માનવી ખરેખર રડે છે કેમ, આંસું પાછળનું વિજ્ઞાન શું છે?

આપણે દુઃખી હોઈએ, ગદગદ થઈ જઈએ, ક્રોધમાં હોઈએ કે ખુશ હોઈએ ત્યારે રડીએ છીએ. પણ શું તમે જાણો છો કે, માનવી લાગણીવશ થઈને આંસુ વહાવનારી એકમાત્ર જ્ઞાત પ્રજાતિ છે?

ઘણાં પ્રાણીઓ દુઃખ વ્યક્ત કરવા માટે અવાજ કરીને રડે છે, પણ તેમની પાસે જટિલ ભાવનાઓની પ્રતિક્રિયા સ્વરૂપે આંસુ વહાવવા માટે મગજમાં જરૂરી સંરચના હોય તેવું જણાતું નથી.

આંસુ કેવી રીતે બને છે તે વૈજ્ઞાનિકો સમજે છે, પરંતુ માનવી ભાવનાત્મક આંસુ શા માટે વહાવે છે, તે વિશે હજી સંપૂર્ણ સમજૂતી મેળવી શકાઈ નથી.

આંસુ શું છે?

સ્વિટ્ઝલૅન્ડની 'ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બાયોલૉજી'નાં પોસ્ટડોક્ટરલ ફેલો ડૉક્ટર મેરી બેનિયર-હેલાઉએટના જણાવ્યા પ્રમાણે, "આંસુ પાંચ ઘટકોના બનેલાં હોય છે: મ્યૂકસ (ચીકણું દ્રવ્ય), ઇલેક્ટ્રોલાઇટ્સ, પાણી, પ્રોટીન તથા લિપિડ."

તેમણે બીબીસી વર્લ્ડ સર્વિસના કાર્યક્રમ 'ક્રાઉડસાયન્સ'માં જણાવ્યું હતું કે, આ તમામ ઘટકો જુદા-જુદા ગુણો ધરાવે છે. ઉદાહરણ તરીકે, પ્રોટીન ઍન્ટીવાયરલ અને ઍન્ટીબૅક્ટેરિયલ છે, જ્યારે ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરનાં કાર્યો માટે આવશ્યક ખનીજો છે.

આંસુ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે:

1. મૂળભૂત આંસુ (બેઝલ ટિયર્સ): આ આંસુ હંમેશા આપણી આંખની સપાટી પર હોય છે, જે આંખોને ભેજયુક્ત રાખે છે.

2. પ્રતિબિંબ આંસુ (રિફ્લેક્સ ટિયર્સ): જ્યારે ધૂળ કે નાનું જંતુ આંખમાં જાય ત્યારે આ આંસુ નીકળે છે. કોર્નિયા (નેત્રપટલ) તરીકે ઓળખાતા આંખના પારદર્શક સ્તરમાં રહેલા ચેતાકોષો (નર્વ સેલ્સ) આવા બાહ્ય પદાર્થોને પારખી લે છે. નેત્રપટલ જીવાણુઓ અને કચરા સામે રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે.

ચેતાકોષોમાંથી સંદેશો મગજના 'લેક્રિમલ ન્યૂક્લિયસ' સુધી પહોંચે છે, જે આંસુ ગ્રંથિને વધુ આંસુ ઉત્પન્ન કરવાનો સંકેત આપે છે.

સંવેદનાસભર અશ્રુઓ

ત્રીજા પ્રકારના અશ્રુ એટલે ભાવનાત્મક આંસુ. જ્યારે પરિસ્થિતિ જટિલ બને ત્યારે આ અશ્રુ વહે છે.

મગજમાં સંવેદનાઓ પર કામ કરતા ભાગો લેક્રિમલ ન્યૂક્લિયસ સાથે પ્રતિક્રિયા કરે છે. નેધરલૅન્ડ્સની ટિલબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર ઍડ વિન્ગરહોએટ્સના મતે, રુદન ઘણી વખત કોઈ એક લાગણી નહીં, પણ ભાવનાત્મક ભારણ પ્રતિબિંબિત કરે છે.

વય વધવાની સાથે રુદન વધુને વધુ સહાનુભૂતિ સાથે સંકળાતું જાય છે. બાળકો શારીરિક તકલીફ સર્જાતાં રડવા માંડે છે, પણ પુખ્ત અને પાકટ વયના લોકોમાં આવું ઓછું જોવા મળે છે. આપણે માત્ર પોતાની પીડા પર જ નહીં, પરંતુ અન્યનાં દુઃખ અને યાતનાઓ જોઈને પણ રડીએ છીએ.

કળા કે પ્રકૃતિના સૌંદર્યથી ઉદ્ભવતી સકારાત્મક ભાવનાઓ પણ આંસુ લાવી શકે છે.

રડવાથી શું થાય છે?

ઘણા લોકો રડ્યા પછી હળવાશ અનુભવે છે. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ લૌરેન બાઇલ્સ્માના સંશોધન મુજબ, આપણે રડવાનું શરૂ કરીએ તેની બરાબર પહેલાં આપણી 'સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ' અત્યંત સક્રિય હોય છે.

રડવાનું શરૂ થતા જ 'પેરાસિમ્પેથેટિક' પ્રવૃત્તિ વધે છે, જે આપણને શાંત અને હળવા થવામાં મદદ કરે છે. જોકે, જો આસપાસના લોકો રડતી વખતે આપણી હાંસી ઉડાવે અથવા ગુસ્સે થાય, તો હળવાશનો અનુભવ થતો નથી.

સામાજિક સંકેત

ઘણા લોકો રડ્યા પછી હળવાશ અનુભવે છે. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ લૌરેન બાઇલ્સ્માના સંશોધન મુજબ, આપણે રડવાનું શરૂ કરીએ તેની બરાબર પહેલાં આપણી 'સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ' અત્યંત સક્રિય હોય છે.

રડવાનું શરૂ થતા જ 'પેરાસિમ્પેથેટિક' પ્રવૃત્તિ વધે છે, જે આપણને શાંત અને હળવા થવામાં મદદ કરે છે. જોકે, જો આસપાસના લોકો રડતી વખતે આપણી હાંસી ઉડાવે અથવા ગુસ્સે થાય, તો હળવાશનો અનુભવ થતો નથી.

કેટલાક લોકો શા માટે વધુ રડે છે?

અશ્રુ એવા સામાજિક સંકેત તરીકે કામ કરે છે જે દર્શાવે છે કે આપણને મદદની જરૂર છે. તે અન્ય લોકોમાં સહાય કરવાની ઈચ્છા જગાડે છે.

બાળકોમાં રડવું એ એક પ્રકારની આત્મરક્ષા છે, કારણ કે તેમના રડવાનો અવાજ પુખ્ત વયના લોકોને કાળજી લેવા પ્રેરિત કરે છે.

સરેરાશ રીતે મહિલાઓ પુરુષો કરતાં વધુ રડતી જોવા મળે છે. આ પાછળ સામાજિક વર્તણૂક ઉપરાંત ન્યૂરોલોજિકલ અને હોર્મોનલ તફાવતો પણ હોઈ શકે છે. જે લોકોમાં સહાનુભૂતિની ભાવના વધુ હોય છે, તેમનામાં રડવાની શક્યતા વધુ રહેલી હોય છે.

બીબીસી વર્લ્ડ સર્વિસના કાર્યક્રમ ક્રાઉડસાયન્સના એપિસોડ પર આધારિત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન