બ્લૉગ : મોદીની મનસા તો રાહુલને જ ટક્કર આપવાની રહેશે

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજીટલ એડિટર, બીબીસી હિન્દી

દરેક મલ્લની ઇચ્છા રણમેદાનમાં કુસ્તી જીતવાની હોય છે પણ સાથે સાથે તે એમ પણ ઇચ્છતો હોય છે કે સામેનો હરીફ પણ પડછંદ હોય જેથી એને પછાડીને તે પોતાનું કદ વધારે મોટું કરી શકે.

આ દ્રષ્ટિથી વિચારીએ તો મોદીની નજરમાં રાહુલ ગાંધી એકદમ બંધબેસતી વ્યક્તિ છે.

સંસદમાં વિરોધ પક્ષના નેતા તરીકે એમને ભલે કાંઈ ખાસ ઉકાળ્યું ના હોય કે પછી પંજાબ સિવાય કોઈ રાજ્યમાં તે પોતાની હેસિયત સાબિત કરી શક્યા ના હોય.

જોકે, એમને હરાવવા એટલે નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના સંયુક્ત વારસાને હાર આપવા જેવું બની રહેશે અને આ એકદમ સહેલું પણ હશે.

તમે આ વાંચ્યું કે નહીં?

વાસ્તવમાં છેલ્લાં સવા ચાર વર્ષોમાં જે રીતે વિધાનસભાઓ જ નહીં પણ નગરપાલિકાની ચૂંટણીઓ પણ વડા પ્રધાન મોદીના નામ પર લડવામાં આવી છે.

ઉપરાંત એટલે સુધી કે યુનિવર્સિટીની વિદ્યાર્થીસંઘની ચૂંટણીઓ પણ આ રીતે જ લડવામાં આવી છે.

જાણે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી હોય જેમાં એક તરફ મોદી હોય અને બીજી બાજુ અન્ય કોઈ.

ચાર વર્ષના કાર્યકાળમાં એક પણ વખત ખુલ્લા મંચ પર પત્રકાર પરિષદ આયોજીત ના કરનારા વડા પ્રધાનની છબી ઊજળી બનાવવા માટે મંગલયાનના કુલ ખર્ચા કરતાં અનેક ગણો ખર્ચ જાહેરાત અને પ્રચાર પાછળ કરવામાં આવ્યો છે.

દરેક પેટ્રોલ પંપ પર આંતરરાષ્ટ્રીય બજાર કરતાં તગડી રકમ ભરનારા લોકોને ઉજ્જવલા યોજનાની સફળતાની ગાથા ગાઈ રહેલા એ બે ચહેરા જરૂર જોવા મળશે. એક વડા પ્રધાન મોદી અને બીજી ગરીબ ગૃહિણી.

એ જાણવું ઘણું રસપ્રદ રહેશે કે ઉજ્જવલા યોજના હેઠળ કનેક્શન લેનારી કેટલી મહિલાઓએ ફરીથી ભરેલું સિલિન્ડર ખરીદ્યું છે?

જવાબ માટે રાહ જોતા રહો, બસ એ જ રીતે, જે રીતે નોટબંધી પછી જમા થયેલી નોટો ગણવાની આજ સુધી રાહ જોઈ રહ્યા છો.

અરુણ શૌરી, યશવંત સિંહા અને પ્રશાંત ભૂષણે સવાલ પૂછ્યા છે, જોઈએ ક્યારે અને શું જવાબ મળે છે.

આ ત્રણમાંથી બે તો વાજપેયી સરકારમાં કેબીનેટ મંત્રી રહી ચૂક્યા છે. એમને ડાબેરી, ભ્રષ્ટ કે કોંગ્રેસી કહીને ફગાવી દેવા એટલું સરળ કામ નથી.

જોકે, અહીં મુદ્દો આ છે પણ નહીં, વાત તો એ છે કે સફળ-નિષ્ફળ યોજનાઓની જાહેરાત કરી બાદમાં એના પર સફળતાની મહોર મારી પીએમ મોદીનો, દેશભરમાં રેડિયો, ટીવી, પ્રિન્ટ અને આઉટડોર બિલબોર્ડ પર જેટલો પ્રચાર કરવામાં આવ્યો છે તેની સરખામણીમાં વિરોધ પક્ષનો કોઈ નેતા ટકી શકે ખરો?

જોકે, એ કહેવું જરૂરી છે કે દિલ્હીના અરવિંદ કેજરીવાલ, તેલંગાણાના કેસીઆર, આંધ્રનાં ચંદ્રબાબુ કે પછી બંગાળનાં મમતા જેમની પાસે જનતાનાં નાણાં છે તે મોદીના વાદે પ્રચારમાં વેડફી રહ્યા છે.

રાહુલ પાસે ના તો આવી કોઈ હેસિયત છે ના તો પૈસા. એમની પાર્ટીના હિસાબનીશ કહી ચૂક્યા છે કે એમનો પક્ષ ઓવરડ્રાફ્ટ પર ચાલી રહ્યો છે.

આવી સ્થિતિમાં કથિત ચા વેચનારા મોદી માટે પેઢીઓથી સત્તારૂઢ નહેરુ-ગાંધીના વંશજને હરાવવા એક મોટી સફળતા હશે.

ભલે પછી તેઓ કરોડોમાં હરાજી પામેલો મોદી નામનો સૂટ પહેરી ચૂક્યા કેમ ના હોય.

વિવશતાસાથેની વિરોધ પક્ષની ચૂંટણી

હાલમાં જ મોદી સરકાર સામે તેમના જ જૂના સાથી પક્ષ તેલુગૂ દેશમ પાર્ટી( ટીડીપી)એ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો.

જોકે, મોદીએ ટીડીપીને બદલે કોંગ્રેસ, નહેરુ-ગાંધી પરિવાર અને રાહુલને નિશાન બનાવ્યા હતા એ કાંઈ કારણ રહિત નહોતું.

મોદી બસ સરળતાથી હરાવી શકાય તેવા હરીફની શોધમાં હતા પણ વિરોધ પક્ષ પણ કાંઈ ઊતરે એવો નથી.

વિપક્ષે પોતાનો રાષ્ટ્રીય ચહેરો કોણ હશે એ વાતનો હજી સુધી મોદીને કોઈ અણસાર સુદ્ધાં આવવા દીધો નથી.

એમની ગણતરી હાલ તો અલગ-અલગ રાજ્યોમાં વિવિધ રીતે ટક્કર આપ્યા બાદ આંકડાની સમસ્યા ઉકેલવાની છે.

તમે ભલે માનો કે ના માનો પણ મોદી-શાહ બન્ને એક જેવું જ વિચારે છે કે પરિણામ આવ્યા બાદ જોઈ લઈશું કે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે.

ધન, જન અને કૉર્પોરેટની તાકાતની સંપૂર્ણ અસર 2019ના આખા ઉનાળા દરમિયાન જોવા મળશે. પરિણામ ભલે જે પણ આવે.

ભાજપ માટે એ માટી મથામણ હશે કે કેન્દ્ર અને મોટાભાગનાં રાજ્યોમાં સત્તા પર આરૂઢ ભાજપ જો 272 નાં જાદુઈ આંકડા સુધી ના પહોંચી તો એને ક્ષેત્રીય પક્ષોની મદદની જરૂર પડશે.

કોંગ્રેસ સાથે તે જોડાણ અશક્ય છે અને ક્ષેત્રીય પક્ષો તો પોતાનાં સ્થાનિક હિતો માટે કોઈના પણ ખોળામાં જઈ બેસી શકે છે. એટલે વિવશતા અને સમજણ બન્ને છે.

રણનીતિ એ રહેશે કે ભાજપ પોતાનું અભિયાન કોંગ્રેસ વિરુદ્ધ ચલાવે અને ક્ષેત્રીય પક્ષો સાથે 2019ની સામાન્ય ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ જોડાણનો વિકલ્પ ખુલ્લો રાખે.

આવનારા ટૂંક સમયમાં તમને જોવા મળશે કે નિશાન પર માત્ર અને માત્ર રાહુલ જ હશે અને આમાં જ ભાજપની સમજદારી છે.

મોદી-શાહને લાગે છે કે ટીડીપીને કે રાહુલની જાહેરમાં પ્રશંસા કરનારી શિવસેનાને કે જે આવનારી ચૂંટણી પોતાના જોરે લડવાની જાહેરાત કરી ચૂકી છે.

અકાલી દળને કે રાજ્યસભાના જેની ઉપસભાપતિની ટિકિટ રદ કરી નીતીશકુમારના પક્ષને આપી દેવામાં આવી હતી એ બધાને 2019ની સામાન્ય ચૂંટણી બાદ સગવડ મુજબ મનાવવામાં આવશે.

આ જ કારણ છે કે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ભાજપની ગમે તેટલી મજાક ઉડાવે પણ અમિત શાહ મન મારીને પણ હસતાં હસતાં જણાવે છે, ''શિવસેના એનડીએનો ભાગીદાર છે, અમારી વચ્ચે મતભેદ હોઈ શકે પણ મનભેદ નહીં.''

જોવા જઈએ તો રાજકારણમાં કાંઈ પણ સંભવ છે જ્યાં એક અઠવાડિયું પણ લાંબો સમય ગણાય છે.

કોંગ્રેસ અને રાહુલ ગાંધીને મુખ્ય જ વિપક્ષ તરીકે જ રજૂ કરવામાં ભાજપ હવે ઘડાઈ ચૂક્યો છે.

આમાં કોંગ્રેસને પણ કોઈ વાંધો ના હોવો જોઈએ કારણ કે આ તો એમની છબી વધુ નિખારવાની જ વાત છે.

ચૂંટણી પછી પરિણામ જે પણ આવે તે પણ હાલમાં તો કોંગ્રેસની પ્રતિષ્ઠા વધી જ રહી છે.

દબંગ ભાજપ પાસે વીસથી વધારે રાજ્યોમાં બહુમત માટે જરૂરી આંકડા કરતાં હાલમાં માત્ર એક જ બેઠક વધારે છે.

ઘણાં રાજ્યોમાં વર્ષોથી સત્તારૂઢ ભાજપ આપબળે જ પોતાનો કુલ આંકડો 273 કરતાં આગળ લઈ જઈ શકશે કે નહીં તેનો કોઈ નક્કર પુરાવો ભાજપના પ્રવક્તા પાસે નથી.

સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને એનઆરસી જેવા મુદ્દાઓ 2019માં સત્તાધારી દળ માટે કેટલા મદદગાર સાબિત થશે તેની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.

જોકે, કેસીઆર, શરદ પવાર અને નારદ-શારદામાં ફસાયેલાં મમતા બેનર્જી પણ દસ-વીસ સીટો પૂરી કરવા માટે ઉપયોગી બની શકે છે.

આ જ કારણ છે કે મોદી અને તેમના પ્રવક્તા આવનારા સમયમાં વધારે ધ્યાન રાહુલ પર લગાડશે જેથી ભવિષ્ય માટે રસ્તાઓ ખુલ્લા રહે.

વિપક્ષમાં બેઠેલા લોકો અત્યારે પ્રભાવહિન ભલે જણાતા હોય પણ મૂર્ખ બિલકુલ નથી.

એમને ખબર છે કે જેવો વિપક્ષ પોતાનો સંયુક્ત ઉમેદવાર જાહેર કરશે કે તરત જ મોદીનું કામ સરળ થઈ જશે.

વિપક્ષની રણનીતિ મોદીને થોડા થોડા હેરાન કરતા રહેવાની છે પણ વિપક્ષનાં સૌથી મોટા દુશ્મન મોદી નથી પણ એમની પોતાની મહત્વાકાંક્ષા જ છે અને એ જ ડગલેને પગલે એમના આડે આવશે.

આ વર્ષે ઘણું બધું સ્પષ્ટ થઈ જશે

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સત્તા છે છેલ્લા બેમાં તો તે લાંબા સમયથી સત્તા પર છે.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ તો ગુજરાત બાદ હિંદુત્વની પ્રયોગશાળા રહ્યાં છે.

આ રાજ્યોની ખસિયત એ છે કે આમાં કોંગ્રેસ સિવાય કોઈ મોટી કે શક્તિશાળી પાર્ટી અસ્તિત્વમાં નથી.

જ્યારે આ ત્રણ રાજ્યોમાં ચૂંટણી થશે ત્યારે એનાં પરિણામો જ નક્કી કરશે કે કોંગ્રેસ રાષ્ટ્રીય વિપક્ષ તરીકે કેટલી પકડ જમાવી શકે છે કે પછી નિષ્ફળ નીવડે છે.

બન્ને દ્રષ્ટિએ આ ત્રણ રાજ્યો માટે આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીઓ મહત્ત્વની રહેશે.

ગઈ લોકસભાની ચૂંટણીનાં 273ના આંકડાને જોઈએ તો 'ફોઈ-ભત્રીજા'ના જોડાણ બાદ ભાજપ પોતાના મુખ્ય મંત્રી અને નાયબ-મુખ્ય મંત્રીની લોકસભાની બેઠકો(ગોરખપુર અને ફૂલપુર)ની પેટા-ચૂંટણીમાં હારી ગઈ છે.

યૂપીની મોટા ભાગની સીટો જીતીને સત્તા પર આવેલી ભાજપ આ વાતને નકારી શકે તેમ નથી કે સપા-બસપા ભેગા થવાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવી ઘણું કપરું કામ છે.

મોદી-શાહ ઇચ્છે છે કે આખા દેશમાં ''કોઈ નથી ટક્કરમાં, ના પડો ચક્કરમાં'' કે પછી ''પપ્પૂ છે ટક્કરમાં, ક્યાં અટવાયા છો ચક્કરમાં'' નાં સુત્રો ચારે બાજુ ગાજી ઊઠે.

હવે આ લખવું સંભવ પણ છે કારણ કે રાહુલ સંસદમાં કહી ચૂક્યા છે કે મોદીના પપ્પૂ કહેવા સામે એમને કોઈ વાંધો નથી.

બીજી બાજુ વિપક્ષ ઇચ્છે છે કે સુત્ર ઉચ્ચાર્યા વગર જ ''શહેર-શહેરમાં થાય ટક્કર, દરેક સીટ બને મોદી માટે ચક્કર.'' વિપક્ષ ઇચ્છે છે કે પહેલાં મોદીને હરાવવામાં આવે અને પછી આગળ જે બનશે તે જોયું જશે.

એવું લાગે છે કે 2019માં કોની સરકાર બનશે અને કોણ પીએમ બનશે એનો નિર્ણય ''પોસ્ટ પોલ એલાયન્સ'' એટલે કે ચૂંટણી બાદ થતાં જોડાણોને આધારે નક્કી થશે.

અગાઉ જણાવવામાં આવ્યું છે તેમ રાજકારણમાં એક અઠવાડિયું પણ લાંબો સમય ગણાય છે માટે ભવિષ્ય ભાખવાને બદલે વર્તમાન દ્વારા ભાવિને જાણવાનો પ્રયાસ કરીએ તે જ યોગ્ય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો