ગૌરી-કાલબુર્ગીની હત્યામાં એક જ પિસ્તોલ વપરાઈ'તી

    • લેેખક, ઈમરાન કુરૈશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પત્રકાર ગૌરી લંકેશની હત્યાનાં કેસમાં તપાસ કરતી વખતે પોલીસની સ્પેશિયલ ટીમ, ગૌરી તથા રેશનાલિસ્ટ ડૉ. એમ. એમ. કાલબુર્ગીની હત્યા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવામાં સફળ રહી છે.

બેંગ્લોરની કોર્ટમાં પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે 660 પન્નાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે, જેમાં ફોરેન્સિક રિપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે, ગૌરી લંકેશ તથા ડૉ. કાલબુર્ગીની હત્યામાં 7.65 મીમીનું એક જ દેશી હથિયાર વાપરવામાં આવ્યું હતું.

તપાસ સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, ત્રણ વર્ષથી ડૉ. કાલબુર્ગીની હત્યાના કેસમાં કોઈ ધરપકડ થઈ ન હતી. એટલે આ સગડ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

ફોરેન્સિક તપાસ દરમિયાન લંકેશ તથા ડૉ. કાલબુર્ગીના શરીરમાંથી મળેલી ગોળીઓની સરખામણી કરવામાં આવી હતી.

'હિંદુવિરોધી વિચારો માટે હત્યા'

ફોરેન્સિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, "7.65 મીમી કેલિબરની એક જ દેશી પિસ્તોલમાંથી ગોળીબાર કરવામાં આવ્યો હતો."

પોલીસે કે. ટી. નવીન કુમારની ધરપકડ કરી છે. તેમણે હથિત રીતે પ્રવીણ ઉર્ફે સુજીત કુમારને દેશી હથિયાર આપ્યું હતું.

નવીને પોલીસને આપેલું નિવેદન બીબીસી પાસે છે. આ નિવેદનમાં ગોવાના પોંડા ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમનો ઉલ્લેખ જોવા મળે છે.

એ કાર્યક્રમમાં નવીને કહ્યું હતું કે હથિયારો સાથે હિંદુત્વનું સંરક્ષણ કરવાની જરૂર છે.

એ ભાષણ બાદ આયોજકોએ નવીનને કહ્યું હતું કે ટૂંક સમયમાં સમાન વિચારસરણી લોકો તમારો સંપર્ક કરશે. ત્યારબાદ પ્રવીણે તેમનો સંપર્ક સાધ્યો હતો.

નવીને પોલીસ નિવેદનમાં જણાવ્યું છે, "હું જાણતો હતો કે તે ગેરકાયદેસર છે, પરંતુ તેઓ (ગૌરી લંકેશ) હિંદુવિરોધી વલણ ધરાવતાં હતાં, એટલે મેં તેને (પ્રવીણ)ને મદદ કરવા તૈયાર થયો હતો."

હિંદુ દેવી-દેવાતાઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા કન્નડ લેખક કે. એસ. ભગવાનની હત્યાનું કાવતરું ઘડવાના આરોપસર પ્રવીણની ધરપકડ કરવામાં આવી હતી.

બાદમાં લંકેશની હત્યાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે હિંદુવાદી સંગઠન સનાતન સંસ્થા તથા તેની સાથે સંલગ્ન હિંદુ જનજાગૃતિ સમિતિ સાથે સંકળાયેલા અમોલ કાલે (પુણે, મહારાષ્ટ્ર), અમિત દેગવેકર (પોંડા, ગોવા) તથા મનોહર ઇડાવે (વિજયાપુરા, કર્ણાટક)ની ધરપડ કરવામાં આવી છે.

હત્યાઓનો ક્રમ

ઉલ્લેખનીય છે કે હિંદુ ધર્મમાં પ્રવર્તમાન કુરીતિઓની સામે ડૉ. કાલબુર્ગીએ અભિયાન હાથ ધર્યું હતું.

તા. 30મી ઓગસ્ટ 2015ના દિવસે કર્ણાટકના ધારવાડમાં તેમના ઘરના દરવાજે જ અજાણ્યા લોકોએ ગોળી મારી નાખીને તેમની હત્યા કરી નાખી હતી.

સમાન રીતે જ તા. 5મી સપ્ટેમ્બર 2017ના દિવસે હેલ્મેટ પહેરેલા શખ્સે તેમના ઘરના દરવાજા પાસે જ હત્યા કરી નાખી હતી.

પોસ્ટ મોર્ટમ દરમિયાન ગૌરીનાં શરીરમાંથી ત્રણ અને ઘરની દિવાલમાંથી એક ગોળી મળી હતી.

બન્નેને તેમના કથિત રીતે હિંદુવિરોધી વિચારો માટે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરવામાં આવી.

એ પહેલા મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ગોવિંદ પાનસરે તથા તેમના પત્નીની હત્યા કરી નાખવામાં આવી હતી. તેઓ મોર્નિંગ વોક પરથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.

ચારેની હત્યાઓમાં એક બાબત સમાન હતી કે તેઓ કથિત રીતે 'હિંદુ-વિરોધી વિચારો' ધરાવતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો