દશેરાના ભાષણમાં મોહન ભાગવતે સ્વયંસેવકોને સંબોધન કર્યું

વિજયા દશમી ઉત્સવના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું.

તેમણે દેશની આર્થિક પરિસ્થિતિ, રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યાથી માંડીને ગૌરક્ષા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત ભાજપ અને સંઘના અનેક મોટા નેતાઓએ હાજરી આપી હતી.

તમને આ વાંચવું પણ ગમશે :

વાંચો RSS પ્રમુખના ભાષણની 10 મોટી વાતો

1. આપણે આપણા ઇતિહાસ અને સંસ્કૃતિને ભૂલી ગયા છીએ. આપણે આપણા મહાપુરુષોના ગૌરવને ભૂલાવી દીધું છે. જ્યારે બહારથી આવેલા લોકોએ આપણને ઇતિહાસ વિશે જાણકારી આપી છે.

આપણે વાસ્તવિક ઇતિહાસ અને પરંપરાને યાદ રાખવાં જરૂરી છે. રાષ્ટ્રને કોઈ બગાડી કે બનાવી નથી શકતું, રાષ્ટ્ર તો જન્મ લે છે.

2. આપણે 70 વર્ષથી સ્વતંત્ર છીએ. પરંતુ પહેલી વખત એવો અનુભવ થઈ રહ્યો છે કે ભારત ઉઠી રહ્યું છે. સીમા પર અને આંતરરાષ્ટ્રીય મંચ પર આપણે દુશ્મનોને જવાબ આપ્યો છે. ડોકલામ જેવા મુદ્દા પર આપણે ધૈર્યથી કામ કર્યું છે.

3. આર્થિક વિકાસની ગતિ થોડી ધીમી પડી ગઈ છે. છતાં આપણે આ ક્ષેત્રમાં જે રીતે આગળ વધ્યા છીએ, તેનાથી આખી દુનિયામાં આપણી પ્રતિષ્ઠામાં વધારો થયો છે.

4. બે ત્રણ મહિના પહેલા કશ્મીરની પરિસ્થિતિ સારી ન હતી. પરંતુ જે રીતે સેના અને પોલીસને કાર્યવાહી કરવાની પરવાનગી આપવામાં આવી છે, તેનાથી રાષ્ટ્રવિરોધી તત્વોનું ફંડિંગ અટકાવાયું, પાકિસ્તાન સાથે સંબંધ રાખવાવાળાઓના નામ બહાર આવ્યા.

આ બધા પ્રયાસોનું પરિણામ સારું જોવા મળી રહ્યું છે. જમ્મુ કશ્મીરમાં આટલા વર્ષોના શાસનમાં વિકાસ નથી પહોંચ્યો. જમ્મુ અને લદ્દાખના નાગરિકો સાથે સાવકો વ્યવહાર કરવામાં આવ્યો છે.

5. આપણી સુરક્ષા માટે સરહદ પર જવાનો જીવ જોખમમાં મૂકીને કર્તવ્યોનું પાલન કરે છે. તેમને કેવી સુવિધાઓ મળી રહી છે. તેમને સાધનસંપન્ન બનાવવા માટે આપણે આપણી ગતિ વધારવી પડશે.

શાસનના સંકલ્પ સારા છે. પરંતુ તેને લાગુ કરવામાં પારદર્શિતા રહે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

6. કેરળ અને બંગાળમાં જેહાદી અને રાષ્ટ્રવિરોધી શક્તિઓ પોતાની રમત રમી રહી છે. ત્યાંની રાજ્ય સરકાર આ મુદ્દા પર ગંભીરતાથી ધ્યાન નથી આપી રહી.

7. બાંગ્લાદેશી ગેરકાયદેસર ઘૂસણખોરોની સમસ્યાનું સમાધાન હજુ મળ્યું નથી. મ્યાનમારથી કાઢી મૂકવામાં આવેલા મુસ્લિમ આપણા દેશમાં આવ્યા.

રોહિંગ્યા મુસ્લિમોના સંબંધ ઉગ્રવાદીઓ સાથે છે, તેના માટે તેમની સરકારે જ તેમને દેશમાંથી કાઢી મૂક્યા.

જો તેમને ભારતમાં આપણે જગ્યા આપીશું તો તેઓ આપણી ઉપર આર્થિક બોજ બની જશે. માનવતાની વાતને બાજુએ મૂકીને આપણે દેશની સુરક્ષા પર પણ ધ્યાન આપવું પડશે.

8. દેશમાં સારી યોજનાઓ ચાલી રહી છે. ભ્રષ્ટાચાર અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યા. સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતા વ્યાપ્ત છે. બાકી દેશોમાં વિવિધતા ઓછી છે. પણ આપણો દેશ વિવિધતા સભર છે.

આપણે એવું આર્થિક તંત્ર જોઈએ જે બધાને સાથે લઈને વિકસે, એવું જરૂરી નથી કે GDP જ કોઈ દેશના વિકાસનું સૂચક હોય.

9. ભારતના અનેક લોકો ગૌરક્ષા અને ગાયની સેવામાં લાગેલા છે. ઘણા મુસ્લિમો પણ ગૌરક્ષાનું કાર્ય કરે છે. હું ઘણા એવા મુસ્લિમોને ઓળખું છું કે જે ગૌશાળા ચલાવે છે, તેનો પ્રચાર કરે છે. તેમનો સંઘ સાથે કોઈ સંબંધ નથી.

આપણા દેશમાં લોકો ગાયને દૂધ કરતા ગોબર અને ગૌમૂત્ર માટે વધારે પાળે છે. ગૌરક્ષાના નામે થયેલી હિંસામાં સંઘનું નામ શા માટે જોડવામાં આવે છે. ગૌરક્ષા સાથે હિંસાનો સંબંધ ન જોડાવવો જોઈએ.

10. કાયદા અને બંધારણનું પાલન કરીને જ ગૌરક્ષા કરવી જોઈએ. દેશમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ અને સુપ્રીમ કોર્ટ કંઈક નિર્ણય લે છે, તેમના શબ્દોના આધારને બગાડી દેવામાં આવ્યો છે.

તેની ચિંતા ગૌરક્ષા કરનારાએ ન કરવી જોઈએ, એ તેમના માટે નથી. ઘણા મુસ્લિમ લોકો મને ગૌરક્ષાનો કાયદો બનાવવાનું કહે છે.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)