સલમાન ખાન : હું તોળી તોળીને બોલતો નથી

    • લેેખક, સુપ્રિયા સોગલે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

બૉલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાન મોટે ભાગે તેમના નિવેદનોને કારણે વિવાદોમાં ફસાઈ જતા જોવા મળ્યા છે. સલમાન ખાનનું કહેવું છે કે તેઓ જે મનમાં આવે તે બોલી નાંખે છે પણ કેટલાક લોકો એમાં પણ નકારાત્મકતા શોધી લે છે.

બીબીસી સાથે વાત કરતા સલમાન ખાને બાળકોમાં પોતાની લોકપ્રિયતાનું કારણ જણાવતા કહ્યું કે,''મને ખબર નથી પડતી કે ક્યાં તાર જોડાઈ જાય છે. મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું કે હું સ્ટાર બનીશ. હું જેવો છું તેવો છું કોઈ આડંબર નથી.”

તેમણે વધુમાં કહ્યું, “મારામાં તોળી તોળીને બોલવાની સ્ટાર ક્વોલિટી નથી. આખું ભારત જેવી રીતે વાત કરે છે તેવી જ રીતે હું પણ વાત કરું છું. જે મનમાં આવે તે બોલી નાંખું છું.”

સલમાન આગળ જણાવે છે કે, “મારી વાતોમાં નકારાત્મકતા હોતી નથી છતાં પણ લોકો એમાંથી નકારાત્મકતા શોધી જ કાઢે છે. જેની લોકો ખોટી રીતે રજૂઆત કરે છે.”

તેમણે ઉમેર્યું, “પછી સોશ્યલ મીડિયા અને ટીવી પર એને બે-ચાર દિવસની ટીઆરપી મળી જાય છે અને એમની કમાણી થઈ જાય છે. આ એક રમત છે. પહેલાં તો માત્ર દૂરદર્શન જ હતું જે સૌથી નિષ્પક્ષ હતું પણ હવે તો ઘણી બધી ન્યૂઝ ચેનલો આવી ગઈ છે.”

ફિલ્મ રેસ-3માં તેઓ પોતાનાં મિત્ર અનીલ કપૂર સાથે ફરી એક વખત જોવા મળશે. અનીલ કપૂરનાં કામથી સલમાન ખાન ખૂબ પ્રભાવિત છે.

સલમાન ખાનનું કહેવું છે કે અનીલ કપૂર જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે તેઓ એ સમયનાં હીરોની વ્યાખ્યામાં ફિટ બેસતાં નહોતાં.પણ તે એમની પેઢીનાં એકમાત્ર કલાકાર છે જે દરરોજ કામ કરે છે.એનું શ્રેય સલમાન ખાન એમની શિસ્તને આપે છે.

અનીલ કપૂરની બહુમુખી પ્રતિભા પર ટિપ્પણી કરતાં સલમાન ખાન જણાવે છે કે,તેઓ પિતાનો રોલ પણ કરી લે છે ,મારા મિત્રનો રોલ પણ કરી લે છે.તેઓ એક ફિલ્મ માટે જે મહેનતાણું લે છે તેટલું તો આજનાં યંગ કલાકાર પણ લેતાં નથી અને તે મહેનતાણું યોગ્ય પણ છે.

સલમાન ખાનનું માનવું છે કે અમિતાભ બચ્ચનની જગ્યા જો કોઈ લઈ શકે એમ છે તો તે માત્ર અનીલ કપૂર જ છે.

તેઓ જણાવે છે કે સુપર સ્ટાર હોવા છતાં બચ્ચન સાહેબે જે પ્રકારની ભૂમિકા મહોબતેંમાં ભજવી છે તેવી જ અનીલ કપૂર ભજવી રહ્યા છે.

'પિતાની ભૂમિકા ભજવવામાં હજી સમય લાગશે'

સલમાન ખાન ફિલ્મોમાં પિતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે,પણ એમનું કહેવું છે કે આવી ભૂમિકા માટે હજી એમને 20-25 વર્ષ લાગશે.

સલમાન ખાનની ફિલ્મો 100 કરોડ કરતાં વધારે કમાણી કરવા માટે વખણાય છે.

પણ સલમાન ખાનનું કહેવું છે કે તેઓ પિલ્મમાં એકલાં કશું જ કરી ના શકે. આ બધું લેખક, નિર્દેશક,સહ કલાકારની મદદ વડે જ કરી શકે છે.

'બિઝનેસમેન નથી'

સલમાન ખાને જણાવ્યું છે કે તે બિઝનેસ મેન નથી અને ફિલ્મી બિઝનેસનું માત્ર પ્રાથમિક માળખું જ સમજી શકે છે.

તેમણે જણાવ્યું કે તેમને એટલો જ અભિનય આવડે છે જેટલાથી એમનું કામ ચાલી જાય. પણ લેખક કુટુંબ સાથે જોડાયેલાં હોવાનાં કારણે તેમને સારી સ્ક્રિપ્ટની પસંદગી કરતાં આવડે છે.

સલમાન જણાવે છે કે એમણે પોતાનાં ત્રણ દાયકાની કારકિર્દીમાં ખરાબ સમય જોયો નથી.

તેમની ફિલ્મો ફલૉપ પણ જાય છતાં પણ એમના ફેનનો પ્રેમ ઓછો થયો નથી. ફેનનાં આ પ્રેમને તેઓ ઈશ્વરની કૃપા સમજે છે.

સલમાન ખાન પોતાની આગવી ડાન્સ સ્ટાઈલ માટે જાણીતા છે.

પણ એમનું માનવું છે કે હિંદી ફિલ્મોમાં ડાન્સમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે,માટે જ તેઓ અત્યારે રેમો ડિસૂઝાની ડાન્સ ફિલ્મ માટે તૈયાર નથી.

સલમાન જણાવે છે કે, “હું ફિલ્મોમાં ડાન્સ કરવાનું પસંદ કરતો નથી. આજે તો જિમનાસ્ટિક, બિબોઈંગ, સર કેબલ ડાન્સ જેવા ખબર નહીં કેટલા પ્રકાર આવી ગયા છે. આ ખૂબ અલગ અને અઘરા છે. રેમોની ડાન્સ ફિલ્મ માટે મારે એક વર્ષ ડાન્સની પ્રેક્ટિસ કરવી પડશે.”

સલમાન ખાન એવા ડાન્સ પસંદ છે જેમાં 98% ભારતીય ડાન્સ હોય.

રેમો ડિસૂઝાનાં નિર્દેશનમાં બનેલી રેસ 3 માં સલમાન ખાનની સાથે અનીલ કપૂર, બૉબી દેઓલ, જેકલીન ફર્નાંડીસ, ડેજી શાહ, સાકીબ સલીમ અને ફ્રેડી દારૂવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 15 જૂનનાં રોજ રિલીઝ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો