You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં નીકળી 'આઝાદી માર્ચ,' પાક. સેનાએ LOC પહેલાં રોકી
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી નીકળેલી 'આઝાદી માર્ચ' નિયંત્રણ રેખા(LOC)ની નજીક પહોંચી ગઈ છે.
પાકિસ્તાની સૈન્યદળોએ આ કૂચને નિયંત્રણ રેખાથી છ કિલોમિટર પહેલાં જ રોકી દીધી છે.
માર્ચમાં સામેલ લોકોએ રસ્તા પર જ રાત વિતાવી હતી અને સવારે ફરી સરહદ તરફ આગળ વધવાનો દાવો કર્યો છે.
આ વચ્ચે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી, જે કોઈ સમજૂતી પર પહોંચી શકી નથી.
જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટ તરફથી કાઢવામાં આવેલી આ માર્ચ ત્રણ દિવસ પહેલાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી શરૂ થઈ હતી.
ભારતે બે મહીના પહેલાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરીને ભારત પ્રશાસિત કાશ્મીરમાં સખત પ્રતિબંધો લગાવ્યા છે.
આ માર્ચ ભારતના આ નિર્ણયના વિરોધમાં કાઢવામાં આવી રહી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને લોકોને એલઓસી પાર ન કરવાની અપીલ કરી છે.
ભારત વિરુદ્ધ નારેબાજી અને આઝાદીની માંગ
ભારત વિરુદ્ધ નારેબાજી કરતા સરહદ તરફથી આવેલા હજારો લોકોમાં સામેલ વ્યવસાયે વકીલ શમા તારિક ખાને કહ્યું, "આ એલઓસી નથી આ એક લોહિયાળ રેખા છે જેને એલઓસીનું નામ આપી દેવામાં આવ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે ઇચ્છીએ છીએ કે આ રેખાને અમે પાર કરી જઈએ. આ અમારું ઘર છે, અમે અમારા એક રૂમમાંથી ઊઠીને બીજી રૂમમાં જવા માગીએ છીએ. અમને રસ્તામાં રોકવામાં ના આવે અમે અમારા કાશ્મીર, અમારા ઘરે જઈ રહ્યા છીએ."
જેકેએલએફ સાથે જોડાયેલા કાર્યકર્તા શહબાઝ કાશ્મીરી કહે છે, "ઇન્શાઅલ્લાહ અમે બૉર્ડર તોડવા માટે જઈ રહ્યા છીએ, અમે દુનિયાના લોકોને એ સંદેશ આપવા માગીએ છીએ કે તેઓ પણ પોતાના ઘરોમાંથી નીકળે અને વિરોધ કરે. અલ્લાહે ઇચ્છીયું તો બૉર્ડર તૂટી જશે."
વિરોધમાં કાઢેલી માર્ચનો ઉદ્દેશ સમજાવતા એક પ્રદર્શનકારી દાનિશ સાનિયાએ બીબીસીને કહ્યું, "અમે અમારા પ્રદેશની ભારત અને પાકિસ્તાન બંનેમાંથી આઝાદી ઇચ્છીએ છીએ."
દાનિશ સાનિયા કહે છે, "અમારા પ્રદેશ પર 22 ઑક્ટોબર 1947ના રોજ કબ્જો કરી લેવામાં આવ્યો હતો. અમે અમારી પ્રદેશની આઝાદી માટે આવ્યા છીએ."
"અમારો ખાસ દરજ્જો 35A, જેના અંતર્ગત કોઈ અમારી જમીન ના ખરીદી શકે, તેને તોડવામાં આવ્યો છે. અમે તેને બચાવવા માગીએ છીએ. જમીન અમારા વડવાઓએ સાત હજાર વર્ષોથી સાચવી રાખી છે અમે તેમને બચાવવા માગીએ છીએ."
પ્રદર્શનકારીઓ સંયુક્ત રાષ્ટ્રની દખલની માંગ પણ કરી રહ્યા છે.
શમા તારિક ખાન કહે છે, "એ તરફ ભારતની સેના છે, આ તરફ પાકિસ્તાનની સેના છે. અમે જનતા છીએ."
"સંયુક્ત રાષ્ટ્રનો કોઈ પ્રસ્તાવ અમને એ તરફ જવા માટે રોકી શકતો નથી. અમે જે કરી રહ્યા છીએ તેમાં કાયદાનું ઉલ્લંઘન નથી. અમે ઇચ્છીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્ર આમાં દખલગીરી કરે."
પાકિસ્તાની સેનાએ રોકી માર્ચ
આઝાદી માર્ચને પાકિસ્તાની પ્રશાસને ચિકોટી ચેકપૉઇન્ટથી છ કિલોમિટર પહેલાં ચિનારી પાસે જ રોકી દીધી છે.
માર્ચને રોકવા માટે રસ્તા પર કન્ટેનર લગાવવામાં આવ્યાં છે અને કાંટાળા તાર બિછાવી દેવામાં આવ્યા છે.
પ્રશાસને માર્ચ રોક્યા બાદ પ્રદર્શનકારીઓ શ્રીનગર અને ઉડીની તરફ જઈ રહેલા રસ્તા પર પણ બેસી ગયા હતા.
આ દરમિયાન પ્રદર્શનકારીઓના નેતા અને પ્રશાસન વચ્ચે વાતચીત થઈ છે પરંતુ કોઈ સમજૂતી થઈ શકી નથી.
તૌકીર ગિલાનીએ એવું પણ કહ્યું છે કે તેઓ પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે કોઈ સંઘર્ષ થાય તેવું ઇચ્છતા નથી.
જોકે, માર્ચમાં સામેલ મોટા ભાગના લોકો સરહદ તરફ આગળ વધવા પર મક્કમ છે. વરસાદ અને ઠંડીને કારણે તાપણું કરીને બેઠેલા એક પ્રદર્શનકારીએ બીબીસીને કહ્યું, "કાશ્મીરને વિભાજિત કરનારી લોહિયાળ રેખાને પાર કરીને અમે શ્રીનગર જવા ઇચ્છીએ છીએ."
આ દરમિયાન પાકિસ્તાની અધિકારીઓ અને જેકેએલએફના નેતાઓ વચ્ચે રાત્રે વાતચીત પણ થઈ.
જમ્મુ-કાશ્મીર લિબ્રેશન ફ્રંટ સાથે જોડાયેલા રફીક ડારે કહ્યું, "અમે અમારા રસ્તામાં આડશ જોયા બાદ પ્રશાસન સાથે વાત કરી હતી. અમે અડચણોને હટાવવાની વિનંતી કરી છે, જો રસ્તાને ખોલશે નહીં તો અમે અહીં જ ધરણા પર બેસી જઈશું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો