You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દારૂબંધી : વિજય રૂપાણીએ કહ્યું ગેહલોત માફી માગે પણ ગુજરાતીઓએ શું કહ્યું? - સોશિયલ
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં દારૂબંધી પર નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે તો આની સામે વિજય રૂપાણીએ તેમની માફીની માગણી કરી છે.
અશોક ગેહલોતે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી છતાં સૌથી વધારે દારૂ પીવાય છે. આ નિવેદન બાદ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી તેમજ અન્ય નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
અશોક ગેહલોતે કહ્યું હતું કે, ''આઝાદી બાદથી ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સૌથી વધારે દારૂ ગુજરાતમાં જ પીવાય છે અને ઘરેઘરે લોકો દારૂ પીવે છે.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગેહલોતના આ નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવી કહ્યું, ''અશોક ગેહલોતે આ નિવેદન આપી સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે.''
તેમણે વધુમાં કહ્યું, ''ગુજરાતની કૉંગ્રેસ પાર્ટીએ આનો જવાબ આપવો પડે અને ગેહલોતે ગુજરાતીઓની માફી માગવી પડે.''
''રાજસ્થાનના મુખ્ય મંત્રી ગુજરાતની ચૂંટણી જીતાડી ન શક્યા એટલે ગુજરાતીઓ પર ગમે તેવા આક્ષેપો કરે તે શોભતું નથી અને ગુજરાત કદી તેમને માફ નહીં કરે.''
આ સિવાય ગુજરાતના ભાજપ અધ્યક્ષ જિતુ વાઘાણીએ કહ્યું, ''આ નિવેદનથી કૉંગ્રેસે ગુજરાતનું ઘોર અપમાન કર્યું છે. હું ગેહલોતજીને વિનંતી કરું છું કે તમે સચીન પાયલટને સાચવવાનો પ્રયત્ન કરો. ગુજરાતની ચિંતા ન કરો.''
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ એ કહ્યું ''ગુજરાતમાં મહેફિલકાંડ એ વિજયભાઈની સરકારની ઓળખ બની ગઈ છે. વિજયભાઈને મહેફિલકાંડમાં શરમ નથી આવતી. વિજયભાઈએ અશોકભાઈની વાતને ગંભીરતાથી લઈને પગલાં લેવા જોઈએ અને જવાબદારી લેવી જોઈએ.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે મુખ્ય મંત્રીના મતવિસ્તાર રાજકોટમાં વેચાતા દારૂની વાત પણ કરી.
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે ''વિજય રૂપાણીમાં જો હિંમત હોય તો આ મામલે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવે. હું વિધાનસભામાં ગુજરાતમાં ચાલતા દારૂના અડ્ડાઓની માહિતી રજૂ કરીશ.''
એમણે કહ્યું કે ''બેશરમ રીતે ગુજરાતમાં ખૂણેખૂણામાં દારૂ વેચાવા દઈને સરકાર ગુજરાતીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. આવા ગુજરાતનું સપનું ગાંધી અને સરદારે નહોતુ જોયું. અશોક ગેહલોતની ટીકા કરવાને બદલે વિજય રૂપાણીએ શરમાવું જોઈએ.''
એમણે શ્રેણીબદ્ધ ટ્વીટ કરતા એમ પણ કહ્યું કે ''આ નિવેદન બદલ સરકાર સીબીઆઈ, ઇડી, ઇન્કમટૅક્સ કે જે પણ અધિકારીને મોકલવા માગે તેમને મોકલે, એમને આવકાર છે. મારે કોઈ ફાઇલો ક્લિયર કરાવવાની નથી.''
ગુજરાતના લોકોએ આ વિશે શું કહ્યું?
બીબીસી ન્યૂઝ ગુજરાતીએ રાજસ્થાનના મુખ્ય મંત્રીએ ગુજરાતની દારૂબંધી અંગે કરેલા નિવેદન અંગે બીબીસી ન્યૂઝ ગુજરાતીના પેજ @BBCNewsGujarati પર કહાસૂની મારફતે ગુજરાતના લોકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ પ્રયાસમાં 6 કલાકના ગાળામાં 1000 વધારે લોકોએ આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરી.
ગુજરાતના મુખ્ય મંત્રી અશોક ગેહલોતના નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવી માફીની માગ કરે છે ત્યારે મોટા ભાગના લોકોએ બીબીસી ગુજરાતીની કહાસૂનીમાં આ નિવેદનને યોગ્ય ઠેરવ્યું.
કેટલાક વાચકોએ તો દારૂબંધીને પોલીસ અને રાજકારણીઓની સાઠગાંઠ સાથે પણ રજૂ કરી.
વળી કેટલાકે આની સાથે હેલ્મેટ અને જૂનાગઢમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ પણ યાદ કરાવી.
કેટલાક ગુજરાતીઓએ અશોક ગેહલોતની વાત સાચી છે અને દારૂબંધીનો અમલ ન કરવા પર વિજય રૂપાણીએ માફી માગવી જોઈએ એમ પણ કહ્યું.
દર્શકોએ આપેલા કેટલાક મંતવ્ય આ મુજબ છે :
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો