You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડિપ્રેશન સામે કઈ રીતે લડવું? અભિનેત્રી મોનલ ગજ્જરનો જાતઅનુભવ
જાણીતાં અભિનેત્રી મોનલ ગજ્જરે બીબીસી સાથે ડિપ્રેશન, એની સારવાર, એ અંગેના ઉપાયો અને જાગૃતિ વિશે વાત કરી હતી. વાંચો, મોનલ ગજ્જરના જ શબ્દોમાં...'હું ડિપ્રેશનમાં હતી'
વર્ષ 2018માં હું ડિપ્રેશનમાં હતી, મને ઍન્ગ્ઝાઇટીનો અર્થ ખબર છે. હજુ ગઈકાલે જ મને સમજાયું કે ચોક્કસ ઘટનાઓ અને સંજોગો તમારી ઇચ્છા અનુસાર આકાર પામતાં નથી. તેથી આપણે ચિંતા અનુભવીએ છીએ.
મને એ કહેવામાં કોઈ શરમ નથી કે હું ડિપ્રેશનમાં હતી. મારા મિત્રો મને એકલી છોડીને ચાલ્યા ગયા હતા. તેમનાં કેટલાંક પગલાઓને કારણે મને માઠી અસર થઈ હતી.
બધા મને છોડીને કેમ ચાલ્યા જાય છે? કોઈ મારી સાથે વાત કેમ કરતું નથી? કોઈ મને પસંદ નથી કરતું?
મારા પોતાના માટે મને આવા સવાલો થતા હતા. હું હંમેશાં એકલી કેમ રહું છું? હું ક્યાં ભૂલ કરું છું?
તમને આવા સવાલો થયા કરે અને તેના જવાબ તમારી પાસે ન હોય. આ ડિપ્રેશન છે અને એ જ ઍન્ગ્ઝાઇટી છે.
હરારાત્મક અભિગમ કેળવવો
વ્યક્તિ ડિપ્રેશનમાં સરી પડે, ત્યારે તેનું આત્મસન્માન ઓછું થઈ જતું હોય છે, આત્મવિશ્વાસ ઘટી જતો હોય છે. એને જાતમાં શ્રદ્ધા નથી રહેતી. આવી વ્યક્તિ વર્તમાનમાં ઓછી રહેતી હોય છે, હંમેશાં ભવિષ્યની ચિંતા કરતી રહેતી હોય છે.
એ વખતે આપણે આપણું વર્તન હકારાત્મક રાખવું ઘટે. દાખલા તરીકે ઘરમાં બનેલી કોઈ વાનગી અંગે 'આ સારું નથી બન્યું' એવું કહેવાને બદલે આપણે કહી શકીએ કે 'સારો પ્રયાસ કર્યો છે અને ફરી બનાવો ત્યારે એ વધારે બહેતર બનશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરેક શબ્દનો બહેતર વિકલ્પ હોય જ છે. આપણે તેનો ઉપયોગ કરી જ શકીએ. દૈનિક ધોરણે એનો ઉપયોગ કરવાથી બહુ ફેર પડતો હોય છે.
આપણી પાસે જે છે, એ માટે આપણે કૃતજ્ઞ બનવું જોઈએ. આ કોરોનામાં કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા. કોઈને ખબર નથી કે કોણ, ક્યારે જતું રહેશે.
આ કોરોનાએ લોકોની આંખ ઉઘાડી છે, લોકોને શિખવાડ્યું છે કે તમારી પાસે જે છે, એને માણો, આજને જીવી લો, કેમ કે કાલની ખબર નથી.
સમયનો સદુપયોગ કરવો
લોકો મોબાઇલ ફોનમાં ચોંટેલા રહે છે. એના બદલે આપણે આપણાં દાદા-દાદી કે નાના-નાની સાથે શા માટે બેસી ન શકીએ? હું મારા ડૉગ સાથે રમું કે મારાં મમ્મી સાથે વૉક પર જઉં, ગાર્ડનમાં બેસીને મારાં મમ્મીને મારી દિલની વાતો કરું.
આ એ સમય છે, જેનો આ રીતે સદુપયોગ કરવો જોઈએ. આવું આપણે હંમેશાં કરતાં નથી.
કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર બાદ હવે આપણે શીખવું જોઈએ, નવા સંબંધ બાંધવાને બદલે આપણા વર્તમાન સંબંધોને વધારે ઘનિષ્ઠ બનાવવા જોઈએ.
મને જ્યારે પણ ઠીક ન લાગે, ત્યારે હું મમ્મી સાથે બેસું છું. મારા અંગત મિત્રો સાથે વાતો કરું છું. હું દોડવા જાઉં છું, કસરત કરું છું.
મારા શરીર માટે હું જે સમય ખર્ચું છું, તેનું પરિણામ મને બે-ત્રણ મહિના પછી જોવા મળશે. મને એ ગમે છે. સમય એવી પ્રવૃતિમાં પસાર કરો, જેનું તમને વળતર મળે.
ડિપ્રેશન એટલે...
ડિપ્રેશન એટલે ચિંતા જેવું કંઈક. ઘણી વાર આપણને ખબર જ નથી હોતી કે ચિંતા એટલે શું? જે રીતે નૉર્મલ ચેકઅપ માટે ડૉક્ટર પાસે જઈએ એ રીતે સાઇકૉલૉજિસ્ટ મળી રહે, એ પણ જરૂરી છે. સાઇકૉલૉજિસ્ટને મળવાનો અર્થ એવો નથી કે આપણે પાગલ થઈ છીએ.
આ અંગેની જાગૃતિ બહુ જરૂરી છે, જે આપણા યુવા વર્ગ પાસે ખાસ હોતી નથી. હું ડિપ્રેશનમાં હતો કે હતી એવું કહેવાની હાલ ફૅશન ચાલી નીકળી છે. ડિપ્રેશન એમ આસાનીથી જતું નથી. તેમાં બહુ સમય લાગે છે અને ગમે ત્યારે ફરીથી આવી શકે છે.
એટલે આ અંગે જાગૃતી જરૂરી છે અને એમાં સાઇકૉલૉજિસ્ટની મુલાકાત લેવામાં કંઈ ખોટું પણ નથી. સાઇકૉલૉજિસ્ટ પાસે શા માટે જવું જોઈએ? તેમની પાસે જવાથી શું ફાયદો થાય?
સાઇકૉલૉજિસ્ટ તમને સાંભળશે, તમને સધિયારો આપશે કે બધું બરોબર થઈ જશે. સારું થઈ જશે. તમે શું અનુભવો છો, એ જાણીને એ કોઈ અભિપ્રાય નહીં બાંધે.
ડિપ્રેશનનો સામનો કઈ રીતે કરવો?
એ સમયે તમને તમારા પરિવાર તરફથી બહુ બધી કાળજી અને પ્રેમની જરૂર પડે. ખાસ કરીને ડૉક્ટરની મદદની જરૂર પડે, જે તમને તમારી પૉઝિટિવ બાજું દેખાડે, જે તમને જણાવે કે તમે ક્યાંથી શરૂઆત કરી હતી અને શું-શું કરી ચૂક્યા છો.
જે કોઈ વ્યક્તિને સારું ન લાગતું હોય, રડવું આવતું હોય, ઊંઘ ન આવતી હોય તો તેમણે રોજ એક કલાક ચાલવું જોઈએ.
તમારો ફોન ઘરે મૂકીને ચાલવા નીકળી પડો. તમારી આજુબાજુના અવાજોને સાંભળવાના પ્રયાસ કરો. પ્રકૃતિની અનુભૂતિ કરો. મને લાગે છે કે પ્રકૃતિ જ તમને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે.
અડધો કલાક બીજી કસરત કરવી જોઈએ. સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક ચાલો, કારણ કે ચાલવાથી તમારું ડિપ્રેશન ઘટશે, તેમાં અડધો ઉપચાર થઈ જશે. આ બધું હું મારા ડૉક્ટર પાસેથી શીખી છું.
મેડિટેશન કરવાનું કહીશ તો લોકો ડરી જશે, બધાથી એ નથી થતું.
આરોગ્યપ્રદ ભોજન કરો, અખરોટ, બદામ જેવા સૂકામેવા પણ મદદગાર સાબિત થાય છે. સમસ્યાનો સામનો જાતે ન કર્યો, ત્યાં સુધી મને પણ ઘણી વસ્તુની ખબર નહોતી.
મને લાગતું હતું કે બધું સામાન્ય છે, પરંતુ એ વેળાએ બહુ વિચિત્ર લાગણી અનુભવાતી હોય છે. એ વિશે તમે કોઈને કહી શકતા નથી. એવું લાગે છે કે તમને કોઈ સમજવાવાળું જ નથી.
આજે હું મારાં મમ્મી સાથે મોકળા મને વાતો કરતી થઈ છું. હું મારી જાતને પસંદ કરું છું અને મારો પરિવાર પણ મને પસંદ કરશે, એ હું શીખી છું. હું શીખી છું કે હું કંઈ ખોટું નથી કરી રહી. હું ખરાબ વ્યક્તિ નથી.
કોઈ તમારા સાથે વાત નથી કરતું, કોઈ તમને છોડીને જતું રહે છે, પછી એ કોરોનાને કારણે મૃત્યુ પામ્યું હોય કે બ્રેકઅપ થયું હોય કે ડિવૉર્સ થયા હોય તો તેનો અર્થ એ નથી કે તમે ખરાબ વ્યક્તિ છો.
તેનો અર્થ એવો થાય છે કે એમના અને તમારા વ્યક્તિત્વનો સરવાળો શક્ય નહોતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો