શું CEO તરીકેની નોકરી માત્ર પુરુષો કરી શકે?

શું માત્ર CEOના પદ પર નોકરી કરવાની ક્ષમતા પુરૂષોમાં છે?

કતાર ઍરવેઝના ચીફ એક્ઝિક્યુટિવ અને ઇન્ટરનૅશનલ ઍર ટ્રાન્સપોર્ટ અસોસિએશનના (આઈ.એ.ટી.એ.) અધ્યક્ષ અકબર અલ બકરનું કહેવું હતું કે તેમની નોકરી માત્ર એક અન્ય પુરૂષ જ કરી શકે છે.

તેમણે કહ્યું, "અલબત્ત આ નોકરીની આગેવાની એક પુરૂષે જ લેવી પડશે, કારણ કે આ પદ ખૂબ જ પડકારજનક છે."

તેમણે આઈ.એ.ટી.એ.ની વાર્ષિક બેઠકમાં આ ટિપ્પણી કરી હતી.

આ વર્ષે યોજાયેલી બેઠકમાં ઍરલાઇન કંપનીઓમાં વિવિધતા સુધારવા માટે થઈ રહેલાં પ્રયાસો અને તેના સંબંધિત પડકારો મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ હતા.

બાદમાં તેમણે તેમનું નિવેદન અંગે ઘણી બાબતો સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

બ્લૂમબર્ગ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "જો એક મહિલા સી.ઈ.ઓ.ના પદ પર આવે, તો મને ઘણો આનંદ મળશે. હું તેમને એક પરિપક્વ સી.ઈ.ઓ. બનવા માટે ઘણી મદદ કરી શકું છું."

બુધવારના એક નિવેદનમાં, તેમણે કહ્યું, "મીડિયાએ મારી ટિપ્પણીઓને વિકૃત રીતે રજૂ કરી છે. કતાર ઍરવેઝ તેના મહિલા કર્મચારીઓને કારણે વધુ મજબૂત છે. હું આ બાબતે તેમનો આભારી છું."

તેમણે ઉમેર્યું, "હું મારી ટિપ્પણીઓ માટે હૃદયથી માફી માંગુ છું."

નિવેદનમાં ખરેખર કેટલી સચ્ચાઈ?

સમગ્ર વિશ્વમાં તમને ઘણી મહિલાઓની કહાણી જાણવા મળશે, જેમણે ઘણો સંઘર્ષ કર્યો છે અને અંતે તેઓ સફળ થયાં છે. જો વાત માત્ર CEO તરીકે જવાબદારી લેવાની હોય તો એમાં પણ મહિલાઓ માત્ર સફળ નથી થઈ પરંતુ કંપનીઓને નુકસાનીમાંથી નફો કરતી બનાવીને પોતાની આગવી છાપ પણ ઊભી કરી છે.

અનિતા રૉડિક- સ્થાપન કરનાર, 'ધ બૉડી શૉપ'

આ કંપનીની શરૂઆત વર્ષ 1976માં યૂ.કે.ના બ્રાઇટનમાં થઈ હતી.

કંપનીની શરૂઆત બે બાબતોને ધ્યાનમાં રાખીને થઈ હતી: અનિતા તેમની બે દીકરીઓ માટે કમાણી કરવા માંગતાં હતાં, કારણ કે તેમનાં પતિ દક્ષિણ અમેરિકામાં કામ કરતા હતા.

વધુમાં તેઓ ફરી ભરવામાં આવતી બાટલીઓમાં ગુણવત્તાવાળી ત્વચાની સંભાળ લેનારાં ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાનો વિચાર કરી રહ્યા હતા, જે કુદરતી હોવાના સાથે ખેડૂતો અને વિક્રેતાઓને માટે લાભકારક હશે.

પરંતુ કંપની સ્થપાયાં પહેલાં જ, એક વિઘ્ન હતું. તેમની દુકાન બે અંતિમ વિધિ માટેની સેવાઓ પૂરી પાડનારી દુકાનોની વચ્ચે હતી, જેના કારણે લોકોએ ઘણા વાંધા ઉઠાવ્યા હતા. જોકે વાંધા હોવા છતાં, કંપનીને ઘણી સફળતા મળી.

હાલ તારીખમાં 'ધ બૉડી શૉપ' 66 દેશોમાં હાજરી ધરાવે છે અને 22 હજારથી વધુ લોકોને રોજગારી આપે છે.

બ્યૂટી ઉત્પાદનોના પરીક્ષણ માટે પ્રાણીઓ સાથે થતા અત્યાચાર અંગે પ્રતિબંધો મૂકવા અંગે પહેલ કરનારી કંપનીઓમાં 'ધ બૉડી શૉપ' એક હતી.

  • મૅરી કે ઍશ- સ્થાપ, મૅરી કે ઍશ કોસ્મેટિક્સ

મૅરીએ પોતાની કારકિર્દીની શરૂઆત સ્ટૅનલી હોમ પ્રોડકટ્સ નામની કંપની સાથે કરી હતી.

પરંતુ, જ્યારે કંપનીમાં પ્રમોશનની વાત આવી, ત્યારે તેમની અવગણના ઘણી વખત થઈ હતી. તેમની પાસેથી તાલીમ લેનારાં લોકો તેમની સરખામણીએ વધુ આગળ વધવા લાગ્યા હતા.

પરિણામે, ઍશે વર્ષ 1963માં આ કંપનીમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.

ત્યારબાદ તેમણે અને તેમના પતિએ મૅરી કે કોસ્મેટિક્સ કંપનીની શરૂઆત કરવાનો વિચાર કર્યો હતો.

પરંતુ સ્થાપના કર્યા એક મહિના પહેલાં, તેમના પતિ હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામ્યા.

45 વર્ષની ઉંમરે મૅરીએ વર્ષ 1963માં મૅરી કે ઍશ કંપનીની શરૂઆત કરી હતી.

વર્ષ 1971માં ઑસ્ટ્રેલિયામાં કંપનીએ તેની પહેલી આંતરરાષ્ટ્રીય દુકાનનું ઉદ્ઘાટન કર્યું હતું. હાલ મૅરી કે 35થી વધુ દેશોમાં પોતાનો વ્યવસાય વિસ્તારી ચૂકી છે.

  • જીના રાઇનહાર્ટ- રાઇનહાર્ટ પ્રૉસ્પેક્ટીંગ

હૅનકૉક પ્રૉસ્પેક્ટીંગની શરૂઆત વર્ષ 1952માં થઈ હતી અને ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી કંપનીઓમાંની એક છે.

કંપનીના સ્થાપક લૅન્ગ હૅનકૉકે પિલબ્રા વિસ્તારમાં 'આયર્ન ઓર'ની શોધ કરી હતી.

હાલ આ કંપની ખાણકામ, ઉત્પાદન અને આયર્ન ઓરની ખરીદી કરે છે. વધુમાં તે ગાય બળદનો ઉછેર અને તેનાં વેચાણનું કામ પણ કરે છે.

પરંતુ 1990ના દાયકામાં કંપની કેટલીક મુશ્કેલીઓમાંથી પસાર કરી રહી હતી, જેના કારણે કંપનીએ નાદારી નોંધાવી હતી.

પરંતુ વર્ષ 1992થી જીના રાઇનહાર્ટના નેતૃત્વમાં, કંપનીને ઘણી સફળતા મળી છે. હાલ કંપનીએ કૃષિ ક્ષેત્રમાં રોકાણની કિંમત વધારી દીધી છે.

  • આરિયાના હફિંગટન- સ્થાપન કરનાર, 'ધ હફિંગટન પોસ્ટ'

67 વર્ષીય આરિયાના હફિંગટન એક લેખિકા, કૉલમ્નિસ્ટ અને ધંધાકીય જગતનાં એક નોંધપાત્ર હસ્તી છે.

તેઓ 'હફિંગટન પોસ્ટ'ના સહ-સ્થાપક અને સંપાદક રહી ચૂક્યાં છે.

16 વર્ષની ઉંમરે તેઓ ગ્રીસથી અમેરિકા આવ્યાં હતાં જ્યાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને તેઓ કેમ્બ્રિજ યુનિયનના પ્રથમ વિદેશી અને ત્રીજા મહિલા પ્રમુખ બન્યાં હતા.

તેમની કારકિર્દીની શરૂઆતમાં, 36 પ્રકાશક કંપનીઓએ તેમનું લખાણ નકારી દીધું હતું. હાલના વર્ષોમાં તેમણે 13 પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. તેઓ 'થ્રાઇવ ગ્લોબલ'' સ્ટાર્ટ-અપ સાથે જોડાયેલાં છે.

  • સૅલી ક્રોચેક- સ્થાપન કરનાર, 'એલવેસ્ટ'

53 વર્ષીય સૅલી ક્રોચેક 'એલવેસ્ટ' નામની કંપનીનાં સહ-સ્થાપક અને સી.ઈ.ઓ. છે. એલવેસ્ટ એક એવો પ્રોજેક્ટ છે જેની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી.

જે ખાસ કરીને મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને નાણાકીય સલાહો આપે છે.

તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક એક્વિટી ઍનલિસ્ટ તરીકે કરી હતી.

વર્ષ 2009થી લઈને 2011 સુધી, તેઓ મેરિલ લિન્ચના પ્રમુખ હતાં, પરંતુ સપ્ટેમ્બર 2011માં તેઓ તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યાં હતાં. ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સના જણાવ્યા અનુસાર, તેમના નેતૃત્વમાં કંપનીએ 3.1 અબજ ડૉલરનો નફો કર્યો હતો.

એલવેસ્ટ ડિજિટલ દુનિયામાં, ખાસ કરીને ઑનલાઇન નાણાકીય વ્યસ્વસ્થામાં, મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

કંપનીની વેબસાઇટ જણાવે છે, "એલેવેટ નેટવર્ક બિઝનેસની દુનિયામાં મહિલાઓની સકારાત્મક અસર સ્વીકારે છે. અમારું ધ્યેય એ છે કે અમે કાર્યસ્થળમાં મહિલાઓને આગળ વધવા માટે તેમની મદદ કરીએ. વધુમાં અમે મહિલાઓમાં રોકાણ કરીને વ્યાપારની સંસ્કૃતિને બદલવા માટે પ્રયત્ન કરીએ છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો