'દહેજ ન આપવાના લીધે ડઝનેક પુરુષોએ મારી સાથે લગ્ન ના કર્યાં'

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

ભારતમાં દહેજ આપવું કે લેવું 1961થી ગેરકાયદેસર છે, પરંતુ વરના પરિવારને કન્યાના પરિવાર દ્વારા રોકડ, વસ્ત્રો અને ઘરેણાં ભેટમાં આપવામાં આવે એવી આશા હજુ પણ રાખવામાં આવે છે.

મધ્ય પ્રદેશના ભોપાલનાં 27 વર્ષનાં શિક્ષિકાએ દહેજના સામાજિક દૂષણને ખતમ કરવા માટે લગ્નસ્થળો પર અધિકારીઓ તૈનાત કરવા અને દરોડા પાડવાની વિનંતી કરતી અરજી પોલીસને કરી છે.

શિક્ષિકા ગુંજન તિવારી(કાલ્પનિક નામ)એ બીબીસીને જણાવ્યું હતું કે તેમનાં લગ્નનો પ્રસ્તાવ ડઝનેક પુરુષોએ નકારી કાઢ્યો હતો અને એ અનુભવને આધારે તેમણે અરજી કરી છે.

એવી છેલ્લી ઘટના ગત ફેબ્રુઆરીમાં બની હતી. દીકરી માટે યોગ્ય જીવનસાથી શોધવાના પ્રયાસમાં ગુંજનના પિતાએ એક યુવક તથા તેના પરિવારને પોતાના ઘરે બોલાવ્યા હતા.

માતા-પિતાએ મહેમાનો સાથે પ્રારંભિક વાતચીત કર્યા પછી ગુંજનને મહેમાનો માટે ચા-નાસ્તો લાવવા જણાવ્યું હતું.

ગુંજને એ ક્ષણને અસ્વસ્થતાભરી ગણાવી હતી. ગુંજને પર વાત કરતાં મને કહ્યું હતું, “ એ વખતે બધા આપણને માપતા હોય એ રીતે સામે જોતા હોય છે.”

ગુંજન મહેમાનો સામે ક્યારે અને કેવી રીતે આવશે તેનું ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. માતાએ ગુંજન માટે લીલા રંગનો પોશાક પસંદ કર્યો હતો, કારણ કે એમાં દીકરી આકર્ષક લાગે છે એવું તેઓ માનતાં હતાં. માતાએ ગુંજનને ન હસવાની સલાહ પણ આપી હતી, કારણ કે એમ કરવાથી તેના અસમાન દાંત તરફ મહેમાનોનું ધ્યાન ખેંચાશે.

ગુંજન આ કવાયતથી સારી પેઠે પરિચિત છે, કારણ કે પાછલાં વર્ષોમાં તેની સાથે આવું છ વખત થઈ ચૂક્યું છે. મુરતિયાના પરિવાર દ્વારા છોકરીને તેનાં અભ્યાસ તથા કામ વિશે, તેમજ તેને રસોઈ કરતાં આવડે છે કે નહીં તેવા સવાલો પૂછવામાં આવે છે અને એવા સવાલોથી પણ ગુંજન પરિચિત હતાં.

માતા-પિતા મુરતિયાના પરિવારને, તેઓ કેટલું દહેજ મેળવવા ઇચ્છે છે તેની વાતો ગુંજને રૂમમાં પ્રવેશતા પહેલાં સાંભળી હતી.

દહેજની માગણી અડચણરૂપ

ગુંજન કહે છે, “મારા પિતાએ પૂછ્યું ત્યારે મુરતિયાના પરિવારે રૂ. 50-60 લાખની અપેક્ષા હોવાનું જણાવ્યું હતું. મુરતિયાના પરિવારે મજાકમાં તેમને એમ પણ કહ્યું કે તમારી દીકરી સુંદર હશે તો અમે તમને ડિસ્કાઉન્ટ પણ આપીશું.”

ગુંજનના જણાવ્યા મુજબ, વાતચીત આગળ વધી તેમ સમજાયું હતું કે મુરતિયાનો પરિવાર ડિસ્કાઉન્ટ આપશે નહીં. મુરતિયાના પરિવારે ગુંજનને તેના અસમાન દાંત અને કપાળ પરના તલ વિશે સવાલો કર્યા હતા.

ચા-નાસ્તા પછી ગુંજન અને તેને જોવા આવેલા યુવકને એકમેકની સાથે થોડીવાર વાતચીત કરવાનો સમય મળ્યો હતો. એ દરમિયાન ગુંજને એ યુવકને સ્પષ્ટ જણાવ્યું હતું કે તે દહેજના બદલામાં લગ્ન કરશે નહીં.

દહેજ સામાજિક દૂષણ છે એ વાત સાથે તે યુવક સહમત થયો હતો. તેથી ગુંજનને લાગ્યુ હતું કે આ યુવક તેને અગાઉ જોવા આવેલા મુરતિયાઓ કરતાં અલગ છે, પરંતુ ટૂંક સમયમાં ગુંજનના સગપણનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.

ગુંજન કહે છે, “એ માટે મારી મમ્મીએ મારા દહેજ-વિરોધી વલણ જવાબદાર ઠેરવ્યું હતું. મમ્મી મારા પર ભારે ગુસ્સે થઈ હતી અને તેણે બે સપ્તાહથી વધુ સમય સુધી મારી સાથે વાત કરી નહોતી.”

ગુંજનનુ કહેવું છે કે છેલ્લાં છ વર્ષમાં તેના પિતાએ “100-150 યોગ્ય કુંવારા યુવાનોના પરિવારો”નો સંપર્ક કર્યો હતો અને એ પૈકીના બે ડઝનથી વધુ સાથે મુલાકાત થઈ હતી. એ પૈકીના છને ગુંજન વ્યક્તિગત રીતે મળ્યાં હતાં. લગભગ બધા કિસ્સામાં દહેજની માગણી અડચણરૂપ બની હતી.

ગુંજન પાસે ગણિતમાં સ્નાતકોત્તર ડિગ્રી છે અને તે ઓનલાઈન ક્લાસ પણ લે છે. ગુંજન કહે છે, “આ અસ્વીકારને કારણે હું આત્મવિશ્વાસ ગુમાવી ચૂકી છું.”

“હું તર્કસંગત રીતે વિચારું છું ત્યારે મને સમજાય છે કે મારામાં કોઈ કમી નથી. સમસ્યા એ લોકોની છે, જેઓ દહેજ ઇચ્છે છે. મને ઘણીવાર એવું લાગે છે કે હું મારાં માતા-પિતા માટે જવાબદારી બની ગઈ છું.”

તાજેતરના એક અભ્યાસના તારણ મુજબ, દહેજ આપવું કે લેવું એ બન્ને 60થી વધુ વર્ષથી અપરાધ હોવા છતાં ભારતમાં લગભગ 90 ટકા લગ્નોમાં દહેજ આપવામાં આવતું હોય છે. વર્ષ 1950થી 1999 દરમિયાન દહેજ પેટે 250 અબજ ડૉલરની લેણદેણ થઈ હતી.

છોકરીઓનાં માતા-પિતાએ દહેજ ચૂકવવા માટે મોટા પ્રમાણમાં લોન લેવી પડે છે અથવા તેમની જમીન તથા મકાન વેચી દેવાં પડે છે. જોકે, એમ છતાં સાસરે દીકરીની સલામતીની ખાતરી તો હોતી જ નથી.

'જાગૃતિ વધારવાની જરૂર'

રાષ્ટ્રીય અપરાધ રેકૉર્ડ બ્યુરોના જણાવ્યા અનુસાર, 2017થી 2022 દરમિયાન અપૂરતું દહેજ લાવવાને કારણે ભારતમાં 35,493 નવોઢાઓની હત્યા કરવામાં આવી હતી. રોજ સરેરાશ 20 સ્ત્રીની હત્યા.

કર્મશીલોનું કહેવું છે કે દહેજ પાછળનું એક કારણ છોકરા-છોકરીના જન્મદરમાંનો તફાવત છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના અંદાજ અનુસાર, પ્રસૂતિ પૂર્વેના લિંગતપાસ પરીક્ષણ દ્વારા દર વર્ષે લગભગ ચાર લાખ કન્યાભ્રૂણોનો તેમનાં માતા-પિતા ગર્ભપાત કરાવી નાખે છે. એવાં માતા-પિતાને દીકરી માટે દહેજ ચૂકવવું પડશે તેવી ચિંતા હોય છે.

ભોપાલના પોલીસ વડા હરિનારાયણ ચારી મિશ્રાને પાઠવેલી અરજીમાં ગુંજને જણાવ્યું છે કે દહેજની સમસ્યાનું એકમાત્ર નિવારણ લગ્નસ્થળે દરોડા પાડવાનું અને દહેજ લેતા કે આપતા લોકોની ધરપકડ કરવાનું છે. સજાનો ડર આ ક્રૂર પ્રથા પર પૂર્ણવિરામ મૂકવામાં મદદરૂપ બનશે, એવું ગુંજન કહે છે. પોતાની લડાઈમાં સાથ આપવા માટે ગુંજન ગયા અઠવાડિયે મિશ્રાને મળ્યાં હતાં.

હરિનારાયણ ચારી મિશ્રાએ આ સંવાદદાતાને કહ્યું હતું, “દહેજ એક સામાજિક દૂષણ છે અને તેને ખતમ કરવા અમે પ્રતિબદ્ધ છીએ. મેં તમામ પોલીસ સ્ટેશનોને તેમની પાસે આવતી તમામ સ્ત્રીઓને યોગ્ય મદદ કરવાનો આદેશ આપ્યો છે.”

અલબત, તેમના કહેવા મુજબ, “પોલીસની પોતાની મર્યાદા છે. પોલીસ દરેક સ્થળે હાજર રહી શકતી નથી. દહેજ બાબતે લોકોની માનસિકતા બદલવા આપણે જાગૃતિ વધારવાની જરૂર છે.”

નારી અધિકાર કર્મશીલ કવિતા શ્રીવાસ્તવનું કહેવું છે કે પોલીસ નિશ્ચિત રીતે મદદ કરી શકે, પરંતુ દહેજના દૂષણનો સામનો એક જટિલ મુદ્દો છે. “ભારત પોલીસ સ્ટેટ નથી, પરંતુ અહીં દહેજનિષેધ અધિનિયમ છે અને તે કાયદાનો સારી રીતે અમલ કરવો જરૂરી છે.”

કવિતા શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, વરના લાલચુ પરિવારને એક વખત દહેજ આપી દેવાથી વાત અટકતી નથી. લગ્ન પછી પણ તેઓ વધુને વધુ માગણી કરતા રહે છે, કારણ કે “દહેજમાં આસાનીથી પૈસા મેળવી શકાય છે. તે ઝડપથી પૈસાદાર બનવાનું સાધન છે.”

કવિતા શ્રીવાસ્તવ એવી સ્ત્રીઓનું ઉદાહરણ આપે છે, જેમણે ઘરેલુ હિંસાનો આજીવન સામનો કરવો પડે છે અને વારંવાર કરવામાં આવતી માગણી સંતોષવામાં ન આવે ત્યારે તેમને તેમના સાસરીમાંથી કાઢી પણ મૂકવામાં આવે છે.

કવિતા શ્રીવાસ્તવ માને છે કે યુવાનો અને સ્ત્રીઓ નક્કર વલણ લે અને દહેજ લેવા કે દેવાનો ઇનકાર કરે ત્યારે જ દહેજના દૂષણ સામે અસરકારક રીતે લડી શકાય.

અખબારોની વૈવાહિક કોલમોમાં નિયમિત શોધખોળ

ગુંજનનું કહેવું છે કે તેમને પરણવું છે, કારણ કે “જીવન લાંબુ હોય છે અને હું તે એકલી પસાર કરી નહીં શકું.” જોકે, તે દહેજ તો નહીં જ આપે તે નક્કી છે.

સમય પસાર થઈ રહ્યો છે તેમ ગુંજન માટે યોગ્ય છોકરો શોધવાની પરિવારની બેતાબી વધી રહી છે. ગુંજન કહે છે, “પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાંના મારા પૈતૃક ગામમાં અમારા સગાં-સંબંધી 25 વર્ષની છોકરીને લગ્નના બજારમાં વૃદ્ધ સ્ત્રી માને છે.”

તેથી ગુંજનના પિતા અખબારોની વૈવાહિક કોલમોમાં નિયમિત રીતે શોધખોળ કરતા રહે છે. પોતાની દીકરી માટે યોગ્ય મુરતિયો મળે તો જણાવવાની સૂચના તેમણે તેમના સગાં-સંબંધીઓને પણ આપી છે.

તેઓ તેમની જ્ઞાતિના 2,000થી વધુ સભ્યોના એક વૉટ્સઍપ ગ્રૂપમાં સામેલ થયા છે. એ ગ્રૂપમાં તેમના જેવા પરિવારો પોતપોતાનાં લગ્નલાયક સંતાનોને બાયૉડેટા શૅર કરતા હોય છે.

ગુંજન કહે છે, “મોટા ભાગના લોકો ભપકાદાર લગ્ન ઇચ્છતા હોય છે. તેમાં રૂ. 50 લાખથી વધુનો ખર્ચ થાય છે. મારા પિતા તો રૂ. 25 લાખ સુધી જ ખર્ચી શકે તેમ છે.”

ગુંજને નક્કી કર્યું છે કે તે દહેજ ચૂકવ્યા વિના જ લગ્ન કરશે અને ગુંજનના આ નિર્ણયને લીધે તેમનાં માતા-પિતાનું જીવન વધારે મુશ્કેલ બની ગયું છે.

ગુંજન કહે છે, “મારા માટે યોગ્ય વર શોધવાની શરૂઆત છ વર્ષથી જ શરૂ કરી છે અને દહેજ નહીં ચૂકવીએ તો 60 વર્ષ શોધીશું તો પણ કોઈ છોકરો નહીં મળે એવું મારા પિતાનું કહેવું છે.”