."
શું તમે આ વાંચ્યું?
બેઠકમાં હાર્દિક પટેલે સરદાર પટેલ, ચિમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલની વાત કરતા કહ્યું હું કે આ પાટીદાર આગેવાનોને તેમના સમયમાં પાટીદારોનો ટેકો મળ્યો ન હતો. આંદોલનોને તોડવામાં આપણા જ લોકો કામ કરે છે.
દર મહિને 2 સ્પેસ મિશન લૉન્ચ કરવા ભારત તૈયાર છે : ઇસરો
'ઝી ન્યૂઝ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ઇસરોએ જાહેરાત કરી છે કે, ભારત દર મહિને બે સ્પેસ મિશન લૉન્ચ કરવા માટે તૈયાર છે.
આગામી 16 મહિનામાં 31 સ્પેસ મિશન લૉન્ચિંગનું આયોજન હોવાનો ઉલ્લેખ પણ અહેવાલમાં કર્યો છે.
ઇસરોના ચૅરમૅન કે. સિવને કહ્યું હતું, "સ્પેસ એજન્સી વ્યસ્ત છે, કારણકે આગામી પાંચ મહિનામાં નવ લૉન્ચનું આયોજન છે.
ફેબ્રુઆરી થી ડિસેમ્બર 2019 દરમિયાન 22 અન્ય મિશન લૉન્ચ કરવાનું પણ આયોજન છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ ઉમેર્યુ હતુ કે અમે 50 સેટેલાઇટ આગામી ત્રણ વર્ષમાં લૉન્ચ કરવા અંગે પણ વિચાર કરીએ છીએ.
આટલા બધા ઉપગ્રહો અંતરિક્ષમાં મોકલવા પાછળનું કારણ જણાવતા કે. સિવને કહ્યું કે ભારતને વધુ 45 ઉપગ્રહોની અંતરિક્ષમાં જરૂરિયાત છે.
‘ગૌરક્ષકો રસ્તા પર આવી રહ્યા છે કારણકે પોલીસ ગાયોની દાણચોરી અટકાવી નથી શકી’
'ધ હિંદુસ્તાન ટાઇમ્સ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે યોગ ગુરુ બાબા રામદેવે રવિવારે કહ્યું કે ગૌરક્ષકોને રસ્તા પર આવવું પડે છે કારણકે પોલીસ અને તંત્ર ગાયોની દાણચોરી સામે લાલ આંખ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
ગૌહત્યામાં સંડોવાયેલા લોકો પર કડક પગલાં લેવાની જરૂર છે.
કેટલાક ગૌરક્ષકોના કારણે 90 ટકા જેટલા સાચા ગૌરક્ષકોની છબી બગડી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદતો કાયદો લવાય એ માટે પણ માગ કરી હતી.
તેમણે જયપુર ઘટના સંદર્ભે કહ્યું હતું, "કોઈ ગૌરક્ષકો માટે વાત નથી કરતું. ગૌહત્યા કરનારાઓને હિંમત કેમ આપીએ છીએ, આવું ક્યારેય ન થવું જોઈએ."
નદીઓના પ્રદૂષણમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે : 20 નદીઓ પ્રદૂષિત
'ગુજરાત સમાચાર'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે નદીઓના પ્રદૂષણમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે.
અહેવાલમાં નોંધ્યું છે કે, વન પર્યાવરણ વિભાગે લોકસભામાં જવાબ આપ્યો છે કે, ગુજરાતમાં 20 નદીઓ પ્રદૂષિત છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વાર્ષિક અહેવાલ મુજબ શેઢી, નર્મદા, સાબરમતી, મહી અને દમણગંગાના પાણીની ગુણવત્તામાં પ્રદૂષણનું પ્રમાણે વધારે છે.
આ મામલે કૉંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારે સાબરમતી અને સોનગઢની મિંડોલા નદીમાં પ્રદૂષણ ઘટાડવા માટે ચાર વર્ષમાં 200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી પણ તેમાં કોઈ સુધારો થયો નથી.
ઔદ્યોગિક અને કેમિકલ કચરાના કારણે નદીઓ પ્રદૂષિત થઈ રહી હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો હતો.
લંડનમાં 'ખાલિસ્તાન રેલી'ને કારણે ભારતે ગુરુ નાનક જયંતી ઉજવણીની જાહેરાત કરી?
'ધ હિંદુ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે લંડનમાં ખાલિસ્તાનના સમર્થનમાં રેલી યોજાઈ એના કલાકો પહેલાં જ રવિવારે વિદેશ મામલાના મંત્રી સુષ્મા સ્વરાજે જાહેરાત કરી હતી કે તમામ ભારતીય ડિપ્લોમેટિક મિશન ગુરુ નાનકની 550મી જન્મજયંતીની ઉજવણી કરશે.
બ્રિટિશ સરકારે રેલી યોજવા દીધી હતી અને કહ્યું હતું કે લોકોને એકઠા થવાનો અને પોતાનો મત પ્રગટ કરવાનો અધિકાર છે.
આ પ્રસંગે સુષ્મા સ્વરાજે કહ્યું હતું, "અમે ગુરુ નાનકના સંદેશને વિશ્વમાં લઈ જઈશું. ગુરુ નાનકે આપેલી શીખ અને શાસ્ત્રોની શીખ લગભગ એકસમાન છે."
ઉલ્લેખનીય છે કે તેમણે લંડન ખાતે યોજાયેલી રેલીનો તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો ન હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો