You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત કસ્ટોડિઅલ ડેથના કેસોમાં આગળ, ધરપકડ છતાં સજા શૂન્ય
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
નૅશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના વર્ષ 2023 સુધીમાં વિવિધ રાજ્યોમાં નોંધાયેલા ગુનાઓના તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં, ગુજરાત કસ્ટોડિઅલ ડેથની (પોલીસના જાપ્તામાં રહેલા આરોપીઓનાં મોતની) ઘટનાઓમાં ટોચનાં રાજ્યોમાં વધુ એકવાર સ્થાન પામ્યું છે.
આ વિષયના જાણકારોનું માનવું છે કે આ પ્રકારની ઘટના માનવ અધિકારોનું હનન દર્શાવે છે, તેમજ પોલીસની અણઆવડતને ખુલ્લી પાડે છે.
નોંધપાત્ર બાબત એ છે કે આ તમામ અહેવાલોમાં ગુજરાતમાં બનતી કસ્ટોડિઅલ ડેથની ઘટનાઓ ગુજરાત વર્ષ 2023માં મહારાષ્ટ્ર બાદ દેશમાં બીજા ક્રમે, વર્ષ 2022માં દેશમાં પ્રથમ ક્રમે, વર્ષ 2021માં પણ દેશમાં પ્રથમ ક્રમે, વર્ષ 2020માં દેશમાં પ્રથમ ક્રમે, વર્ષ 2019માં દેશમાં મહારાષ્ટ્ર સાથે મળીને બીજા ક્રમે રહ્યું છે.
એટલું જ નહીં, આ ઘટનાઓ બાદ જવાબદાર પોલીસ અધિકારી સામે કોઈ ધરપકડ જેવી કાર્યવાહી કરવામાં આવી હોય તેવા પણ ઓછા દાખલા છે. તેમાં પણ કોઈપણ પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારીને આ મામલે હજી સુધી કોઈ સજા નથી થઈ.
જેમકે રિપોર્ટનાં છેલ્લાં પાંચ વર્ષમાં એટલે કે 2019થી 2023 દરમિયાન નોંધાયેલા આવા 75 કિસ્સાઓમાં 26 પોલીસ કર્મચારીઓની જ ધરપકડ થઈ છે અને 23 સામે ચાર્ટશીટ રજૂ થઈ છે, પરંતુ તેમાંથી હજી સુધી કોઈને સજા થઈ નથી.
નવેમ્બર 2025માં રજૂ થયેલા NCRBના રિપોર્ટ પ્રમાણે દેશભરમાં થયેલાં 62 લોકોનાં કસ્ટોડિયલ ડેથમાંથી ગુજરાતમાં 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે મહારાષ્ટ્રમાં પણ 17 મોત નોંધાયાં હતાં. નિષ્ણાતોનું માનવું છે કે NCRBના આંકડા રાજ્યો દ્વારા રિપોર્ટ કરાયેલા કેસ પર આધારિત હોય છે, જેમાં અન્ડર-રિપોર્ટિંગ (રિપોર્ટમાં નોંધાયેલી ઘટનાઓની સંખ્યા હકીકતમાં બનેલી ઘટનાઓ કરતાં ઓછી દર્શાવવામાં આવી હોય) તેવી શક્યતા પણ હોય છે.
આ આંકડા દર્શાવે છે કે એક કે બીજી રીતે પોલીસ કસ્ટડીમાં ધરપકડ કરાયેલા લોકોનાં મૃત્યુની ઘટનાઓ સતત વધી રહી છે. રિપોર્ટમાં વર્ષ 2023માં પ્રમાણે ગુજરાતમાં રાજ્યમાં 13 લોકોના કસ્ટોડિઅલ ડેથની ઘટનાઓ સરકારી ચોપડે નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં 17, જ્યારે પંજાબમાં 5 અને રાજસ્થાનમાં આ જ સમય દરમિયાન 7 કસ્ટોડિઅલ ડેથ નોંધાયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, 2023ના અગાઉનાં વર્ષોની વાત કરવામાં આવે તો NCRB પ્રમાણે ગુજરાતમાં 2022માં 14, 2021માં 23, 2020માં 15 અને 2019માં 10 લોકોનાં કસ્ટોડિઅલ ડેથ નોંધાયાં હતાં.
આમ અત્યાર સુધી જાહેર થયેલા છેલ્લાં પાંચ અહેવાલો પ્રમાણે 2019થી 2023 સુધી ગુજરાતમાં કસ્ટોડિઅલ ડેથના 75 કેસો નોંધાયા છે.
આ કેસોમાંથી જેમાં હજી સુધી 42 કેસોમાં મૅજિસ્ટિરિઅલ ઇન્કવાયરી, જ્યારે 26માં જ્યુડિશિયલ ઇન્કવાયરીનો હુકમ કરવામાં આવ્યો છે. એટલે કે 68 કેસોમાં પ્રથમ તબક્કાની કામગીરી કરવામાં આવી છે. છેલ્લાં પાંચ અહેવાલો અનુસાર 2019થી 2023 દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા કુલ 75 કેસોમાં થયેલી જ્યુડિશિયલ અને મૅજિસ્ટિરિઅલ તપાસને અંતે માત્ર 2019 અને 2021માં અનુક્રમે 14 અને 12 મળીને કુલ 26 પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે.
NCRBના વર્ષ 2023ના રિપોર્ટમાં નોંધાયેલું છે કે, 2023 દરમિયાન થયેલાં કુલ કસ્ટોડિઅલ ડેથમાંથી પાંચ લોકોનાં મૃત્યુ પોતાનો જીવ લઈ લેવાને કારણે, સાત લોકોનાં મોત કસ્ટડી દરમિયાન બીમારીને કારણે, અને 1 મોત કસ્ટડી પહેલાંની ઈજાઓને કારણે થયાં છે.
ગુજરાતના પોલીસે શું કારણ આપ્યું?
આ વિશે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ રાજ્યના ગૃહખાતાના સંયુક્ત સચિવ, ડૉ. હર્ષિત ગોસાવી સાથે વાત કરી હતી. તેમણે આ વિશે વાત કરવા માટે ગુજરાતના પોલીસ મહાનિયામક (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ – ડીજીપી) ઑફિસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
જોકે નિષ્ણાતો આ આંકડાઓને અલગ અલગ રીતે જુએ છે. જેમકે, રાજ્યના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ, ડૉ. કે. એલ. એન. રાવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "આ પ્રકારની ઘટનાઓ માત્ર આંકડાથી ન જોતાં, હજી વધારે ઊંડાણથી જોવાની જરૂર છે. નોંધાયેલા આંકડામાં ખરેખર મોટાભાગના લોકોનાં મૃત્યુ કોઈ બીમારી કે પહેલાંથી થયેલી ઈજાઓને કારણે હોવાની શક્યતા છે."
જોકે બીજી બાજુ ગુજરાત હાઈકોર્ટના સિનિયર ઍડ્વોકેટ ઉત્કર્ષ દવેએ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "પોલીસને કોઈ પણ વ્યક્તિને મારવાની સત્તા હોતી નથી. આ આંકડા સૂચવે છે કે, ગુજરાત પોલીસને રીફૉર્મ (સુધારા)ની જરૂરિયાત છે, તેમની કસ્ટડીમાં રહેલી વ્યક્તિનું મોત કેવી રીતે થાય, તેની સંપૂર્ણ જવાબદારી જે-તે પોલીસ અધિકારીની હોય છે. જોકે આવા કેસોની તપાસ દરમિયાન તેવા આરોપો લાગે છે તેમાં તટસ્થ પોસ્ટમૉર્ટમ થતાં નથી, કે તેની તપાસ પણ યોગ્ય રીતે થતી નથી. એટલા માટે હજી સુધી આ પ્રકારની ઘટનાઓમાં ગુજરાત રાજ્યમાં વધુ કેસો નોંધાય છે."
'આરોપી પોલીસની રિવૉલ્વર છીનવી લે તો એ પોલીસની જ બેદરકારી'
પોલીસ જાપ્તામાં થતાં મૃત્યુ બાબતે બીબીસી ગુજરાતીએ નિવૃત્ત આઈ.પી.એસ. અધિકારી આર. જે. સવાણી સાથે વાત કરી. તેમણે કહ્યું, "ગુજરાત રાજ્ય, સતત પાંચ વર્ષથી કસ્ટોડિઅલ ડેથમાં 1થી 3 ક્રમાંકે રહે છે, તે ખૂબ જ દુખદ બાબત છે. આ દર્શાવે છે કે રાજ્યની પોલીસ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહી. કારણ કે જો કોઈ આરોપી તેમની કસ્ટડીમાં છે તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસની છે. જો તે પોલીસની રિવૉલ્વર છીનવી રહ્યો છે તો તે પોલીસની જ બેદરકારી છે."
તેમણે વધુમાં જણાવ્યું, "એ વાતમાં કોઈ બે મત નથી કે પોલીસની કસ્ટડીમાં થતાં મૃત્યુ, વધુ પડતા મારને કારણે થાય છે. પહેલેથી ગરીબ, લાચાર લોકોને જો ખૂબ માર પડે તો તે પોલીસ કસ્ટડી દરમિયાન મરી જાય તેમાં કોઈ શંકા ન હોઈ શકે. પોલીસ ઍટ્રોસિટીને કારણે આ મૃત્યુ થયાં છે, તે વાતમાં કોઈ બે મત ન હોવો જોઈએ."
સવાણી ગુજરાત પોલીસમાં અલગ-અલગ હોદ્દા પર કામ કરી ચૂક્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, "પોલીસ અધિકારીઓ ગુનાને સમજવા માટે રીકન્સટ્રક્શનને કરતા હોય છે, જોકે આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી પોલીસને રિવૉલ્વર છીનવી લે છે, તેવાં ઉદાહરણો અનેક વાર જોવા મળે છે. તો શું પહેલા તે પોલીસ અધિકારી સામે કાર્યવાહી ન થવી જોઈએ? જે પોતે આટલો બેદરકાર છે કે આરોપીને યોગ્ય રીતે પકડી કે બાંધીને ન રાખી શક્યો. આ પ્રકારની ઘટનાઓ થકી ઘણા પોલીસ અધિકારીઓ નેતાઓની ગુડ બુક્સમાં આવવા મથે છે, અને કોર્ટમાં કેસ ચાલ્યા પહેલાં જ પકડાયેલી વ્યક્તિ મોતને ઘાટ ઊતરી જાય છે."
"કસ્ટોડિઅલ કેસોમાં સાક્ષી તરીકે પોલીસ જ હોય છે..."
આ વિશે બીબીસી ગુજરાતીએ માનવ અધિકારોનાં કર્મશીલ નિર્ઝરી સિંહા સાથે વાત કરી. ગુજરાતમાં જ્યારે ઇશરત જહાં એન્કાઉન્ટર અને સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટરના કેસોની તપાસ ચાલી રહી હતી, ત્યારે તેમણે ઍડ્વોકેટ મુકુલ સિંહા સાથે મળીને કસ્ટોડિઅલ ડેથના મુદ્દે લડત આપી હતી.
નિર્ઝરી સિંહાએ કહ્યું, "જેવા આરોપો લાગ્યા છે કે, ગુજરાત પોલીસની આ એક જૂની પેટર્ન છે, જેમાં કેસ કોર્ટમાં જાય તે પહેલાં પોલીસ જ પકડાયેલી વ્યક્તિને ગુનેગાર જાહેર કરીને તેનો ફેસલો કરી દે, તેનું એન્કાઉન્ટર કરી દે. આ કોઈ નવી વાત નથી."
તેમણે વધુમાં જણાવ્યું, "સામાન્ય રીતે આ પ્રકારની ઘટના બાદ સરકારી અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરકારની પરવાનગી લેવી પડતી હોય છે, જે પરવાનગી લેવા માટે તપાસ અધિકારી પ્રયાસ કરતા નથી. જો કરે તો પણ સરકાર તેની પરવાનગી આપતી નથી, માટે આ પ્રકારના કસ્ટોડિઅલ ડેથના કિસ્સાઓમાં આરોપી પોલીસ અધિકારીઓની ધરપકડ થતી નથી, અથવા તો તેમને સજા થતી નથી."
માનવ અધિકારોના ભંગના કેસોનો અભ્યાસ કરનારા ઍડ્વોકેટ શમશાદ પઠાણે બીબીસી ગુજરાતીને કહ્યું, "કસ્ટોડિઅલ ડેથના કેસોમાં સામાન્ય રીતે સાક્ષીમાં પણ પોલીસ જ હોય છે, માટે તેમની સામે યોગ્ય કાર્યવાહી થતી નથી. બીજી બાજુ હવે ગુજરાતની પોલીસમાં તાત્કાલિક ન્યાય આપવાની હોડ લાગી છે કે જેમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવાની જગ્યાએ પોલીસ જ તેને ગુનેગાર જાહેર કરીને તેને મારી નાખે છે, તેને કારણે ગુજરાતમાં વધુ કેસો નોંધાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન