You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલાઓ વધુ ભણે છતાં પતિના બદલે પત્નીઓએ જ કેમ વારંવાર નોકરી અને કારકિર્દી છોડવી પડે છે?
- લેેખક, આદર્શ રાઠોર
- પદ, બીબીસી હિન્દી માટે
નવ વર્ષ પહેલાં સ્મૃતિ (નામ બદલ્યું છે) દિલ્હીમાં એક બહુરાષ્ટ્રીય ઍન્જિનિયરિંગ કંપનીમાં કન્સ્ટ્રક્શન મૅનેજર હતાં. પગાર સારો હતો અને તેમને તેમનું કામ પણ ગમતું હતું, પરંતુ લગ્ન માટે એક વર્ષની અંદર તેમણે નોકરી છોડી દીધી.
તેઓ કહે છે કે, "પતિ ગુરુગ્રામમાં વિહિકલ બનાવવાની એક કંપનીમાં નોકરી કરતા હતા. ત્યાર બાદ તેમને અન્ય એક કંપનીમાંથી નોકરીની ઑફર આવી, પરંતુ તેના માટે જયપુર જવાનું હતું."
"મેં જોયું કે તેઓ આ ઑફરથી ઘણા ખુશ હતા. એવામાં મેં નક્કી કર્યું કે હું મારી નોકરી છોડીને તેમની સાથે જયપુર જતી રહીશ."
સ્મૃતિએ એક ઉચ્ચ સંસ્થામાંથી ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને સખત મહેનત પછી તેઓ એક સારા પદ પર પહોંચ્યાં હતાં. પરંતુ જ્યારે પતિની કારકિર્દી અને તેમની ખુશીની વાત આવી, ત્યારે તેમણે પોતાની કારકિર્દી અને ખુશીને મહત્ત્વ ન આપ્યું.
ભારત સહિત દુનિયાભરમાં પણ આ જ જોવા મળે છે કે મહિલાઓ શિક્ષણક્ષેત્રે પુરુષો કરતાં આગળ હોય, પરંતુ નોકરી અને રોજગારીના મામલામાં હંમેશાં તેઓ પાછળ રહી જાય છે અને લગ્ન બાદ જ્યારે કોઈ એકની નોકરી કે વ્યવસાયને પસંદ કરવાની વાત આવે, ત્યારે હંમેશાં મહિલાઓને જ ત્યાગ કરવો પડે છે.
ગ્લોબલ કન્સલ્ટિંગ કંપની ડેલૉઇટના ‘વિમેન ઍટ વર્ક 2023’ રિપોર્ટ માટે સંશોધનકર્તાઓએ 10 દેશોમાં 5000 મહિલાઓ વચ્ચે સરવે કર્યો હતો. જેમાં 98 ટકા મહિલાઓ પુરુષો સાથે સંબંધમાં હતી.
સરવેમાં જાણવા મળ્યું કે તેમાંથી 40 ટકા મહિલાઓ તેમના પતિ કે પુરુષ સાથીની કારકિર્દીને મહત્ત્વ આપે છે.
આવકમાં અંતર
મહિલાઓ તે માટેનાં ઘણાં કારણો જણાવે છે. કેટલાંક કારણો આર્થિક હતાં, તો કેટલાંક સામાજિક હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમાં ઘરની જવાબદારી ઉઠાવવી અને પરિવારની સારસંભાળ રાખવાનું કારણ પણ સામેલ હતું. જોકે આ સરવેમાં સૌથી મોટું કારણ મળ્યું ‘પુરુષ સાથીનું તેમના કરતાં વધારે પૈસા કમાવું.’
આ વાત ચોંકાવનારી નથી, કારણકે કેટલાંક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે દુનિયાભરમાં મહિલાઓ પુરુષો દ્વારા એક રૂપિયો કમાવાની સરખામણીએ માત્ર 77 પૈસા કમાય છે.
ડેલૉઇટમાં વૈશ્વિક વિવિધતા, સમાનતા અને સમાવેશ જોનારા એમા કૉડ કહે છે કે, "સ્વાભાવિક છે કે આવકમાં અંતર હશે તો મુશ્કેલ સમય આવવા પર ઓછા પૈસા કમાનાર જાતે પાછળ હટી જશે. આ નિર્ણય સમજી વિચારીને લેવામાં આવ્યો હોય કે પછી અજાણતમાં."
ન્યૂ યૉર્ક સિટીની હંટર કૉલેજમાં સામાજિક વિજ્ઞાનનાં પ્રોફેસર પામેલા સ્ટોન કહે છે કે, "એવું નથી કે મહિલાઓ દૂરદર્શિતા અપનાવતી નથી કે પછી તેઓ ઉદાર અને પ્રગતિશીલ નથી."
"પરંતુ તે જોવે છે કે કોની પાસે શ્રેષ્ઠ તક છે. જો તમારે દાવ રમવો હોય તો તમે સારી સંભાવનાઓને જોતાં મહિલાઓના બદલે પુરુષની કારકિર્દી પર દાવ લગાવશો. તેનું કારણ છે - લિંગના આધારે થતા ભેદભાવ."
જો મહિલાઓનો પગાર તેમના પતિના પગારથી વધવા લાગે, તો પણ કોઈ ગૅરંટી નથી કે તેમની કારકિર્દીને તેમના પતિની કારકિર્દીથી વધારે મહત્ત્વ મળે.
ડેલૉઇટના રિપોર્ટમાં એવા ઘણા મામલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં મહિલા તેમના પુરુષ સાથી કરતાં વધુ કમાતી હોય છતાં તેમના વ્યવસાયને ધ્યાન આપ્યું નથી. 10માંથી એક મહિલા તેમના સાથી કરતાં વધુ કમાતી હતી, પરંતુ તેમાં પણ 20 ટકા પર પોતાના જીવનસાથીની કારકિર્દીને મહત્ત્વ આપવાનું દબાણ હતું.
કૉડ કહે છે કે, "આ આંકડા અમારા માટે આશ્ચર્યચકિત કરનારા હતા. તેની પાછળનું કારણ સાંસ્કૃતિક હોય એવું હોઈ શકે છે."
દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીનાં સરોજિની નાયડુ સેન્ટર ફૉર વિમન્સ સ્ટડીઝમાં એસોસિયટ પ્રોફેસર ડૉક્ટર ફિરદોસ અઝમત સિદ્દીકીનું માનવું છે કે બહારથી તસવીર ભલે બદલાયેલી જોવા મળતી હોય, પરંતુ લૈંગિક સમાનતાના મામલામાં મહિલાઓ હજુ ઘણી પાછળ છે.
તેઓ કહે છે કે, "ભારતમાં આજકાલ માતા-પિતા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા પર ભાર મૂકે છે, પરંતુ તેનું એક કારણ લગ્ન માટે સારી સંભાવના ઊભી કરવાનું પણ હોય છે."
"પહેલાં છોકરીઓ માટે સુંદર અને ઘરનાં કામોમાં કુશળ હોવા જેવાં પગલાં લેવાતાં હતાં, પરંતુ હવે શિક્ષણનું મહત્ત્વ હોય છે."
"એવામાં માતા-પિતા પર દબાણ રહે છે કે જો દીકરી માટે સારો જમાઈ જોઈતો હોય તો દીકરીને તેને અનુરૂપ શિક્ષિત કરવી પડશે."
ડૉક્ટર સિદ્દીકી કહે છે કે, "દીકરીઓ પાસેથી શરૂઆતથી જ આ અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ લગ્ન બાદ પતિને વધુ મહત્ત્વ આપે અને સમાજ દ્વારા ઘડાયેલા તથાકથિત પારિવારિક મૂલ્યોના અનુરૂપ ચાલે."
"તેમની પાસેથી ઘર-પરિવાર અને બાળકોની સારસંભાળને રાખવાની અપેક્ષા કરવામાં આવે છે. એવામાં લગ્ન પછી પણ તેમને હંમેશાં તેમની કારકિર્દીને લઈને સમાધાન કરવું પડે છે."
પુરુષોની વિચારસરણી
પ્રોફેસર પામેલા સ્ટોન અને તેમના સાથીઓએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી શિક્ષણ મેળવેલા અલગ-અલગ વયજૂથના 25 હજારથી વધુ લોકો સાથે વાત કરી હતી.
તેમને જાણવા મળ્યું કે મોટા ભાગની મહિલાઓ એવાં લગ્નન પસંદ કરે છે જેમાં પતિ-પત્ની, બંનેની કારકિર્દીને સમાન મહત્ત્વ આપવામાં આવે છે. જ્યારે અડધાથી વધારે પુરુષોનું કહેવું હતું કે પત્ની કરતાં તેમની કારકિર્દીને વધારે મહત્ત્વ મળવું જોઈએ.
પુરુષો પાસેથી બ્રેડ વિનર એટલે કે કમાઉ હોવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ આ શબ્દનો અર્થ વધુ પૈસા કમાનાર સુધી સીમિત નથી. તેમની પર મહિલા સાથી કરતાં વધુ કમાવાનું દબાણ પણ રહે છે.
બ્રિટનની બાથ વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર, પુરુષોના માનસિક સ્વાસ્થ્ય પર આ વાતની પણ અસર પડે છે કે તેઓ તેમનાં મહિલા સાથીઓથી વધુ પૈસા કમાઈ શકે છે કે નહીં.
પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા 2023માં કરવામાં આવેલા એક સરવેમાં કહેવામાં આવ્યું છે કે ભલે કોઈ કપલ બરાબર પૈસા કમાઈ રહ્યું હોય, તેમ છતાં તેઓ લિંગ આધારિત પારંપરિક ભૂમિકાઓ નિભાવવા લાગે છે.
જેમ કે પુરુષ કમાવવા અને મનોરંજક ગતિવિધિઓમાં વધુ સમય પસાર કરે છે, જ્યારે મોટા ભાગની મહિલાઓ ઘરનું કામ અને બાળકોની સારસંભાળમાં વ્યસ્ત રહે છે.
જામિયા મિલિયા ઇસ્લામિયામાં ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. સિદ્દીકીના જણાવ્યા અનુસાર, જો મહિલા લગ્ન બાદ કારકિર્દીને પ્રાથમિકતા આપે તો તેનાથી એક અલગ પ્રકારનું ‘સામાજિક સંકટ’ ઊભું થવા લાગે છે.
તેઓ કહે છે કે, "મહિલાઓ પર નિશાન સાધીને કહેવામાં આવે છે કે પશ્ચિમીકરણ થઈ રહ્યું છે, પરિવાર તૂટી રહ્યા છે, તલાક વધી રહ્યા છે. જ્યારે આવું થવા પાછળનું કારણ એ છે કે પુરુષ બદલાવ માટે તૈયાર નથી."
"તેઓ ઇચ્છે છે કે જ્યારે તેઓ કામ પરથી આવે ત્યારે પત્ની ચા લઈને તૈયાર રહે. કોઈ સુપરવુમન જ હશે, જે સતત ઑફિસ અને ઘર બંનેનાં કામ સંભાળે."
કામનો વધારે બોજ
મહિલાઓ પણ ઘણી વાર તેમની કારકિર્દીને ઓછું મહત્ત્વ આપે છે. ઘણી વાર તેઓ જાણીજોઈને આવું કરે છે, જેથી સંબંધોમાં કંકાસ ઉત્પન્ન ન થાય. ઘણી વાર અજાણતા આવું થાય છે, કારણકે તેમને ખબર જ પડતી નથી કે ક્યારે તેમણે તેમની કારકિર્દીને ઓછી આંકવાની શરૂઆત કરી.
ડેલૉઇટના અધિકારી એમા કૉડ કહે છે કે લોકો મહિલાઓ અને પુરુષો માટે સમાજ દ્વારા ઘડવામાં આવેલાં ધોરણોમાં ફસાઈ જાય છે અને આવું અજાણતા પણ થઈ શકે છે.
ડેલૉઈટના રિપોર્ટ અનુસાર, ભલે સરવેમાં ભાગ લેનારી 88 મહિલાઓ ફુલટાઇમ કામ કરે છે, પરંતુ તેમાંથી લગભગ અડધાને ઘરેલું કામકાજ, જેવા કે સાફસફાઈ અને બાળકો કે વૃદ્ધોની સારસંભાળ જેવી જવાબદારીઓ પણ ઉઠાવવી પડે છે. માત્ર 10 ટકાએ કહ્યું કે આ જવાબદારીઓ તેમના પુરુષ સાથી સંભાળે છે.
ડેલૉઇટના અધિકારી એમા કૉડ કહે છે કે, "અમે જાણીએ છીએ કે આગળ વધવું એ માત્ર ઑફિસ આવવું અને પોતાનું કામ કરવા પૂરતું નથી. તેના માટે તમારે આગળ વધવાના પ્રયાસ કરવા પડે છે."
"જ્યારે તમે નોકરી પછી ઘરે જઈને પણ કામ કરો છો, અઠવાડિયા સુધી કામ કરવું પડે છે, તો થાક અને બર્નઆઉટ (લાંબા સમયથી બનેલો ભાવનાત્મક, શારીરિક અને માનસિક તણાવ) માટે તમે આગળ વધવાના અવસરોને એ રીતે છોડી શકો છો કે મારી પાસે તેના માટે ઊર્જા બચી નથી."
પોતાનું ઉદાહરણ આપતા ડૉ. ફિરદોસ અઝમત સિદ્દીકી કહે છે કે, તેઓ અને તેમના પતિ મહેનતુ છે અને તે બંને મળીને ઘરનું કામ કરે છે. પરંતુ તમામ ઘરોમાં આવું નથી હોતું.
તેઓ કહે છે કે, "એકલ પરિવારોમાં મહિલઓની કારકિર્દીને પણ મહત્ત્વ મળવાની સંભાવના વધારે હોય છે, કારણકે હંમેશાં પતિ-પત્ની મળીને રસ્તો કાઢી લે છે. પરંતુ જ્યાં અન્ય સંબંધીઓનો અભિપ્રાય નિર્ણયને પ્રભાવિત કરતો હોય, ત્યાં દીકરીઓને તેમની ઇચ્છાઓ દબાવવી પડે છે. જ્યાં આવું થતું નથી, ત્યાં તમે તેમને સારું પ્રદર્શન કરતા જોશો."
મહિલાઓની કારકિર્દીને પ્રાથમિકતા ન મળી શકવાને દુખદ ગણાવતા ડૉ. સિદ્દીકી કહે છે કે, "અફસોસ, મહિલાઓની જે ક્ષમતાનો ઉપયોગ અમે રાષ્ટ્રનિર્માણ માટે કરી શકતાં હતાં, અમે તેની દિશા જ બદલી નાખી છે."