શ્રદ્ધાંજલી : નીડર પત્રકારત્વના એક સ્તંભને

    • લેેખક, Soutik Biswas
    • પદ, India correspondent

ગૌરી લંકેશના એક પત્રકાર મિત્ર જ્યારે પણ તેમને સવારે ફોન કરતા ત્યારે પુછતા, “આપણે આજે કયા મુદ્દે લડવાનું છે?” લંકેશને પૂછાતું, “આજે કઈ બાબતે તમને નારાજગી છે?”

ગૌરી લંકેશ જે મુદ્દા વિશે પ્રતિબદ્ધ હોય તેને વિશે અખબારમાં જો યોગ્ય રીતે ન લખાય, ત્યારે લંકેશ તેમના તંત્રી મિત્રોને ઉંચા સ્વરે એક જ શ્વાસે કહેતા, “જ્યારે તમે મોટાં ગજાના લોકો જ મજબૂત સ્ટેન્ડ નથી લઈ શકતા, તો તે બાબતે અમે કેવી રીતે કોઈ પ્રયત્ન કરી શકીશું ?”

ગૌરી લંકેશ પિતા તરફથી વારસામાં મળેલા સાપ્તાહિક કન્નડ ટેબ્લોઈડના તંત્રી હતા. ‘લંકેશ પત્રિકા’ નામના આ ટેબ્લોઈડને તેના લવાજમમાંથી જ નાણાંભંડોળ મળી રહેતું. તેને જાહેરાતોથી દૂર રખાયું હતું. કર્ણાટકમાં એક્ટિવિઝમ કરતાં લોકોમાં આવા ટેબ્લોઈડ પ્રકાશિત કરવાનો ચીલો છે. ગૌરી લંકેશ તેમના નીડર ડાબેરી વિચારો માટે જાણીતાં હતાં. તેમના અખબારમાં પણ એક તંત્રી તરીકેની તેમની વિચારધારા અને દ્રષ્ટિકોણ પ્રતિબિંબિત થતાં.

લંકેશ હિન્દુવાદી જમણેરીઓના હાડોહાડ ટીકાકાર હતાં. તે માનતાં કે ધાર્મિક અને બહુમતીતરફી રાજકારણ દેશને ટુકડામાં વહેંચી દેશે. જાણીતા ભારતીય વિદ્વાન અને તર્કવાદી વિચારક મલેશપ્પા કલબુર્ગીની તેમના બેંગાલુરૂ સ્થિત ઘરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જમણેરી હિન્દુત્વવાદી સંગઠનો તરફથી મળેલી ધમકીઓ બાદ તેમની હત્યા થઈ હતી. આ હત્યા બાદ લંકેશે તેમના એક મિત્રને કહ્યું હતું, “મારી સાથે કંઈ અજુગતુ થાય તેની મને કોઈ ચિંતા નથી, અમુક લોકોએ મને વેશ્યા પણ કહી છે, પરંતુ હું દેશ માટે ચિંતિત છું. આ લોકો દેશને રઝળતો કરી દેશે.”

સરકાર વિરુદ્ધ લડી રહેલા માઓવાદી બળવાખોરો પ્રત્યે તેઓ ખૂલીને સાંત્વના વ્યક્ત કરતાં અને તેમને મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ કરતાં. દલિત અને અશ્પૃશ્ય લોકો માટે પણ તેમણે લડત ચલાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને હિન્દુ રાષ્ટ્રવાદી વિચાર ધરાવતી ભારતીય જનતા પાર્ટી પ્રત્યે તે નીડરતાથી અણગમો વ્યક્ત કરતાં. તેમની ફેસબુક પોસ્ટમાં નરેન્દ્ર મોદી તરફ કટાક્ષ કરનારા ‘મીમ’ અવારનવાર જોવા મળતા. “મોદી દંતકથાઓને જડમૂળથી દૂર કરવા આ લોકો અન્યો કરતા સફળ પ્રયત્નો કરી રહ્યા છે” તેમ કહી તાજેતરની એક પોસ્ટમાં તેમણે ભારતમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન્સની પ્રશંસા કરી હતી. તે લોકોને ટેકો આપતાં એમ પણ કહ્યું હતું, “અમે તમારી સાથે છીએ અને આપણું બિનસાંપ્રદાયિક ભારત પરત મેળવવા આપણે સાથે પ્રયત્નો કરીશું.”

લંકેશના અખબારમાં હાડોહાડ તટસ્થતા જોવા મળતી. ઘણીવાર તેમાં છપાયેલા સમાચારોના કારણે તેમના મિત્રોને અણગમો થતો, પરંતુ લંકેશ ક્યારેય તે બાબતે ખેદ વ્યક્ત નહોતાં કરતાં. તેમના ટ્વિટર પ્રોફાઈલમાં પણ 'પત્રકાર-એક્ટિવિસ્ટ' તરીકેની ઓળખ આપી છે.

તેમને માનહાનિના ઘણાં કેસનો સામનો પણ કરવો પડ્યો. સ્થાનિક ભાજપ નેતા વિરુદ્ધ સમાચાર છાપવા બદલ તેમનાં પર બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો અને તે સાચો પણ ઠર્યો હતો. આ ઘટના બાદ અખબારનાં સર્ક્યુલેશન અને આવકમાં ઘટાડો નોંધાયા છતાં લંકેશ નિરાશ નહોતા થયા. તેમના ટેબ્લોઈડે નીડરતાથી કામ કરવાનુ ચાલુ રાખ્યું.

ક્યારેય ન કર્યું સમાધાન

લંકેશને તેમનાં પિતા પી. લંકેશ તરફથી આ સ્વભાવ વારસામાં મળ્યો હતો. પી. લંકેશ કર્ણાટકનાં સાંસ્કૃતિક અગ્રણી અને એક્ટિવિસ્ટ હતાં. જેમણે સારો એવો ફેલાવો ધરાવતું ટેબ્લોઈડ તો શરૂ કર્યું જ, પરંતુ તેની સાથે એવોર્ડ વિનિંગ નવલકથાઓ લખી અને ફિલ્મો પણ બનાવી.

ત્રણ ભાઈ-બહેનમાં સૌથી મોટાં ગૌરી લંકેશે શરૂઆતથી જ પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. દિલ્હીની એક સંસ્થામાંથી તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. જ્યાં તેમના સહાધ્યાયીઓ તેમને 'ખડતલ, અડગ અને ક્રાંતિકારી' માનતા હતા. એક અગ્રીમ અખબાર, હાલ બંધ પડેલા સામયિક અને એક અંગ્રેજી ન્યુઝ ચેનલ સાથે પણ તેમણે કામ કરેલું હતું.

વર્ષ 2000માં જ્યારે તેમના પિતાનું અવસાન થયું, ત્યારે 20 વર્ષ જૂનાં તેમના કન્નડ ભાષાના અખબારને સંભાળતાં તેઓ અચકાતા હતાં તેવું તેમના મિત્રોનું કહેવું છે. પરંતુ જ્યારે તેમણે અખબાર સંભાળવાનું નક્કી કર્યું, ત્યારે નિષ્પક્ષ બની રાજકીય પરિસ્થિતિની આમૂલ ટીકા કરવાનું શરૂ કર્યું હતું.

લંકેશે એક બે વિદ્યાર્થી નેતાઓને દત્તક લીધા હતા, જેમાંથી એક દલિત સમાજમાંથી આવતો હતો અને બીજા પર રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્યારે તે બન્નેને ટી-શર્ટ ભેટમાં આપવા માગતાં હતાં, ત્યારે તેમના એક પુરુષ મિત્રને પૂછ્યું હતું કે, “તમને શું લાગે છે? તે બન્નેને કયા કલર ગમશે?”

દેશની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રાજધાની ગણાતા બેંગલુરૂમાં મહિલાઓ પર થતાં ગુનાઓ વિરૂદ્ધ પણ તેમણે લડત ચલાવી હતી. સોમવારે લંકેશની તેમના ઘર બહાર ગોળી ધરબી હત્યા કરી દેવાઈ, કદાચ તેમના કામના કારણે જ તેની હત્યા કરાઈ છે.