હિટલરના લોકોએ આર્ય વંશનું મૂળ શોધવા ભારતના રસ્તે તિબેટનો પ્રવાસ ખેડ્યો

જર્મનીની નાઝી પાર્ટીના એક અગ્રણી સભ્ય અને યુરોપમાં જ્યૂ લોકોની કત્લેઆમના સૂત્રધાર હેનરિક હિમલરે કથિત આર્ય વંશનાં મૂળિયાં શોધવા માટે પાંચ સભ્યોની એક ટુકડીને તિબેટ મોકલી હતી. ભારતમાંથી પસાર થયેલી એ ટુકડીના અભિયાનની આકર્ષક કથા લેખક વૈભવ પુરંદરે જણાવે છે.

બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયાના એકાદ વર્ષ પહેલાં જર્મનોનું એક જૂથ ભારતની પૂર્વ સરહદે ચુપચાપ પહોંચ્યું હતું.

તેઓ "આર્ય વંશની ઉત્પત્તિનું મૂળ શોધવાના" મિશન પર હતા.

એડોલ્ફ હિટલર માનતા હતા કે "આર્યન" નૉર્ડિક લોકો લગભગ 1500 વર્ષ પહેલાં ઉત્તરમાંથી ભારતમાં પ્રવેશ્યા હતા અને તેમણે સ્થાનિક "બિન-આર્યન" લોકો સાથે હળવા-મળવાનો "ગુનો" આચર્યો હતો, જેના કારણે પૃથ્વી પરના અન્ય તમામ લોકો કરતા વંશીય રીતે શ્રેષ્ઠ એવા શુદ્ધ લોહીને નુકસાન થયું હતું.

હિટલરે ભાષણો, લખાણો અને ચર્ચાઓમાં ભારતીય લોકો તથા ભારતીયોના સ્વાતંત્ર્ય સંઘર્ષ પ્રત્યે નિયમિત રીતે જોરદાર ઘૃણા વ્યક્ત કરી હતી.

હિટલરના એક વિશ્વાસુ સાથીદાર અને એસએસ તરીકે ઓળખાતા તેમના અર્ધ-લશ્કરી દળના વડા હિમલર માનતા હતા કે એ સંબંધે ભારતીય ઉપખંડમાં ઝીણવટભરી તપાસ કરવી જોઈએ.

આખી ઘટનામાં તિબેટના સંદર્ભનો પ્રારંભ અહીંથી થયો હતો.

શ્વેત નૉર્ડિક લોકોને સર્વશ્રેષ્ઠ ગણતા લોકો એટલાન્ટિસના કથિત રીતે ગુમ થયેલા શહેરની કાલ્પનિક કહાણીમાં માનતા હતા, એ શહેર જ્યાં "શુદ્ધ વંશ"ના લોકો એક સમયે વસવાટ કરતા હતા. તે પ્રદેશ એટલાન્ટિક સમુદ્રમાં ઇંગ્લૅન્ડ અને પોર્ટુગલ વચ્ચે ક્યાંક આવેલો હોવાનું માનવામાં આવતું હતું. એ પૌરાણિક કથિત ટાપુ દૈવી વાવાઝોડાના સપાટામાં આવવાને કારણે ડૂબી ગયો હતો.

તેમાંથી જે આર્યો બચી ગયા હતા તેઓ વધારે સલામત સ્થળે ચાલ્યા ગયા હતા. તેઓ હિમાલય પ્રદેશમાં ગયા, ખાસ કરીને તિબેટને તેવું એક આશ્રયસ્થાન માનવામાં આવે છે, કારણ કે તે "વિશ્વની છત" તરીકે પ્રસિદ્ધ હતું.

પૈતૃક વારસા વિભાગની રચના

દૈવી વાવાઝોડા અને જળપ્રલય બાદ એટલાન્ટિસના લોકો ક્યાં ગયા હતા તે તેમજ એ ભવ્ય વંશની બાકી રહેલી નિશાનીઓ શોધી કાઢવા માટે હિમલરે 1935માં એસએસમાં એનેનરબી એટલે કે પૈતૃક વારસા વિભાગની રચના કરી હતી.

તેમણે આ "શોધ અભિયાન" માટે 1938માં પાંચ જર્મનોની એક ટુકડીને તિબેટ મોકલી હતી.

એ ટુકડીના બે સભ્યો અન્ય સભ્યોથી અલગ હતા. એ પૈકીના એક અર્ન્સ્ટ શેફર હતા. 28 વર્ષના શેફર પ્રતિભાશાળી પ્રાણીવિજ્ઞાની હતા અને તેઓ અગાઉ બે વખત ભારત-ચીન-તિબેટ સીમાની મુલાકાત લઈ ચૂક્યા હતા. 1933માં નાઝીઓના વિજય પછી તરત જ શેફર એસએસમાં જોડાયા હતા. તેના ઘણા લાંબા સમય પહેલાંથી હિમલર તિબેટ અભિયાન માટે તેમના આશ્રયદાતા બન્યા હતા.

શેફર શિકારના શોખીન હતા અને જેનો શિકાર કર્યો હોય એ પ્રાણીઓના અંશોને પોતાના બર્લિન ખાતેના ઘરમાં એકત્ર કરવાનું તેમને પસંદ હતું. એક વખતે તેઓ તેમનાં પત્ની સાથે નૌકામાં શિકાર અભિયાન પર નીકળ્યા હતા. એ દરમિયાન એક બતકના શિકાર માટે નિશાન તાકતાં તેઓ લપસી પડ્યા હતા અને તેમની બંદુકમાંથી છૂટેલી ગોળી અકસ્માતે તેમનાં પત્નીના મસ્તકમાં ઘૂસી જતાં તેમનાં પત્ની મૃત્યુ પામ્યાં હતાં.

આખરે તિબેટમાં મળ્યો પ્રવેશ

મહત્ત્વની બીજી વ્યક્તિ બ્રુનો બેગર હતા. તેઓ યુવાન માનવવિજ્ઞાની હતા અને 1935માં એસએસમાં જોડાયા હતા. બેગરના ખુદના કહેવા મુજબ, "ખાસ કરીને આ પ્રદેશમાં નૉર્ડિક જાતિના પ્રમાણ, મૂળ, મહત્ત્વ અને વિકાસ વિશે સામગ્રી એકત્રિત કરવા" તેઓ તિબેટન લોકોની ખોપરીઓ તથા ચહેરાની વિગત એકત્ર કરતા હતા."

એ પાંચ જર્મનોને લઈને આવેલા વહાણને 1938ના મે મહિનાની શરૂઆતમાં શ્રીલંકાના કોલંબોના દરિયા કિનારે લાંગરવામાં આવ્યું હતું. ત્યાંથી તેઓ અન્ય એક વહાણમાં મદ્રાસ (હવે ચેન્નાઈ) અને ત્યાંથી ત્રીજા વહાણમાં કલકતા (હવે કોલકાતા) પહોંચ્યા હતા.

એ વખતે ભારતમાંના બ્રિટિશ અધિકારીઓ પ્રવાસી જર્મનો બાબતે સાવધ હતા અને તેમને જાસૂસ ગણતા હતા. તેઓ તેમને ભારતમાંથી પ્રવાસની પરવાનગી આપવા શરૂઆતમાં રાજી ન હતા અને એ વખતે બ્રિટિશરો દ્વારા સંચાલિત ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારે "અ ગેસ્ટાપો એજન્ટ ઇન ઇન્ડિયા" એવું મથાળાવાળો અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો.

હાલનું ઈશાન ભારતીય રાજ્ય સિક્કિમ એ વખતે એક સ્વતંત્ર પર્વતીય સામ્રાજ્ય હતું અને ગેંગટોકમાં કાર્યરત્ બ્રિટિશ પૉલિટિકલ ઑફિસર એ પાંચ લોકોને સિક્કિમ મારફત તિબેટમાં પ્રવેશની પરવાનગી આપવા ઉત્સુક ન હતા.

જોકે, આખરે નાઝી ટીમના સંકલ્પની જીત થઈ હતી. વર્ષના અંત સુધીમાં એ પાંચ જર્મનો તેમના સ્વસ્તિકવાળા રાષ્ટ્રધ્વજ, ખચ્ચરો અને સામાન સાથે તિબેટમાં પ્રવેશ્યા હતા.

બૌદ્ધ અને હિંદુ ધર્મ અંગે નાઝીઓની માન્યતા

એ વખતે સ્વસ્તિક તિબેટમાં સર્વવ્યાપક નિશાન હતા, જે "યુંગડ્રુંગ" નામે ઓળખાતા હતા. શેફર અને તેમની ટીમના સભ્યોએ તેમના ભારતમાંના રોકાણ દરમિયાન મોટા પ્રમાણમાં સ્વસ્તિક જોયા હતા. ભારતમાં હિન્દુઓ સ્વસ્તિકને લાંબા સમયથી શુભ ચિહ્ન માનતા રહ્યા છે. ઘરની બહાર, મંદિરોમાં, ગલીઓના ખૂણા પર અને ટેમ્પો તથા ટ્રક્સની પાછળ સ્વસ્તિકનું ચિહ્ન આજે પણ જોવા મળે છે.

એ દરમિયાન તિબેટમાં પરિસ્થિતિ પલટાઈ રહી હતી.

1933માં તેરમા દલાઈ લામાનું મૃત્યુ થયું હતું અને નવા દલાઈ લામાની વય માત્ર ત્રણ વર્ષની હતી. તેથી બૌદ્ધધર્મી તિબેટન સામ્રાજ્યના વહીવટદાર અંકુશ હેઠળ હતું. વહીવટદાર અને સામાન્ય લોકોએ જર્મનોને ઉમળકાભેર આવકાર્યા હતા તથા તેમની સાથે સારો વ્યવહાર કર્યો હતો. મુખવટા બનાવતા બ્રુનો બેગરે સ્થાનિક લોકો માટે થોડો સમય કામચલાઉ ડૉક્ટર તરીકે પણ કામ કર્યું હતું.

નાઝીઓ માનતા હતા કે હિંદુ ધર્મની માફક બૌદ્ધ ધર્મે પણ તિબેટમાં આવેલા આર્યોને નિર્બળ બનાવ્યા હતા. પરિણામે તેઓ તેમનો જુસ્સો તથા શક્તિ ગુમાવી બેઠા હતા. નાઝીઓની આ વિકૃત કલ્પનાથી બૌદ્ધધર્મી તિબેટન લોકો અજાણ હતા.

શેફર અને તેમના સાથીઓ પ્રાણી વિજ્ઞાન તથા નૃવંશશાસ્ત્ર જેવા વિષયોમાં વૈજ્ઞાનિક તપાસના નામે તેમના ખરા "સંશોધન" માટે વધારે સમય પસાર કરી શકશે એવું લાગતું હતું ત્યારે યુદ્ધની અનિવાર્યતાને કારણે જર્મનોએ આ અભિયાન ઑગસ્ટ-1939માં અધવચ્ચે અટકાવી દેવું પડ્યું હતું.

યુદ્ધ પછી નાશ પામ્યા તમામ પુરાવા

બ્રુનો બેગરે ત્યાં સુધીમાં 376 તિબેટનોની ખોપરીઓનું માપ તથા બીજી વિશેષતાઓ નોંધી લીધી હતી, 2000 ફોટોગ્રાફ્સ્ ઝડપ્યા હતા, "17 લોકોના મસ્તક, ચહેરા, હાથ અને કાનના બીબાં બનાવ્યા હતા" તેમજ "બીજા 350 લોકોની આંગળીઓ તથા હાથની છાપ" એકત્ર કરી હતી.

તેમણે 2,000 "નૃવંશવિજ્ઞાન સંબંધી કળાકૃતિઓ" પણ એકત્ર કરી હતી અને તેમની ટીમના એક અન્ય સભ્યએ 18,000 મીટરની શ્વેત-શ્યામ ફિલ્મ ઉતારી હતી તથા 40,000 ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા.

પ્રવાસ ટૂંકાવવામાં આવ્યો પછી ટીમના સભ્યોને કલકતાથી વિમાનમાં જર્મની મોકલવાની વ્યવસ્થા હિમલરે પોતે છેલ્લી ઘડીએ કરી હતી અને પ્લેન મ્યુનિક પહોંચ્યું ત્યારે ટીમને આવકારવા તેઓ ત્યાં હાજર હતા.

શેફર યુદ્ધના સમયમાં એક મહેલમાં રહેવા ચાલ્યા ગયા હતા અને તિબેટમાંથી એકત્ર કરેલો મોટાભાગનો ખજાનો તેઓ તેમની સાથે મહેલમાં લઈ ગયા હતા, પરંતુ 1945માં મિત્ર દેશોના સૈન્યના આગમન પછી એ મહેલમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને મોટાભાગની તિબેટન તસવીરો તથા અન્ય સામગ્રી નાશ પામી હતી.

આ અભિયાનનાં અન્ય કથિત "વૈજ્ઞાનિક તારણો"ની હાલત પણ એવી જ થઈ હતી. એ સામગ્રી ગુમ થઈ ગઈ હતી અથવા તો નાશ પામી હતી અને નાઝીઓના શરમજનક ભૂતકાળ સંદર્ભે યુદ્ધ પછી કોઈએ તે સામગ્રી શોધવાનો પ્રયાસ કર્યો ન હતો.

(વૈભવ પુરંદરે 'હિટલર ઍન્ડ ઈન્ડિયાઃ ધ અનટોલ્ડ સ્ટોરી ફ હિઝ હેટ્રેડ ફૉર ધ કન્ટ્રી ઍન્ડ ઇટ્સ પીપલ' પુસ્તકના લેખક છે. પુસ્તકનું પ્રકાશન વેસ્ટલૅન્ડ બુક્સે કર્યું છે)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો